ફલેશ બેકઃ લાફો પડ્યો, પણ રાજ કપૂર હીરો બન્યા ખરા! | મુંબઈ સમાચાર
મેટિની

ફલેશ બેકઃ લાફો પડ્યો, પણ રાજ કપૂર હીરો બન્યા ખરા!

‘નીલકમલ’માં રાજ કપૂર - મધુબાલા , ડિરેક્ટર કેદાર શર્મા

  • હેન્રી શાસ્ત્રી

‘ડોક્ટર ડેન્ગને આજે પહેલી વાર કોઈએ થપ્પડ મારી છે…. ફર્સ્ટ ટાઈમ. આ થપ્પડના પડઘા તમે સાંભળ્યા? એના પડઘાના પડઘા તમને સંભળાશે. આજીવન સંભળાતા રહેશે.’

સુભાષ ઘઈની ફિલ્મ ‘કર્મા’નો આ ડાયલોગ આજે પણ સિને રસિકો નહીં ભૂલ્યા હોય. થપ્પડ, લાફો, તમાચો હિન્દી ફિલ્મમાં વિવિધ સ્વરૂપે નજરે પડ્યો છે. તમાચા પરથી તો એક આખી ફિલ્મ ‘થપ્પડ’ પણ બની છે. એક થપ્પડ રીલ લાઈફમાં-રૂપેરી પડદા પરનાં પાત્રોના જીવનમાં બદલાવ લાવે છે.

જોકે બીજી તરફ, રાજ કપૂર માટે રિયલ લાઈફમાં તમાચો ખાધા પછી બીજા દિવસે ફિલ્મના હીરો બનવાની સુવર્ણ સંધિ સામે ચાલી આવી હોવાની ઘટનાં પણ બની હતી.

વાત છે કેદાર શર્માની. કુંદનલાલ સાયગલ, પૃથ્વીરાજ કપૂર અને દુર્ગા ખોટે જેવા મિત્રો ધરાવતા અને પેઈન્ટર તરીકે શરૂઆત કર્યા પછી ફિલ્મમેકર બનેલા કેદાર શર્મા તો આગળ જતા રાજ કપૂર, મધુબાલા, ગીતાબાલી, રાજેન્દ્રકુમાર, માલા સિન્હા, તનુજા જેવા કલાકારોની કારકિર્દીના પહેલા પગથિયા માટે નિમિત્ત બન્યા હતા. રાજ કપૂરના થપ્પડ માર પ્રસંગ વિશે ખુદ શર્મા સાહેબે વર્ણન કર્યું છે જે ‘મુંબઈ સમાચાર’ના વાચકો માટે પેશ છે.

‘હું 1941માં મુંબઈ આવ્યો હતો. મારી પહેલા મુંબઈ પહોંચી ગયેલા પૃથ્વીરાજ કપૂરે રણજીત મુવીટોનમાં મને કામ અપાવ્યું અને સાથે સાથે મોટા દીકરા રાજ કપૂરને મને સોંપ્યો અને કહ્યું કે ‘એનું ઘડતર કરવાની જવાબદારી તને સોંપું છું.’ એટલે મેં રાજને મારા સહાયક તરીકે રાખી લીધો.

રાજ કામમાં નિયમિત અને ચોક્કસ હતો, પણ મેં એક વાત ખાસ નોંધી કે શોટ પૂર્વે ક્લેપ આપતા પહેલાં રાજ અરીસાની સામે ઊભો રહી થોડો મેકઅપ લગાડતો અને હેર સ્ટાઈલ સંવાર્યા કરતો. એના આવા નખરા મને પસંદ નહોતા. જોકે, મને ખ્યાલ આવી ગયો કે એની અંદર ધરબાયેલો કલાકાર જીવ કેમેરા સામે આવવા થનગની રહ્યો હતો.

‘એક દિવસ હું એક નકલી દાઢી પહેરેલા એક જુનિયર આર્ટિસ્ટ સાથે શોટ લઈ રહ્યો હતો. કલેપ આપતી વખતે પોતાનો ચહેરો અનેક લોકોને ધ્યાનમાં આવે એવું કરવામાં પેલા જુનિયર કલાકારની દાઢી કલેપ બોર્ડમાં ફસાઈ ગઈ છે એનો રાજને ખ્યાલ ન રહ્યો. પરિણામે શોટ લેતા પહેલા જ આર્ટિસ્ટની દાઢી ખેંચાઈ ગઈ. મેં તરત રાજને બોલાવ્યો અને કસીને એક જોરદાર તમાચો માર્યો.

શરમજનક સ્થિતિમાં મુકાયેલા રાજે ભૂલ બદલ માફી માંગી. એ સમયે એના ચહેરા પર લાચારી અને પસ્તાવાના ભાવ જોઈ મને તમાચો મારવા બદલ પસ્તાવો થયો. એ શોટ મેં ફરી લઈ લીધો અને ભારે હૈયે ઘરે ગયો. કામની ચોકસાઈના આગ્રહમાં મારે આવું નહોતું કરવું જોઈતું એ વિચાર મને વારંવાર આવવા લાગ્યો.

‘બીજે દિવસે મેં રાજને મારી ઓફિસે બોલાવ્યો અને એની સામે એક કોન્ટ્રેક્ટ મૂક્યો. એ ચોંકી ગયો અને ‘એમાં શું લખ્યું છે?’ એવો સવાલ કર્યો. મેં એને એટલું જ કહ્યું કે ‘સાઈન કર. તું મારી નવી ફિલ્મનો હીરો છે!’

