મેટિની

સ્ટાર-યાર-કલાકાર: હરિભાઇ ઉર્ફ સંજીવ કુમાર ગુજરાતી અસ્મિતાનું આગવું અભિમાન

-સંજય છેલ

1978: મુંબઇ જુહુના બી.આર.ચોપરાના ડબિંગ સ્ટુડિયોમાં એક 10 વરસનો બાળ કલાકાર રંગભૂમિના યાદગાર નિર્દેશક અભિનેતા કાંતિ મડિયાની ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’ માટે ડબિંગ કરી રહ્યો છે, પણ એને ફાવતું નથી બહુ વાર લાગે છે. કાંતિ મડિયા અકળાયા છે, હવે સ્ટુડિયોના બુકિંગનો સમય પૂરો થવાનો છે ને ત્યાં એક મોટા સ્ટારનું આગમન થાય છે. એ સ્ટાર પેલા બાળકને ડબિંગમાં અટવાતા જુએ છે. એ નિર્દેશક મડિયાને શાંત થવા કહે છે ને પછી બાળકને માઇક પાસે લઇ જઇને ધીમેધીમે ડબિંગમાં મદદ કરે છે. એ બાળ કલાકાર એટલે હું-પોતે-સંજય છેલ અને સ્ટાર એટલે સંજીવ કુમાર…!

ત્યારે તો એમને જોઇને હું ચોંકી જ ગયેલો, પણ પછી 1 રૂ.ની નોટ પર એમનો ઓટોગ્રાફ પણ લીધેલો. સંજીવ કુમાર ઉર્ફ હરિભાઇ જરીવાલાની જગ્યાએ બીજો કોઇ સ્ટાર હોત તો સ્ટુડિયો ખાલી કરાવત, પણ ગુજરાતનું ગૌરવ ‘સંજીવ કુમાર’માં સ્ટારડમનો કોઇ નકલી આડંબર હતો જ નહીં.

1970ના દાયકામાં એકવાર સંજીવ કુમારના ગુજરાતી રંગભૂમિનાં મિત્રો પ્રવીણ જોષી, કાંતિ મડિયા, શૈલેશ દવે વગેરે કલાકારો રાતે પાર્ટી માટે ક્યાંક બેઠેલા ત્યાં નિર્માતા નિર્દેશક યશ ચોપરા આવ્યા અને હરિભાઇને ‘ત્રિશૂલ’ ફિલ્મમાં અમિતાભના બાપની ભૂમિકા ઓફર કરી. હરીભાઇએ 20 લાખ રૂ. માગ્યા. ચોપડાજી ચૂપ થઇને જતા રહ્યા. સૌ મિત્રોએ પૂછયું :

‘હરીભાઇ, રાજેશ ખન્ના અને અમિતાભ 12-15 લાખ રૂ. લે છે ત્યારે તમે 20 લાખ માગો છો? બહુ મોટી ભૂલ કરો છો.’ ત્યારે સંજીવ કુમારે કહેલું:

‘ના, અમિતાભના બાપનો રોલ, બે જ જણાં કરી શકે. એક તો દિલીપ કુમાર ને બીજો હું…. દિલીપકુમાર હજી ખુદને હીરો માને છે ને હું છું અભિનેતા. ચોપડા પાસે છૂટકો જ નથી!’

બીજે દિવસે યશ ચોપડાએ સંજીવ કુમારની માગણી માની લીધી! કારણ? એક અદ્ભુત કલાકારનો આત્મવિશ્વાસ અને સાથોસાથ ગુજરાતી માણસની વહેવારુ બુદ્ધિ.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: બરસાતમેં તાક ધીના ધિન…! ફિલ્મી વરસાદના ભીના ભીના કિસ્સાની ભીતર…

