મેટિની

સ્ટાર-યાર-કલાકારઃ એની સુગંધનો દરિયો… એક અનોખો ઇન્ટરનેશનલ સ્ટાર

સંજય છેલ

તમે બધાં મારી શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા છો ને? તો એંજોય. કારણ કે મેં મારી લાઇફ એંજોય કરી છે ને એ જિંદગી થોડા જ સમયમાં પૂરી થવાની છે.


આજે લાગણીમાં એટલો ગદ્ગદ્ થઇ ગયો છું કે વાચા ખડક બની ગઇ છે ને શબ્દો જડ થઇ ગયા છે.


હું નથી સક્સેસફૂલ કે નથી ફ્લોપ: હું તો એ બેઉ સ્થિતિની વચ્ચે એક ‘ફ્લોપસેસફૂલ’ માણસ છું.


આવાં અદ્ભુત કાવ્યાત્મક અને સંવેદનાઓ ભરેલા સંવાદો જે નાટકમાં હતા એ ગુજરાતી રંગમંચનું સૌથી નાજુક નમણું નાટક ‘એની સુગંધનો દરિયો’! જેને ગુજરાતી નાટકોના મહારથી એવા અદાકાર અરવિંદ જોષીએ 1985માં ભજવેલું ને એ સમયે વિવેચકો વત્તા પ્રેક્ષકોએ ખૂબ વધાવેલું વખાણેલું.

એ નાટકનો સંબંધ ‘ટ્રિબ્યૂટ’ નામની ફિલ્મ ને હોલિવૂડના બહુ મોટા સ્ટાર સાથે છે, જે હવે જઇ રહેલા વરસ 2025માં જગતમાંથી જતા રહ્યા છે.

કોણ છે એ હોલિવૂડનો સ્ટાર કલાકાર?

ત્યારે હોલિવૂડમાં મદહોશીની દુનિયા હતી. નશીલી રાતો હતી. મોંઘા કપડાં, હાથમાં શરાબનો ગ્લાસ. પાર્ટીમાં સૌના ચહેરા પર બજારુ સ્મિત, પરંતુ આંખોમાં માત્ર કામ મેળવવાની ગણતરી. કોણ કોની નજીક ઊભો છે, કોણ કોને અવગણે છે અને કોણ હવે ‘કામનો’ રહ્યો નથી એ બધું જ આવી પાર્ટીમાં પ્રવેશતાં જ નક્કી થતું. અહીં કોઈ કોઇને દિલથી સાંભળતું નહોતું. માત્ર એકમેકને હળવા મળવાનો, ભેટવાનો, સાંભળવાનો તમાશો ચાલતો.

આપણ વાચો: સ્ટાર-યાર-કલાકાર : ‘સુપર હીરો’ની ‘સુપર કથા’…

1950-60ની હોલિવૂડની આવી રંગીન પાર્ટીઓ દૂરથી તો બહુ આકર્ષક લાગતી, અંદરથી એ પાવરગેમ હતી. હોલિવૂડમાં મોટાભાગના સ્ટાર-એક્ટરોએ આ પાર્ટી સિસ્ટમ સ્વીકારી લીધેલી ‘આ તો શોબિઝ છે’, એમ કહીને. પાર્ટી ટાળો તો રોલ્સ ઓછા થાય એ માર્કેટનું સત્ય હતું. એ જ માહોલમાં એક માણસ હતો જેને આ બધું નકલી, બનાવટી, ને ખોટું લાગતું. ગુજરાતી વાચકો માટે એ નામ બહુ જાણીતું નહીં હોય, પરંતુ હોલિવૂડમાં ‘જીન હેકમેન’ દિગ્ગજ સ્ટાર-એક્ટર હતા.

