મેટિની

હિન્દી ચલચિત્રોનાં ગીતોમાં ઈંગ્લિશનું આગમન 90 વર્ષ પહેલા થયું હતું અને પછી અન્ય વિદેશી ભાષા પ્રવેશી ગઈ હતી.

હેન્રી શાસ્ત્રી

‘દુનિયા ના માને’માં શાંતા આપટે

રણવીર સિંહ – આદિત્ય ધરની ‘ધૂરંધર’નો પહેલા ચાર દિવસનો સ્વદેશનો વકરો 140 કરોડ નજીક પહોંચી ગયો છે. ફિલ્મના જે રસાયણએ દર્શકોને રાજી કર્યા છે એમાં એના ગીત – સંગીત સુધ્ધાં છે. મોડર્ન જનરેશનને ધ્યાનમાં રાખી બનાવેલી આ ફિલ્મનાં હિન્દી ગીતોમાં ઈંગ્લિશની પ્રભાવી હાજરી (Run Down the City – Monica and Easy Easy) જોવા મળે છે.

આવી હાજરી 90 વર્ષ પહેલાં પ્રથમ વાર જોવા મળી હતી. ગીત – સંગીત હિન્દી ફિલ્મોનું અવિભાજ્ય અંગ ગણાય છે. વાત પણ સાચી છે. સોન્ગલેસ – ગીત વિનાના ચિત્રપટની યાદી બનાવશો તો સંખ્યા માંડ 35ની આસપાસ હોવાની માહિતી ઉપલબ્ધ છે. અલબત્ત, એમાંની પચીસ તો એકવીસમી સદીની (ઈ. સ. 2000 પછીની) ફિલ્મો છે મતલબ કે હિન્દી ફિલ્મ સંગીતના ડંકા દસે દિશામાં વાગતા હતા ત્યારે ગીત રહિત ફિલ્મોની સંખ્યા માંડ દસેક હતી.

‘કાનૂન’, ‘અચાનક’, ‘જાને ભી દો યારો’… તરત યાદ આવે એવાં નામ. હિન્દી ગીતોની ભાષા પ્રમુખપણે હિન્દી અને ઉર્દૂ રહી છે. હા, ક્યારેક બ્રજ, અવધિ કે ભોજપુરી (જેમ કે નૈન લડ જઈ હૈ તો મનવામાં કસક હોઈબે કરી)નીઝલક પણ જોવા મળી. અંગ્રેજીનું આગમન Bye Bye, Sorry, My Love, Happy Birthday જેવા શબ્દો પૂરતું સીમિત હતું.

આપણ વાચો: સદાબહાર સલિલ ચૌધરી: ભારતીય સિનેમાના ‘શતખંડ’ સંગીતકાર

15 ઓગસ્ટ, 1947ના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ‘શહનાઈ’માં પી. એલ. સંતોષીએ લખેલા ‘આના મેરી જાન, મેરી જાન સન્ડે કે સન્ડે’માં કેટલાક અંગ્રેજી શબ્દોની હાજરી હતી. 1975માં રિલીઝ થયેલી ‘જુલી’ ફિલ્મનું My Heart is beating, Keeps on repeating ગીત હિન્દી ફિલ્મનું પૂર્ણપણે પ્રથમ અંગ્રેજી ગીત છે એવું અનેક લોકો માને છે. જોકે, હકીકત જુદી છે.

હિન્દી ફિલ્મમાં પહેલું અંગ્રેજી ગીત 50 વર્ષ પહેલા નહીં, પણ 92 વર્ષ પહેલા 1933માં આવ્યું હતું એમ જો તમને કહેવામાં આવે તો ચોંકી તો જવાય જ ને? અને એના ચાર જ વર્ષ પછી બીજા પૂર્ણપણે ઈંગ્લિશ સોંગની પધરામણી થઈ હતી.

હિમાંશુ રાય અને દેવિકા રાણી… હિન્દી બોલપટ ઈન્ડસ્ટ્રીનું પહેલું ગાજેલું દંપતી. હિમાંશુ રાયએ ફિલ્મ નિર્માતા ઉપરાંત લેખક – દિગ્દર્શક – અભિનેતા તરીકે જૂજ જવાબદારી પણ નિભાવી છે. દેવિકા રાણીનું યોગદાન અભિનય પૂરતું સીમિત હતું. જાણવાની વાતએ છે કે રૂપેરી પડદે સાથે અભિનય કરતા પતિ – પત્ની એક જ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

આપણ વાચો: એકસ્ટ્રા અફેરઃ ધર્મેન્દ્રએ હિંદી ફિલ્મોના હીરોને મરદાના બનાવ્યા?

અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં રજૂ થયેલી ફિલ્મનું અંગ્રેજી ટાઈટલ હતું ઊંફળિફ અને હિન્દી ફિલ્મનું નામ હતું ‘નાગન કી રાગિની.’ આ ફિલ્મમાં ચાર ગીત હતાં જેમાં ત્રણ હિન્દી અને એક અંગ્રેજી ગીત હતું.

અંગ્રેજી ગીતના ગીતકાર તરીકે J.L. Freer Hunt, Roy Douglas એમ બે નામ છે. ગીતના શબ્દો ઉપલબ્ધ નથી, પણ પહેલી પંક્તિનો ઉલ્લેખ છે: Now The Moon Her Light Has Shed.. ગીત ખુદ દેવિકા રાણીએ ગાયું છે.

ટેકનિકલી દેવિકા રાણીનું ગીત હિન્દી ફિલ્મનું પહેલું અંગ્રેજી ગીત ભલે કહેવાય, પણ વી. શાંતારામની ‘દુનિયા ના માને’ (1937)નું ગીત Psalm of Lifeપહેલું વ્યવસ્થિત અંગ્રેજી ગીત તરીકે વધુ યોગ્ય લાગે છે. અમેરિકન કવિ અને શિક્ષણશાસ્ત્રી Henry Longfellowલિખિત કવિતાની પસંદગીમાં શાંતારામની સૂઝબૂઝ દેખાય છે.

