ફટા પોસ્ટર, નિકલા… :સામેથી માગી લીધી અવનવી ગિફ્ટ…

મહેશ નાણાવટી
સામાન્ય રીતે કોઈ પણ ગિફ્ટ એક સરપ્રાઈઝની જેમ જ આપવામાં આવતી હોય છે. હા, એ વાત અલગ છે કે પત્ની જ્યારે પતિને આપતી હોય છે ત્યારે પતિને પૂછતી હોય કે ‘આ વખતે મારી બર્થ-ડેમાં તમે મને શું ગિફ્ટ આપવાના છો?!
જોકે, ફિલ્મની દુનિયામાં આવી રીતે, (પત્ની કે પ્રિયતમા ન હોય એની પાસેથી) સામે ચાલીને ગિફ્ટ માગી હોય એવા કિસ્સા બહુ જુજ છે, પણ જે છે એ મજેદાર છે.
શમ્મી કપૂરે પોતાની ઢળતી ઉંમરે પોતાના કિશોરવયના સમયનો એક સાવ અનોખો કિસ્સો શેર કર્યો હતો. વાત એ સમયની હતી જ્યારે ‘બરસાત’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે વખતે શમ્મી કપૂર સાવ હાઈ-સ્કૂલમાં ભણતા ટીનએજર હતા.
એક દિવસ તે ‘બરસાત’ના શૂટિંગમાં આંટો મારવા ગયા ત્યારે જોયું કે સેટના એક ખૂણે બેસીને અભિનેત્રી નરગિસ રડી રહી છે! રડવું એટલે સાવ ધ્રુસકે ધ્રુસકે નહીં, પણ શમ્મીએ જોયું કે નરગિસ ખૂબ ઉદાસ છે અને એમની આંખોમાં આંસુ છે.
શમ્મીએ નજીક જઈને પૂછયું: ‘નરગિસજી, શું વાત છે? કેમ આમ રડી રહ્યાં છો?’
નરગિસે ઈમોશનલ ઉભરો કાઢતાં કહ્યું:
‘બેટા શમ્મી, રાજ કપૂરે મને એમની નવી ફિલ્મ ‘આવારા’ની ફિલ્મની વાર્તા કહી હતી… એ મને એટલી બધી ગમી ગઈ કે મારે એમાં હીરોઈનનો રોલ કરવાની ખૂબ જ ઈચ્છા છે. પણ હમણાં થોડી વાર પહેલાં મને ખબર પડી કે રાજ કોઈ બીજી હીરોઈન વિશે વિચારી રહ્યા છે!’
આ પણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : ફિલ્મ સ્ટાર્સના કેટલાંક હવાઈ ‘અકસ્માત’
ટીનએજર શમ્મી કહે છે: ‘એમાં હું કંઈ મદદ કરું? તમે કહેતા હો તો હું મોટાભાઈને વાત કરું.’
નરગિસે કહ્યું: ‘ના ના, એવું કશું ના કરતા. બસ, મારા માટે પ્રાર્થના કરજે કે એ રોલ મને મળે! હું તને પ્રોમિસ આપું છું કે જો ‘આવારા’નો રોલ મને મળશે તો હું તને એક કીસ આપીશ!’
આ ‘કીસ’ની વાત સાંભળીને તરુણ શમ્મી તો ખૂબ જ રોમાંચિત થઈ ગયા! કહ્યું કે ‘હું જરૂરથી તમારા માટે પ્રાર્થના કરીશ!’ પણ પછી તો એ વાત વીસરાઈ ગઈ! કેમ કે ‘બરસાત’ પછી રાજ કપૂર બીજા પ્રોજેક્ટોમાં મશગૂલ હતા. છેવટે ત્રણેક વરસ પછી ‘આવારા’નું શૂટિંગ શરૂ થયું.
આ દરમિયાનમાં, શમ્મી કપૂર કહે છે કે ‘હું તો ટીનએજર છોકરામાંથી કોલેજમાં જતો ફેશનેબલ, ડેશિંગ યંગ મેન બની ચૂક્યો હતો…જોકે, મને પણ પેલું ગિફ્ટનું પ્રોમિસ યાદ નહોતું. પણ…’
કહે છે કે એક વાર જ્યારે શમ્મી કપૂર ‘આવારા’ના સેટ ઉપર પહોંચ્યા કે તરત જ નરગિસ એમને જોઈને ચોંકી ગયાં એ ઊભાં થઈને બોલ્યાં:
‘નો!… નો!… નો…!’
શમ્મી પણ સમજી ગયા કે નરગિસજી કઈ વાતે ચોંકી ગયા છે. એ નરગિસજી તરફ આગળ વધ્યા કે તરત નરગિસજી ભાગવા માંડ્યા ને આખા સેટ પર દોડાદોડી મચી ગઈ!
