શો-શરાબાઃ મૈં સમય હૂં…મૈં સિનેમા હૂં! | મુંબઈ સમાચાર
મેટિની

શો-શરાબાઃ મૈં સમય હૂં…મૈં સિનેમા હૂં!

સમયના આધારે પ્રયોગાત્મક બનેલી ફિલ્મ્સના આ રસપ્રદ કિસ્સા જાણવા જેવા છે.

  • દિવ્યકાંત પંડ્યા

સિનેમા વિશે વાત કરીએ ત્યારે આપણે હંમેશાં સ્ક્રીન પર શું દેખાય છે તેની જ ચર્ચા કરીએ છીએ, પરંતુ કેટલીક ફિલ્મ્સ એવી બની છે કે તેમની કહાની માત્ર સ્ક્રીન સુધી મર્યાદિત નથી રહેતી, તેમની મેકિંગની પ્રક્રિયા, સમય, પરિસ્થિતિ અને ધીરજ જ તેમની ઓળખ બની જાય છે. આવો, આવી અમુક હોલિવૂડ ફિલ્મ્સનાં ઉદાહરણ પર ચર્ચા કરીએ.

સૌથી પહેલાં વાત કરીએ તાજેતરમાં ચર્ચામાં આવેલી જ્હોન મેલ્કોવિચ અને રોબર્ટ રોડ્રિગ્ઝની ફિલ્મ ‘100 યર્સ’ વિશે. આ ફિલ્મ બની છે તો છેક 2015માં, પણ આને The Movie You Will Never See તરીકે જાહેર કરવામાં આવી છે. હા, ખરેખર આ ફિલ્મ આપણે ક્યારેય જોઈ શકીશું નહીં, કારણ કે તેને એક હાઈ-ટેક સેફમાં બંધ કરી દેવામાં આવી છે અને તે માત્ર વર્ષ 2115માં જ ખૂલશે. આ વિચિત્ર પ્રોજેક્ટ ફ્રાન્સની રોમી માર્ટીન નામની શરાબની બ્રાન્ડ પ્રોડક્ટ લૂઈ XIII (જે ખુદ પણ સો વર્ષ પછી તૈયાર થાય છે)ના માનમાં તૈયાર કરવામાં આવ્યો છે.

આ ફિલ્મને બનાવવાનો હેતુ પણ એવો જ હતો કે જો દારૂ માટે 100 વર્ષ રાહ જોવી પડે તો આર્ટ માટે પણ એટલી જ ધીરજ રાખવી જોઈએ…! આ જાણીને જ આશ્ર્ચર્ય થાય છે કે આજે આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ તે ફિલ્મ આપણા જીવનકાળમાં કોઈ જોઈ પણ નહીં શકે. બીજું આવું જ ઉદાહરણ છે રિચાર્ડ લિંકલેટરની ‘બોયહૂડ’. આ ફિલ્મ સિનેમા ઇતિહાસમાં સૌથી અનોખા પ્રયોગોમાંની એક છે.

વર્ષ 2002થી શરૂ કરીને 2013 સુધી સતત 12 વર્ષ સુધી આ ફિલ્મનો દર વર્ષે થોડો થોડો ભાગ શૂટ કરવામાં આવ્યો હતો. મુખ્ય પાત્ર એલર કોલટ્રેન એ જ છોકરો છે જે છ વર્ષની ઉંમરે ફિલ્મની શરૂઆતમાં દેખાય છે અને અઢાર વર્ષની ઉંમરે કોલેજ સુધી પહોંચે છે. તેની સાથે પેટ્રિશિયા આર્ક્વેટ, ઇથન હોક અને લિંકલેટરની દીકરી લોરેલી લિંકલેટર પણ દર વર્ષે કેમેરા સામે આવ્યા (‘બોયહૂડ’નું મેકિંગ તો અલાયદા લેખનો વિષય છે).

પરિણામે એક એવી ફિલ્મ મળી જે માત્ર કહાની નહોતી, પણ સાચા અર્થમાં સમયનો અરીસો બની ગઈ. દર્શકોએ પાત્રોને મોટાં થતાં પોતાની આંખો સામે જોયાં. ‘બોયહૂડ’ને વિવેચકોએ વખાણી અને તેને છ ઑસ્કર નોમિનેશન્સ પણ મળ્યાં.

