સ્ટાર-યાર-કલાકારઃ ફિલ્મ્સ ને ફ્રીડમ: ઈટ હેપન્સ ઓન્લી ઇન ઈન્ડિયા…! | મુંબઈ સમાચાર

સ્ટાર-યાર-કલાકારઃ ફિલ્મ્સ ને ફ્રીડમ: ઈટ હેપન્સ ઓન્લી ઇન ઈન્ડિયા…!

સંજય છેલ

70-80ના દાયકામાં એક જોક પ્રખ્યાત હતો: ભારતની સરહદ પર રશિયન કૂતરો અને ભારતીય કૂતરો એકબીજાને મળે છે. એ વખતે રશિયામાં સામ્યવાદી કડક રાજ હતું અને ભારતમાં ભૂખમરીનું…ભારતીય કૂતરો સાવ મરિયલ અને રશિયન કૂતરો એકદમ તગડો. રશિયન કૂતર ભારતીય કૂતરાને કહે છે: ‘તું રશિયા કેમ નથી આવી જતો? ત્યાં ખાવા-પીવાના જલસા છે. સરકાર બધૂં પૂરું પાડે છે!’

તો ભારતીય કૂતરો કહે છે:‘તમારા સામ્યવાદી રશિયામાં ખાવાપીવાની સગવડ છે પણ ભસવાની છૂટ નથી ને? અહીંયા ભૂખે પેટ તો ભૂખે પેટ પણ ભસવા તો મળે છે!’

જી હાં, આઝાદીની આ જ વ્યાખ્યા છે: ‘બોલવાની અને જે ન ગમે એની ભસવાની આઝાદી!’
આજે ફરી હોંશે હોંશે 15મી ઓગસ્ટ મનાવીશું. આપણી આઝાદીનો દિવસ ફરી એકવાર મનાવી લેશું, પણ શું આપણે સ્વતંત્રતા દિવસનો મતલબ સમજીએ છીએ?

આપણ વાંચો: સ્ટાર-યાર-કલાકારઃ મુગલ-એ-આઝમ: શાનદાર દંતકથાના 3 ગુજરાતી કનેક્શન…

એક ફિલ્મ પ્રોડ્યુસર બાપે એના ફિલ્મી દીકરાને પૂછયું: બેટા, 15મી ઓગસ્ટનું શું મહત્ત્વ છે આપણાં દેશમાં?’
ફિલ્મી દીકરાએ કહ્યું: ‘આપણને 1-2 મોટી ફિલ્મ રિલીઝ કરવા મળે! પબ્લિક હોલી-ડે હોય ને?’

આઝાદીનાં વર્ષો વિત્યા બાદ ઘણાં લોકો માટે પણ 15 ઓગસ્ટ રજાનો દિવસ અને નવી ફિલ્મો જોવાનો દિવસ છે, પણ ના, એવું નથી, સાચા સિનેમામાં આઝાદીનો અર્થ ઘણો ઊંડો છે. એવામાં અમને મિલોસ ફોરમેનની એક ઇંગ્લિશ ફિલ્મ ‘પિપલ વર્સિસ લેરી ફ્લિંટ’, જેમાં ‘હસ્લર’ નામનાં સેક્સ-મેગેઝિનના એડિટર લેરી ફ્લિંટ પર અશ્લીલતાનો આરોપ હતો.

એમાં એક પ્રેસ કોન્ફરન્સમાં લેરી પત્રકાર સામે પરદા પર અત્યંત નગ્ન ફોટા એક પછી એક દેખાડે છે અને સાથોસાથ અમેરિકાની સેનાએ વિયેટનામમાં યુદ્ધમાં જે અત્યાચારો કરેલાં એના ફોટા પણ દેખાડે છે…. નગ્ન ફોટા અને યુદ્ધની હિંસાના ક્રૂર ફોટાં બંનેને સામસામે દેખાડયાં પછી લેરી પૂછે છે: બોલો, બીભત્સ શું છે… માણસનું નગ્ન શરીર કે માણસની નગ્ન ક્રૂરતા?

અમેરિકાના રુઢિવાદી ચર્ચ સામે લડી રહેલા એડિટરનો આ પ્રશ્ન ‘આઝાદી’ની સાચી વ્યાખ્યા છે! તો જસ્ટ વિચારીએ, શું આપણે ખરા અર્થમાં આઝાદ છીએં? આઝાદી એટલે માત્ર દેશભક્તિના, મનોજ કુમારની ફિલ્મો કે દિલ દિયા હૈ જાન ભી દેંગે એય વતન તેરે લિયે એમ નહીં.. આઝાદીના અનેક અર્થ છે.

આપણ વાંચો: માપી માપીને સંબંધ રાખનારાનાં ત્રાજવા હંમેશાં ખાલી હોય છે…

સૌ પ્રથમ તો એકતા અને ભાઈચારો હોય ત્યાં જ સાચી આઝાદી વિકસે. મને ગર્વ છે કે હું ફિલ્મ ઇંડસ્ટ્રીમાં રોજી રોટી કમાઉં છું, જ્યાં સાચા અર્થમાં આઝાદીનું વાતાવરણ છે. મને ક્યારેય પૂછવામાં નથી આવ્યું કે હું કઇ જાતિ કે ધર્મમાંથી આવું છું, માત્ર અને માત્ર ટેલન્ટ પરથી જ દરેકની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે.

