‘ગુડ ન્યૂઝ’ પછી ગુડ ન્યૂઝ…
અક્ષય કુમાર સાથેની કોમેડી ડ્રામા ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો એના પાંચ વર્ષ પછી થિયેટરમાં રિલીઝ થયેલી કરીના કપૂરની આ ફિલ્મને પણ સફળતા મળી છે
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
કરીના કપૂર હવે હરવા ફરવામાં, મોડલિંગ અસાઈન્મેન્ટ કરવામાં તેમજ બે બાળકોના ઉછેરમાં વધુ ધ્યાન આપી રહી હોવાથી ફિલ્મમાં કામ કરવાની તેની રૂચિ ઓછી થઈ ગઈ છે એવો ગણગણાટ કેટલાક સમયથી સંભળાઈ રહ્યો હતો.
૨૦૧૯માં અક્ષય કુમાર સાથેની હિટ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ પછી કરીના કપૂરની પાટી પર ફિલ્મોનું ઝાઝું ચિતરામણ નજરે નથી પડ્યું. બે સુપર ફ્લોપ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ (૨૦૨૦) અને લાલ સિંહ ચઢ્ઢા’ (૨૦૨૨) પછી એની એક ફિલ્મ (‘જાને જાન’ ) આવી પણ ઓટીટી પ્લેટફોર્મ પર અને બીજી( ‘ધ બકિંગહામ મર્ડર્સ’) ‘નેટફ્લિકસ’ પર આવવાની તૈયારીમાંછે.
આમ પાંચ વર્ષથી સફળતા કરીનાને હાથતાળી આપી રહ્યા હતા. જો કે, ગયા સપ્તાહે રિલીઝ થયેલી ‘ક્રૂ’ની સફળતા કરીના માટે ‘હમ હૈ વહીં હમ થે જહાં’નો પડઘો પાડનારી સાબિત થઈ છે. પહેલા ચાર દિવસમાં ફિલ્મ ૩૭ કરોડનો વકરો (બોક્સ ઓફિસ કલેક્શન) કરવામાં સફળ રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘મડગાંવ એક્સપ્રેસ’ અને ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ના પહેલા અઠવાડિયાનો વકરો કરીનાની ફિલ્મ કરતાં ખાસ્સો ઓછો હતો.
‘ક્રૂ’ની પ્રારંભિક સફળતા કરીના કપૂર માટે ‘ગુડ ન્યૂઝ’ પછીના પહેલા ગુડ ન્યૂઝ – સારા સમાચાર છે. ક્રિતી સેનન તો અત્યારે જ ફિલ્મની સિક્વલની વાત કરી રહી છે. સરખામણીનો ઉદ્દેશ નથી, પણ જો ‘ક્રૂ’ની સિક્વલ બને તો જેમ પુરુષ કલાકાર (પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી)ની ત્રિપુટીને લઈ ‘હેરાફેરી’ અને ‘ફિર હેરાફેરી’ બની એવું પુનરાવર્તન અભિનેત્રી ત્રિપુટીની બાબતે બની શકે. સોશિયલ મીડિયા પર ખાસ્સી પ્રવૃત્ત રહેતી કરીના કપૂરએ ફિલ્મની સફળતાથી પોરસાઈ યંગસ્ટર્સના ફેવરિટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી જણાવ્યું છે કે ‘મહિલાઓ ભેગી થાય ત્યારે મેજિક જોવા મળે. બોક્સ ઓફિસ પર સારો આવકાર મેળવી રહેલી ફિલ્મ ‘ક્રૂ’માં મેં પણ કામ કર્યું છે એનો મને અદકેરો આનંદ છે. રિયા કપૂર અને એકતા કપૂર સાથે મારી આ બીજી હિટ ફિલ્મ છે. (પહેલી હતી ‘વીરે દી વેડિંગ’ – ૨૦૧૯). બીજી વાર સફળતાનો સ્વાદ ચાખ્યા પછી લાગે છે કે આપણે ટ્રીની ફિલ્મ સાથે કરી હેટ – ટ્રીક પૂરી કરવી જોઈએ.’ રાજેશ ક્રિષ્ણન દિગ્દર્શિત અને શોભા કપૂર, એકતા કપૂર, અનિલ કપૂર અને રિયા કપૂર નિર્મિત ‘ક્રૂ’માં કરીના કપૂર ઉપરાંત તબ્બુ અને ક્રિતી સેનન પણ છે અને દિલજિત દોસાંજ અને કપિલ શર્માના નાનકડા રોલ છે. આ બધા જાણીતા કલાકાર વચ્ચે એક અજાણ્યું નામ, એક અજાણ્યો ચહેરો નાનકડો એવો રોલ (સબ ઇન્સ્પેક્ટર માલા) કરી દર્શકોનું ધ્યાન ખેંચી પોતાની હાજરીની નોંધ લેવાની ફરજ પાડનારી અભિનેત્રી છે તૃપ્તિ ખામકર.