હવે વાત કરીએ ‘પર્સપેક્ટિવ’ નામની કેનેડિયન ફિલ્મ સિરીઝની. બી.પી. પેક્વેટ દ્વારા 2012થી 2020 વચ્ચે બનેલી આ સિરીઝમાં પ્રેમ-ત્રિકોણની કહાનીને અલગ અલગ પ્રકરણમાં બતાવવામાં આવી હતી. હકીકતે આ એક ફિલ્મ હતી, જેને પ્રકરણમાં વહેંચીને દર વર્ષે ‘સિનેફેસ્ટ સડબરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ‘પર્સપેક્ટિવ’માં એક રસપ્રદ વાત દિગ્દર્શકે એ રાખી કે મુખ્ય ત્રણ પાત્ર ભજવતા એક્ટર્સ વારાફરતી આ ત્રણેય પાત્ર ભજવે છે. મતલબ એક એક્ટર-એક પાત્ર એમ નહીં, પણ ચાલુ દ્રશ્યે કે અમુક વખતે એક સંવાદમાં પણ એ પાત્રો માટે એક્ટર્સ બદલાઈ જાય છે. છે ને ગજબનો વિચિત્ર ક્ધસેપ્ટ!

અત્યંત ચર્ચાસ્પદ ઉદાહરણ છે ઓરસન વેલ્સની ‘ધ અધર સાઇડ ઑફ ધ વિન્ડ’. આ ફિલ્મનું શૂટિંગ 1970માં શરૂ થયું અને 1976 સુધી ચાલ્યું, પરંતુ અનેક કાનૂની અને આર્થિક સમસ્યાઓને કારણે ફિલ્મ અધૂરી રહી ગઈ. વેલ્સના અવસાન (1985) પછી લાગ્યું કે હવે આ ફિલ્મ ક્યારેય પૂરી નહીં થાય, પરંતુ દાયકા પછી ‘નેટફ્લિક્સ’ અને ફિલ્મમેકર્સની એક ટીમે મળીને તેને પૂર્ણ કરી. આખરે 2018માં ‘ન્યૂ યોર્ક ફિલ્મ ફેસ્ટિવલ’માં તેનું પ્રીમિયર યોજાયું અને પછી ‘નેટફ્લિક્સ’ પર વિશ્વભરમાં રિલીઝ થઈ.

એક વધુ મજેદાર ઉદાહરણ છે ‘ધ થીફ એન્ડ ધ કોબ્લર’. આ એનિમેટેડ ફિલ્મ રિચાર્ડ વિલિયમ્સે 1960ના દાયકામાં શરૂ કરી હતી. એમણે લગભગ 30 વર્ષ સુધી સતત આ ફિલ્મ પર કામ કર્યું, પણ પરફેક્શન માટેનો એમનો આગ્રહ અને ફાઇનાન્સિંગની મુશ્કેલીઓએ પ્રોજેક્ટને ક્યારેય પૂરો થવા દીધો નહીં. અંતે :વોર્નર બ્રધર્સે’ ફિલ્મમાંથી હાથ ખેંચી લીધો.

એ પછી ‘કમ્પ્લિશન બોન્ડ’ નામની કંપનીએ તેને અલગ રીતે કાપકૂપ કરીને ગીતો, વોઇસ-ઓવર વગેરે ઉમેરીને ‘ધ પ્રિન્સેસ એન્ડ ધ કોબ્લર’ (1993) અને ‘અરેબિયન નાઇટ’ (1995) તરીકે રિલીઝ કરી , પરંતુ એ વર્ઝન વિલિયમ્સની કલ્પના સાથે મેળ ખાતું નહોતું. બાદમાં 2006માં ગેરેટ ગિલક્રિસ્ટ નામના આર્ટિસ્ટે વિલિયમ્સના ઓરિજિનલ વિચારને બચાવવાના પ્રયાસમાં Recobbled Cut રિલીઝ કર્યો. અને આ ફિલ્મ આજે એક કલ્ટ ક્લાસિક ગણાય છે.

ભારતીય સિનેમામાં પણ સમય, પરિસ્થિતિ અને પ્રયોગના આધારે આવી રસપ્રદ ફિલ્મ્સનાં ઉદાહરણો છે (પણ તેની વાત ફરી ક્યારેક). ટૂંકમાં સિનેમામાં મર્યાદા પણ પોતે જ એક માધ્યમ બની શકે છે. ‘100 યર્સ’માં સમય એ એટલું મોટું તત્ત્વ છે કે તે ફિલ્મને રહસ્યમય બનાવી દે છે. ‘બોયહૂડ’માં સમય જ કહાની વહેતી રાખે છે. ‘ધ અધર સાઇડ ઑફ ધ વિન્ડ’ શીખવે છે કે સર્જન ક્યારેક સર્જકથી પણ લાંબું જીવી શકે છે. કલાકારની લાગણી અને મહેનત કદાચ અધૂરી રહે, પરંતુ તે લોકોમાં પ્રેરણા જગાવી શકે છે!

લાસ્ટ શોટ

વેલ્સના 70ના દાયકાના ફૂટેજને 21મી સદીની ટેક્નોલોજી સાથે જોડીને ફિલ્મ ‘ધ અધર સાઇડ ઑફ ધ વિન્ડ’ પૂરી કરવામાં આવી હતી.

આપણ વાંચો:  રવીન્દ્રનાથ ટાગોર: એક સુપરહિટ ફિલ્મ-લેખક…હેં?!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button