મેટિની

દેવ આનંદે જ દેવ આનંદને એક્ટર નહીં બનવા દીધા

હેન્રી શાસ્ત્રી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવરગ્રીન શબ્દ કેવળદેવ આનંદને જ શોભે. ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૩માં જન્મેલા દેવ આનંદની મંગળવારે જન્મ શતાબ્દી છે. એ નિમિત્તે આ સદાબહાર કલાકારને અલગ રીતે જાણવાના આ પ્રયાસમાં તેમની અફાટ સાગર જેવી વિશાળ કારકિર્દીના કેટલાક પાનાં ઉથલાવીએ…

દેવ આનંદ. એવરગ્રીન એક્ટર – સદાબહાર અભિનેતાનું લેબલ તેમને કોણે આપ્યું હશે એવો સવાલ કાયમ થયો છે. દેવસાબ એવરગ્રીન – સદાબહાર એ નિર્વિવાદ સત્ય છે. પણ દેવ આનંદ એક્ટર? એક મિનિટ. દેવ સાબ ખરાબ કે નબળા એક્ટર હતા એવું ઠસાવવાનો કોઈ આશય નથી. વાત એમ છે કે દેવ આનંદ તેમની ફિલ્મોના પાત્ર કરતાં સ્માઈલિંગ, સ્ટાઈલિશ અને રોમેન્ટિક દેવ આનંદ જ વધુ લાગ્યા છે. તેમની ફિલ્મો યાદ કરો. એ ટેક્સી ડ્રાઈવર હોય, જુગારી હોય, લશ્કરી અફસર હોય, કાળા બજારિયો હોય, ગાઈડ હોય, ડોક્ટર હોય કે ઇન્સ્પેક્ટર હોય, એક તરફ નમીને ચાલવાની સ્ટાઈલ કે હસતો ચહેરો (પડદા પર તેમને રડતા કેટલી વાર જોયા હશે?) કે નવી ફેશન પેશ કરવામાં તેમણે કોઈ બાંધછોડ નથી કરી. સાચું પૂછો તો દેવ આનંદની ફિલ્મો એમના અભિનય માટે તો નહીં જ જોવાતી હોય. એક્ટિંગ જોવી હોય તો દિલીપ કુમાર હતા, બલરાજ સાહની હતા, ગુરુ દત્ત હતા, સંજીવ કુમાર હતા જ ને. અલબત્ત દેવ આનંદને એક્ટિંગ આવડતી નહોતી એમ કહેવું એ ધૃષ્ટતા કહેવાય. ‘કાલા બાઝાર’, ‘બમ્બઈ કા બાબુ’, ‘ગાઈડ’ ફિલ્મોમાં થોડા સમય માટે કેમ નહીં પણ સ્ટાઈલને બાજુમાં મૂકી પાત્રને પ્રભાવીપણે રજૂ કર્યું છે. દેવ આનંદ અને ફિલ્મમેકરો જાણતા હતા કે દર્શકો થિયેટર સુધી દોડતા આવે છે દેવ આનંદની સ્ટાઈલ જોવા, પછી એ ડૉક્ટર હોય કે મુનીમ હોય. દેવ આનંદને રોમેન્સ કરતા, હિરોઈન સાથે મસ્તી કરતા, સ્ટાઈલ મારતા જોવાના આનંદ સામે બીજું બધું પાણી ભરે. જોતાવેંત કોઈ પણ યુવતીને ગમી જાય એવો ચહેરો અને એ ચહેરા પરનું મોહક સ્મિત, માથા પર સરસ મજાની કેપ અને સહેજ ત્રાંસા ચાલવાની સ્ટાઈલની મૂડી સાથે દેવસાબે ૫૦ વર્ષ ‘વેપાર’ કર્યો. અનેક યુવતીઓ ઉપરાંત યુવાનો પણ દેવ આનંદના પ્રેમમાં હતા. ફિલ્મ ઈતિહાસના ચોપડે એવી નોંધ છે કે બલરાજ સાહનીએ દેવ આનંદ ફિલ્મોમાં આવ્યા એ પહેલા તેમને કહ્યું હતું કે ‘એક્ટર બનવાનું તું રહેવા દેજે. તું ક્યારેય સારો એક્ટર નહીં બની શકે.’ એમને ખોટા સાબિત કરવાની ક્ષમતા દેવસાબમાં હતી, પણ એ ક્ષમતાનો ઉપયોગ થયો નહીં, બલકે કરવામાં ન આવ્યો એમ કહેવું વધુ યોગ્ય કહેવાશે. દેવ આનંદે જ દેવ આનંદને એક્ટર બનતા રોક્યા.