24 કલાક પહેલાં પાતાળનો અનુભવ કરી રહેલા રાજ કપૂરે સપનામાં નહીં વિચાર્યું હોય કે બીજા દિવસે એના પગ જમીનથી અધ્ધર ચાલવા લાગશે. લાફો ખાઈ બીજા દિવસે હીરો બની ગયા રાજ કપૂર.

ફિલ્મ દુનિયામાં કેટલીક બાબત એવી બનતી હોય છે જે કોઈના મોઢે સાંભળ્યા પછી વિશ્વાસ બેસતા વાર લાગે. અલબત્ત, જેની સાથે બનાવ બન્યો હોય એ જ વ્યક્તિ જ્યારે એનું બયાન કરે ત્યારે હેરત પામી વાત માનવી પડે.

પરિવારનો રોષ વહોરી, મિલકતમાંથી રાતી પાઈ નહીં મળે એવું પિતાશ્રીએ રોકડું પરખાવી દીધા પછી 1932માં કેદાર શર્મા કલકત્તા પહોંચ્યા હતા. એ સમયે ફિલ્મ નિર્માણમાં ‘ન્યુ થિયેટર્સ કંપની’નો દબદબો હતો. પરિચય તો કોઈનો નહોતો પણ પૂછતાં પૂછતાં શર્માજીને ‘મદન થિયેટર્સ’ના દિનશા ઈરાનીને મળવાનો મોકો મળ્યો.

કંપનીને પેઈન્ટરની આવશ્યકતા હતી અને કેદાર શર્મા ચિત્રકામમાં પારંગત હતા. એ સમયે અસ્લમ નામનો બીજો એક યુવાન પણ આ જ નોકરી મેળવવા ત્યાં પહોંચ્યો હતો. દિનશાજીએ બંનેને કેટલાક સ્કેચ બનાવવા કહ્યું અને પછી એમને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા.

દિનશા ઈરાનીએ કહ્યું, ‘હું તમને ત્રણ સવાલ પૂછીશ,જેના તમારે પ્રમાણિકપણે જવાબ આપવાના. પહેલો સવાલ હતો : ‘શર્માજી, તમે માંસ ખાવ છો?’ શર્માજીએ જવાબ આપ્યો કે ‘હું બ્રાહ્મણ છું અને કાંદા પણ નથી ખાતો.’ બીજો સવાલ હતો ‘દારૂ પીવાની ટેવ છે?’ શર્માએ ના પાડી કહ્યું કે પોતે સિગારેટ પણ નથી પીતા. ત્રીજો સવાલ હતો ‘સ્ત્રી સાથે અનૈતિક સંબંધનો શોખ ખરો?’ આનો જવાબ પણ નકારમાં આપી કેદાર શર્માએ કહ્યું કે ‘હું એને પાપ ગણું છું.’ બીજા ઉમેદવારને પણ આ ત્રણ સવાલ પૂછવામાં આવ્યા હતા અને પેલાએ ત્રણેય જવાબમાં હા પાડી હતી.

અન્ય ઉમેદવારનો આવો ‘હકાર’વાળો જવાબ સાંભળી કેદાર શર્માને ખાતરી થઈ ગઈ કે નોકરી તો પોતાને જ મળશે, પણ જ્યારે દિનશા ઈરાનીએ કહ્યું કે તમને બંનેને નોકરીએ રાખવામાં આવે છે ત્યારે શર્માજીને આંચકો લાગ્યો. અલબત્ત, એનાથી મોટો આંચકો પછી મળ્યો.

દિનશાજીએ કહ્યું કે ‘નોકરી માટે બંનેને પસંદ કરવામાં આવ્યા છે, પણ શર્માજીને દર મહિને 100 રૂપિયાનો પગાર મળશે જ્યારે બીજા ઉમેદવાર અસ્લમને મહિને 250 રૂપિયા આપવામાં આવશે.’ પગારના તફાવતનું કારણ આપતા ઈરાનીએ કહ્યું કે ‘અસ્લમના ખર્ચા (દારૂ પીવો, માંસ ખાવું વગેરે) વધારે છે અને 100 રૂપિયામાં એને પૂરતા નહીં પડે.’

આ સાંભળીને એ સમયે કેદાર શર્માનું મોઢું કેવું પડી થયું હશે એની કલ્પના કરો. કેદાર શર્માએ વધુ એક ચોંકાવનારી વાત પર પ્રકાશ પાડતા લખ્યુંછે કે ‘અમે બંને દિનશાની ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે અસ્લમે મને કહ્યું કે ‘શર્માજી, ચિંતા કરવાની જરૂર નથી. મહિનાના અંતે આપણે પગાર સરખા ભાગે વહેંચી લઈશું.’ અસ્લમની ઉદારતા મને સ્પર્શી ગઈ, પણ એની વાત મેં સ્વીકારી નહીં.’

આમ ફિલ્મ દુનિયામાં પડદા પર જ નહીં, પડદા બહાર પણ ગજબનાક ઘટનાઓ બનતી હોય છે.

આપણ વાંચો:  સ્ટાર-યાર-કલાકારઃ ભીમ વર્સિસ છોટા ભીમ: મસાલા ડ્રામાની ધમાલ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button