1980ની આસપાસ મુંબઇનાં તેજપાલ હોલમાં ગુજરાતીના ભીષ્મ પિતામહ સમાન અભિનેતા નિર્દેશક ચંદ્રવદન ભટ્ટના 75 વરસની ઉજવણી હતી. સંજીવ કુમાર પણ ભટ્ટસાહેબના શિષ્ય. એ સમારંભમાં છેલ્લે અંધારામાં સરપ્રાઇઝ એંટ્રી કરીને સંજીવ કુમારે ભટ્ટસાહેબનાં કોઇ જૂનાં નાટકમાંની ભૂમિકા ભજવેલી, જેમાં માત્ર ટેબલ પર બેસીને દિલ તૂટેલા આશિકનો બળાપો રજૂ કરતી એકોક્તિ ભજવેલી, જેમાં પ્રેમિકા, પૈસાવાળાને પરણી ગઇ છે વગેરે વગેરે..અને પછી અચાનક જ ક્યાંકથી સિક્કાઓ કાઢીને હરિભાઇ એ સિક્કાને જાદૂગરની જેમ ઉછાળતા ઉછાળતા ‘પ્યાર શું છે? દુનિયા શું છે? માત્ર પૈસા… પૈસા… પૈસા… પૈસા.! .’ એમ 1 મિનિટ સતત આંખો ફાડીને બોલતા રહ્યા ને એક સાથે 78 સિક્કાને હવામાં ઉછાળીને પછી અચાનક જ કેચ કરી લીધા ને મંચ પર તરત જ લાઇટ્સ બંધ! અંધારું! દર્શકોએ 10 મિનિટ તાળીઓ પાડી, પણ અજવાળું થતાં જ સંજીવ કુમાર ગાયબ! આ કિસ્સો પણ નાનપણમાં મેં – અમે જાતે જોયો છે. સંજીવ કુમારની અદ્ભુત અદાકારી વિશે ખૂબ લખાયું છે- લખાશે, પણ આજે આપણે અલગ વાત કરીએ…

સંજીવ કુમારના ભત્રીજા એટલે કે એમના નાનાભાઇ નિકુલ જરીવાલાના સુપુત્ર ઉદય કુમારે હમણાં ‘સંજીવ કુમાર ટ્રસ્ટ’ બનાવ્યું છે- જેમાં નાટકો, ફિલ્મો વગેરેના એવોર્ડ્ઝ ફેસ્ટિવલ્સ વગેરે યોજવાના અનેક પ્લાન્સ છે. ઉદય કહે છે કે જ્યારે એ 11-12 વરસના હતા ત્યારે ઉદયને જન્મ દિવસે હરિભાઇ ખુદ એક સાઇકલ સ્ટોરમાં લઇ ગયેલા અને લોકોની ભીડને પણ અવગણીને ભત્રીજાને મનગમતી સાઇકલ અપાવેલી, જે હરિભાઈ પૈસા આપીને સાઇકલ મંગાવીને પણ કરી શક્યા હોત, પણ આમાં એમનો ભત્રીજા માટેની આત્મિયતાનો પરિચય થાય છે. ક્યારેક સતત શૂટિંગ્સને કારણે 23 દિવસ ના મળાય તો ખાસ સવારે ઉદયને બોલાવીને વાતો કરતા. હરિભાઇના રૂમમાં એમના માતાજી, સેક્રેટરી જમનાદાસ ને ઉદયને જ જવાની પરવાનગી હતી. ખાણી-પીણીના શોખીન હરિભાઇ, ઉદયને ચાઇનીઝ ખવડાવવા બાંદ્રા લિંકિંગ રોડના ‘ગેઝેબો’ રેસ્ટોરંટમાં લઇ જતા.

હરિભાઇ ઉદયને કહેતા કે ‘તું મને દાદા કહે!’ કદાચ એમનું વાત્સલ્ય હતું કે પછી પોતે બાપ બનવા જીવિત નહીં રહે એવી આશંકા હશે? કોને ખબર ….એ પણ હકીકત છે કે સંજીવ કુમારના અને બેઉ ભાઇ 50 પૂરા કરે એ પહેલાં જ ગુજરી ગયેલા ત્યારે જરીવાલા ફેમિલીમાં આ શાપની વાત ચર્ચાતી હતી!

ઉદયને આજેય યાદ છે કે સંજીવ કુમારની બર્થડે પર ફિલ્મોનાં અનેક મોટા મોટા કલાકારો આવતા ને એમાંય દિલીપકુમાર અને રાજ કપૂરની ફેમિલી તો અવશ્ય હોય જ.

1979-80માં સંજીવકુમાર શબ્બીર કુમાર જેવા અમુક ગાયકો સાથે પોતાનો ખાસ સ્ટેજ શો લઇને જતા, જેમાં મુંબઇના નાળિયેર પાણી વેંચનારાની એમની સ્ટેંડઅપ કોમેડી ખૂબ વખણાતી પછી એમણે ‘ફિલ્મફેર એવોર્ડ’ માં પણ એ ભજવેલી.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: યુદ્ધ ને કલા ‘ગોડ ઇઝ ગિલ્ટી’ કહેનારો વિદ્રોહી નાટ્યકાર!