બોલિવૂડે સમાજની આઝાદીમાં જાણે-અજાણે પ્રચંડ પ્રદાન કર્યું છે, જે કોઇ પણ રાજકીય પાર્ટી કરતાં વધુ છે. 140 કરોડ લોકોને હિંદી ફિલ્મો જ જોડી રાખે છે. ફિલ્મોની હિંદી ભાષાના તાંતણે આખો દેશ એક સાથે હસે છે- રડે છે અને અંધારામાં ઇમોશનલી એકરૂપ થાય છે. હિંદીને રાષ્ટ્રીય ભાષા તરીકે થોપવામાં આવી,પણ સાચો પ્રચાર પ્રસાર ફિલ્મોએ જ કર્યો. સરકારી હિંદી ભાષા સામાન્ય માણસને નથી સમજાતી, પણ ફિલ્મોની હિંદોસ્તાની ભાષા તરત સમજાઇ જાય છે!

અગાઉ શાસ્ત્રીય કે સુગમ સંગીત માત્ર રાજ દરબાર પૂરતું જ સીમિત હતું, પણ ફિલ્મોએ બધા પ્રકારના સંગીતને પણ ઘરે ઘરે પહોંચાડ્યું. આજે પણ ‘મેરે દેશ કી ધરતી’ કે ‘આઇ લવ માય ઇંડિયા’ જેવાં ગીતો વિના 15 ઓગસ્ટ ઉજવવી શક્ય નથી! અગાઉ સાહિત્ય તો ભણેલા ઉચ્ચ વર્ગના લોકો સુધી સીમિત હતું, પણ આજે અક્ષરજ્ઞાન ના હોય એ માણસ પણ દેવદાસ જેવી નોવેલ પર બનેલી ફિલ્મ જોઇ શકે છે.

ફિલ્મો દ્વારા ગાલિબ, સાહિર, મજરુહ, કૈફી આઝમી કે આનંદ બક્ષીની રચનાઓ માણી શકે છે. બોલિવૂડે જન સામાન્યને એકજાતની આઝાદી એ અપાવી છે કે કળા માત્ર ઉચ્ચ ભદ્રલોક સુધી લિમિટેડ નથી રહી.

અગાઉ અલગ અલગ જાતિના પાઘડીઓ-ટોપીઓ કે શેરવાની ધોતીકૂર્તાના પહેરવેશ હતાં… ફિલ્મોએ આપણને ફેશન શીખવી અને સમાજમાં સૌ એક સરખાં કપડાં પહેરતાં થઇ ગયા. દેવ આનંદ જેવી કેપ, રાજેશ ખન્ના જેવા ગુરુ શર્ટ કે માધુરી જેવી સાડીની ફેશન દરેક સમયે આપણે સૌએ અપનાવી છે.

એની સામે દર 15મી ઓગસ્ટે નેતા લોકો ખાદી છાપ વાતો કરવા ખાતર કરે રાખે છે! હિંદી ફિલ્મોએ ‘સુજાતા’ કે ‘અછૂત કન્યા’ જેવી ફિલ્મોથી આભડછેટનો વિરોધ કર્યો. ‘દો બીઘા ઝમીન’ કે ‘મધર ઇંડિયા’ જેવી ફિલ્મોથી કિસાનોના દર્દને વાચા આપી. ‘પ્રેમરોગ’ કે ‘કટી પતંગ’ જેવી ફિલ્મોથી વિધવા વિવાહ જેવા ઈશ્યુ ઉઠાવ્યા. ‘અમર અકબર એંથની’ જેવી મસાલા ફિલ્મથી દેશમાં કોમી એકતાની પણ વાત થઇ.

‘કિસ્સા કુર્સી કા’, ‘ન્યુ દિલ્લી ટાઇમ્સ’, ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ જેવી ફિલ્મોથી સત્તા, સરકાર અને રાજકારણ સામે અવાજ ઉઠાવ્યો. ‘અર્ધસત્ય’થી માંડીને ‘વર્દીવાલા ગુંડા’ જેવી ફિલ્મોથી પોલીસ સિસ્ટમની વાત કરી. જે કામ લાખો કિતાબો ના કરી શક્યા એ કામ ફિલ્મોએ કરી બતાવ્યું છે.

જોકે, ફિલ્મકારોને હજુ પૂરપૂરી આઝાદી મળી નથી. દાયકાઓથી દરેક નાના-મોટા ફિલ્મમેકરને સેન્સરના દમનમાંથી ગુજરવું પડે છે. આજે સેટેલાઇટ અને ઇંટરનેટ દ્વારા આપણાં ઘરોમાં વિદેશી ચેનલો દ્વારા બધું જ દેખાય છે, પણ હિંદી ફિલ્મમાં આપણે વર્ષો જૂની ઘરેડને લીધે અને સેન્સરના વિચિત્ર નિયમોના લીધે વાસ્તવિકતા ખૂલીને દેખાડી નથી શકતા.

હવે તો જાતિ ને ધર્મના ટોળાઓ સરકાર દ્વારા સેન્સર થયેલી ફિલ્મોને પણ રજૂ નથી થવા દેતા અને એની સામે સરકારો વોટબેંકને કારણે લાચાર છે. આજે દેશને વૈચારિક આઝાદી અપાવનાર ફિલ્મમેકરો 100 ટકા આઝાદ દેશમાં આઝાદ નથી!
ચલો, વો સુબહ કભી તો આયેગી… ત્યાં સુધી, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી…. મેરે દેશ કી ધરતી….

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button