ફ્લૅશ બૅકઃ કમલા કુમારી: ફિલ્મોના પ્રથમ ભરતનાટ્યમ કલાકાર…

હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મોમાં જોવા મળતા ભરત નાટ્યમ અને અન્ય શાસ્ત્રીય ઢબના નૃત્યો જોઈને મોટાભાગના લોકોને સાઉથની ફિલ્મોમાં શરૂઆત કરી હિન્દી ફિલ્મોમાં ગજું કાઢનારી વૈજયંતિમાલા (બહાર' અનેલડકી’ તરત યાદ આવે) તેમજ ત્રાવણકોર સિસ્ટર્સ તરીકે ખ્યાતિ મેળવનારી સાઉથની અભિનેત્રીઓ પદ્મિની, રાગિણી અને લલિતાનું (ઉદય શંકરની કલ્પના' તેમ જજિસ દેશ મેં ગંગા બહતી હૈ’) પહેલા સ્મરણ થાય. સ્વાભાવિક પણ છે, કારણ કે વૈજયંતીમાલા અને પદ્મિનીને હિન્દી ફિલ્મોના ગ્લેમરનો લાભ મળ્યો હતો.
જોકે, હિન્દી ફિલ્મોમાં પ્રથમ ભરત નાટ્યમ નૃત્યાંગનાનું બહુમાન તો કમલા લક્ષ્મણને ફાળે જાય છે એની અકસ્માતે જાણ થઈ. સોશ્યલ મીડિયાના એક સ્નેહી નીતિન વ્યાસએ એક પોસ્ટ મૂકી, જેમાં અમેરિકન અખબારમાં તાજેતરમાં છપાયેલી એક બાતમીનો ઉલ્લેખ હતો: `લાજવાબ શાસ્ત્રીય નૃત્યાંગના, નૃત્ય નિર્દેશક અને અભિનેત્રી કુમારી કમલાનું કેલિફોર્નિયામાં 91 વર્ષની ઉંમરે અવસાન થયું.’
આટલું વાંચી તરત રાજ કપૂર-નરગીસની ચોરી ચોરી' ફિલ્મનાથીલના’ મ્યુઝિક સિક્વન્સ યાદ આવી ગઈ. લગભગ ચાર મિનિટના ભરત નાટ્યમ નૃત્યમાં કમલાજી નજરે પડે છે. સૌંદર્ય, લાવણ્ય, માધુર્યના સરવાળાની વ્યાખ્યા હોય એવું પડદા પર લાગે. `થીલના’ દક્ષિણ ભારતના કર્ણાટકી સંગીતનો એક ફાસ્ટ રિધમનો આનંદ વ્યક્ત કરતો સંગીત પ્રકાર છે, જે ભરત નાટ્યમ જેવાં નૃત્ય અથવા મ્યુઝિક કોન્સર્ટના અંતિમ હિસ્સા તરીકે રજૂ કરવામાં આવે છે. સંગીતનું પ્રભુત્વ ધરાવતા આ પ્રકારમાં થોડા શબ્દોનું નાનકડું ગીત પણ હોય છે.
1980ના દાયકામાં ચોરી ચોરી’ ફિલ્મ એક કલા રસિક સાથે જોવાનો મોકો મળ્યો ત્યારેઆ છે કમલા કુમારી જે વિખ્યાત કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણના પ્રથમ પત્ની’ એવી જાણકારી મળી હતી. એક સમયે તેમની ઓળખ કમલા લક્ષ્મણ તરીકે જ હતી. જોકે, આર. કે. લક્ષ્મણ સાથે છૂટાછેડા થયા બાદ નામને કારણે ઊભી થતી મૂંઝવણને કારણે કમલા લક્ષ્મણ કમલા કુમારી બની ગયાં.
1934માં જન્મેલા કમલાજીને બાળપણથી જ નૃત્યનો નાદ લાગ્યો હતો. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે તેમણે લચ્છુ મહારાજ અને અન્ય નિષ્ણાતો પાસે કથક શીખવાનું શરૂ કર્યું હતું. પાંચ વર્ષની ઉંમરે તો તેમણે રામનવમીના પાવન દિવસે મુંબઈમાં પહેલું નૃત્ય સાદર કર્યું હતું. ત્યારબાદ જીવનમાં એવો વળાંક આવ્યો કે કમલાજી કથક નૃત્યમાંથી ભરત નાટ્યમ તરફ વળ્યાં અને આજીવન એની જ ઉપાસના કરી.
ફિલ્મ નિર્માતા ચંદુલાલ શાહ અને તેમનાં પત્ની ગોહરબાઈએ મને મહિનાના 100 રૂપિયાના માતબર પગારે રણજિત સ્ટુડિયોમાં પર્મેનન્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે રોકી લીધી હતી’ કમલાજીએ પચીસેક વર્ષ પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ જણાવ્યું હતું. સોહરાબ મોદીનીજેલર’, અશોક કુમારની કિસ્મત’ અને વિજય ભટ્ટનીરામ રાજ્ય’ જેવી ફિલ્મોમાં કલા પ્રદર્શનની તક મળી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ જામી રહ્યા હતા ત્યાં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું. એ સમયે અનેક દક્ષિણ ભારતીયો મુંબઈ છોડી દક્ષિણના રાજ્યોમાં જતા રહ્યા હતા. કમલાજી અને તેમનો પરિવાર પણ 1942માં દક્ષિણાયન કરી આંધ્ર પ્રદેશમાં સ્થાયી થયો. અહીં તેમણે ભરત નાટ્યમની તાલીમ લેવાનું શરૂ કર્યું અને પરફોર્મન્સ આપવા લાગ્યા હતાં.
