ફિલ્મનામાઃ ડો. અરોરા- ગુપ્ત રોગ વિશેષજ્ઞ

- નરેશ શાહ
આ વેબસિરીઝની વાત તમે એકલાં-એકલાં વાંચી લેવાના છો તેમ લાખ ઈચ્છતા હોવા છતાં કદાચ, આ વેબસિરીઝ તમે જોઈ શક્વાના નથી અને જે જોશે એ નિરાશ પણ થવાના છે કારણકે શીર્ષક જે સંકેત આપે છે એવા કોઈ ગલગલિયાં `ડો. અરોરા, ગુપ્ત રોગ વિશેષજ્ઞ’ જોઈને થવાના નથી.
સેક્સ અને તેની સાથેની તમામ વાતો માટે લાખ કુતૂહલ અને જિજ્ઞાસા હોવા છતાં આપણે ત્યાં એ કાયમ ટેબૂ વિષય જ રહ્યાં છે. અછૂત જેવા અને તેમાં સેક્સને લગતી બીમારી તેમ જ તેની સારવાર કરનારાઓનો પણ સમાવેશ થઈ જાય.
સેક્સ સમસ્યાને લગતી કોલમ અચૂક વાંચી લેનારાં પણ સેક્સ સમસ્યાને વિકાર અને સંકોચનું કારણ જ ગણે છે. મોતિયો આપણા માટે સહજ છે પણ માસ્ટરબેશન ગંદુ. શરદીમાં દવા લેનાર પણ શીઘ્રપતનને વિકૃતિનું પરિણામ જ માને છે.
ઊલટી (વોમિટ) માટે કાળજી લેનાર, ઉત્થાન માટેની સારવાર લેનારને રક્તપિતના રોગી જેવો માનવામાં આવે છે અને છોછ, અણગમા અને અછૂત જેવી માનસિકતાને કારણે જ આપણે ત્યાં ગુપ્ત રોગ વિશેષજ્ઞ'ને શંકા અને કંઈક અંશે બેશરમ જેવા દ્રષ્ટિકોણથી જ જોવામાં આવે છે.
સોની લિવ’ પર સ્ટ્રીમ થયેલી `ડો. અરોરા, ગુપ્ત રોગ વિશેષજ્ઞ’ વેબસિરીઝમાં આ જ બધી વાતોને મનોરંજક પણ મેચ્યોર્ડ તરીકાથી પેશ કરવામાં આવી છે.
આગરા, સવાઈ માધોપુર અને મુરેનામાં પોતાનું સેક્સ સારવાર માટેનું ક્લિનિક ચલાવતાં ડો. વિશેષ અરોરા (કુમુદ મિશ્રા) પાસે જાતજાતની સેક્સ-સમસ્યા લઈને લોકો આવે છે. પરંપરાગત અખબાર માલિક (વિવેક મુશરન-આપણો ઈલુ ...ઈલુ' બોય) પોતાના પુત્રને પત્નીથી પણ છાનો લાવે છે કારણકે પુખ્ત થઈ રહેલાં દીકરાને અવારનવાર
ડિસ્ચાર્જ’ થતું રહે છે.
એક ગાયક તેમજ પૉલિટિશિયનના નજીકના યુવાનનું ઘોડું' દશેરાએ જ દોડતું નથી! એક બાબાને ભક્તતાણીઓ પર આશીર્વાદ વરસાવવા છે પણ દુકાળ પીછો છોડતો જ નથી. બનીઠનીને હીરોઈનની જેમ આવતી એક યુવતીને તપાસવા દરમિયાન ખબર પડે છે કે, એર્ને ગુપ્તરોગ થયો છે. સંતાન ન થતું હોવાથી માતા દીકરીને લઈને આવે છે, પરંતુ તપાસ માટે એ જમાઈને ડો. વિશેષ અરોરા પાસે લાવતી નથી તો શહેરના પોલીસ વડાને પથારીમાં પત્ની સાથે હોય ત્યારે
ઉતાવળે આંબા પાકી’ (શીઘ્ર પતન) જવાની સમસ્યા પજવે છે.