જીન હેકમેનનો હોલિવૂડની પાર્ટીઓ વિશેનો અણગમો જાણીતો હતો. હેકમેન કહેતા: ‘આ પાર્ટીઓમાં બધું નાટકી ને નકલી છે. લોકો તમને સાંભળતા નથી, માત્ર માપે છે. તમારી સામે કોને કોને ઇમ્પ્રેસ કરવા એ જ વિચાર ચાલે રાખે છે.’

આવી એક મોટી હોલિવૂડ પાર્ટીમાં જીનના દોસ્તે મોટી ફિલ્મમાં મોટો રોલ મેળવવા કોઇ પાવરફૂલ નિર્માતાને મળવાનો આગ્રહ કર્યો. થોડીવાર દોસ્તની વાત સાંભળ્યા પછી હેકમેન બોલ્યા: ‘મને આવી વાતો એબનોર્મલ-વિચિત્ર લાગે છે.’ અને શાંતિથી પાર્ટીમાંથી કોઇ ખુલાસા કે ચર્ચા વિના બહાર નીકળી ગયા.

30 જાન્યુઆરી 1930ના રોજ જન્મેલા જીન હેકમેને જુવાનીમાં નૌકાદળમાં નોકરી કરી પછી નાના મોટા નોકરી ધંધા કર્યા. ફિલ્મોમાં જીન હેકમેન બહુ મોડા આવ્યા. ત્યાં સુધીમાં તો બીજા નબળા કલાકારો સ્ટાર બની ચૂકેલા ને હેકમેન હજી સંઘર્ષ કરતા હતા, કારણ કે હેકમેન, ક્યારેય બનાવટી શોબિઝની દુનિયામાં ફિટ થઈ શક્યા જ નહીં.

જીન હેકમેનની અભિનય શૈલી હંમેશાં નેચરલ ને સહજ રહી. એ સંવાદોથી વધારે મૌનથી ખેલતા. અવાજ ઊંચો કર્યા વગર, ચહેરાની થાકેલી રેખાઓ, આંખોમાં છુપાયેલ અફસોસ અને શરીરની નાની હલચલથી એ પાત્રની આખેઆખી માનસિક દુનિયા રજૂ કરી દેતા. એમને હીરો બનીને છવાઇ જવું નહોતું, પરંતુ એક નોર્મલ માણસ બનીને સાચા લાગવું હતું એટલે જ તેમના રોલ્સ ઘણીવાર કર્કશ, અંદરથી તૂટેલા અને નૈતિક દ્રષ્ટિએ બરોબર ના હોય એવા હતા.

‘ટ્રિબ્યૂટ’ (ગુજરાતી નાટક: એની સુગંધનો દરિયો) જેવી ફિલ્મમાં હેકમેન એક વૃદ્ધ પુરુષનો રોલ ભજવે છે, જે જીવનના અંતિમ પડાવમાં પોતાની ભૂતકાળની ભૂલો, તૂટેલા સંબંધો અને અધૂરી લાગણીઓ સાથે શાંતિ શોધી રહ્યો છે. પાત્ર બહારથી શાંત અને ઓછું બોલતું છે, પરંતુ અંદરથી એકલતા, અફસોસ અને દબાયેલ લાગણીથી ભરેલું હતું. આમાં કોઈ મોટા નાટકીય દ્રશ્યો નથી; એક લાંબી ખામોશી, થાકેલું સ્મિતથી હેકમેન દર્શાવી દે છે કે આ માણસ કેટલું બધું અંદર સહન કરી રહ્યો છે. ના એ નાયક છે, ન તો ખલનાયક. એ એક સામાન્ય માણસ છે, જે સમય અને યાદો સામે ધીમે ધીમે ઝૂકી રહ્યો છે…

પણ ‘ધી ફ્રેન્ચ કનેક્શન’ ફિલ્મમાં પોલીસ ઓફિસરના એના રોલે હેકમેનને પહેલી મોટી સફળતા આપી. એને માટે શ્રેષ્ઠ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ મળ્યો. પછી ‘મિસિસીપી બર્નિંગ’માં ધીરગંભીર ઓફિસર, ‘અનફોર્ગિવન’માં ભ્રષ્ટ શેરીફનો રોલ કર્યો, જે આજેય વિશ્વ સિનેમાના સૌથી જોરદાર નેગેટિવ પાત્રોમાં ગણાય છે.

