ફિલ્મનામા : શંકાના દાયરામાં ‘માસૂમ’ સગ્ગા બાપે કરેલાં ‘ક્રાઈમ’ની પડતાલ લે છે દીકરી ત્યારે…
મેટિની

ફિલ્મનામા : શંકાના દાયરામાં ‘માસૂમ’ સગ્ગા બાપે કરેલાં ‘ક્રાઈમ’ની પડતાલ લે છે દીકરી ત્યારે…

  • નરેશ શાહ

નાનું-મોટું ‘મહાભારત’ દરેક કુટુંબમાં ભજવાતું હોય છે, જેમાં કૈકેયીથી માંડીને ભીષ્મ સુધીનાં પાત્રોના પડછાયા અને પ્રતિકૃતિ પણ જડતી રહે છે. બોમન ઈરાની જેવા તગડાં એક્ટરની ઓટીટી પ્લેટફોર્મ (જિયો- હોટસ્ટાર) પર ડેબ્યુ કરાવતી વેબસિરીઝ ‘માસૂમ’ પણ એક કૌટુંબિક કોઠા-કબાડાને બયાન કરતું થ્રિલર છે.

પંજાબના લોકાલ પર સેટ થયેલી ‘માસૂમ’ મર્ડર-મિસ્ટ્રીની જેમ ઊઘડે છે, પણ ખરેખર તો એ એક ‘માસૂમ’ લવસ્ટોરી છે.

ચેતવણી: લવસ્ટોરી શબ્દ વાંચીને કોઈએ ગેરસમજ ન કરવી, કારણ કે એક બ્રિટિશ શો પરથી પ્રેરિત આ ‘માસૂમ’ આમ જુઓ તો બાપ-દીકરી વચ્ચેના શંકાના દાયરામાં ભડકતી આગની કહાણી છે.

‘ગુણવંત નર્સિંગ હોમ’ ચલાવતાં ડો. બલરાજ કપૂર (બોમન ઈરાની)ની શાખ અને ઈજ્જત એવી ખમતીધર છે કે તેને ‘આમ પ્રજા પાર્ટી’ ચૂંટણીની ટિકિટ માટે પસંદ કરે છે અને ચૂંટણી લડવા માટે પચાસ લાખની રોકડ રકમ આપે છે, પણ…

એ જ વખતે ડો. બલરાજ કપૂરની પેરેલિસિસગ્રસ્ત પત્ની આકસ્મિક રીતે પલંગ પરથી પડી જવાથી મૃત્યુ પામે છે. પત્નીનું નામ ગુણવંત (ઉપાસના સિંહ) છે અને તેના નામે જ ડો. કપૂર નસિર્ંંગ હોમ ચલાવે છે… પલંગગ્રસ્ત પત્નીની સુશ્રુષા માટે તેમણે નર્સ પણ રાખેલી છે. પતિને છોડીને આવી ગયેલી દીકરી (મંજરી ફડનવીસ) અને તેનો યુવાન પુત્ર (વીર રાજવંત સિંહ) પણ છે.

છતાં ગુણવંતના મૃત્યુ સમયે ઘરમાં માત્ર ડો. બલરાજ કપૂર જ હાજર હતાં અને આ દુર્ઘટના બને છે. માતાના મૃત્યુના સમાચાર જાણીને દિલ્હી રહેતી નાની દીકરી સના (સમારા તિજોરી, દીપક તિજોરીની દીકરી) ઘરે આવે છે, પણ તેને ગળા સુધી વિશ્ર્વાસ છે કે માતાનું આકસ્મિક મૃત્યુ નથી થયું, પણ હત્યા થઈ છે. સનાને ડાઉટ છે કે, આ હત્યા તેના પિતા ડો. બલરાજ કપૂરે (બોમન ઈરાની) જ કરી છે…