ગુજરાતી નાટકો અને ‘ઇપ્ટા’ સંસ્થા સાથે હિંદી રંગભૂમિથી હરિભાઇએ શરૂઆત કરી ને પછી તો ‘કલાપી’, ‘રમત રમાડે રામ’ જેવી ગુજરાતી ફિલ્મો કરી. 1964માં ‘શિકારી’ હિંદી સ્ટંટ ફિલ્મોમાંથી શરૂઆત કરનાર સંજીવ કુમારને હીરો ઇમેજની બિલકુલ પરવા નહોતી, કારણ કે જે સમયે એ ‘અનામિકા’ ફિલ્મમાં જયા ભાદુરીના પ્રેમીની ભૂમિકા ભજવી રહ્યા હતા ત્યારે જ ‘પરિચય’ ફિલ્મમાં પિતાની ભૂમિકામાં અને ‘શોલે’ ફિલ્મમાં સસરાની ભૂમિકામાં છવાઇ ગયેલા.! આ દર્શાવે છે એમની અભિનય રેન્જ ક્ષમતા!

એ જ રીતે, એક તરફ, એ ‘શોલે’ ને ‘ત્રિશુલ’ જેવી મલ્ટીસ્ટારર ફિલ્મોમાં છવાઇ જતા તો બીજી તરફ ‘અનુભવ’, ‘કોશિશ’, ‘ગૃહપ્રવેશ’, ‘અંગુર’ કે સત્યજિત રેની ‘શતરંજ કે ખિલાડી’ જેવી હટકે અલગ ફિલ્મોમાં પણ યથાર્થ અભિનય કરતા. ખરેખર તો 1968માં ‘સંઘર્ષ’ ફિલ્મમાં દિલીપ કુમાર સામે ટક્કર આપતી ભૂમિકા ભજવીને પહેલીવાર બોલિવૂડમાં સિક્કો જમાવી દીધેલો.

કહેવાય છે કે વૃદ્ધની ભૂમિકાઓને લીધે સંજીવ કુમારની હીરો ઇમેજ પર અસર થઇ, પણ એમણે તો માત્ર 19 વર્ષે ‘ઇપ્ટા’નાં હિંદી નાટક ‘ડમરૂ’માં 60 વરસનાં વૃદ્ધની ભૂમિકા ભજવીને સૌને અવાક કરી દીધેલા. 1974માં ‘નયા દિન,નયી રાત’ ફિલ્મમાં એમણે 99 વિવિધ પાત્રો ભજવેલા, જે બોલિવૂડની પ્રથમ ઘટના હતી. એ ફિલ્મનો પરિચય આપતી શરૂઆતની સ્પીચમાં ખુદ દિલીપકુમારે તો ‘સંજીવ કુમારને આ સદીના મહાન કલાકાર’ તરીકે નવાજેલા.

આ બધા વચ્ચે એક ગુજરાતી તરીકે અફસોસ એ થાય છે કે ફિલ્મ્સ ડિવિઝન પાસે કે 1972માં શરૂ થયેલા મુંબઇ/અમદાવાદ દૂરદર્શન પાસે છેક 1985માં ગુજરી ગયેલા હરિભાઇનો ગુજરાતી ભાષામાં પાંચ મિનિટનો પણ એક રેકોર્ડેડ ઇન્ટરવ્યૂ નથી! કહેવાતો સમૃદ્ધ ગુજરાતી સમાજ આપણા પોતાના ઓલરાઉન્ડર એક્ટર સંજીવ કુમારને ‘ગુર્જર સંસ્કૃતિ’નાં ‘બ્રાન્ડ એમ્બેસેડર’ના બનાવી શક્યો.

ખેર, સંજીવ કુમાર ઉર્ફ સુરતના હરિભાઇ જરીવાલા તો ભારતભરના સિનેમાપ્રેમીઓનાં દિલમાં એક મ્યુઝિયમ બનાવીને અચૂક જીવશે…

હમણાં 2દિવસ પહેલાં 9 જુલાઇએ સંજીવભાઈની સાથોસાથ દંતકથા સમાન અભિનેતા નિર્દેશક ગુરુદત્તનો પણ જન્મ દિવસ હતો…!

હરિભાઇ 47 વરસે(1985માં) અને ગુરુદત્ત 38મા વર્ષે(1964માં) વિદાય લઈ ગયા. ગુરુદત્તની અધૂરી ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ સંજીવકુમારે પૂરી કરવા આદરેલી અને એમનું પણ એ જ ફિલ્મ પૂરી થયા પહેલાં અવસાન થયેલું!

છેને આ નિયતિનો નાટ્યાત્મક યોગાનુયોગ?!

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : વડા પ્રધાન પાસે પણ નાટક કરાવનાર એક અલગારી કલાકાર હબીબ તન્વીર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button