ફિલ્મનામા : બચ્ચન-ઘઈની `દેવા’ ડબ્બામાં કેમ ગઈ?

- નરેશ શાહ
બોલિવૂડમાં દર વર્ષે જેટલી પણ રિલીઝ થાય છે એનાથી અડધી ફિલ્મો તો અડધીપડધી બનીને ડબ્બામાં પુરાઈ જાય છે યા તેનું બાળમરણ થઈ જાય છે અને ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝને તેની બહુ નવાઈ પણ નથી થતી, પરંતુ એક ફિલ્મ એવી છે કે જે બની નહીં. તેનો વસવસો આજે પણ તમામ સિનેમાના જાણકાર લોકોને છે.
એ ફિલ્મ હતી અમિતાભ બચ્ચન સ્ટારર દેવા’. શો મેન સુભાષ ઘઈ એ ફિલ્મ પોતાના બેનર હેઠળ અને નિર્દેશનમાં બનાવવાના હતા.વિધાતા’ અને કર્મા’ જેવી તગડી સક્સેસવાળી ફિલ્મ બનાવ્યા પછી સુભાષ ઘઈને થયું કે, તેમણે મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવું જોઈએ અને બચ્ચન-ઘઈ સાથે કામ કરે એ વાત માત્ર ફોનમાં થયેલી વાતચીતમાં જ નક્કી થઈ ગયું. બચ્ચન સાથે નક્કી થયા પછી સુભાષ ઘઈ બેંગ્લોર ચાલ્યા ગયા અનેબેસ્ટ વેસ્ટર્ન હોટેલ’માં એક મહિનો રોકાઈને તેમણે દેવા’નો ફાઈનલ ડ્રાફટ તૈયાર કરી લીધો. ઘઈ માટેકાલીચરણ’ પછી `દેવા’ બીજી એવી ફિલ્મ હતી કે જે હીરોને ધ્યાનમાં રાખીને લખાઈ હતી.
દેવા’ પહેલાંની તમામ ફિલ્મો લખ્યાં પછી સુભાષ ઘઈએ વાર્તાના કિરદારો માટે અભિનેતાઓ પસંદ કર્યા હતા, પણ સુપરસ્ટાર બચ્ચનની વાત જુદી હતી. બમ્બૈયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આ વાતની અનાઉન્સમેન્ટ સાથે રોમાંચ ફેલાઈ ગયો હતો કે બચ્ચન-ઘઈ પહેલી વખત એક સાથે કામ કરી રહ્યા છે. ટે્રજેડી કિગ દિલીપકુમારેદેવા’ ફિલમના મુહૂર્તનો કલેપ શોટ આપ્યો ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ નક્કી થઈ ગઈ હતી: અમિતાભ બચ્ચન, રાજકુમાર, શમ્મી કપૂર, મિનાક્ષી શેષાદ્રી અને ઈલા અરૂણ.
- અને એકાદ શૂટિગ શેડયુલ પૂં થયા પછી સુભાષ ઘઈએ જાહેરાત કરી દીધી કે,
દેવા' ફિલ્મ હું બનાવવાનો નથી!' આ સમાચારથી રીતસર ધ્રુજારો ફેલાઈ ગયો હતો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અને સાચી-ખોટી વાતોના આફટરશોકસથી ગ્લેમર વર્લ્ડ ઉભરાઈ ગયું હતું. મોટાભાગની વાતોનો સૂર એવો હતો કે શો-મેન અને સુપરસ્ટારના ઈગો કલેશને કારણે
દેવા’ ફિલ્મ કોમામાં ચાલી ગઈ.
દેવા’ ડબ્બામાં 1987-88માં પુરાણી, તેને આજે આડત્રીસ વરસ થઈ ગયા છે પણદેવા’ ફિલ્મ ન બની તેનો ચચરાટ આજે પણ સિનેશોખીનો એટલી જ તીવ્રતાથી અનુભવે છે. એ વખતે શૂટ થયેલાં ફૂટેજ જોઈને સુભાષ ઘઈએ પોતાની માન્યતા પણ બદલવી પડેલી કે, હું દિલીપસા’બ પછીના તગડા એક્ટર તરીકે અમિતાભ બચ્ચનને જોતો હતો પણ (`દેવા’ના ફૂટેજ જોયા પછી) હવે હું સ્વીકાં છું કે બચ્ચન દિલીપસા’બથી પણ ચડિયાતા એક્ટર છે!’
