ફટા પોસ્ટર, નિકલા… : ફિલ્મ સ્ટાર્સના કેટલાંક હવાઈ ‘અકસ્માત’

મહેશ નાણાવટી
‘અમદાવાદમાં તૂટી પડેલા બોઈંગ વિમાનની દુર્ઘટના કદાચ બોલિવૂડના સ્ટાર્સ માટે ભારત-પાકિસ્તાનના યુદ્ધ કરતાં પણ વધારે મોટી ઘટના હશે, કેમ કે આ વખતે લગભગ બધા જ ફિલ્મી સ્ટારોએ સોશિયલ મીડિયામાં એના વિશે પ્રતિભાવ આપ્યો.’
આવું સોશિયલ મીડિયા પર એક યુઝરે લખેલું વાક્ય ફરી રહ્યું છે! ખેર, એ બધા વિવાદોને છોડો, આજે આપણા બોલિવૂડના ફિલ્મ સ્ટાર્સને વિમાનના કેવા કેવા અનુભવો થયા છે તેના થોડા હળવા કિસ્સા મમળાવીએ…
સૌથી પહેલાં અક્ષય કુમારનો કિસ્સો બડો મજેદાર છે. અક્ષય કુમાર એ ડરામણી છતાં રમૂજી ઘટના યાદ કરતાં રહે છે કે ‘એ વખતે હું માંડ 11-12 વરસનો હતો. હું દિલ્હીમાં રહેતો હતો અને કોઈ ખાસ મહત્ત્વના કામસર મારા પિતાજીએ વિમાન દ્વારા ‘એકલો’ મને મોકલવાનું નક્કી કર્યું!’
આ પણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : મોટા સ્ટાર્સની સાચી-ખોટી `સંઘર્ષ’ કથા!
હવે તો તમે જાણો છો કે અક્ષય કુમાર કોઈ હોટલમાં વેઈટર તરીકે સંઘર્ષ કરનારો ‘ગરીબ’ તો હતો જ નહીં (જેવું ઘણી વાર કહેવાતું આવ્યું છે!), કેમકે એના પિતા એક આર્મી ઓફિસર હતા. એમણે પોતાની વગ વાપરીને વિમાનની એર-હોસ્ટેસને કામ સોંપ્યું હતું કે મારા દીકરાને તમે મુંબઈ એરપોર્ટ પર હેમખેમ ઉતારી દેજો, ત્યાં તેને લેવા કોઈ આવી જશે!’
આમ જોવા જાવ તો આ બધું ‘નોર્મલ’ જ લાગે છે ને? પણ મોટો લોચો વિમાનના ‘નામ’માં હતો! અક્ષયના પપ્પાએ વારંવાર કીધેલું કે તને તો હું ‘એરબસ’માં મોકલી રહ્યો છું! (એ જમાનામાં ‘એરબસ’ નામનું મોડલ લેટેસ્ટ હતુ).
આ ‘એરબસ’ શબ્દ 11 વરસના અક્ષયના મગજમાં ઘૂસી ગયો હતો. હવે જ્યારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પરથી પેસેન્જરોને બસમાં બેસાડીને વિમાન તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે અક્ષયની છાતી ‘ધકધક’ થઈ રહી હતી કે ‘સાલી આ બસ? આવડી અમથી બસ… હવે ઊડશે?’
આ પણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : તુંડે તુંડે `વિગ’ ભિન્ના
અક્ષય એ ઘડીને યાદ કરતાં કહે છે ‘હું એટલી ડરી ગયો હતો કે મેં મારી નાનકડી બેગ બન્ને હાથ વડે મજબૂતીથી છાતી ઉપર પકડી રાખી હતી!’
આપણા યુસુફ સાહેબ યાને કે દિલીપ કુમારનો કિસ્સો ત્યારનો છે, જ્યારે એ પુરજોશ જુવાનીમાં હતા અને લોકપ્રિયતાની ટોચ ઉપર હતા. એ કિસ્સામાં દિલીપ કુમાર જેવા વિમાનમાં દાખલ થયા કે તરત જ અમુક લોકો એમને ઓળખી ગયા.
‘દિલીપ કુમાર… દિલીપ કુમાર!’ કરતાં અમુક લોકો તેમને વીંટળાઈ વળ્યા. આ જોઈને બીજા પેસેન્જરો પણ પહોંચી ગયા. કોઈ ઓટોગ્રાફ માગી રહ્યું હતું, કોઈને હાથ મિલાવવા હતા, કોઈને દિલીપ કુમાર સાથે ફોટા પડાવવા હતા… વગેરે ચાલતું રહ્યું.
છેલ્લે જ્યારે દિલીપ કુમાર પોતાની સીટ પર આવી આવીને એમની આગળ હરખ પ્રગટ કરી જતા હતા, પણ દિલીપ કુમારે જોયું કે પોતાની બાજુની સીટ પર બેઠેલા સૂટધારી સજ્જને એમની નોંધ સુધ્ધા લીધી નહોતી. ઉલ્ટું, એ પોતાની ફાઈલ ખોલીને કંઈ કામમાં પરોવાયેલા હતા.
આખરે જ્યારે ફલાઈટ ઊપડવાનો સમય થયો અને સૌને પોતપોતાની સીટ પર બેસી જઈને સીટ બેલ્ટ બાંધવાની સૂચના આપવામાં આવી ત્યારે દિલીપ કુમારે પોતાનો બેલ્ટ બાંધતાં બાજુવાળા સજ્જનને સફાઈદાર અંગ્રેજીમાં કહ્યું, ‘લાગે છે, તમે મને ઓળખ્યો નહીં, હું દિલીપ કુમાર છું. ફિલ્મોમાં કામ કરું છું.’
