ફિલ્મનામાઃ મેચ્યોર્ડ દર્શકો માટે જોવા જેવી છે આ બે ફિલ્મ…

નરેશ શાહ
સ્ત્રી-પુરુષ અનઇચ્છિત ગર્ભ કે બાળકથી દૂર રાખવામાં મદદ કોન્ડોમ (નિરોધ) આપણે ત્યાં હજુ સંકોચ અને છાનાખૂણાની બાબત રહી છે. ‘દુસરા આદમી’માં રીષીકપૂર હનીમૂન વખતે મેડિકલ સ્ટોરમાં જઇને કોન્ડમ માંગે એ દૃશ્ય 1977માંય ચમકાવી ગયેલું અને આજે પણ એ અસ્વસ્થ તો કરી જ દે છે.
2021માં કોન્ડોમ પર અપારશક્તિ ખુરાનાની ફિલ્મ ‘હેલ્મેટ’ ફિલ્મ આવેલી, જે બહુ એપ્રિસિએટ નહોતી થઇ તો એ પછી રિલીઝ થયેલી નુસરત ભરૂચા, વિજય રાઝ, ટીનુ આનંદ અભિનીત ‘જનહિત મેં જારી’ પણ ખાસ સફળ નહોતી થઇ. ફિલ્મ સરસ છે પણ તેનો વિષય કોન્ડોમ હોવાથી કોન્ડોમ (નિરોધ)ની જેમ જ તેને નિગલેટ કરવામાં આવી.
ડબલ એમ. એ. ભણેલી મનોકામના ત્રિપાઠીને પરણતાં પહેલાં પગભર થવું છે અને એટલે પરિવારની જાણ બહાર જ ‘લિટલ અમ્બેલા’ નામની કંપની જોઇન કરે છે, જે ખરેખર તો આજ નામથી કોન્ડોમ બનાવે છે. એ પછી મનોકામના ત્રિપાઠી (નુસરત ભરૂચા) સાથે ઘણું-બધું બને છે અને એ જ ‘જનહિત મેં જારી’ ફિલ્મની કથા (જેના એક લેખક ‘ડ્રિમગર્લ’ ફિલ્મના ડિરેક્ટર રાજ શાંડિલ્ય) છે.
આપણા દેશમાં નિરોધ ન વાપરવાના કારણે દર વર્ષે અનિચ્છિત ગર્ભ રહી જવાના કારણે દોઢ કરોડ જેટલાં એબોર્શન થાય છે અને આવા એર્બોશનથી હજારો મહિલાઓના મૃત્યુ થાય છે. પરંતુ… કોન્ડોમ (ખરીદવા) માટેના સંકોચે ધીમે ધીમે કોન્ડોમને અણગમતી વાત બનાવી દીધી છે, પણ આ તો ફિલ્મની આખરી ફલશ્રુતિ છે, પરંતુ આખી ફિલ્મ એકદમ હળવીફૂલ છે. અમુક દૃશ્ય તો તમને ખડખડાટ હસાવે છે. અનેક ટીવી સિરિયલો કરનાર જય બસંતુ સીંધની ‘જનહિત મેં જારી’ પ્રથમ ફિલ્મ છે, પણ ડિરેક્ટર અને લેખકોએ ખરેખર સિચ્યુએશનથી લઇને વનલાઇન માં કમાલ સર્જી છે.
દાખલા તરીકે, પુત્રવધૂ જો કોન્ડોમનું જ વેચાણ-માર્કેંટિંગ કરતી હોય તો શું થાય. એવું સસરા (વિજય રાઝ) વિચારે છે. મતલબ એ થયો કે હવે પડોશી ચા ખાંડ માગવાની બદલે આપણા ઘરે કોન્ડોમ માગવા આવશે અને વહુને કહેશે: ‘કાલાખટ્ટા ફલેવર છે? ના, ના, મેંગો ફલેવરની તો તેમને એલર્જી છે…’
પરણી ગયા હો અથવા મેચ્યોર્ડ હો તો જોઇ નાખો ‘ઝી ફાઇવ’ પરની આ ફિલ્મ. જોકે લવસ્ટોરીના રેપરમાં મળતી કાર્તિક આર્યનની ‘ફ્રેડી’ નામની ફિલ્મ ખરેખર તો આકર્ષણ અને અપમાનની કથા છે… પ્રથમ નજરના પ્રેમના ગુણગાન ગવાયાં છે એટલા જ પ્રેમમાં પરાસ્ત થયા પછી ખાધેલી પછડાટના હોં દેકારા આપણી સામે જ થયા છે પણ એ તરત નોંધાતા નથી યા સ્મરણ શક્તિમાં લાંબુ જીવતાં નથી.
