માસિક આવક કરતાં માનસિક આવક વધુ હોય તો આનંદ…

- અરવિંદ વેકરિયા
ચિંતા ટળી, ટિકિટ મળી ગઈ. ‘નંદબાબા’(રસિક દવે)ની મહેરબાનીથી. ચિંતા ફ્લાઈટની હતી કે હેમખેમ નૈરોબી પહોંચાડશે કે નહીં! દુકાળમાં અધિક માસની જેમ ત્યાં સીટ પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા-અખબાર હતું અને પહેલા જ પાને હેડલાઈન હતી… ‘..વિમાન ક્રેશ.’ લગભગ ‘અશોકા’ નામ હતું. એક તો હાલકડોલક પ્લેન એમાં આવા સમાચારથી ભયનું લખલખું પસાર થઈ ગયું. બધાં માનસિક તાણ અનુભવતા બેઠાં હતાં. ટપટપ ટપકતું પાણી તો બંધ કરાવ્યું પણ ‘તાણ’ બંધ નહોતી થતી. માસિક આવક કરતાં માનસિક આવક બમણી હોય તો સફરનો આનંદ આવે પણ અહીં તો… થોડા જોક્સની એકબીજાને આપ-લે કરતાં પરાણે આનંદ મેળવતા રહ્યાં. ત્યાં એનાઉન્સમેન્ટ થયું કે આપ વિન્ડોમાંથી નીચે ‘કિલીમાન્ઝારો’ જોઈ શકશો. બધાં ટોળે વળી જોવા લાગ્યાં. આ આનંદ તાણને થોડી ઓછી કરવાવાળો હતો. ભગવાનનું નામ લેતા આખરે નીગ્રોના ગામ નૈરોબી પહોંચ્યા ત્યારે હાશકારો થયો. આવા ધસારામાં ટિકિટ મળી ગઈ એ સફળતા મોટી હતી. સફળતા મોડી મળે તો ઉદાસ ન થાવ. નાનાં ઘર જલ્દી બની જાય પણ મહેલ બનાવવામાં સમય લાગે. બે દિવસ વીડિયો શોપવાળા ભાઈએ પ્રેમથી રહેવાની વ્યવસ્થા કરી આપી અને ટિકિટનું ટેન્શન પણ ટળી ગયું.
અમે બધાં થયેલી વ્યવસ્થા મુજબ અજીહાઉસ પહોંચી ગયાં. સિદ્ધાર્થે પોતાની મજબૂરી જણાવી. અમને વિશ્વાસમાં લઇ નીકળી ગયો હોત તો પણ અમે ક્યાં રોકી શકવાના હતા? ઘણાને સિદ્ધાર્થની વાત ગમી અને તરત કદરનાં પુલ બાંધવા મંડી પડ્યાં. બાકી કદર તો કદરદાનની થાય. કદમાં તો પડછાયો પણ માણસથી મોટો હોય છે. ખેર! હવે ત્રણ દિવસ પછી શો હતાં.
રાત્રે ડિનર પછી સિદ્ધાર્થે કહ્યું, ‘કાલે બધાં વહેલાં ઊઠી આપણે મસાઈમારા જવા નીકળી જઈશું. બીજાની ખબર નથી પણ અમારાં ત્રણેયમાં હરખનાં સ્પન્દન ફરી વળ્યાં. હવે મજા આવશે એમ મનોમન થયું, જાણે વાદળ નામના પડદા ખુલ્યા, સૂર્ય નામનું ફોકસ પડ્યું, સવાર નામનો રંગમંચ ઝળહળી ઉઠ્યો અને નવી સફરનું નાટક જાણે ચાલુ થયું, ચાલો, જીવી લઈએ.
એ રાતે ‘ટીચર્સ’નાં છેલ્લાં ઘૂંટડા મસાઈમારાનાં નામને સમર્પિત કરતાં ગટગટાવ્યા. અમે ખૂબ ઉત્સાહમાં હતાં. કદાચ સિદ્ધાર્થ કે જતીનને એટલી ઉત્સુકતા ન પણ હોય. અમે તો જવાના નામ માત્રથી જાણે ખુશીથી ભીંજાય ગયેલાં. પલાળવું અને ભીંજાવું…ફરક માત્ર એટલો છે કે જે જડ છે એ પલળે છે અને જે લાગણીશીલ હોય એ ભીંજાય છે.
બીજે દિવસે નવા જોમ સાથે અમે ‘કોમ્બી-સવારી’ શરૂ કરી. સિદ્ધાર્થ પણ પત્ની-પુત્રને લઈ મૂડમાં હતો. એની પત્નીને ફોટોગ્રાફીનો અનહદ શોખ હતો એ એની વાત પરથી જાણ્યું. એની પાસે મોટો કેમેરો હતો, જેનાથી એ મસાઈમારાની પ્રાણી- પ્રકૃતિનાં ફોટો કેદ કરી શકે. કોમ્બીમાં થોડા આગળ ગયા અને પ્રતિબંધિત એરિયા શરૂ થાય એ પહેલાં થોડા ‘મસાઈ’ લોકો દેખાયા. એ લોકોના પહેરવશનાં નામે માત્ર ‘ટારઝન’ જેવી સહેજ મોટી લંગોટી અને પગ, હાથ અને નાકમાં જાતજાતનાં ઘરેણાં.