દેવા’ ફિલ્મ કદી બની નહીં, તેની પાછળનાં કારણો ક્યારેય બચ્ચન-ઘઈએ જાહેરમાં કહ્યાં નહીં એટલે ધારણાઓનું પોટલું વજનદાર થતું ગયું હતું, પરંતુ 2025માં સુભાષ ઘઈએ પોતાની ફિલ્મોની વાત કરતું પુસ્તક લખ્યું તેમાં પહેલી વખત જણાવ્યું છે કે, એ ફિલ્મ નહીં બનાવવાનો નિર્ણય મેં એટલે લીધો હતો કે મને લાગ્યું કે હું મારી ઈચ્છા મુજબનીદેવા’ નહીં બનાવી શકું, કારણકે…
તેમણે ફિલ્મના શૂટિગ માટે અમિતાભ બચ્ચન પાસે સો દિવસ માગ્યા હતા. બચ્ચને એ માટે ઘઈને પોતાના સેક્રેટરી શીતલ જૈનને જણાવવાનું કહેલું. બેશક, બચ્ચન છેલ્લાં સાત વરસમાં અમર અકબર એન્થોની' થી લઈને
કુલી’ સુધીની સાત સુપરડુપર હિટ ફિલ્મ આપી ચૂકયા હતા અને તેમની તારીખો મેળવવા માટે નિર્માતા-નિર્દેશકો લાળાં ચાવતાં ફરતાં હતા. આવા સંજોગોમાં શીતલ જૈને (સો દિવસની બદલે) બચ્ચનદાદાના સિત્તેર દિવસ જ સુભાષ ઘઈને ફાળવ્યાં. આનાથી સુભાષ ભયંકર અપસેટ થઈ ગયા હતા. તેમણે બચ્ચનને વાત કરી તો તેમણે આશ્વાસન આપ્યું કે તમે શરૂ કરો. આપણે દિવસો મેનેજ કરી લઈશું…
દેવા’ના પ્રથમ શૂટિગ શેડયુલની પૂર્ણાહુતિ પછી તેના રફ પ્રિન્ટ (કાચું ફિલ્માંકન) જોઈને બચ્ચન સહિત બધા ઘઈની કામગિરિથી ખુશ હતા, પણ પ્રથમ શૂટિગ શેડયુલ દરમિયાન જ સુભાષ ઘઈને લાગ્યું કેદેવા’ માટે તેમને અમિતાભના વધુ દિવસો જોઈશે. તેમણે શીતલ જૈન પાસે નવી માગણી મૂકી કે `દેવા’ માટે મારે બચ્ચનના એકસો ત્રીસ દિવસ જોઈશે!
તેમણે બચ્ચનને વાત કરી કે શિતલ જૈન તારીખો નથી ફાળવી રહ્યા તો બચ્ચને તેનો બચાવ કરતાં કહ્યું: `એ પણ શું કરે? તેણે ય બીજા પ્રોડ્યુસરોને ધ્યાનમાં રાખવા પડેને! ‘
એ જ અરસામાં બચ્ચન રાજકારણમાં પણ વ્યસ્ત થતા જતા હતા. સુભાષ ઘઈને થયું કે દિલીપસા’બ માટેના સૂચન તેઓ સાયરાબાનોને કરતાં તેમ જયા બચ્ચનને પરિસ્થિતિ સમજાવે, પરંતુ બચ્ચનના કિસ્સામાં એ કારગર બને તેવું લાગતું નહોતું. સુભાષ ઘઈ સતત ટેન્શનમાં રહેવા લાગ્યા હતા, એ તેમનાં પત્ની રેહાના (મુક્તા) એ પણ નોંધ્યું. સુભાષ ઘઈએ પત્નીને સમજાવ્યું કે, હું મને માફક આવે એ રીતે ફિલ્મ બનાવી શકું તેમ મને લાગતું નથી. બાંધછોડ સાથેની ફિલ્મ બનાવી નાખું તો લોકોદેવા’ માટે જે ઉમ્મીદો બાંધીને બેઠા છે તેનો કચ્ચરઘાણ નીકળી જશે, એ નક્કી છે!’
-`તો પછી શું કરવું છે?’
દેવા’ના બીજા શૂટિગ શેડ્યૂલામાં પોતાની વાત સુભાષ ઘઈએ બચ્ચને કહી ત્યારે તેમણે લાગલું જ પૂછી લીધું. ઘઈ પણ સ્પષ્ટ હતા:મને લાગે છે કે આપણે આ ફિલ્મ ન કરવી જોઈએ. ભવિષ્યમાં ફરી ક્યારેક સાથે કામ કરીશું!’
`ફાઈન.’: બચ્ચનદાદાનો જવાબ હતો: આમ પણ ફિલ્મ બનાવવી કે ન બનાવવી, તેનો નિર્ણય તો પ્રોડ્યુસરે જ કરવાનો હોય!
-અને `દેવા’ બંધ થઈ ગઈ.
બીજા જ દિવસે ખરા પ્રોફેશનલની અદાથી અમિતાભ બચ્ચને પોતાને મળેલી સાઈનિંગ અમાઉન્ટ સુભાષ ઘઈને પાછી મોકલી દીધી. સુભાષ ઘઈએ એ પછી સૌદાગર’ ફિલ્મનું એનાઉન્સમેન્ટ કર્યું, જેનો ક્લેપ શોટ આપવા ખુદ અમિતાભ બચ્ચન આવ્યા હતા ત્યારે એ બોલ્યાં ય ખરા કે,હજુ થોડા દિવસ પહેલાં આ ક્લેપની પાછળ હું હતો.’
…પણ `દેવા’ની વાત ક્યારેય ન ઉચ્ચારીને બચ્ચન-ઘઈ તેના પ્રિ-મેચ્યોર ડેથને કાયમ અફવાની ફૂંકણીથી તાજું જ રાખવામાં નિમિત્ત રહ્યા!
આપણ વાંચો : ફલૅશ બૅક: કોટ પર લોટ: સિનેમામાં સ્માઈલની શરૂઆત