‘લવ વાયા સેક્સ એન્ડ ધોખા’ એ આમ જુઓ તો એક સિક્કાની બે બાજુ જેવા છે. જેટલો શક્તિશાળી પ્રેમ એટલું જ સશક્ત ખુન્નસ પણ એ દર વખતે ઉજાગર નથી થતું. થાય છે ત્યારે અચંબિત કરી દે છે. એ પછડાટ, તિરસ્કાર, ધોખાધડી ઇન્સાનને હેવાનમાં બદલી દે છે અને તેનું તાજું ઉદાહરણ ડિરેક્ટર શશાંક ઘોષ (પ્લાન એ -પ્લાન બી, ખુબસુરત ફિલ્મ)ની ડાયરેક્ટ નેટફલિક્સ પર સ્ટ્રીમ થયેલી ફિલ્મ ‘ફ્રેડી’ છે.
આ એક ડાર્ક મર્ડર મિસ્ટરી કમ લવ -રિવેન્જ ડ્રામા છે અને એ મુંબઇના આ પારસી પરિવેશમાં બની છે. યાદ રહે કે મુઠ્ઠીભર પણ મોકળાશને લઈને માતબર ગણાતી આ કોમ્યુનિટીએ આ ફિલ્મ બાબતે કાચો ઊંહકારો પણ નથી કર્યો. આમ જુઓ તો ‘ફ્રેડી’ ફિલ્મ મુંબઇમાં ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતાં અને (પ્રયત્નો છતાં) અપરિણીત રહી ગયેલાં દબ્બુછાપ ડૉ. ફ્રેડી જીનવાલાના લોલિપોપમાંથી લડાયક બની જવાના ટ્રાન્સફોંર્મેશનની છે. તેની આંટી તેને પારસી સ્ટાઇલમાં કહે જ છે: ‘ગઘેડો છે તું.’
એક પ્રસંગે ફ્રેડી કુંવારી યુવતી સમજીને કાઇનાઝ ઇરાની નામની પરિણીતાને મળે છે અને શંકાશીલ તેમ જ આકરા મિજાજના પતિથી ત્રસ્ત કાઇનાઝનાં પ્રેમમાં પડી જાય છે. પ્રેમની પ્રથમ (વણથભી) માનસિકતા એ છે કે પ્રિયપાત્રને ખુશી અને સુકૂન દેવા ધક્કો મારે અને છેતરાયાંની આડ-અસર એ છે કે પ્રિયપાત્રના સુખચેન છિનવી લેવાનું ખૂન્નસ ચડે.
ડેન્ટિસ્ટ ફ્રેડી જીનવાલા આ બન્ને સ્વરૂપના ઓછામાં ઊતરે છે. કાઇનાઝને તેને લૂછીને ફેંકી દે છે અને પછી…
કાર્તિક આર્યને પૂરવાર કર્યું છે કે તે ખરેખર વૈવિધ્યપૂર્ણ અભિનય કરી શકે છે. સંકોચાયેલા પારસી યુવાન તરીકે તેણે યાદગાર પરફોર્મન્સ આપ્યું છે તો આલાયા એફ (ફર્નિચરવાલા)માં પણ શોષિત પત્ની અને બેવફા પ્રિયતમાનું પાત્ર બરાબર ઝિલાયું છે…
અન્ય પાત્રો ઠીકઠાક છે પણ શરૂઆતમાં ધીમી અને પ્રેમકથા જેવી લાગતી ‘ફ્રેડી’ ફિલ્મ અડધા કલાક પછી જ ત્રીજા ગિયરમાં આવી જાય છે. બિન્દાસ એન્જોય કરવા જેવી મૂવી છે.