આ પણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : મોટા સ્ટાર્સની સાચી-ખોટી `સંઘર્ષ’ કથા!
છેવટે નરગિસજી થાકીને બોલ્યાં: ‘આઈ વિલ ગિવ યુ એની થિંગ યુ વોન્ટ! બટ નોટ અ કીસ!’ ‘શી ખબર, તે વખતે મને શું સૂઝયું…’ શમ્મી કપૂર કહે છે: ‘મેં કહ્યું, મને ગ્રામોફોન રેકોર્ડ પ્લેયર જોઈએ! ’
નરગિસજી કહે: ‘ડન!’
ખરી મજા તો હવે આવે છે. શમ્મી પૂર એ ઘટનાને યાદ કરતાં કહે છે: ‘નરગિસજીએ મને કારમાં બેસાડ્યો અને પોતે કાર ડ્રાઈવ કરીને અંધેરીના સ્ટુડિયોથી સીધા ચર્ચગેટમાં આવેલા એચએમવીના શોરૂમ પર લઈ ગયાં, અને કહ્યું: ‘ચૂઝ યોર સેલ્ફ, તને જે ગ્રામોફોન પ્લેયર જોઈએ એ.’
શમ્મી કપૂરે મોંઘા મોંઘા પ્લેયરોમાંથી એક હની-બ્રાઉન કલરનું પ્લેયર પસંદ કર્યું. એ તો ઠીક, નરગિસજી: ‘હવે ચાલ મારી સાથે…’ શમ્મી કપૂરને એ ગ્રામોફોન રેકોર્ડઝની બેસ્ટ દુકાને લઈ ગયાં અને કહ્યું: ‘તને ગમતી પચાસ રેકોડર્ઝ તું લઈ લઈ શકે છે!’
શમ્મી કપૂરે તે વખતે રોક, જાઝ, રમ્બા, સામ્બા… વગેરે જાતજાતની રેકોર્ડ પસંદ કરી કરીને લેવડાવી. એ મીઠડી ઘટનાને યાદ કરતાં શમ્મી કપૂર કહે છે: ‘એ રીતના મ્યુઝિક મારી જિંદગીમાં પ્રવેશ્યું…’
આ પણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : તુંડે તુંડે `વિગ’ ભિન્ના
બીજો એક કિસ્સો કવિ નીરજનો છે. ફિલ્મ ‘ક્ધયાદાન’ના પ્રોડ્યુસર રાજેન્દ્ર ભાટિયાની ઈચ્છા હતી કે ફિલ્મનાં ગીતો નીરજ સાહેબ લખે. આ વાતથી સંગીતકારો શંકર અને જયકિશન વાકેફ હતા, પરંતુ ઉત્સાહમાં આવીને રાજેન્દ્ર ભાટિયાએ એક ગીતની સિચ્યુએશન પર ગીત લખવા માટે ડાયરેક્ટ નીરજ સાહેબને કહી દીધું.
નીરજ ગીત લખીને આવ્યા ત્યારે સંગીતકાર શંકરને એ ગીત બિલકુલ પસંદ ન આવ્યું. એમણે જરા ગુસ્સામાં કહી દીધું કે ‘બહુ બકવાસ ગીત છે.’ નીરજ સાહેબે પણ એ જ તૌરમાં આવીને ગીત લખેલો કાગળ ફાડી નાખ્યો!
પછી શંકર-જયકિશને એ જ સિચ્યુએશન માટે નવેસરથી ધૂન બનાવી અને એ ધૂન પર નીરજજીને ગીત લખવા કહ્યું. કવિ નીરજને એ કસબ પણ બખૂબી આવડતો હતો. એમણે એ ગીત લખીને પ્રોડ્યુસર રાજેન્દ્ર ભાટિયાને બતાડ્યું. ભાટિયા સાહેબ ગીતના શબ્દો વાંચીને અવઢવમાં પડ્યા.:
‘શું આ ગીત એમને પસંદ પડશે?’
નીરજે ચેલેન્જ સ્વીકારતા કહ્યું:
‘જો એમને પસંદ પડે તો હું માગું એ તમે આપશો?’
ભાટિયા સાહેબે હા પાડી અને લો, શંકરજીને એ ગીત વાંચતા જ ગમી ગયું! હવે નીરજ સાહેબ કહે છે: ‘મેં તો વટ કે સાથ, એક કાર માગી લીધી! અને હા, ભાટિયા સાહેબે આપી પણ ખરી! એ કાર હતી ‘સ્ટાન્ડર્ડ હેરાલ્ડ’ અને ગીત હતું:
‘લિખે જો ખત તુઝે, વો તેરી યાદ મેં…’!