આ પણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : મોટા ફિલ્મ-સ્ટારના નાના-મોટા `પ્રેન્ક્સ’…
પેલા સજ્જને વિવેકતાથી કહ્યું, ‘સોરી, હું ફિલ્મો જોતો નથી.’
થોડીવાર પછી એ સજ્જન પોતાની ફાઈલમાં ગુંથાયા ત્યારે દિલીપ કુમારે પૂછયું, ‘આ શું કરો છો?’ ત્યારે એ સજ્જને કહ્યું ‘હું એક બિઝનેસમેન છું, રતન ટાટા મારું નામ છે!’ એ તો સારું થયું કે રતન ટાટાએ એમ ના કીધું કે ‘આ એરલાઈન્સના જ માલિક છે ને, જેઆરડી ટાટા એ મારા સગામાં થાય!’
અમિતાભ બચ્ચને જે રીતે ‘મર્દ’ ફિલ્મમાં દિલીપ કુમારની ‘કોહીનૂર’ ફિલ્મના એક સીનની ડીટ્ટો નકલ કરી હતી એ જ રીતે વરસો પછી એમણે પણ આ જ કિસ્સો પોતાના નામે ચડાવતાં કહ્યું હતું કે ‘વિમાનમાં રતન ટાટા સાહેબે મને ઓળખ્યો નહોતો!’
ફિલ્મ સ્ટારોને શું છે કે પોતાની ‘ઓળખાણ’ની બહુ પરવા હોય છે. કેમકે ખ્યાતનામ હોવાને કારણે અમુક કામો સહેલાઈથી પતી જતા હોય છે.
આ પણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : આર્ટ ફિલ્મોના અઘરા ‘પ્રેક્ષક-પંડિતો’!
આવી એક ઘટનાની કબૂલાત કરી હતી આજની સિનિયર અભિનેત્રી નીના ગુપ્તાએ.
નીના ગુપ્તા પોતે ખૂબ જ ટેલેન્ટેડ તો ખરાં, પણ યુવાનીમાં એમને એવું ‘સ્ટારડમ’ મળ્યું નહોતું. એ ફેમસ થયાં. ‘બધાઈ હો’ અને ‘પંચાયત’ પછી. તો કિસ્સો એવો બન્યો કે એક ફ્લાઈટમાં ચેક-ઈન વખતે તે પોતાની ખ્યાતિ વટાવવા ગયાં. એમણે ચેક-ઈન કરનારી મહિલાને કહ્યું ‘મને વિન્ડો સીટ કરી આપશો?’
મહિલા કર્મચારીએ ના પાડી ત્યારે નીના ગુપ્તાએ કહ્યું, ‘હું નીના ગુપ્તા છું. તમે ‘બધાઈ હો’ નથી જોયું?’ પેલી કર્મચારીએ શાંતિથી સામો સવાલ કર્યો. ‘ના. પણ તમે તામિલ ફિલ્મો જુઓ છો?’
આ કિસ્સામાં પણ સારું થયું કે નીના ગુપ્તાએ એમ ના પૂછયું કે, ‘એમ? તમે કઈ તામિલ ફિલ્મમાં હતાં?’
જોકે આજકાલ બોલિવૂડની ફિલ્મી હસ્તીઓનો ‘એરપોર્ટ’ સાથેનો સંબંધ ખૂબ જ ‘ગાઢ’ થઈ ગયો છે! છાશવારે એમની તસવીરો છાપાં અને સોશિયલ મીડિયામાં આવતી રહે છે કે ફલાણી/ ફલાણો વોઝ ‘સ્પોટેડ એટ ધી એરપોર્ટ…’
કહેવાય છે કે અમુક ફિલ્મ સ્ટાર્સ જાણી જોઈને પેલા ‘પાપારાઝી’ ફોટોગ્રાફરોને અગાઉથી કહેવડાવે છે, જેથી પોતે એરપોર્ટ પર ‘સ્પોટ’ થઈ શકે!
એમાં વળી એક ઉર્ફી જાવેદ નામની એકટર તો જ્યારે જુએ ત્યારે કંઈક વિચિત્ર અને અમુકાંશે બીભત્સ લાગે એવા જ પહેરવેશ સાથે ‘સ્પોટ’ થાય છે! કોઈ વાર કંતાનના કોથળામાંથી બનેલા પોષાકમાં તો કોઈવાર પ્લાસ્ટિકની કોથળીઓ વડે બનેલા પોષાકમાં!
અને હા, મનીષ મલ્હોત્રા નામના ફેશન ડિઝાઈનર આ ફિલ્મી હસ્તીઓમાં એટલા માટે બહુ ડિમાન્ડમાં છે કે તે હીરોઈનોના ખાસ ‘એરપોર્ટ લુક’ ડિઝાઈન કરી આપે છે. એટલું નહીં, ખાસ પ્રસંગે બે-ચાર દિવસ ‘ઉધાર’ પહેરવા માટે પણ આપે છે ! આ કારણે જ ચાર મહિના પહેલાં આલિયા ભટ્ટે પહેરેલા ડ્રેસમાં જ આજે અનન્યા પાંડે નજરે ચઢે તો નવાઈ ન પામશો !