દેવ આનંદનું સૌથી મોટું અને મહત્ત્વનું યોગદાન છે નવકેતન ફિલ્મ્સની સ્થાપના. મોટાભાઈ ચેતન આનંદ સાથે વચેટ ભાઈ દેવ આનંદે ૧૯૪૯માં પોતાની ફિલ્મ નિર્માણ કંપનીની સ્થાપના કરી. કંપનીની વેબસાઈટમાં કરવામાં આવેલી સ્પષ્ટતા અનુસાર નવકેતન નામ નવ એટલે કે નવતર, કશુંક નવું અને ચેતન આનંદના મોટા પુત્ર કેતન આનંદના નામ પરથી કેતન એ બે શબ્દના સંયોજનથી ફિલ્મ નિર્માણ કંપની ‘નવકેતન ફિલ્મ્સ’ તરીકે ઓળખાઈ અને પ્રસિદ્ધ થઈ. ૧૯૫૦ના દાયકામાં જ્યારે મહદંશે ફિલ્મ નિર્માણ ઐતિહાસિક કથાવસ્તુ કે ગ્રામ્ય પરિવેશને કેન્દ્રમાં રાખી તૈયાર થઈ રહી હતી ત્યારે નવકેતનની ફિલ્મોનો ઝોક શહેરી વાતાવરણ તરફનો હતો જે એના નામને સાર્થક કરતો હતો. નવા વિષય, નવી પ્રતિભા, નવી ટેક્નોલોજી કંપનીનો મંત્ર હતો. નિર્માણ હાઉસે જે કમાણી કરી એમાંની મોટાભાગની ફિલ્મો બનાવવા જ વાપરી એ સરાહનીય બાબત છે. નવકેતનની પહેલી ફિલ્મ હતી ‘અફસર’ (૧૯૫૦, દિગ્દર્શક ચેતન આનંદ) જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી હતી. જોકે, બીજી જ ફિલ્મ ‘બાઝી’ (૧૯૫૧, દિગ્દર્શક ગુરુ દત્ત) સુપરહિટ થઈ અને આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દેવ આનંદના નામના સિક્કા પડતા હતા. ૧૯૫૧થી ૧૯૬૭ સુધીનો દોઢ દાયકો નવકેતન ફિલ્મ્સનો સુવર્ણકાળ હતો. ‘બાઝી’ પછીની સફળ ફિલ્મ હતી ‘ટેક્સી ડ્રાઈવર’ (૧૯૫૪ – દિગ્દર્શક ચેતન આનંદ) અને આ ફિલ્મથી વિજય આનંદ ‘ગોલ્ડી’ લેખનકાર્યમાં નવકેતન સાથે સંકળાયા. વિજય આનંદ-દેવ આનંદે નવકેતન માટે તેમજ બહારના બેનર માટે યાદગાર ફિલ્મો આપી. પ્રતિભા પિછાણી નવોદિતોને તક આપવાનું ઉમદા કાર્ય દેવ આનંદ અને નવકેતન ફિલ્મ્સે શરૂ કર્યું. ‘બાઝી’માં ગુરુ દત્તના સહાયક તરીકે રાજ ખોસલાને કામ કરવા મળ્યું. દેવ આનંદની સિફારીસથી અને રાજ ખોસલાએ નવકેતનની ‘કાલા પાની’ ડિરેક્ટ કરી જેમાં દેવ આનંદને શ્રેષ્ઠ અભિનેતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. નવકેતનની બીજી મૂલ્યવાન ભેટ એટલે ડાબેરી વિચારસરણી ધરાવતા અલાયદા સર્જક સાહિર લુધિયાનવી. ‘નૌજવાન’ (૧૯૫૧)ના ‘ઠંડી હવાએં લેહરાકે આએ’થી જાણીતા બનેલા સાહિર સાહેબે નવકેતનની ‘બાઝી’, ‘ટેક્સી ડ્રાઈવર’, ‘ફન્ટુશ’, ‘હમ દોનો’ માટે અવિસ્મરણીય ગીતો લખ્યા. બેમિસાલ ફિલ્મોના સર્જક ગુરુ દત્તની દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ હતી ‘બાઝી’. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ફાંફાં મારી રહેલા સચિન દેવ બર્મન ‘મશાલ’ (૧૯૫૦) પછી બેગ બિસ્તરા બાંધી વતન પાછા ફરવાની પેરવીમાં હતા ત્યારે નવકેતનની ‘બાઝી’થી જ તેમના પગ ફરી જામી ગયા આ એ હકીકત છે. અનેક વર્ષ એસ. ડી. બર્મનના સહાયક રહેલા સંગીતકાર જયદેવની સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મ નવકેતનની ‘હમ દોનો’ સાબિત થઈ. રાહુલ દેવ બર્મનનું નામ જાણીતું બન્યું નિર્માતા નાસીર હુસેનની ‘તીસરી મંઝિલ’થી એ વાત ખરી, પણ તેમની લોકપ્રિયતામાં ભરતી આવી નવકેતનની ‘હરે રામ હરે કૃષ્ણ’ના ગીતોની સ્વર રચનાથી. સિનેમેટોગ્રાફર વી. રાત્રા અને ફલી મિસ્ત્રીની શ્રેષ્ઠ ફિલ્મો નવકેતનના બેનર હેઠળ તૈયાર થઈ હતી. નવકેતનની ફિલ્મોએ ‘બાઝી’ (તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે)થી લઈ ‘દેશ પરદેશ’ (નઝરાના ભેજા કિસી ને પ્યાર કા) સુધી અનેક ચિરસ્મરણીય ગીતો આપ્યા છે.