આંધ્રથી સ્થળાંતર કરી તમિલનાડુના મદ્રાસ (આજનું ચેન્નઈ) આવ્યા પછી કમલાજીની ખ્યાતિ વધવા લાગી અને હિન્દી ફિલ્મો ઉપરાંત સાઉથની તમિળ, તેલુગુ અને ક્ન્નડ ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળવા લાગી. વૈજ્યંતિમાલા અને પદ્મિની-રાગિણી-લલિતાનું આગમન તો કમલાજી પછી થયું હતું. અમિયા ચક્રવર્તીની એક હિન્દી ફિલ્મ હતી `કઠપૂતલી’ (1957). ફિલ્મના નાયક-નાયિકા હતા બલરાજ સાહની અને વૈજયંતિમાલા. એમાં પણ કમલાજીનું સુંદર નૃત્ય છે.
ચાર મિનિટ અને 54 સેકંડના આ નૃત્ય ગીત `હાયે તૂ હી ગયા મોહે ભૂલ રે’માં બલરાજ સાહનીના થોડી સેકંડના જૂજ ક્લોઝઅપના બાદ કરતા પડદા પર સમગ્રપણે કમલાજીનું બેમિસાલ નૃત્ય જ નજરે પડે છે. સાઉથની એવીએમ નિર્માણ કંપનીના તો કમલાજી ફેવરિટ બની ગયાં હતાં (ચોરી ચોરી એવીએમનું જ નિર્માણ હતું) પણ સિત્તેરના દાયકામાં કોઈ પીઠબળ કે પ્રોત્સાહન નહીં મળતા કમલાજી 1978માં યુએસ ચાલ્યાં ગયાં હતાં. 1983માં બીજા પતિનું અવસાન થયા બાદ તેમણે યુએસમાં ડાન્સ એકેડેમી શરૂ કરી ભરત નાટ્યમની તાલીમ આપી કલાની ઉપાસના જારી રાખી હતી.
- ને ફિલ્મો રંગીન બનવા લાગી…
1950ના દાયકામાં હિન્દી ફિલ્મોના નિર્માણની સંખ્યામાં ગતિ આવી. સાથે સાથે વિષય વૈવિધ્ય અને ગીત-સંગીતમાં પણ મનભાવન ફેરફાર જોવા મળ્યા. અન્ય પાસાંમાં પણ બદલાવ નજરે પડ્યો અને ફિલ્મનું નિર્માણ વ્યાપક સ્તરે રંગીન થવા લાગ્યું. ફિલ્મ ઈતિહાસની નોંધ અનુસાર અરદેશર ઈરાની નિર્મિત `કિસાન કન્યા’ (1937) પ્રથમ હિન્દી રંગીન ચિત્રપટ ગણાય છે. સીને કલર ટેક્નિકથી બનેલી આ ફિલ્મ માટે જર્મનીથી સાધન સામગ્રી મંગાવવી પડતી હતી.
1950ના દાયકાના પ્રારંભમાં કોડાક કંપનીએ ઈસ્ટમેન કલર’ નામની કલર પ્રિન્ટ નામની સુવિધા શરૂ કરી. સોહરાબ મોદીનીઝાંસી કી રાની’ (1953) ટેકનિકલર ફિલ્મ હતી અને અહીંથી રંગીન ફિલ્મો માટે ઝુકાવ વધ્યો હોવાનું માનવામાં આવે છે. એસ. મુખરજીની હમ હિન્દુસ્તાની’ (1960) પહેલી ઇસ્ટમેનકલર ફિલ્મ હતી. હીરો-હીરોઈન હતા સુનીલ દત્ત-આશા પારેખ અને સંજીવ કુમારે એક નાનકડા રોલથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. એસ. મુખરજીએ 1961માંજંગલી’ પણ ઈસ્ટમેનકલરમાં બનાવી.
જોકે, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર દેશદાઝથી છલકાતી હમ હિન્દુસ્તાની’ ખરીદવા ઉત્સુક હતા પણ શમ્મી કપૂર-સાયરા બાનોનીજંગલી’ને હાથ અડાડવા પણ તૈયાર નહોતા. એટલે એસ. મુખરજીએ ડિસ્ટ્રિબ્યુટર માટે બંને ફિલ્મ ખરીદવી ફરજિયાત કર્યું. મજાની વાત તો એ છે કે જેની પાસે ઊંચી આશા હતી એ હમ હિન્દુસ્તાની’ ફ્લોપ થઈ જ્યારેજંગલી’ બ્લોકબસ્ટર સાબિત થઈ. એ દિવસોમાં ગોલ્ડન જયુબિલી મનાવી.



