ફોકસઃ હિન્દી રૂપેરી પરદા પરનાં આ છે પાંચ યાદગાર પાત્ર…

લોકમિત્ર ગૌતમ
હિન્દી સિનેમાના ઇતિહાસને જો વાગોળીએ તો એ લગભગ 100 વર્ષ જૂનો છે. આ 100 વર્ષના ગાળામાં એવી અનેકો ફિલ્મ આવી કે જેમાંથી અમુક પાત્રો લોકોના મનમાં વસી ગયાં છે. આમાંથી અમુક હજી પણ યાદ છે અને અમુક પાત્રો એવાં પણ હતાં, જે સમય જતા ભુલાઈ ગયાં. અમુક એવાં પણ હતાં કે જે પડદા પર આવતા જ દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. એમણે દાયકાઓથી વિવિધ પેઢીઓના હૃદય પર અને કદાચ અત્યારની પેઢીના હૃદય પર પણ સંપૂર્ણ રીતે કબજો જમાવ્યો છે.
ટેક્નિકલી આવાં પાત્રોએ એક સદી પણ પૂરી નથી કરી, પરંતુ અમુક પાત્રો દર્શકો પર એવાં છવાયેલાં છે કે જે આજે પણ આપણને રોમાંચિત કરી મૂકે છે. સાહિત્યનાં સદીઓ જૂનાં પાત્રો હજુ પણ આપણા હૃદયમાં તાજા છે, પછી ભલે તે મહાભારત હોય, રામાયણ હોય, અલ્લાદીન હોય કે પંચતંત્ર વાર્તાઓનાં પાત્રો સદીઓ પછી પણ આપણા હૃદયમાંથી બહાર નીકળી શક્યા નથી.
ચાલો, હિન્દી સિનેમાનાં આવાં પાંચ એવાં યાદગાર પાત્રો વિશે જાણીએ, જેમકે..
રાજા (શ્રી 420 વર્ષ: 1955)
‘मेरा जूता है जापानी, ये पतलून हिंदुस्तानी, सर पर लाल टोपी रुसी, फिर भी दिल हे हिंदुस्तानी.’
રાજ કપૂરની શ્રી 420 ફિલ્મ સાલ 1955માં આવી હતી. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. આ ફિલ્મનું રાજા નામનું પાત્ર આજે પણ લોકોના મનમાં રાજ કરે છે. આજે પણ જોકોઈને ભારતીય હોવાનો દાવો કરવો હોય તો આ ગીતના શબ્દો જ કાફી છે. આ ફિલ્મમાં રાજા નામના ગરીબ યુવકની વાત છે, જે મુંબઈ જેવા મોટા શહેરમાં રોજીરોટી માટે આવ્યો છે. મુંબઈ નામની માયા નગરીમાં એની સાદગી અને માસૂમિયત ક્યાંક ખોવાઈ જાય છે. અંતમાં લુચ્ચાઈથી ભરેલા સમાજમાં એની માસૂમિયત અને ઇમાનદારીએ લોકોના મન જીતી લીધા. છેલ્લાં 70 વર્ષથી આ ફિલ્મના ગીતની પંક્તિઓ હજી ય લોકોને કંઠસ્થ છે.
ગબ્બર સિંહ (શોલે વર્ષ: 1975)
‘कितने आदमी थे’?
‘जो डर गया वह मर गया’
શોલે’ ફિલ્મના આ ડાયલોગ્સ હજી પણ લોકોના હોઠે છે. નાના બાળકથી લઈને મોટાઓ સુધી કોઈ પણ આ ડાયલોગ બોલવાનું છોડતા નથી. 1975માં પ્રદર્શિત થયેલીશોલે’ એ એ જમાનમાં તો ધૂમ મચાવી હતી અને આજની તારીખમાં પણ એ ફિલ્મ એટલી જ લોકોને પસંદ પડે છે. આ ફિલ્મનાં ગબ્બર સહિત વીરુ, જય, બસંતીની ત્રિપૂટી જેવાં પાત્ર આજે પણ જીવંત જ છે.
વિજય (દીવાર વર્ષ: 1975)
‘आज मेरे पास बंगला है-गाडी हे – बैंक बेलेंस हे, तुम्हारे पास कया है ?’
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ભજવેલું એન્ગ્રી યન્ગમેનનું પાત્ર હજી યાદ છે. અન્યાયનો વિરોધ કરતો વિજય આજે પણ લોકોના મનમાં કેદ છે. આજે પણ કાળાધંધા કરનારાઓને આ ડાયલોગ સાંભળવો જ પડે છે. 80 ના સાલમાં આ ફિલ્મે ખૂબ જ ધૂમ મચાવી હતી. આમાં વિજય એ એક એવી વ્યક્તિની વાર્તા છે જેની સાથે હજારો યુવક એમ જ માનતા હશે કે આ અમારી વાર્તા છે. આ ફિલ્મમાં એવા યુવકની વાત છે કે જે મેહનત કરે છે, પ્રયત્ન કરે છે, પરંતુ સિસ્ટમથી હારી જાય છે. આ ફિલ્મ સમાજની વાસ્તવિકતા દર્શાવે છે.
રાજ (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે વર્ષ: 1995)
‘बडे बडे देशो में ऐसी छोटी छोटी बाते होती रहती है’
ભારતીય સિનેમાનો મોસ્ટ ફેવરિટ રોમેન્ટિક હીરો એટલે શાહખ ખાન. `ડીડીએલજે’ મુવીમાં રાજ નામનું પાત્ર અત્યારની યુવતીને પણ ગમી જાય તેવું છે. રાજ માત્ર પ્રેમનું જ પ્રતીક નથી, પરંતુ સાથે સાથે એટલો જ એ સંસ્કારી છે. આ ફિલ્મમાં રાજની માસૂમિયત, એનું સ્મિત, અને એનો મસ્તીભર્યો સ્વભાવ અને સિમરન માટે એનો પ્રેમ જોઈને લોકો અંજાઈ ગયા હતા. જ્યાં સુધી રોમાન્સની વાત આવશે ત્યાં સુધી રાજ નામનું પાત્ર યાદ રહેશે.
મુન્નાભાઈ (મુન્નાભાઈ એમબીબીએસ વર્ષ: 2003)
આ ફિલ્મમાં મુન્નાભાઈ એ એક એવા ગુનેગારનો ચહેરો છે કે જે માનવતાનો સંદેશો આપે છે. આ ફિલ્મની `જાદુકી જપ્પી અને ગાંધીગીરી’ કઈ રીતે ભૂલી શકાય? આ કિરદાર બધાને હસાવતા હસાવતા માનવતાનો સૌથી સુંદર પાઠ ભણાવે છે.
આ બધાં જ માત્ર પાત્રો જ નથી, પરંતુ ક્યાંક ને કયાંક માનવતાનો શાશ્વત સંદેશો આપી જાય છે, જે આપણાં સૌના મનમાં અંકાઈ જાય છે.



