જોહર-મજનુ: બૉબ હૉપ-બિંગ ક્રોસબીના અવતાર

હેન્રી શાસ્ત્રી
‘એક થી લડકી’માં (ડાબેથી) મજનુ અને આઈ એસ જોહર, (ઈન્સેટમાં) હેરોલ્ડ લુઈસ ઉર્ફે મજનુ
હિન્દી ફિલ્મ ઉદ્યોગના ઈતિહાસમાં વિનોદના વહેણનો મજેદાર હિસ્સો રહ્યો છે. હિન્દી ફિલ્મોમાં કોમેડી શૈલીના વિવિધ પ્રકાર સાથે કોમિક પાત્ર ભજવતા પ્રતિભાશાળી અભિનેતાઓની પણ એક મોટી ફોજ જોવા મળે છે. હોલિવૂડની ફિલ્મો કે હીરો-હીરોઈન કે ફિલ્મમેકર જ નહીં, એના કમેડિયન પણ પ્રેરણાસ્રોત રહ્યા છે.
આજથી 90 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘મજનુ’ના એક્ટર મજનુ અને દર્શકોને ખડખડાટ હસાવવામાં એમની સાથે જમાવનારા આઈ એસ જોહરે જોડી તરીકે હોલિવૂડની પ્રખ્યાત કોમિક પેર બૉબ હૉપ અને બિંગ ક્રોસબીના અવતારને રજૂ કર્યા હોવાની ખ્યાતિ ધરાવે છે. 1935ના અંતમાં રિલીઝ થયેલી રૂપ કે. શોરેની ‘મજનુ’ ફિલ્મથી એક હાસ્ય અભિનેતાની કારકિર્દીનો પ્રારંભ તો થયો જ, પણ ફિલ્મે એનું પડદા પરનું નામ બદલાવી નાખ્યું અને હોલિવૂડની કોમેડી શૈલીથી હિન્દી ફિલ્મના દર્શકો પરિચિત થયા.
મૂળ નામ હેરોલ્ડ લુઈસ. અમૃતસરમાં પંજાબી-ખ્રિસ્તી પરિવારમાં જન્મ. હેરોલ્ડના દાદા ખલિફા ઈમાદ-ઉલ-દીન ધર્માંતરણ કરી ખ્રિસ્તી થઈ ગયા હતા અને તેમણે બાઈબલનું પર્શિયન ભાષા માં રૂપાંતર કર્યું હતું. હેરોલ્ડના પિતાશ્રી સિનેમા થિયેટરના માલિક હતા. સ્વાભાવિક હતું કે હેરોલ્ડને નાનપણમાં જ ફિલ્મો જોવાનો ચસકો લાગ્યો અને એમાંથી જ એક્ટર થવાના અભરખા જાગ્યા. શાળા શિક્ષણ વખતે તક મળી ત્યારે નાટકોમાં નાના-મોટા રોલ કરી લીધા. યુવાનીમાં અભિનયનું સપનું નજર સમક્ષ તરવરવા લાગ્યું અને અમૃતસરથી માયાનગરી મુંબઈ પહોંચી ગયા. જોકે, મહાનગરમાં ભટકયાત્રાનો કોઈ ફાયદો ન થવાથી ભાઈસાહેબ નસીબ અજમાવવા કલકત્તા પહોંચી ગયા, જ્યાં ન્યૂ થિયેટર્સ કંપની અને અન્ય ફિલ્મમેકરો ચિત્રપટ વ્યવસાયમાં મગ્ન હતા.
કલકત્તામાં પણ નાની-મોટી નોકરી કરવી પડી, પણ એક લાભ એ થયો કે ફિલ્મ કંપની અને ફિલ્મમેકરના સંપર્કમાં આવવાનું થયું. પાછળથી ‘એક થી લડકી’ (સુપરહિટ પંજાબી લોકગીત ‘લારા લપ્પા લારા લપ્પા લાયી રખદા’ યાદ હશે) જેવી ફિલ્મ આપનારા કમલા મુવીટોનના રૂપ કે. શોરેની નજરમાં યુવક હેરોલ્ડ વસી ગયો. બોલપટ યુગના મંડાણ થયા હોવાથી ફિલ્મ પ્રોડક્શનમાં સિનેમેટોગ્રાફર, એડિટર જેવા પદ પર કામ કરનારાઓ સ્વતંત્રપણે ફિલ્મ દિગ્દર્શન તરફ વળી રહ્યા હતા.
રૂપ શોરેએ ડિરેક્ટર તરીકે પ્રારંભ કર્યો ‘મજનુ’ નામની ફિલ્મથી અને એમાં હેરોલ્ડ લુઈસને ટાઈટલ રોલ આપ્યો. ફિલ્મ મ્યુઝિકલ કોમેડી હતી અને કથામાં ‘લૈલા મજનુ’ની પ્રેમકથા પર વ્યંગ કરવામાં આવ્યો હતો. વિનોદી વાર્તા ધરાવતી ફિલ્મમાં હીરોએ દિલધડક મોટરબાઈક સ્ટંટ કર્યા અને રેલવે ટ્રેક પર વિલન હીરોને સપડાવે છે એ દૃશ્ય પર પ્રેક્ષકો ફિદા થયા હતા. ફિલ્મને વ્યવસાયિક સફળતા મળી અને રૂપ શોરેએ આગામી ફિલ્મ ’ટારઝન કી બેટી’ માટે પણ હેરોલ્ડને જ સાઈન કર્યો.
