મેટિની

ફિલ્મનામાઃ હમ ન્યૂઝ નહીં કહાનિયાં દીખાતે હૈ! ન્યૂઝ પાછળના બિહામણાં વ્યૂઝ..

-નરેશ શાહ

તમે ન્યૂઝ ચેનલ જુઓ છો? હા, આખો દિવસ તમારી પાસે પણ ન્યૂઝ ચેનલ જોવાનો સમય નથી હોતો એટલે મોટાભાગે પ્રાઇમ ટાઇમમાં ન્યુઝ જોઈ લેતાં હશો. આ ‘પ્રાઇમ ટાઇમ’ એ ન્યૂઝ ચેનલોએ શોધી કાઢેલી આપણી એક નબળાઈ છે. મોટાભાગના પરિવારોમાં રાતે સાથે જમવા-રહેવાનો સમય આઠથી દસ વચ્ચેનો હોય છે.

મતલબ કે આખું ફેમિલીનું ફોકસ જ્યારે ટીવી પર હોય તેને ‘પ્રાઇમ ટાઇમ’ કહે છે. (મહિલા માટેનો પ્રાઇમ ટાઇમ બપોરે બેથી ચાર વચ્ચેનો ગણાય ,જયારે એ કૌટુંબિક સિરિયલો જુએ! ) આ કારણોસર પ્રાઇમ ટાઇમ પર આવતી સિરિયલ કે રિયાલિટી શો કે ન્યૂઝ શોની અસર વધુ પ્રભાવશાળી ગણાય છે અને ઝછઙ (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ) નામનો ભૂવો આ સમયે કેટલો અને કેવો ધૂણે છે તેના પરથી જ ચેનલનું સ્ટેટસ અને રેવેન્યુનું સ્ટેટેસ્ટિક્સ નીકળતું હોય છે.

આ આખું પિષ્ટપિંજણ ઝી ફાઇવ’ પર સ્ટ્રીમ થયેલી-રજૂ થયેલી ‘ધ બ્રોકન ન્યૂઝ’ વેબ સિરીઝને ધ્યાનમાં રાખીને કરવું જરૂરી હતું, કારણ કે આ સિરીઝમાં પ્રાઇમ ટાઇમ અને બ્રેકિંગ ન્યૂઝ- વિશેષ ન્યૂઝ પાછળ રમાતી ગેમ અને એનાં કુટિલ સત્યને બિન્ધાસ્ત રજૂ કરવામાં આવ્યા છે.

ચાર કલાક ને ચાળીસ મિનિટની ધ બ્રોકન ન્યુઝ’માં બે ન્યુઝ ચેનલને કેન્દ્રમાં રાખીને ન્યુઝ ચેનલમાં અને ન્યુઝ દેખાડવા પાછળ થતાં પ્લાનિંગ, કાવાદાવા, દબાણ, આર્થિક ગણિત, છેતરપિંડી, રાજકીય જોડાણ – ‘સંબંધ’ અને વાંઝિયા આદર્શવાદ વચ્ચે ખેલાતી ટીઆરપી માટેની રમતનાં ભેદભરમને ઉઘાડાં પાડવામાં આવ્યા છે.

ખમતીધર અને વધુ જોવાતી ન્યૂઝ ચેનલ ‘જોશ-ટ્વેન્ટી ફોર બાય સેવન’ એક તરફ છે તો પ્રામાણિકપણે ન્યૂઝ આપવાનો પ્રયાસ કરતી (અને એટલે જ આર્થિક અને ટીઆરપીની દૃષ્ટિએ નબળી) ચેનલ ‘આવાઝ ભારતી’ની અંદરૂની તેમજ આપસી હરીફાઈ થકી આ સિરીઝના લેખકો સંબિત મિશ્રા અને માઇક બારસેટે આપણી સમક્ષ ન્યૂઝ પાછળના બિહામણાં વ્યૂઝ છતાં કરવાનો સફળ પ્રયાસ કર્યો છે.

સફળ અને સધ્ધર ‘જોશ’ ચેનલનો હેડ દિપાંકર સન્યાલ (સુપર્બ એક્ટર જયદીપ અહલાવત) પહેલાં ‘આવાઝ ભારતી’ ચેનલમાં જ કામ કરતો હતો, પણ પોતાના શ્રેષ્ઠ પર્ફોર્મન્સ પછી એ ‘જોશ’ ચેનલનો હેડ બની ગયો છે. ‘આવાઝ ભારતી’ની હેડ પછી આમિયા કુરેશી (સોનાલી બેન્દ્રે) બને છે.