રોક સ્ટાર- જબ વી મેટ ફેમ ઈમ્તિયાઝ અલીએ ક્રિએટ કરેલી `ડો. અરોરા, ગુપ્તરોગ વિશેષજ્ઞ’ વેબસિરીઝ ડેફિનેટલી એક સાહસિક સર્જન છે કારણકે આ વિષયમાં લપસી જવાય એવાં ગલગલિયાં કરાવવાની ક્ષમતા છે પરંતુ ત્રણ ડિરેકટર (નિધિ શેઠીયા નાયર, સાજીદ અલી અને અર્ચિત કુમાર) ઉપરાંત છ લેખકો (જેમાં ખુદ ઈમ્તિયાઝ અલી, સાજીદ અલી, આરિફ અલી, દિવ્યકાશ દૂબે, સુદીપ નિગમ અને દિવ્યા જોહરી) એ એવી સરસ રીતે વાર્તા ગૂંથી છે કે ટેબૂ વિષયને મર્યાદા સાથે મનોરંજક બનાવી દીધો છે.
સેક્સની સમસ્યાનો મોટાભાગના લોકોને અનુભવ નથી હોતો. થેન્ક ગોડ. પરંતુ આવી સમસ્યાનો સામનો કરતાં અને ડોકટર પાસે વ્યક્ત કરતી વખતની મૂંઝવણ આપમેળે હાસ્ય સર્જે છે. પોલીસ અધિકારી પોતાની બદનામીના ડરે ડો. વિશેષ અરોરાને ઘરે બોલાવે છે ત્યારે પણ ખુલીને પોતાની તકલીફ બયાન નથી કરી શકતો અને બેધડક તેની પત્ની (પતિની) સમસ્યા બયાન કરે છે, એ દ્રશ્ય પણ અનેક દ્રશ્યોની જેમ સરસ બન્યું છે.
ડો. અરોરા, ગુપ્તરોગ વિશેષજ્ઞ’ વેબસિરીઝમાં વિવેક મુશરન, શેખર સુમન અને વિદ્યા માલવડે (ચક દે ઈન્ડિયા વાળી)જેવા જાણીતા એક્ટર છે જ. પ્રમાણમાં ઓછાં જાણીતાં કલાકારોએ પણ પોતાના
સાહસિક’ પાત્રો ખૂબીથી ભજવ્યાં છે.
જોકે, આ આખી વેબસિરીઝનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ ડો. વિશેષ અરોરા બનતાં કુમુદ મિશ્રા છે. સેક્સના ડોક્ટર તરીકે કુમુદ મિશ્રાએ ગજબની મીઠાશ અને નરમાશથી કામ કર્યું છે કે આપણને એ ગમવા માંડે. કુમુદ મિશ્રાની પાત્રવરણી જ એ વાત સાબિત કરે છે કે, સર્જકોએ આ વેબસિરીઝને ગલીપચી કરાવવા માટે નહીં, સાચી નિસ્બત સાથે બનાવી છે.
સેક્સ (કે તેની સમસ્યા) એવો ડેલિકેટ વિષય છે કે અનિચ્છાએ પણ તેમાં છિછરાપણું ઉમેરાઈ જતું હોય છે, પરંતુ સંવાદોની અભિવ્યક્તિને સહજ ગણવામાં આવે તો ડો. અરોરા' ફુલ્લી માર્કથી પાસ થયા છે. સ્ક્રીન પર એકદમ સ્વીટ લાગતાં ડો. વિશેષ અરોરા સેક્સની સમસ્યાના ડોક્ટર કેમ બન્યાં અને ખુદની માતાથી સેક્સોલોજીસ્ટ હોવાની વાત કેમ છૂપાવે છે, તેની પણ કથા છે. એ જાણવા માટે હિંમત કરીને
ડો. અરોરા, ગુપ્તરોગ વિશેષજ્ઞ’ વેબસિરીઝ જોવી રહી.
આપણ વાંચો: મનોરંજનનું મેઘધનુષઃ આર્યન ખાન: વધુ એક `સ્ટાર સન’નું આગમન