મેટિની

ખુશીમાં ગજબ ગણિત છે… ડિવાઈડ કરો તો મલ્ટિપ્લાય થાય!

  • અરવિંદ વેકરિયા

આ 18 ઓકટોબર-25ના મારી પત્ની ભારતીનું નિધન થયું. એ વસમાં આઘાત પછી પણ મારાં લેખ આવતાં જોઈને ઘણાને આશ્ચર્ય થયું કે આવાં પ્રિયજનની વજ્રઘાત સમી વિદાય પછી પણ તમે લેખ લખી શકો છો? બીજા કોઈ હોય તો કદાચ ‘ગેપ’ પાડે, પણ તમે લખાણ ચાલુ રાખ્યું?

આજે જાહેરમાં કહું છું કે એ માટે મારે મારી પત્ની ભારતીનો આભાર માનવો રહ્યો. મને કહેલું કે ‘તમને લખવાની હિમ્મત તંત્રી નીલેશ દવે- ‘મુંબઈ સમાચારે’ આપી છે. એમની કોઈ અડચણથી તમારી કોલમ બંધ થાય તો વાત અલગ, બાકી તમે વિચલિત થઈ ‘વિરામ’ ન લેતાં’.

અત્યારે પરિસ્થિતિ મારી એવી છે કે મારી આંગળીથી તણખલું પણ તૂટે એમ નથી, પરંતુ ભારતીની પ્રેરણા ગોવર્ધન ઊંચકાવે એટલે ઊંચકવો જ રહ્યો. અમારાં સહિયારા જીવનનાં 50 વર્ષ 31-મે, ના દિવસે પૂરા કરી હસતાં-રમતા ઉજવણી પણ કરી હતી.

મળે તો માણી લો, એક-મેકનો સાથ,
ઝાકળ જેટલું જીવન આપણું, ઝાકળ જેટલી રાત!

મને જાણ છે કે કોઈ ગેરંટી નથી એ જિંદગી અને જેની ફૂલ ગેરંટી છે એ મૃત્યુ. મને ચિંતા મારા પુત્રોની છે. ભારતી જેટલો પ્રેમ હું આપી શકીશ? છાંયડો વડ નો હોય કે વડીલનો, હંમેશાં ઠંડક આપે.

એક ખાસ વાત… સિદ્ધહસ્ત પત્રકાર એવા ભરત ઘેલાણી, જે ‘મુંબઈ સમાચાર’ની પૂર્તિ (સોમ થી રવિ) નાં એડિટર તરીકે જોડાયા પછી મને એક અનુભવી પત્રકાર તરીકે મારાં એક લેખ માટે અમુક સૂચનો કર્યા. મારો ‘અહમ’ મારાં પર હાવી થઈ ગયો. મેં ભારતીને વાત કરી. એણે લેખ વાંચીને કહ્યું કે ‘ભરતભાઈ 100 ટકા સાચા છે. અનુભવ સામે નવા લહિયાએ શાંતિથી વિચારી ‘રીએક્ટ’ કરવું જોઈએ.’ મને એની વાતમાં તથ્ય લાગ્યું. એ પછી ભરતભાઈએ ચીંધેલા માર્ગે મેં લખવાનું શરૂ કર્યું. શરત એટલી કે લેખ મોકલતા પહેલાં મારે લેખ ભારતીને વંચાવવો. ત્યારથી એ મારાં લેખ માટે મારી એડિટર બની ગઈ.

મેં મારી એ એડિટર ગુમાવી, પણ એણે દર્શાવેલો માર્ગ મારાં મગજમાં એવો ફીટ કરી દીધો છે, જે એડિટ નહીં થાય એનો મને વિશ્વાસ છે. પુણ્ય કરવું એ ભારતીનાં જીવનનું ધ્યેય રહ્યું અને પુણ્ય એટલે એક એવી કમાણી જેને મૃત્યુ પણ ન લઈ શકે, પાછળ રહેલાં અમે એ પુણ્યધર્મ અવિરત ચાલુ રાખીશું. અમે લગ્ન વખતે સોંગંધ લીધા હતાં કે જીવનભર અમે એકબીજાનો સાથ રાખીશું એ વિચારે મેં દરવાજાને તાળું લગાડીને જોયું તો પણ દુ:ખને ખબર પડી ગઈ કે હું ઘરમાં છું અને મારી બેટર-હાફને ખેંચી ગયું.

હવે આગળ…
ટૂંકમાં લગભગ મહિના ઉપર નૈરોબીમાં શો પતાવી ‘આપણા ભારત’ની ધરતી પર પગ મુક્યો અને પ્રસન્નતાની અનોખી લહેર પ્રસરી ગઈ. પરિવારને મળીશું એનો આનંદ દરેકનાં મોઢાં પર ઝળકતો હતો. જેને પરિવારથી લાંબો સમય જુદા રહેવાની આદત નથી હોતી એ ‘હોમસિક’ થઈ જતાં હોય છે. મોબાઈલ હતાં નહી એટલે વ્હોટસ અપ કોલીંગ શક્ય નહોતું અને એસ.ટી.ડી.નાં બૂથમાં જઈ રોજ સંપર્કમાં રહેવું આર્થિક કારણે શક્ય નહોતું. આ બધાને વટાવી છેલ્લે બધા ઉમળકાભેર છૂટા પડ્યા.