આપણ વાચો: કવર સ્ટોરીઃ ચિલ્ડ્રન્સ ફિલ્મો માટે કેમ ઘોર ઉદાસીનતા?

મરાઠી ભાષાના તંત્રી અને નવલકથાકાર નારાયણ હરિ આપટેએ લખેલી न पटणारी गोष्ट નવલકથા પરથી બનેલી આ ફિલ્મમાં બાળ વિવાહનું દૂષણ કેન્દ્રસ્થાને હતું. શાંતારામે ફિલ્મમાં બાળ વિવાહને કારણે નિર્મલાને ભોગવવી પડતી સમસ્યા – યાતના અને એની સામે નિર્મલા કેવી લડત આપે છે એ દર્શાવ્યું છે.

કથાના આ હાર્દનું પ્રતિબિંબિ લોન્ગફેલોની કવિતામાં નજરે પડતું હોવાથી એની પસંદગી કરવામાં આવી હશે એવું લાગે છે. કવિતાની પ્રથમ ચાર પંક્તિ આ અનુમાનને સમર્થન આપનારી છે: In the world’s broad field of battle,In the bivouac of Life, Be not like dumb, driven cattle! Be a hero in the strife! પાંચ કડીની આ કવિતામાં અન્યાય સામે લડી લેવાની ભાવના જ સતત પ્રગટ થાય છે. સંગીતકાર હતા કેશવરાવ ભોલે અને ગાયિકા હતાં શાંતા આપટે અને ગીત એમની પર જ ફિલ્માવાયું હતું.

1960ના દાયકામાં રાજ કપૂરની ‘સંગમ’ ફિલ્મમાં વિવિયન લોબો નામના હોટેલ ગાયક પાસે એક ગીત ગવડાવ્યું છે, જેમાં ઈંગ્લિશ ઉપરાંત જર્મન, રશિયન ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ગીતનું ફિલ્માંકન બેકગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે જ્યારે રાજ કપૂર અને વૈજયંતિમાલા યુરોપ ફરવા નીકળ્યા હોય છે. જોકે, ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ અને ‘દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા’ને મળેલી અફાટ લોકપ્રિયતામાં આ બહુભાષી ગીત ખોવાઈ ગયું હતું.

1975ના ‘જુલી’ના My Heart is beating, keeps on repeating, I am waiting for you ગીતને મળેલી અફાટ લોકપ્રિયતા જાણીતી છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય લિખિત આ ગીતને પ્રીતિ સાગરે ગાયું હતું.

સંગીતકાર હતા રાજેશ રોશન. જોકે, અંગ્રેજીનું રતીભાર જ્ઞાન ન ધરાવતા લોકોમાં ગીતમાં અંગ્રેજી શબ્દની હાજરીને કારણે કેવી ગેરસમજ – ગોટાળો થાય છે એ દેવ આનંદની ફિલ્મ ‘ડાર્લિંગ ડાર્લિંગ’ (1977)માં આબાદ ઉપસ્યું છે. વિદેશી વાતવરણમાં પલોટાયેલો શહેરી બાબુ – અર્બન જેન્ટલમેન ગાંવ કી છોરીને મોડર્ન બનાવવાની કોશિશમાં એની સામે ‘હેલો ડાર્લિંગ, હેલો ડાર્લિંગ, હેલો ડાર્લિંગ બોલો હેલો ડાર્લિંગ’ ગાય છે.

અંગ્રેજી કઈ બલાનું નામ છે એ ન જાણતી દેશી છોકરી ‘ડાર્લિંગ’ શબ્દ જ ન જાણતી હોવાથી ‘દાર્જિલિંગ’ સમજી બેસે છે અને સામે લલકારે છે કે ‘કિસી નયે શહર કા નામ લે બાબુ દેખા હૈ મૈને દાર્જિલિંગ’ અને એ ગોટાળો હાસ્ય વેરે છે.

અંગ્રેજી સિવાય વિદેશી ભાષાનો ઉપયોગ થયો હોય એમાં સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે શક્તિ સામંતની ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ફિલ્મનું. ઈટલીના પ્રખ્યાત શહેર વેનિસની ગોન્ડોલા બોટમાં અમિતાભ બચ્ચન અને ઝીનત અમાન પર ફિલ્માવાયેલા આ ગીતમાં શરૂઆતમાં જ ઈટાલિયન પંક્તિ આવે છે: Laa, laa, laa Amore mio, dove sei tu? Ti sto cercando, tesoro mio! (લા લા લા… ઓ મારી પ્રિયતમા, તું છે ક્યાં? મારા દિલના ખજાના, તને હું શોધી રહ્યો છું).

બોટ ચલાવનાર આ પંક્તિ ગણગણે છે ત્યારે એ ગીતમાં રચાયેલું વાતાવરણ, અમિતાભ – ઝીનતની આંખોમાં છલકાતો પ્રેમ અને એક અક્ષર પણ ન સમજાતો હોવા છતાં જે સ્ટાઈલમાં ઈટાલિયન પંક્તિ રજૂ થાય છે ત્યારે થિયેટરમાં બેઠેલો દરેક પુરુષ અમિતાભ બની પોતાની બાજુમાં ઝીનતને અને દરેક સ્ત્રી ઝીનત બની પોતાની બાજુમાં અમિતાભને ઝંખવા લાગે છે અને કેટલીક મિનિટનું એ સપનું ધરતી પર સ્વર્ગનો એહસાસ કરાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button