મેટિની

ફ્લૅશ બૅકઃ બમ્‌‍ બમ્‌‍ બોલે, મસ્તી મેં ડોલે

હેન્રી શાસ્ત્રી

એક એવું બાળપણ હતું. જેમાં જોડકણાં, હાલરડાં સહિત અનેક બાળગીતોની ફોજ હતી અને એની મોજ અનેરી હતી. `મેં એક બિલાડી પાળી છે રંગે બહુ રૂપાળી છે’ કે પછી `ચાંદો સૂરજ રમતા’તા’ અને `અડકો દડકો દહીં દડૂકો’ તેમ જ `ચણ ચણ બગલી ચણાની દાળ’…. આખું વેકેશન નીકળી જાય. ગુજરાતી ભાષામાં એક એકથી ચડિયાતાં બાળ ગીતોનો ખજાનો છે, જે આજે અંગ્રેજીના પ્રભુત્વવાળા સમયમાં તિજોરીમાં બંધ છે અને એની ચાવી ખોવાઈ ગઈ છે અથવા ક્યાંક મુકાઈ ગઈ છે.

હિન્દી ચિત્રપટ સંગીત પાસે પણ સમૃદ્ધ તો નહીં, પણ એક આનંદથી માણી શકાય એવો નાનો,પણ યાદગાર  ઈતિહાસ છે. બાળ ગીતોની જે કેટલીક લાક્ષણિકતા છે એમાંની ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે મોટા ભાગના ચિલ્ડ્રન સોંગ્સ સ્ત્રી ગાયકે જ ગાયા છે. અવાજની કોમળતા એનું કારણ હોવું જોઈએ. તાજેતરમાં જ બાળદિન ગયો. આજે આપણે વિવિધ ગીતકાર-સંગીતકારોએ રચેલાં બાળગીતોનો આનંદ લઈએ અને બાળસહજ નિર્દોષતા અને માધુર્ય માણીએ.

નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ

ફિલ્મ: બૂટ પોલિશ – ગાયક: રફી અને આશા

ગીતકાર: શૈલેન્દ્ર -સંગીતકાર: શંકર જયકિશન

નિ:સહાય બાળકો અને એમને ઘેરતી સમસ્યાને કેન્દ્રમાં રાખી બનેલી આ ફિલ્મનું નિર્માણ રાજ કપૂરએ કર્યું હતું અને ફિલ્મના દિગ્દર્શક હતા પ્રકાશ અરોરા, જેમણે `આગ’, `આવારા’ અને `બરસાત’માં રાજ કપૂરના સહાયક દિગ્દર્શક તરીકે ફરજ બજાવી હતી. બાળક આવતીકાલનું ભવિષ્ય છે એ ભાવના શૈલેન્દ્રના શબ્દોમાં ખૂબસૂરત રીતે વ્યક્ત થઈ છે. 

ગીતમાં ઉજ્જવળ ભાવિ `ભોલી ભાલી મતવાલી આંખોં મેં ક્યા હૈ, આનેવાલી દુનિયા કા સપના સજા હૈ’, ખુમારી `ભીખ મેં જો મોતી મિલે તો ભી હમ ના લેંગે, મુશ્કિલોં સે લડતે ભિડતે જીને મેં મજા હૈ’ અને આવતી કાલની દુનિયા વિશેની કલ્પના `આનેવાલી દુનિયા મેં સબ કે સર પે તાજ હોગા, બદલેગા ઝમાના યે સિતારોં પે લિખા હૈ’ બહુ જ સ્પર્શી જાય એ રીતે વ્યક્ત થાય છે. 

આવતી કાલનું આંજણ આંખને તેજસ્વી બનાવી સુંદર દ્રષ્ટિ બક્ષે છે. ગીતનું પિક્ચરાઇઝેશન માસ્ટર રતન કુમાર અને બેબી નાઝ તેમ જ જોન ચાચા (ડેવિડ) પર ફિલ્માવાયું છે. મોટેરાઓએ જોવી જોઈએ એવી આ ચિલ્ડ્રન ફિલ્મમાં સંગીતકાર શંકર જયકિશન પણ સ્વરાંકનમાં બાળ સહજતા લાવી શક્યા છે.

દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ

ઘરાના- આશા ભોસલે, કમલ બારોટ

શકીલ બદાયૂંની-રવિ

સાસુમા તરીકે ક્રોધ, નારાજી, કકળાટ, લુચ્ચાઈ અને બીજા જે પણ અવગુણ હોય એના મિશ્રણનું ઉત્તુંગ શિખર એટલે લલિતા પવાર. જેમિની સ્ટુડિયોની સામાજિક ફિલ્મ `ઘરાના’માં પણ લલિતા પવાર પરિવારના જુલમગાર વડીલ તરીકે હાજર છે. ડેઈઝી ઈરાની અને અન્ય બાળ કલાકાર પર ફિલ્માવાયેલા આ મસ્ત મજાના ગીતમાં બંને બાળક નારાજ દાદીમાને મનાવવા, ફોસલાવવા બનતી બધી કોશિશ કરે છે. 

ચીડવે છે, એમની સાથે મજાક કરે છે અને ચિત્ર- વિચિત્ર હાવભાવથી તેમને હસાવવાના પ્રયત્નો પણ કરે છે. આવી બાળ હરકતોથી ગમ્મે એવા નારાજ દાદીમા હસી પડે ને માની જાય. ગીતના શબ્દો પણ બાળકના મોઢામાંથી જ સર્યા હોય એવા લાગે છે. `છોડો જી યે ગુસ્સા જરા હસ કે દિખાઓ’ કે પછી `કહો તો હમ તુમ્હારી ચંપી કર દે’ અને `અચ્છી સી કહાની કોઈ હમ કો સુનાઓ’ પંક્તિઓ એના ઉદાહરણ છે. બાળપણ આ ગીતમાં છલકાય છે અને મોજ પણ કરાવે છે.

આ પણ વાંચો…ફ્લૅશ બૅક : `હર હર મહાદેવ’થી ધાર્મિક ચિત્રપટનો દસકો

હમકો મન કી શક્તિ દેના 

ગુડ્ડી- વાણી જયરામ 

ગુલઝાર- વસંત દેસાઈ

ફિલ્મનું ગીત અને એ પણ બાળકોને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલું ગીત દેશભરમાં પ્રાર્થના ગીત બની ગૂંજી ઉઠ્યું હતું. આ એક એવી પ્રાર્થના છે,  જેમાં પ્રભુના કોઈ મૂર્ત સ્વરૂપની વાત નથી કરવામાં આવી. અછડતો ઉલ્લેખ સુધ્ધાં નહીં. ઉલ્ટાનું આત્મવિશ્વાસ કેળવવાની (ખુદ પે હૌસલા રહે) અને ચિંતન (દૂસરો કી જય કે પેહલે ખુદ કો જય કરે) પર ભાર આપવામાં આવ્યો છે. આવી કમાલ ગુલઝાર જ કરી શકે. 

હિન્દી ફિલ્મ સંગીત માટે અજાણ્યા એવા વસંત દેસાઈએ ગીતની ધૂન એવી સરળ પણ ભાવવાહી રાખી છે કે લોકજીભે ચડી જતા વાર નહોતી લાગી. પ્રાર્થના ગીત હોવાથી ચંપી કે એવા અન્ય કોઈ ચીલાચાલુ શબ્દનો ઉપયોગ વર્જ્ય છે. ફિલ્મના ડિરેક્ટર હતા ઋષિકેશ મુખરજી અને એમની ગજબનાક સેન્સ ઓફ હ્યુમર આ ગીતના ચિત્રમાં ડોકિયાં કરે છે. 

શાળા શરૂ થવા પહેલા બધા બાળકોએ ભેગા મળી પ્રાર્થના ગાવી કે બીજી કોઈ સહિયારી પ્રવૃત્તિ નિયમબદ્ધ રીતે કરવી બાળકોને કંટાળાજનક લાગતું હોય છે. ગુડ્ડી (જયા ભાદુરી) પ્રાર્થના વખતે મોડી પડે છે ત્યારે એના ચહેરા પરના હાવભાવ અને અન્ય બાળકોનો મીઠો અણગમો પ્રાર્થનામાં થોડી હળવાશ ઉમેરે છે. ગુલઝારની કમાલ તો જુઓ, ગુડ્ડી ફિલ્મ એક્ટર ધર્મેન્દ્ર પર ફિદા હોય છે અને પ્રાર્થના ગીતમાં એક લાઈન આવે છે કે `સાથ દે તો ધરમ કા, ચલે તો ધરમ પર’. હા, હા, હા. 