ફિલ્મની વાર્તા ત્રણ યુવતી ફરતે આકાર લેતી હોય અને ત્રણેય અભિનેત્રી દમદાર પર્ફોર્મન્સ માટે મશહૂર હોય એ પરિસ્થિતિમાં ’તૃપ્તિએ મસ્ત કામ કર્યું છે’ એવું સિને રસિકોને યાદ રહી જાય એ બહુ મોટી સિદ્ધિ કહેવાય.
અલબત્ત, ફિલ્મમાં સબળા પાસાની સરખામણીએ નબળા પાસા વધારે છે. ત્રણ એર હોસ્ટેસ જે સહેલાઈથી સોનાના સ્મગલિંગના કેસમાં સફળતા મેળવે છે એ હાસ્યાસ્પદ વધુ લાગે છે. જો કે, આજના દર્શકને લોજિક સાથે ઝાઝી નિસ્બત નથી હોતી. એન્ટરટેઇન્મેન્ટ મળે એટલે ભયો ભયો. ફિલ્મ એ બાબતમાં નિશાન સાધ્યું છે. સામાન્ય બોલચાલમાં સાંભળવા મળે એ શૈલીના ડાયલોગ, ત્રણ યુવતીઓની સેક્સ અંગે કોઈ પણ છોછ વિના ચર્ચા અને ટાઈમપાસ મનોરંજન ફિલ્મનું જમા પાસુ છે. ફિલ્મની વાર્તામાં છબરડા અને અરાજકતા વારંવાર નજરે પડે છે અને એ ફિલ્મને હળવીફુલ બનાવી દર્શકોને ગમ્મત કરાવે છે.
મુખ્ય પાત્ર મહિલાના અને પુરુષના પાત્ર શોભાના ગાંઠિયા જેવા અથવા પૂરક હોવા છતાં ફિલ્મને ઠીક ઠીક આવકાર મળ્યો એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આનંદની વાત છે. જો આ ફિલ્મ નફાકારક સાબિત થશે તો અન્ય ફિલ્મમેકરો પણ અખતરા કરવાની હિંમત કરશે.
મહિલા પ્રધાન તરીકે ઓળખાતી ફિલ્મોનો ઈતિહાસ ૫૦ વર્ષથી વધુ જૂનો છે. જો કે, ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘વીરે દી વેડિંગ’ પછી એના સ્વરૂપમાં ‘ક્રાંતિકારી ફેરફાર’ આવ્યો એમ કહેવાય છે. પહેલી વાર ફિલ્મના સ્ત્રી પાત્રો ‘પરમ સુખ’ (ઓર્ગેઝમ)ની ચર્ચા કરતા જોવા મળ્યા. દિગ્દર્શક શશાંક ઘોષે અત્યંત કાળજી રાખી રજૂઆતને છીછરી કે હલકી નથી બનવા દીધી. એમાં કોમિક ફ્લેવર ઉમેરી શિષ્ટ મનોરંજન કર્યું છે. અલબત્ત, આવા પ્રયોગ કે આવી રજૂઆતને સ્વીકૃતિ મળવી શરૂઆતમાં આસાન તો ન જ હોય. જો કે, એક રાહતની વાત એ હતી કે વિશાળ પાયે સ્વીકાર ભલે ન થયો, પણ મોં મચકોડવાની કે હાય હાય ફિલ્મમાં કેવું દેખાડ્યું છે જેવો વિરોધનો સૂર પ્રગટ ન થયો. જોગાનુજોગ આ ફિલ્મના થોડા મહિના પછી કરણ જોહરની ‘ધ લસ્ટ સ્ટોરીઝ’ આવી અને સેક્સ્યુઅલ ફ્રીડમને થોડું વધુ મોકળું મેદાન મળ્યું. એમાં જે પ્રકારની સ્ટોરી આવરી લેવામાં આવી હતી એમાં એક પગથિયું આગળ વધી ‘લસ્ટ સ્ટોરીઝ ૨’ની રજૂઆત કરવામાં આવી. ૨૦૧૮માં ‘વીરે દી વેડિંગ’ વખતની સરખામણીએ ૨૦૨૪ની ‘ક્રૂ’ના સંવાદો વખતની દર્શકોની પ્રતિક્રિયા વધુ સહજ અને સામાન્ય રહી છે એવું કહેવાય છે. આવા અખતરા કરતાં દ્રશ્યોની ખાસિયત એ છે કે જેમ જેમ એ વધુ જોવા મળે એમ એ સામાન્ય અને સહજ બનતા જાય. એક સમય હતો જ્યારે હિન્દી ફિલ્મમાં હીરો – હિરોઇનનું ચુંબન દ્રશ્ય બે ફૂલ એકબીજામાં ગૂંથાઈ જાય એ પ્રતીકથી દર્શાવવામાં આવતું. વાત ધીરે ધીરે આગળ વધી સિરિયલ કિસર ઈમરાન હાશ્મી સુધી પહોંચી. હવે તો પડદા પર લિપ લોક (પહેલા ચુંબન, પછી કિસ અને હવે લિપ લોક કહેવાય છે) એટલા સ્વાભાવિક બની ગયા છે કે એ પ્રકારના સીન રાબેતા મુજબના લાગે છે.