હેંડસમ જીન હેકમેનને ટિપીકલ કે પરફેક્ટ હીરો બનવામાં કદીયે રસ નહોતો. એમને અધૂરા ખામીઓવાળા પાત્રો ગમતા. થાકેલા, ગૂંચવાયેલા, અંદરથી તૂટેલા ‘અનફોર્ગિવન’, ‘હાઇસ્ટ’, ‘રનઅવે જ્યુરી’ જેવી ફિલ્મોમાં એમણે માણસના મનની ભીતરનું કપટ અને સ્વાર્થને દેખાડ્યો.

‘સુપરમેન’માં હેકમેને ભજવેલો ખલનાયક ખાસ યાદગાર છે, કારણ કે એમાં વિલનછાપ રાડારાડી નહીં, પરંતુ એમાં કોલ્ડ ઠંડી ચાલાકી અને ક્રૂર સંયમ હતો.

હેકમેનને પુરસ્કારો ઘણા મળ્યા. બે વખત સર્વોચ્ચ પુરસ્કાર, ચાર વખત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્ઝ. છતાં એવોર્ડ્સ વિશે કંટાળીને કહેતા કે એવોર્ડ મળે તો સારું લાગે છે, પરંતુ એને સ્વીકારતી વખતનાં ભાષણો નકરો અભિનય ને દેખાડો જ હોય છે.

આ બધા વચ્ચે સ્ટાઇલિશ હેકમેનનું અંગત જીવન સાવ ખાનગી હતું. એમણે પ્રથમ લગ્ન ફેય માલ્ટિઝ સાથે કર્યા, જેમાંથી ત્રણ સંતાનો થયાં. પછી બીજાં લગ્ન કર્યાં, જે જીવનના અંત સુધી ચાલ્યા. કોઈ જાહેર રોમાન્સ નહીં. કોઈ હેડલાઇન કે સનસની નહીં.

હોલિવૂડના આ જબરા સ્ટાર જીન હેકમેન કહેતા: ‘ઘર એવી જગ્યા હોવું જોઈએ જ્યાં માણસ કોઈ રોલ ન ભજવે. જ્યાં કોઈ ઈમેજ જાળવવી ન પડે! ઘર એ જગ્યા છે જ્યાં હું એક્ટર નથી.’ પોલિટિક્સ વિષે પણ કહેતા: ‘હું પોલિટિકલ અભિપ્રાય આપવાના વિરોધમાં નથી પણ માત્ર અભિપ્રાય આપવા માટે થનારી સજા સામે જો માણસ સતત વિચારે કે શું બોલવું સલામત છે કે નહીં તો તે સમાજ સ્વતંત્ર નથી.’

2004માં ‘વેલકમ ટુ મૂસપોર્ટ’ પછી હેકમેને અભિનય છોડ્યો. કોઈ છોડવાની કે પાછાં આવવાની જાહેરાત નહીં. ચૂપચાપ શોબિઝથી બહાર, જ્યાં હોલિવૂડમાં આખી જિંદગી જીવી હતી. હોલિવૂડમાં રહીને પણ હોલિવૂડની પોલિટિક્સ ન રમનાર માણસ, પાર્ટી સંસ્કૃતિથી દૂર રહીને રોલ્સ પસંદ કરનાર એક્ટર. નકલી ગ્લેમરની ચમકદમક નહીં પણ સચ્ચાઈમાં માનનારો હોલિવૂડનો સૌથી મોટો કલાકાર 18 ફેબ્રુઆરી-2025ના જગત છોડી ગયો હોય તો એ હતો જીન હેકમેન!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button