મેટિની

ફિલ્મનામા : કલ્પનાની ખીંટીએ ઝૂલતું રહસ્ય!

‘ગાંધી-ગોડસે: એક યુદ્ધ’ ફિલ્મ જે કલ્પનાઓ પર આધારિત છે એ જો ખરેખર વાસ્તવિક બની હોત તો આજે આપણો દેશ કઈ દશા- દિશામાં હોત એની કલ્પના માત્ર અતિ રોચક છે. ‘ગાંધી ગોડસે: એક યુદ્ધ’ ફિલ્મ અમુક ‘તો’ પર આધારિત છે, પણ હકીકત એ છે કે આવું પણ બની શકયું હોત!

મે મહિનાના અંતમાં મુંબઈમાં રજૂ થનારા ‘નથુરામ ગોડસેએ મરવું પડશે’ નામના ગુજરાતી નાટકે ફરી એકવાર ગોડસેની યાદ તાજી કરી આપી છે ત્યારે એક કલ્પના કરી જોવા જેવી છે કે 1948ની 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ કરેલાં ગોળીબાર પછી પણ ગાંધીજી જીવી ગયા હોત તો શું થાત?!

સત્યની જેમ કેટલીક કલ્પના પણ અકળાવનારી સાબિત થતી હોય છે અને આવી કલ્પના દિલ્હીમાં રહેતાં 75 વર્ષના સાહિત્યકાર – પ્રોફેસર અસગર વજાહતે (‘જીસે લૌહાર નહીં દેખ્યા’ જેવું ઉમદા નાટક પણ જેમણે આપ્યું છે!) 2010માં કરી હતી. ‘ગાંધી ગોડસે: એક યુદ્ધ’ નામથી લખેલાં આ નાટકને ટોમ ઓલ્ટરે ‘યદિ’ નામથી ભજવેલું. ક્ધનડ ભાષામાં પણ એ બન્યું. ગુજરાતી ભાષામાં નિમેષ દેસાઈએ તે ‘હું છું મોહનદાસ’ નામથી ભજવ્યું. હિન્દીમાં અરવિંદ ગોડે પણ છેલ્લાં દસ વરસથી આ જ નામથી નાટક ભજવી રહ્યા હતા, પરંતુ ત્યારે કોઈ વિવાદ નહોતો થયો , પણ રાજકુમાર સંતોષીએ એ જ નાટક પરથી ‘ગાંધી – ગોડસે: એક યુદ્ધ’ નામે ફિલ્મ બનાવી તો થોડો ચચરાટ થયો. આમ છતાં, અસગર વજાહતે એ ફિલ્મ વિશે આપેલાં ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે (નાટકની જેમ જ) ફિલ્મમાં પણ અમે કોઈને હીરો તરીકે દર્શાવવાનો પ્રયત્ન કર્યો નથી!

અસગર વજાહતે કરેલી કલ્પના એકદમ ઈન્ટરેસ્ટિંગ છે. 30 જાન્યુઆરી, 1948ના દિવસે બિરલા હાઉસમાં પ્રાર્થના સભામાં જઈ રહેલાં ગાંધીજીને પ્રથમ પ્રણામ કર્યા બાદ નથુરામ ગોડસે પોતાની પિસ્તોલમાંથી ત્રણ ગોળી ધરબી દે છે, પણ… એ જીવલેણ હુમલા પછી બચી ગયેલા અને સાજા થઈ ગયેલા ગાંધીજી પહેલું કામ શું કરે છે?