હું ઘરે પહોંચ્યો. ભારતી અને બાળકો ખુશ થઈ ગયાં. એમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. ભયાનક ખાલીપામાં જે ભરચક અજવાળું ભરી જાય એ પ્રેમ. બધાં ભેગાં મળ્યાં અને ઘર આખું જાણે હસી-મજાકથી ઉલ્લાસિત થઈ ગયું.

નાની-મોટી વસ્તુઓથી બાળકો ખુશ અને ‘યાસિકા’ કેમેરો જોઇને ભારતી ખૂબ રાજી થઈ. ઘરમાં ખુશીનું વાતાવરણ સર્જાય ગયું. આ ખુશીમાં એક ગજબ પ્રકારનું ગણિત સમાયેલું છે. તેને ડિવાઈડ કરવાથી મલ્ટિપ્લાઈ થાય છે. બે દિવસ ખૂબ આનંદ માણ્યો. નહોતું કોઈ નાટક કે નહોતા કોઈ રિહર્સલ. મોકાનો આનંદ કરવાનો અવસર શોધી લીધો. જવાબદારી તમને છોડીને ક્યાંય જવાની નથી એ બ્રહ્મજ્ઞાન હતું એટલે ખૂબ મોજ કરી બે દિવસ.

બે દિવસ પછી મને તુષાર શાહનો ફોન આવ્યો. જેમના નિર્માણ માટે મેં વાત મધરાત પછીની, કલંક અને શક જેવાં નાટકો ડિરેક્ટ કરેલાં. હું અને દીપક સોમૈયા સાથે એડવર્ડટાઈઝિંગનું કામ સાથે કરતાં જે પછી અમે છૂટા પડેલા.

દીપકે નાટ્ય તેમજ બીજી જાહેરાતનો બિઝનેસ ચાલુ રાખેલો જે હજી ચાલુ છે. તુષારભાઈ નાટક કરાવવા આવ્યા ત્યારે અમારાં એમની પાસેથી 60,000/- લેણાં નીકળતાં હતાં. ત્યારે…અત્યારે ખબર નહી કેટલા થાય…પૈસા બાકી રાખી તુષારભાઈ ‘છુ’ થઈ ગયેલા. કોઈ સંપર્ક નહીં. એમની નાટકની ઈચ્છા માટે મેં બે દિવસ પછી જવાબ આપવા જણાવ્યું. મેં દીપકને તુષારભાઈની આખી વાત કરી.

દીપક સખત ગુસ્સામાં હતો. મેં કહ્યું ‘હવે આવ્યા છે અને ફોન કર્યો છે તો પૈસાની વાત ચોક્કસ કરી લઈશું.’ મને એ કહે, ‘દાદુ, 60000 બાકી છે મને મારા 30000 મળવા જ જોઈએ.’ મારે નાટક ડિરેક્ટ કરવાનો સ્વાર્થ તો હતો એના કરતાં સંબંધ પણ સચવાય રહે એ જોવાનું હતું. હું તો કહું છું જીવનમાં સાચવી શકો તો સંબંધને સાચવજો બાકી પૈસા તો બેંક પણ સાચવે છે. સંબંધો સાચવવા હજુ સેફ- ડિપોઝિટ વોલ્ટ ખુલ્યા નથી.

બે દિવસ પછી અમે મળ્યા. મેં નાટકના વિષય માટે શોધ તો શરૂ કરી જ દીધેલી. આનંદ મસ્વેકરનાં એકાંકીઓ ત્યારે સ્પર્ધામાં ઘણી ટ્રોફીઓ જીતતી. પછી એ મરાઠીમાં ત્રિઅંકી નાટકો તખ્તે રજૂ કરતો થયો. અને છેલ્લે તો મરાઠી લેખકોમાં પણ એનું નામ માનથી લેવાતું થઈ ગયેલું. એના મરાઠી નાટકનું રૂપાંતર હંમેશાં દિનેશ કોઠારી (જે હયાત નથી) કરતાં. આનંદનો એક વિષય મને ગમી ગયેલો. મેં આનંદ મસ્વેકર અને દિનેશ કોઠારીને મેળવી દીધાં. દિનેશે બે દિવસ પછી કામ શરૂ કરવાનું કહ્યું. તુષારભાઈ તરફથી નીકળતાં 60,000/- લઈ નાટકની જાહેરખબર દીપક પાસે જ કરાવવાનું મેં નક્કી કર્યું.
એક વાત કહો, ખોટું બોલવાથી પાપ લાગે છે અને સાચું બોલવાથી મરચાં લાગે છે, તો બોલવું શું?

આપણ વાંચો:  શો-શરાબાઃ યે ફિલ્મ માંગે વોર…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button