રસિકથી રહેવાયું નહીં. નિષેધ એરિયા શરૂ નહોતો થયો એટલે એણે કોમ્બી ઊભી રખાવી. મોમ્બાસા હતી એ જ કોમ્બી હતી અને ડ્રાયવર પણ એ જેનું નામ હતું, નિકોલસન. એ ‘કેમ છો… ‘મજામાં છો’ જેવું ભાંગ્યું-તૂટ્યું ગુજરાતી બોલી શકતો. રસિક સાથે અમે પણ ઉતર્યા. રસિકે કેમેરો એક મસાઈને આપ્યો અને બીજા મસાઈ સાથે ફોટો પડાવ્યો. ફોટો તો પડ્યો પણ પછી ફિલ્લમ ઉતરી ગઈ. દૂરથી ફોટો પાડી એ મસાઈ કેમેરો લઈને દોડવા માંડયો. એની પાછળ રસિક. શ્વાસ ચડી ગયો ત્યારે માંડ આંતરી શક્યો. એ કેમેરો પાછા આપવા 50 શિલિંગ માગવા માંડયો. છેવટે 20 શિલિંગ આપી પતાવટ કરી કેમેરો પાછો લીધો ત્યારે નિરાંત થઈ.
આટલી મજલ કાપ્યાં પછી ઘણાને ‘લઘુશંકા’ કરવી હતી. ખુલ્લું મેદાન હતું. ત્યાં વોશરૂમ ક્યાંથી હોય? બધી લેડીઝોને કોમ્બીમાં બેસાડી અમે ખુલ્લામાં લઘુશંકા દૂર કરી કોમ્બીમાં બેઠા.
લગભગ 10 વાગે સુંદર હોટેલ ‘કીકોરોક’ પહોંચ્યાં. ત્યાં બ્રેકફાસ્ટ કરી સવારની રાઈડ કરવાની હતી. રૂમની વહેંચણીમાં બધાં બરાબર રહ્યા પણ એક રજનીબહેન માટે એક રૂમ અલગ લેવો પડે એમ હતું. હું, સનત અને સચ્ચું, રાજુ-જસ્મીન સાવલા. રસિક- કેતકી, સિદ્ધાર્થ-પત્ની, પુત્ર. રજનીબહેને ને એકલાં રહેવામાં વાંધો નહોતો. સિદ્ધાર્થે રાતનાં નીકળતાં વાઘ-દીપડાની વાત કરી પણ મજબૂત મનોબળ ધરાવતા રજનીબહેનને પ્રોબ્લેમ નહોતો. સાચવે એનાં કરતાં સાવચેત કરે એ અંગતની રુએ એમને ચેતવી દીધાં.
રજનીબહેન શાંતારામના પત્ની…જૂની રંગભૂમિની ઘણી ચડ-ઊતર જોઈ ચૂકેલાં, હિમ્મતવાળાં. એમણે કહ્યું કે ‘મને ડર નહીં લાગે અને આમ પણ આપણા બધાના રૂમ બાજુબાજુમાં જ છે એટલે ચિંતા ઓછી.’
અમે ‘કીકોરોક’માં નાસ્તો પતાવી રાઈડ પર નીકળ્યાં. કોમ્બી એકદમ સલામત,. એની હુડનો ભાગ થોડો ઊંચો થાય એટલે તમે અંદરથી પ્રાણીઓ જોઈ ફોટા લઈ શકો.
કોમ્બીમાં નીકળ્યાં ત્યારે હોટલ તરફથી એક ગાઈડ પણ સાથે જોડાયેલ. એ નિકોલસનને બતાવતો રહેતો. ત્યાં કોઈ કોમ્બીવાળો પસાર થાય ત્યારે એણે કઈ ‘ખાસ’ જોયું હોય તો ઇન્ફોર્મ કરતો જાય કે ક્યા શું અને કેટલે દૂર છે. એકે જણાવ્યું કે થોડે દૂર એક ચિત્તો ઝાડ પર બેઠો છે. અમે ત્યાં લઈ જવા કહ્યું કે એ બધું આવતી કાલની રાઇડમાં જોવાનો શિડ્યુલ છે. અત્યારે તો હરણ, સાબર અને ચિમ્પાઝી જેવા વાંદરા દેખાતા હતા. શિયાળ અને અમુક પક્ષીઓ કોમ્બી પાસેથી પસાર થતાં અને કોમ્બી ઉભી રાખવી પડતી. આ નાની રાઈડ હતી જે પતાવી લંચટાઈમ સુધી અમારે હોટલ પર પહોંચી જવાનું હતું.
અમે ‘કીકોરોક’ પહોંચ્યા ત્યાં રૂમની બહાર રેતીમાં સિંહના પગલાનાં નિશાન દેખાયા. રજનીબહેનની હિમ્મત તૂટી, કહે, ‘હું એકલી રૂમમાં નહીં રહી શકું. રાત્રે બાર વાગ્યાં પછી આવું કઈ આવી જાય તો મારાં તો બાર જ વાગી જાય!’
ટીચર: અ ઇ ઈ ઉ બોલ ટેણિયા..
ટેણિયો: અ ઇ ઈ ઉ ઇં ક
ટીચર: ૠ ઋ ક્યાં?
ટેણિયો: એ આપણા નસીબમાં જ નથી.
આપણ વાંચો: શો-શરાબા: આઇડેન્ટિટી ક્રાઈસીસ!