એક મજેદાર વાત એ બની કે ‘મજનુ’ ફિલ્મની જોરદાર સફળતાને પગલે હેરોલ્ડ મજનુ તરીકે ઓળખાવા લાગ્યો અને ‘ટારઝન કી બેટી’થી ઈંગ્લિશ નામ ધરાવતો એક્ટર મજનુ નામથી ઓળખાવા લાગ્યો. ત્યારપછી દરેક ચિત્રપટમાં પડદા પર મજનુ નામ આવવા લાગ્યું. ‘ટારઝન કી બેટી’નું ઘણુંખરું શૂટિંગ હિમાલયના વિસ્તારમાં થયું હતું અને વન્ય ચિત્રપટ તરીકે એને ખ્યાતિ મળી હતી.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રોકડિયા પાકનું ચલણ વર્ષોથી અસ્તિત્વમાં છે. ‘મજનુ’ અને ‘ટારઝન કી બેટી’ એમ બે ચિત્રપટ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થવાથી મિસ્ટર મજનુ શોરે સાહેબના ફેવરિટ એક્ટર બની ગયા. ત્યારબાદ તેમની મોટાભાગની ફિલ્મોમાં મજનુની હાજરી જોવા મળી. 1941માં ‘હિંમત’ આવી અને બીજા વર્ષે રૂપ શોરેએ મજનુને ડબલ રોલમાં ચમકાવતી ‘નિશાની’ બનાવી, જેને પણ જોરદાર સફળતા મળી. ભારતના ભાગલા થયા એ પહેલાની શોરેની અંતિમ ફિલ્મ ‘શાલીમાર’માં પણ મજનુ જ હીરો હતા.
આઝાદી પછી લાહોરમાં ચિત્રપટ બનાવતા રૂપ શોરે ભારત આવ્યા અને એમની સાથે મિસ્ટર મજનુ પણ આવ્યા. અહીં એમની કારકિર્દીને એક મહત્ત્વનો વળાંક મળ્યો. શોરેએ તેમની પત્ની મીના શોરેને કેન્દ્રમાં રાખી ‘એક થી લડકી’ નામની ફિલ્મ બનાવી. હીરો તરીકે એ સમયના હેન્ડસમ અને ટેલન્ટેડ એક્ટર મોતીલાલને લીધા અને એ સમયની જાણીતી વેમ્પ કુલદીપ કૌર જેવાં નામી કલાકાર પણ હતાં. જોકે, તેમ છતાં મજનુ અને આઈ એસ જોહરની ચોરીચપાટી કરતી જોડી દર્શકોનું વિશેષ ધ્યાન ખેંચવામાં સફળ રહી. આ જોડીએ કરેલી કોમેડીને એવો સરસ આવકાર મળ્યો કે જોહર-મજનૂની જોડી શોરેની ફિલ્મોનું અવિભાજ્ય અંગ બની ગઈ.
આ તરફ, આઈ એસ જોહર કેવળ એક અભિનેતા નહોતા. વિદ્વાન હતા અને ખાસ્સું વાંચન કરતા હતા. વિદેશી ફિલ્મો નિયમિતપણે જોતા અને એને હિન્દીમાં કેવી રીતે ઉતારી શકાય એની સતત કોશિશમાં રહેતા. ‘એક થી લડકી’ની સફળતા પછી જોહર-મજનૂની જોડી જમાવવામાં આવી ત્યારે જોહર-મજનૂની કોમિક જોડી હોલિવૂડના બૉબ હૉપ અને બિંગ ક્રોસ્બીની રોડ ફિલ્મ્સના કિરદારની નકલ હિન્દી ફિલ્મોમાં કરવા લાગી. (એક સ્પષ્ટતા: સ્ટેન્ડ અપ કમેડિયન અને આફ્રિકન અમેરિકન એક્ટર માટે કોશિશ કરનારા બિલ કોસ્બી અલગ હસ્તી હતા).
Road to Singapore, Road to Zanzibar, Road to Morocco, Road to Rio, Road to Hongkong વગેરે હોલિવૂડની સફળ રોડ ફિલ્મોની કોમેડીની શૈલી જ નહીં, એમના કોસ્ચ્યુમ્સની નકલ પણ કરી જોહર-મજનૂની જોડી હિન્દી ફિલ્મોમાં હિટ થઈ ગઈ. હદ તો એ વાતની થઈ કે ‘હમ સબ ચોર હૈં’ ફિલ્મનો એ વખતે લોકપ્રિય થયેલો ‘યોગી ડાન્સ’ હૉપ-ક્રોસ્બીની ફિલ્મોમાંથી સેરવી લેવામાં આવ્યો હતો. જોહર જેવા સશક્ત કમેડિયનની હાજરીમાં પણ મજનુ પોતાનો પ્રભાવ પાડવામાં સફળ રહ્યા હતા. 1960ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં મેહમૂદ, જોની વોકર, કિશોર કુમાર, રાજેન્દ્રનાથ, ધુમાલ સહિત કમેડિયનના ઉદય સાથે મજનુની લોકપ્રિયતામાં ઓટ આવવા લાગી.
બદલાવનો અણસાર આવી જતા મિસ્ટર મજનુ પંજાબી ફિલ્મો તરફ વળી ગયા. અહીં અભિનય કરવા ઉપરાંત ફિલ્મ દિગ્દર્શન કરી સારું યોગદાન આપ્યું. કોમેડી કરવા ઉપરાંત સહાયક અભિનેતાના રોલ પણ કર્યા. 26 માર્ચ, 1975ના દિવસે હિન્દી અને પંજાબી ફિલ્મોના કમેડિયને પૃથ્વી પરથી અલવિદા લીધી, પણ એમના ચાહકોના દિલમાં કાયમનું સ્થાન જમાવી દીધું.



