હૃતિક-રજનીકાંતની ટક્કર કેવીક જામશે?
સાઉથની અને હિન્દી ફિલ્મો વચ્ચે મુકાબલો અગાઉની જેમ આ વર્ષે પણ જારી રહેશે ને દર્શકોને પડશે મોજ

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
પાંચેક વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં ભાષા સંઘર્ષ એક જુદા સ્વરૂપે જોવા મળી રહ્યો છે. બોલપટનો યુગ શરૂ થયો (આલમ આરા – 1931) ત્યારે શરૂઆતમાં કલકત્તાની ફિલ્મ કંપની ‘ન્યૂ થિયેટર્સ’નું પ્રભુત્વ હતું પણ પછી એના વળતાં પાણી થયા અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વાવટો લહેરાવાની શરૂઆત થઈ. સાઉથના રાજ્યોની ચાર ભાષા (તમિલ, તેલુગુ, મલયાલમ અને ક્ધનડ)માં પણ બોલપટનો પ્રારંભ 1931થી જ થયો, પણ દસે દિશામાં ગીત તો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જ ગુંજતા હતા. જોકે, છેલ્લા દસેક વર્ષમાં પરિસ્થિતિ એ હદે બદલાઈ ગઈ છે કે સાઉથની ઈન્ડસ્ટ્રી હિન્દી પર ભારી પડી રહી છે. બાહુબલી, પુષ્પા – કેજીએફ ફ્રેન્ચાઈઝી ફિલ્મો માટે મુખ્યત્વે હિન્દી ફિલ્મો જોતા દર્શકોએ દેખાડેલા ઉમળકાને પગલે સાઉથની ફિલ્મોની લોકપ્રિયતામાં ભરતી આવી છે એ નિર્વિવાદ સત્ય છે. બોક્સ ઓફિસ પર હિન્દી-સાઉથ ટક્કર આ વર્ષે પણ જારી રહેશે. અલબત્ત, કઈ ફિલ્મને માથા પર ઊંચકી લેવી અને કઈ ફિલ્મને હડસેલો મારી દેવો એ તો છેવટે પ્રેક્ષક માઈબાપ જ નક્કી કરે છે. આ વર્ષે કઈ ફિલ્મો વચ્ચે ટક્કર થવાની છે એ જાણવું રસપ્રદ રહેશે.
સૌથી પહેલો મુકાબલો છે હિન્દી ફિલ્મ ‘વોર ટૂ’ અને તમિલ ફિલ્મ ‘કુલી’ વચ્ચે. બંને ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ કરવાની ગણતરી મૂકવામાં આવી છે. ટૂંકમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ બંને ફિલ્મ થિયેટરમાં પ્રદર્શિત થવાની છે. ‘વોર ટૂ’ 2019માં આવેલી ‘વોર’ની સિક્વલ અને યશરાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સનું છઠ્ઠું ચિત્રપટ છે. પહેલી ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું જ્યારે સિક્વલના દિગ્દર્શનની ધુરા અયાન મુખરજીએ સંભાળી છે. ‘વોર ટૂ’માં હૃતિક રોશન સિક્રેટ એજન્ટ કબીર ધાલીવાલના રોલમાં ફરી જોવા મળશે જ્યારે નેગેટિવ રોલમાં – વિલનની ભૂમિકામાં ‘આરઆરઆર’થી હિન્દી ફિલ્મ જોતા દર્શકોમાં વધુ જાણીતો બનેલો જુનિયર એનટીઆર છે. પહેલી ફિલ્મમાં નેગેટિવ રોલ સંજીવ વસ્તએ કર્યો હતો. ‘વોર ટૂ’માં સાઉથના બિગ સ્ટારની હાજરીથી ખલનાયક વધુ દમદાર હશે એવા એંધાણ જરૂર મળે છે. આ પ્રકારની ફિલ્મોમાં હીરોઈનનો રોલ એકંદરે હાજરી પુરાવવા પ્રકારનો હોય છે અને એટલે વાણી કપૂર (‘વોર’ની હીરોઈન)ની જગ્યાએ ‘વોર ટૂ’માં કિયારા અડવાણીની હાજરીથી દર્શકોને બહુ ફેર નહીં પડે.