આ પણ વાંચો….ફિલ્મનામાઃ ચળકાટના ચમકાવતાં ને ચોંકાવતા કિસ્સાઓની દુનિયા

સ્વાભાવિક છે કે એ પોતાની હત્યાનો ગુનો કબૂલી ચૂકેલાં હત્યારા નથુરામ ગોડસેને મળવા જેલમાં જાય. હિન્દુઓના દુશ્મન અને મુસ્લિમોના તરફદાર એવા ગાંધીજીને પોતાની બેરેકમાં જોઈને નથુરામ ગોડસે છળી મરે છે, કારણ કે એની નજરમાં તો ગાંધીજી ભારતભૂમિ પરનો ‘બોજ’ છે. અખંડ ભારતના ભાગલા કરાવનારા, પાકિસ્તાનને અનશન ઉપવાસ કરીને બાવન કરોડ રૂપિયા અપાવનારા, મંદિરોમાં કુરાનની આયાત ગવડાવનારા અને (હિન્દુઓ કરતાં વધુ) મુસ્લિમોના હિતરક્ષક મોહનદાસ કરમચંદ ગાંધી સામે એ પોતાનો આક્રોશ ઠાલવે છે.

‘જીવિત બચી ગયેલા‘ ગાંધી જેલમાં નથુરામ ગોડસેને મળ્યાં પછી પોતાના ગ્રામ સ્વરાજયના આદર્શ વિચારને અમલમાં મૂકે છે. એ ભારતના કાયદા – બંધારણની બદલે એ ગ્રામ સ્વરાજ્યની કલ્પનાને વધુ પ્રાધાન્ય આપે છે. જેલમાં રહેલો નથુરામ ગોડસે (એ પત્રકાર હતો એ તો એના વિરોધીઓને યાદ જ હશે!) ગાંધીજીની આ મનમાની પર બેધડક લખતો રહે છે. કોર્ટમાં એવો ચુકાદો આવે છે કે કાયદાભંગ બદલ ગાંધીજીને એરેસ્ટ કરવા જોઈએ. પકડાયેલાં ગાંધીજીના આગ્રહ આગળ ઝૂકી જઈને કૉંગ્રેસ (નહેરુ વગેરે) ગાંધીજીની ઈચ્છા પ્રમાણે નથુરામ ગોડસે છે એ જ જેલમાં અને એ જ બેરેકમાં ગાંધીને રાખવામાં આવે છે અને પછી…

અહિંસાના પુજારી અને એમનો ખાતમો કરવા નીકળેલાં હિંસાના તરફદાર, જેલની બેરેકમાં એકસાથે રહે ત્યારે જે શાબ્દિક તડાફડી થાય એ અત્યંત રોચક કલ્પનાનો વિષય છે… પરંતુ ડોન્ટ વરી, એ કલ્પના કરવામાં ટૂંકા પડતા હો તો ડિરેકટર રાજકુમાર સંતોષીએ આ જ વિષય પર બનાવેલી ‘ગાંધી-ગોડસે: એક યુદ્ધ’ ફિલ્મ વાચકો ‘એમેઝોન પ્રાઈમ’ પર જોઈ શકે છે. અસગર વજાહત અને રાજકુમાર સંતોષીએ સાથે મળીને લખેલી આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ ગાંધી-ગોડસેનો આમનો-સામનો અને ટકરાવ છે. જેલમાં ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝથી લઈને ઐતિહાસિક પાત્રોએ અન્યાયની બદીને ટાળવા માટે હિંસાનો આશરો લીધો હોવાનો નથુરામ ગોડસે હવાલો આપે છે. ત્યારે ગાંધી – સમર્થક કેદી કહે છે: ‘…એવું જ હોય તો તેં અંગ્રેજોના અન્યાય વિરુદ્ધ કેમ એક પથ્થર પણ નહોતો ફેંકયો?’ (અને ગાંધીજીની હત્યા કરવા તૈયાર થયો)!!

આ પણ વાંચો….ફિલ્મનામા: પત્નીએ લખેલી બાયોગ્રાફીથી ઓમ પુરી અપસેટ હતા?

અહિંસાની તરફેણ કરતાં ગાંધીજી ખુદ બેરેકમાં નથુરામ ગોડસે કહે છે: ‘ વિચારો સામેનું યુદ્ધ તો વિચારોથી લડવું જોઈએને… તું મને મારી નાખે તો કંઈ તેનો અંત થોડો આવવાનો છે.? મારા વિચાર તો જીવવાના જ છે!’