ઘરે પહોંચ્યા પછી સનાને ખબર પડે છે કે (ચૂંટણી લડવા માટે આવેલી) તોતિંગ રકમની પણ માતાના મૃત્યુ દરમિયાન જ ચોરી થઈ છે, પણ પિતા પોલીસ ફરિયાદ કરતા નથી. પત્ની ગુણવંત પલંગ પરથી પડીને મૃત્યુ પામી ત્યારે પિતા ડો. કપૂર એક ઈમર્જન્સી પેશન્ટ માટે તેના ઘરે ગયા હતા એવી વાત પણ જૂઠી હોવાનું સનાને ખબર પડે છે… જોકે (આપણા સિવાય એટલે કે દર્શકો સિવાય) ઘરમાં કોઈને ખબર નથી કે ઘરની તિજોરીમાંથી ચોરાયેલાં પૈસા પુત્ર (વીર રાજવંત સિંહ) એ જ તફડાવ્યાં હતાં અને એ રકમનો થેલો તે તેના બોયફ્રેન્ડને આપી આવ્યો છે. બન્ને ગે (સમલિંગી) છે. વિદેશ ભાગી જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને…

ઘરભંગ થઈને આવેલી ડો. કપૂરની મોટી દીકરી પણ છે. પિતા પાસે રહેવું કે પતિ પાસે ચાલ્યા જવું એ નક્કી તે નથી કરી શકતી. આવા અંદર-અંદર ગૂંચવાયેલાં પરિવારની ‘માસૂમ’ની કથા (લેખક-સત્યમ ત્રિપાઠી) છે. ડિરેક્ટર મિહિર દેસાઈએ એવી ખૂબીથી ‘માસૂમ’નું ડિરેક્શન કર્યું છે કે, સત્ય જાણવાની આપણી તાલાવેલી અંત સુધી બરકરાર રહે છે. ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી (ડીઓપી) વિવેક શાહની છે.

બોમન ઈરાનીના દાદુ એક્સ્પ્રેશન તેમણે ખૂબીથી ઝીલ્યાં છે એ સ્વીકારવું રહ્યું. (વિવેક શાહ આપણા ચિંતક-લેખક ગુણવંત શાહના પુત્ર છે.) બોમન ઈરાની ‘માસૂમ’નું સૌથી મોટું જમાપાસું છે અને ડો. બલરાજ કપૂર તરીકે તેમણે ભલભલા એક્ટરને ટક્કર મારે તેનો અભિનય કર્યોં છે. સગી દીકરી પોતાને પત્નીનો હત્યારો માને છે, તેનો અંદેશો પામી ગયા પછી પણ પુત્રી સાથેના વહેવાર દર્શાવવામાં બોમન ઈરાનીએ કમાલ કરી છે તો પત્ની ઉપાસના સિંહને આપણે કપિલ શર્માના શોમાં કોમેડી કરતાં જોયા છે, પણ અહીં નાનકડાં પાત્રમાં પણ એ અલગ ઈમેજ ઊભી કરી શક્યાં છે.

‘માસૂમ’ની કથા આમ તો પિતા-પુત્રીની વચ્ચેની છે અને પુત્રી સનાના પાત્રમાં સમારા તિજોરીએ પણ સરસ કામ કર્યું છે, પરંતુ પંજાબી પોલીસમેન તરીકે મનુ રિશી ચઢ્ઢા વેડફાયા હોય એવું લાગે છે. આ પોલીસમેન સિરીઝના ઓપનિંગમાં જ આવે છે એટલે એવી ધારણાં બને કે છેલ્લે કશુંક જરૂરથી બનશે… એક વખત તો પુત્રી સના માતાની હત્યા થઈ હોવાની એફઆઈઆર લખાવવાની વાત પણ આ પોલીસમેનને કરે છે, પણ…

શું ગુણવંત કપૂરનું મૃત્યુ આકસ્મિક હતું? શું પતિએ જ તેની હત્યા કરી હતી? દીકરા કે મોટી દીકરી કે હડધૂત થયેલાં જમાઈની કોઈ ભૂમિકા હતી અને બીમાર ગુણવંત કપૂરની હત્યા થઈ તો શા માટે થઈ? ‘માસૂમ’ આ તમામ પ્રશ્નોનો જવાબ તો આપે જ છે, પણ આ સિરીઝનો બીજો ભાગ બને, એ માટેનો ટ્વિસ્ટ પણ ઉમેરવામાં આવે છે. છેલ્લાં એપિસોડના ‘એન્ડ ટાઈટલ’ વખતે રિમોટનો ઉપયોગ ના કરતાં, ટ્વિસ્ટ ત્યાર પછી દર્શાવાયો છે…

આ પણ વાંચો…ફિલ્મનામાઃ ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ની આંટીઘૂંટી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button