જેમ્સ બોન્ડ કે તાત્યા ટોપે?

ક્લેપ એન્ડ કટ..! – સિદ્ધાર્થ છાયા
અજય દેવગણ , અક્ષય ખન્ના
ભારતીય ફિલ્મ ઇતિહાસની ‘મહાભારત’ કહી શકાય એવી ‘શોલે’ આજે તેનાં નવાં પરંતુ મૂળ સ્વરૂપે ફરીથી રિલીઝ થઇ રહી છે. કટોકટીનાં સમયમાં રિલીઝ થવાને કારણે ફિલ્મનાં અમુક સિન્સ અને ડાયલોગ્સમાં જબરી કાપકૂપ થઇ હતી. આ કાપકૂપમાં સચિનને મારી નાખવાનું દ્રશ્ય અને ફિલ્મનાં એન્ડને આખેઆખો બદલી નાખવો પડ્યો હતો.
હાલમાં જ્યારે આ નવાં ‘શોલે’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું ત્યારે એક ડાયલોગને લઈને મૂળ લેખક સલીમ જાવેદના જાવેદ અખ્તર અચંબામાં પડી ગયા.
હેમા માલિનીને જ્યારે ધર્મેન્દ્ર બંદૂક ચલાવતાં શીખવે છે એ દ્રશ્યમાં અમિતાભ એક ડાયલોગ બોલે છે.
જાવેદનું કહેવું એવું છે કે મૂળ ફિલ્મમાં ‘જેમ્સ બોન્ડ કે પોતે હૈ યે’ એવું કહેવાયું હતું , પરંતુ ટ્રેલરમાં જેમ્સ બોન્ડની જગ્યાએ તાત્યા ટોપે સાંભળીને એમને આઘાત લાગ્યો. તો શું આ નવી ‘શોલે’માં ડાયલોગ્સ સાથે પણ છેડછાડ થઇ છે? પરંતુ, જે લોકો પાસે ‘શોલે’ની લોંગ પ્લે રેકર્ડ હતી કે પછી બાદમાં ડાયલોગ્સની કેસેટ્સ હતી એમાં તાત્યા ટોપે કે પોતે હૈ યે એમ જ હતું.
કદાચ એવું શક્ય છે કે કટોકટીનાં કાળમાં ભારતના સ્વતંત્રતા સેનાનીનું અપમાન ન થાય એટલે સેન્સર બોર્ડે એ ડાયલોગ બદલાવી નાખ્યો હોય એ શક્ય છે. હવે જ્યારે આખી ‘શોલે’ને નવાં રંગરૂપ આપીને રિલીઝ કરવામાં આવી રહી છે ત્યારે કપાયેલા સીન અને મૂળ એન્ડ સાથે એ જ ઓરિજિનલ ડાયલોગ ફરીથી મૂકવામાં આવ્યો હોય એ પણ શક્ય છે.
ધુરંધરે ‘ધમાલ’ રોકી દીધી
આજકાલ જે જોવો તે ‘ધુરંધર’ વિષે અને એમાં પણ અક્ષય ખન્નાનાં ડાન્સ વિશે ચર્ચા કરી રહ્યું છે, કારણ કે આ ફિલ્મ જ એટલી જબરદસ્ત છે કે તેણે દેશવાસીઓની જાણે કે નાડ પારખી લીધી છે. સાડા ત્રણ કલાક લાંબી હોવા છતાં દર્શકને શ્વાસ લેવાનો પણ સમય મળતો નથી. વળી, ફિલ્મનાં અંતે આવતે વર્ષે ઈદના દિવસે આ ફિલ્મનો બીજો ભાગ આવશે એવી જાહેરાત પણ ડાયરેક્ટર આદિત્ય ધરે કરી દીધી છે.
હવે, અહીં જરા તકલીફ ઊભી થઇ છે. આ જ દિવસે સંદીપ રેડ્ડી વંગા અને યશની ‘સ્પિરિટ’ રિલીઝ થાય છે. અને આ જ દિવસે અજય દેવગણે પણ ‘ધમાલ-4’ની જાહેરાત કરી દીધી હતી. હવે ફક્ત પાંચ દિવસમાં ‘ધુરંધર’ જે રીતે લોકોના દિલોદિમાગ પર છવાઈ ગઈ છે એ જોઇને અજય દેવગણે પોતાની ફિલ્મ પાછી ખેંચી લીધી છે, કારણ કે જે જગ્યાએ ‘ધુરંધર’ પૂરી થઇ છે એના પરથી દર્શકો હવે એનાં બીજા ભાગની રાહ જોવા માટે તૈયાર નથી.
હવે આવી સ્થિતિમાં ‘ધમાલ -4’ ધોવાઇ જાય એવી પૂરી શક્યતા છે. એટલે અજય દેવગણે ડાહ્યું કામ કર્યું છે. હવે નજર વંગા ઉપર છે કે શું તે પણ ‘સ્પિરિટ’ની ડેટ આગળ કે પાછળ કરશે? ઔર અભી તો રુકો ભાઈજાન પણ ‘ગલવાન’ લઈને લગભગ ઈદના દિવસે જ આવી રહ્યાં છે તો શું ભાઈજાન પણ એમની રેગ્યુલર ઈદ ‘ધુરંધર’ માટે છોડી દેશે?
આગે આગે દેખીએ હોતા હૈ ક્યા.
અક્ષયનો ઓક્સિજનવાળો બલોચ ડાન્સ
‘ધુરંધર’માં અક્ષય ખન્નાનો બલોચ ડાન્સ જબરદસ્ત વાઈરલ થયો છે એ અક્ષય માટે અઘરો હતો.
અક્ષયના સાથી કલાકાર અનુસાર ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં અક્ષય ડાન્સ કરે છે એવું ન હતું, પરંતુ ડાયરેકટર આદિત્ય ધરને અક્ષયે જ આઈડિયા આપ્યો કે તે બલોચોના લીડરને મળવા માટે એન્ટ્રી કરે એ વખતે પોતે પણ ડાન્સ કરે.
ધર માની ગયા અને પછી અક્ષયે કોરીઓગ્રાફરની મદદ વગર પોતાની રીતે આ ડાન્સ કર્યો, જે આજે સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે. જોકે દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ અક્ષય માટે આ ડાન્સ કરવો સહેલો ન હતો, કારણ કે આ દ્રશ્ય લડાખમાં ફિલ્માવામાં આવ્યું હતું. હવે લડાખમાં ઓક્સિજનનું લેવલ શું હોય છે એ તો આપણને ખબર જ છે!
અક્ષયે ડાન્સનો જ્યારે એક હળવો સ્ટેપ કર્યાં પછી તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. આથી અક્ષયને વારંવાર ઓક્સિજન માસ્ક પહેરીને ઓક્સિજન પહેલાં શરીરમાં ઉતારી પછી તે પ્રોપર ડાન્સ કરી શકતો હતો. આમ તો માંડ સવા મિનિટનો આ ડાન્સ છે, પણ એ સવા મિનિટમાં હાંફી ગયેલા અક્ષયે પણ ખૂબ ઓક્સિજન લેવો પડ્યો હતો.
કટ એન્ડ ઓકે…
રાજકુમાર હિરાણીએ લખેલી ‘3 ઈડિયટ્સ 2’ની સ્ક્રિપ્ટ લોક થઇ ગઈ છે અને આવતાં વર્ષનાં સેક્ધડ હાફમાં આ ફિલ્મનું શૂટિંગ પહેલાં ભાગની મુખ્ય સ્ટારકાસ્ટ સાથે શરૂ થશે.
આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!: યે સબ દોગલાપન હૈ!