અહીં અગત્યનો સવાલ એ છે કે ‘નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા ન કરી હોત તો? ’ આજે તો એક હિન્દુ (ગોડસે) એ બીજા અહિંસા – સમર્થક હિન્દુ (ગાંધીજી)ની હત્યા કરી-નું મહેણું આપણા માટે કાયમ બની ગયું છે, પણ માની લો કે (અસગર વજાહતની કલ્પના મુજબ) ગોડસેના પ્રહારમાંથી ગાંધી બચી ગયા પછી શું ગાંધીજી કોઈ અન્યને ખટક્યાં હોત ખરાં? શું એમણે ગાંધી નામનો કાંટો કાઢવાનો પ્રયત્ન કર્યો હોત? અને હા, તો એ કોણ ?

ગાંધીજી જે રીતે કચડાયેલાં – દુ:ભાયેલા અને જાતિવાદથી રિબાયેલાં લોકોના મસીહા બનીને કામ કરતા હતા એ જોતાં તો સ્વાભાવિક છે કે ઉચ્ચ તબક્કા અને વર્ગના લોકોને જ એ ખટકયાં હોત અને ‘ગાંધી-ગોડસે: એક યુદ્ધ’ ફિલ્મમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે નથુરામના એટેક પછી ઉગરી ગયેલા ગાંધીજીનો શિકાર કોઈ બીજો હિન્દુ વર્ગ કે સમુદાય જ કરત!

બેશક, આ કલ્પના છે પણ એવી સચોટ છે કે ‘ગાંધી-ગોડસે: એક યુદ્ધ’ ફિલ્મનો અંત જોઈને એકપણ સાચુકલા હિન્દુને એ અતાર્કિક નહીં જ લાગે.

આ ફિલ્મની એ કમનસીબી રહી કે એ ‘પઠાન’ ફિલ્મના પ્રચાર – માર્કેટિંગ અને સફળતાના વાવાઝોડામાં દબાઈ ગઈ, પરંતુ તેમાં કામ નક્કર થયું છે. ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર આપણા ગુજરાતી અભિનેતા દિપક અંતાણીએ ભજવ્યું છે અને ગાંધીજીના બોખા હાસ્યના દૃશ્યમાં એમણે તો ખરેખર કમાલ કરી છે. બેન કિંગ્સલે પછી હવે દિપક અંતાણીને ગાંધીજી તરીકે ઓળખવામાં આવશે. બેશક, અમુક દૃશ્યમાં ગાંધીજી જાણે ફિલ્મી હીરો હોય તેવા લાગે છે, પણ એ નજરઅંદાઝ કરી શકાય તેવી વાત છે. નથુરામ ગોડસે તરીકે ચિન્મલ માંડલેકર પણ પરફેકટ (અને ગાંધીજીથી) પ્રભાવહીન લાગે છે. ફિલ્મમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, આચાર્ય કૃપલાની, પ્યારેલાલજી (એક દૃશ્યમાં), કસ્તુરબા ગાંધી, શ્યામાપ્રસાદ મુખરજી, ડો. બાબાસાહેબ આંબેડકર જેવા ઐતિહાસિક પાત્રો પણ નોંધનીય છે.

વૈષ્ણવજન અને રઘુપતિ રાઘવ માટે કદાચ, એ. આર. રહેમાન આ ફિલ્મમાં સામેલ થયા છે અને એ વાજબી પણ છે. ફિલ્મમાં રાજકુમાર સંતોષીની પુત્રી તનીષા સંતોષી પણ છે. ‘ગાંધી-ગોડસે: એક યુદ્ધ’ ખરેખર એક નોંધનીય અને પ્રશંસનીય પ્રયાસ છે એટલે તમારે જરૂર જોવી રહી…

આ પણ વાંચો….ફિલ્મનામાઃ ડબલ મિનિંગ વત્તા વલ્ગારિટી એટલે ભોજપુરી ફિલ્મો ને ગીત?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button