નન્હા મુન્ના રાહી હૂં, દેશ કા સિપાહી હૂં

સન ઓફ ઈન્ડિયા- શાંતિ માથુર

શકીલ બદાયૂંની- નૌશાદ

બાળ દિન નિમિત્તે ટીવી-રેડિયો પર અમુક ગીતની અચૂક હાજરી હોય. મેહબૂબ ખાનની `સન ઓફ ઈન્ડિયા’ 1962માં આવી હતી અને ત્યારે હજી આઝાદીની હવાની મહેક લોકો માણી રહ્યા હતા. ફિલ્મના આ ગીતને અફાટ લોકપ્રિયતા મળી હતી. આજે પણ અનેક રસિકોના સ્મરણમાં સચવાયું હશે. સુપરડુપર હિટ `મધર ઈન્ડિયા’ પછી મેહબૂબ ખાનની `સન ઓફ ઈન્ડિયા’ સુપર ફ્લોપ થઈ હતી. આ ગીત સાજીદ ખાન (ફરહા ખાનનો ભાઈ સાજીદ નહીં) પર ફિલ્માવાયું હતું , જે મેહબૂબ ખાન-સરદાર અખ્તરે દત્તક લીધો હતો. 

`મધર ઈન્ડિયા’માં સાજીદે કિશોર વયના બિરજુનો રોલ કર્યો હતો. ગાયિકા છે શાંતિ માથુર, જે ગાયકશ્રી મુકેશજીના કઝીન હતાં. ગીતના રેકોર્ડિંગ વખતે શાંતિની ઉંમર આઠેક વર્ષ હતી. આ જ ફિલ્મમાં એના અન્ય બે ગીત પણ છે `આજ કી તાજા ખબર’ અને `ઈન્સાન થા પેહલે બંદર’. શાસ્ત્રીય રાગ આધારિત ગીતોની ધૂન બનાવવામાં માસ્ટરી ધરાવતા નૌશાદજીએ બાળ ગીતમાં પણ કમાલ કરી છે.

નાની તેરી મોરની કો મોર લે ગએ

માસૂમ – રાનુ  મુખરજી

શૈલેન્દ્ર- હેમંત કુમાર

1960માં આવેલી આ ફિલ્મના સંગીતકાર તરીકે નામ છે રોબિન બેનરજીનું. જોકે, `નાની તેરી મોરની કો મોર લે ગએ’ ગીતનું સ્વરાંકન હેમંત કુમારે કર્યું છે. ગીત ગાયું છે હેમંત કુમારની દીકરી રાનુ મુખરજીએ. ગીતના રેકોર્ડિંગ વખતે રાનુની ઉંમર પાંચેક વર્ષની હતી. ફિલ્મો માટે રાનુનું આ પહેલું ગીત હતું. હેમંત કુમારએ ગીતનું સ્વરાંકન અને રાનુનો લહેકો પૂર્ણપણે બાળગીત લાગે એવો જ રાખ્યો છે. 

બાળ ગીત માટે જરૂરી રમતિયાળપણું અને નિર્દોષ ભાવ એ બંને બાબતો આ ગીતમાં ભારોભાર છલકાય છે. 70 વર્ષ પહેલા આવેલી `જાગૃતિ’માં પણ હેમંત કુમારનું સ્વરાંકન હતું અને એમાં મોહમ્મદ રફીના સ્વરમાં `હમ લાયે હૈં તૂફાન સે કશ્તી નિકાલ કે, ઈસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે’ પણ લોકપ્રિય થયું હતું.

આ પણ વાંચો…ફ્લૅશ બૅકઃ પિતા હિટ તો પુત્ર સુપરહિટ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button