હિન્દી ફિલ્મોની પરંપરાની જેમ જ અહીં દિપાંકર સન્યાલને સમાધાનકારી અથવા સ્વાર્થી તેમ જ ટાર્ગેટ ઓરિએન્ટેડ મહત્ત્વાકાંક્ષી દર્શાવવામાં આવ્યો છે, જ્યારે આમિયા કુરેશીને પત્રકારત્વના પ્રહરી દર્શાવવામાં આવી છે. ‘આવાઝ ભારતી’ માટે કામ કરતી પત્રકાર રાધા ભાર્ગવ (અભિનેતા સચિનની પુત્રી શ્રીયા પિળગાંવકર)ની રાષ્ટ્રદ્રોહના કાનૂન હેઠળ ધરપકડ સાથે ‘ધ બ્રોકન ન્યુઝ’ સિરીઝ ઓપન થાય છે અને…

આ ધરપકડ શા માટે થઈ એ ખુલાસા સાથે ‘ધ બ્રોકન ન્યુઝ’ સિરીઝ પૂરી
થાય છે, પણ એ દરમિયાનના ફલેશબેકમાં ન્યૂઝ ચેનલમાં ચાલતાં વિવિધ સ્વરૂપોને આપણી સમક્ષ એવી રીતે ઉઘાડવામાં
આવ્યા છે કે આપણી મોજુદા ન્યૂઝ ચેનલ માટે એવો અણગમો પેદા થાય કે એ જોવાનું મન મરી જાય.

આપણે ચારધામની યાત્રામાં ખાઈમાં ખાબકેલી બસ કે ડ્રગ માટે ક્રૂઝમાં પાડવામાં આવેલી રેડના ‘બ્રેકિંગ ન્યૂઝ’ની વાત નથી કરતાં. એ તો ન્યૂઝ છે, પણ આવા ન્યૂઝમાં જ્યારે ન્યૂઝ ચેનલના પોતાના એન્ગલ – વિચારધારા જોડવામાં આવે છે. અલબત્ત, તેની પાછળના લોજિક- ફાયદા ને ટાર્ગેટ મોટાભાગે વ્યક્તિગત જ હોય છે.

‘ધ બ્રોકન ન્યુઝ’ આ વાત નીચે ઘેરી લાલ લાઇન દોરે છે. એક મોલમાં લાગેલી આગના ફૂટેજ મેળવવા માટે રાધા ભાર્ગવ પ્રયાસ કરી રહી છે અને એ દરમિયાન એક સ્ટારના રેપ-સ્કેન્ડલ, બિઝનેસમેનને સકારણ ઉઘાડાં પાડવાની ગેમથી માંડીને ઓપરેશન શાંગ્રીલા, હોમ મિનિસ્ટરનો ખોફ, ન્યૂઝ ચેનલ હેડનો કોન્ફિડેન્સ, ચેનલના માલિકો (આકાશ ખૂરાના અને કિરણ કુમાર)ની કફોડી રીતે ઘૂંટણ ટેકવી દેવાની લાચારી…

આ બધી વાત ‘ધ બ્રોકન ન્યૂઝ’માં ડિરેક્ટર વિનય વાનફુલે આબાદ અને સચોટ્ રીતે ઝીલી છે. આ વિજયભાઈ અગાઉ રવિના ટંડનની અરણ્યક’ અને ‘ધ ટેસ્ટ કેસ’ વેબસિરીઝ બનાવી ચૂક્યાં છે અને ‘દંગલ’, ‘થ્રી ઇડિયટ’, ‘ગજની’ તેમ જ ‘ભાગ મિલ્ખા ભાગ’ના ફર્સ્ટ આસિસ્ટન્ટ રહી ચૂક્યાં છે.

‘હમ ન્યૂઝ નહીં કહાનિયાં દીખાતે હૈ!’ જેવા અનેક વનલાઇનર ‘ધ બ્રોકન ન્યૂઝ’ સિરીઝને વધુ ચોટદાર બનાવે છે. ફેમિલી ઑડિયન્સ કદાચ, ઓછો રસ પડે પણ ન્યૂ ચેનલ જોવાની કુ-ટેવ ધરાવતાં અને ટીવી પત્રકારત્વમાં રસ ધરાવતા યુવાનોએ આ વેન સિરીઝ જરૂર જોવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button