તમિલ ફિલ્મ ‘કુલી’માં રજનીકાંતની હાજરી એનું પ્રમુખ આકર્ષણ છે. આજે પણ રજની સરની ફિલ્મ જોવાની એટલે જોવાની જ એવો ચાહકવર્ગ જળવાઈ રહ્યો છે. જોકે, ટકાવારીમાં ફેર પડ્યો હશે, પણ ફિલ્મ માટે ઉત્કંઠા તો રહે જ છે. એક મહત્ત્વની વાત એ છે કે ‘વોર ટૂ’માં દેશદાઝનો તડકો છે, જ્યારે ‘કુલી’માં સોનાની દાણચોરી કેન્દ્રસ્થાને છે. અન્ય એક નોંધવાની બાબત એ છે કે ‘કુલી’ તમિલમાં તૈયાર કરવામાં આવી છે, પણ હિન્દી, તેલુગુ અને ક્ધનડ ભાષામાં પણ ડબ કરી રિલીઝ કરવામાં આવશે. યશરાજની હિન્દી ફિલ્મ ‘વોર ટૂ’ પણ તેલુગુ અને તમિલમાં ડબ કરી રિલીઝ કરવામાં આવશે. આમ હિન્દી – સાઉથ મુકાબલો પોતપોતાના પ્રદેશ ઉપરાંત એકબીજાના વિસ્તારમાં પણ જોવા મળશે.
હિન્દી ફિલ્મ ‘વોર ટૂ’માં જેમ સાઉથ સ્ટાર જુનિયર એનટીઆર છે એમ તમિલ ફિલ્મ ‘કુલી’માં હિન્દી ફિલ્મના બિગ સ્ટાર આમિર ખાનની હાજરી છે. આનો અર્થ એ કરી શકાય કે ‘વોર ટૂ’ના સાઉથની ભાષાના ડબ વર્ઝન માટે આકર્ષણ વધારવા જુનિયર એનટીઆરની હાજરી છે તો હિન્દીમાં ડબ કરવામાં આવેલી ‘કુલી’ માટે મુખ્યત્વે હિન્દી ફિલ્મો જોતા દર્શકોમાં આકર્ષણ વધે એ માટે આમિર ખાનને લેવામાં આવ્યો છે. અલબત્ત, બંને કલાકારનું અભિનય કૌશલ શિરોમાન્ય પણ જે તે પ્રદેશમાં એમની લોકપ્રિયતાના ફેક્ટરને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે એ હકીકત છે.
આપણ વાંચો: ગીતોનાં પિક્ચરાઈઝેશનની ચિત્ર-વિચિત્ર ‘જફા’…
હિન્દી – સાઉથની ટક્કરમાં એક વધારાનો રસપ્રદ મુકાબલો છે વરુણ ધવન – જ્હાનવી કપૂરની હિન્દી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ અને રિષભ શેટ્ટીની ક્ધનડ ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર વન’ વચ્ચે. શશાંક ખૈતાન (હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા, ધડક, ગોવિંદા નામ મેરા) દિગ્દર્શિત આ ફિલ્મનું ટાઈટલ જ ફિલ્મની પાર્શ્વભૂમિ સમજાવી દેવા પૂરતું છે. અલબત્ત, ફિલ્મને હલકી ફુલકી કોમેડી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી છે. રિષભ શેટ્ટીની ક્ધનડ ફિલ્મ માઈથોલોજિકલ એક્શન થ્રિલર છે. ટૂંકમાં બંને ફિલ્મના પ્લોટ ઉત્તર – દક્ષિણ છે. એટલે દર્શકોનું વિભાજન થાય છે કે કેમ એનું અનુમાન કરવું મુશ્કેલ છે. વળી, ક્ધનડમાં બનેલી ‘કાંતારા: ચેપ્ટર વન’ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષામાં ડબ કરવામાં આવી છે. વરુણ ધવનની ફિલ્મ સાઉથની કોઈ ભાષામાં ડબ થઈ છે કે કેમ એની જાણકારી નથી. એટલે ક્ધનડ ફિલ્મનો વકરો હિન્દી ફિલ્મ કરતાં ચડિયાતો હશે એવું પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે.
હિન્દી – સાઉથ સંઘર્ષ આવતા વર્ષે પણ જારી રહેશે અને ફિલ્મોને વ્યાપક બનાવવાના વિવિધ પ્રયાસો અંતે તો દર્શકોના હિતમાં જ છે ને?!