ભાઈનું કામ ભાઈને કરવા દીધું હોત તો…

૧૯૪૫માં ‘હમ એક હૈં’થી ચાર્જશીટ’ (૨૦૧૧) સુધીના ૬૬ વર્ષના ચિત્રપટ પ્રવાસમાં દેવ આનંદે ૧૦૨ ફિલ્મમાં નાયકનો રોલ કર્યો. એમની ફિલ્મોગ્રાફી પર નજર નાખતા એક વાત ઊડીને આંખે વળગે છે કે ૧૯૭૬ની ‘બુલેટ’ પછી વિજય આનંદે નવકેતન બેનરની એક પણ ફિલ્મનું દિગ્દર્શન નથી કર્યું. ‘નૌ દો ગ્યારહ’ (૧૯૫૭)થી ‘બુલેટ’ (૧૯૭૬) ‘બુલેટ’ સુધી મુખ્યત્વે નવકેતન અને થોડી અન્ય બેનરની એમ ૧૦ ફિલ્મ વિજય આનંદે ડિરેક્ટ કરી હતી જેમાં દેવ આનંદ હીરો હતા. મોટાભાગની સફળ ફિલ્મો જેને આજે પણ લોકો યાદ કરે છે. ૧૯૭૦માં ‘પ્રેમ પૂજારી’થી દેવસાબને દિગ્દર્શક બનવાની કુમતિ સૂઝી અને નવકેતનના વળતા પાણીની શરૂઆત થઈ. ૧૯૭૦થી ૨૦૧૧ દરમિયાન ૧૮ ફિલ્મ દેવ આનંદે ડિરેક્ટ કરી, પણ ‘હરે રામ હરે કૃષ્ણ’ (૧૯૭૧)ને બાદ કરતા મોટાભાગની સુપરફ્લોપ. હા, ‘દેશ પરદેશ’ને ઠીક ઠીક સફળતા મળી હતી. ફિલ્મ માટે વિષય નક્કી કરવાની દેવ સાબની સૂઝને દાદ દેવી પડે પણ સાત કરોડનો સવાલ એ છે કે તેમણે ફિલ્મ ડિરેક્શનની જવાબદારી ભાઈ વિજય આનંદને કેમ નહીં સોંપી હોય? દમદાર વાર્તાને પ્રભાવીપણે પેશ કરવાની કુનેહ વિજય આનંદે એકથી વધુ વખત સાબિત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button