મેટિની

ફિલ્મનામાઃ `ફોન અગર સ્માર્ટ હો ગયા તો મૈં બેવકૂફ હો જાઉંગા…’

નરેશ શાહ

માનવ સ્વભાવની સૌથી મોટી વિટંબણા એ છે કે, અમુક વાત-વસ્તુથી એ વાકેફ હોવા છતાં એ સહજપણે આદતી બની જાય છે. ધીમે ધીમે તેનું માઈન્ડ સેટ જ એવું બની જાય છે કે, જે ખરાબ કે ખોટું કે નુકસાનકારક છે એ તેને અનિવાર્ય યા આવશ્યક લાગવા માંડે છે. ઉદાહરણ તરીકે તમે મોબાઈલ અથવા સ્માર્ટ ફોનને ટાંકી શકો છો. આવાં સ્માર્ટ ફોન નામના અનિવાર્ય બની ગયેલાં પ્રદૂષણની વાત `ઝી ફાઈવ’ પર સ્ટ્રીમ થયેલી `થોડે દૂર, થોડે પાસ’ વેબસિરીઝ કરે છે. 

પચ્ચીસ-સતાવીસ મિનિટના પાંચ એપિસોડ ધરાવતી આ સિરીઝની ટોટલ લેન્થ તો એક ફિલ્મ (બે કલાક નવ મિનિટ આશરે) જેટલી જ છે એટલે આ `ફિલ્મનામા’ વાંચીને તાબડતોબ ફેમિલી સાથે એ જોવાનો પ્રોગ્રામ ગોઠવી લેશો તો બે ફાયદા થશે. એક, પારિવારિક ફિલ્મ જોયાનો સંતોષ મળશે અને બે, પારિવારિક (અને કદાચ, ખુદને પણ)એ અભિપ્રેત કરાવી શકશો કે ટેકનોલોજીએ આપણને એવા પરવશ બનાવી દીધા છે કે, આપણે જીવાતી દરેક ક્ષણને લાઈક્સ, કોમેન્ટસને સમર્પિત કરી દીધી છે.

આ પણ વાંચો…ફિલ્મનામાઃ પુલિસવા ઔર ચંદનવા બીચ કી મૂઠભેડ…

ફિલોસોફી બહુ થઈ, હવે `થોડે દૂર, થોડે પાસ’ની વાત કરી લઈએ. રિટાયર્ડ નેવી ઓફિસર કેપ્ટન અશ્વિન મહેતા (પંકજ કપૂર) મુંબઈમાં રહેતા બંને પુત્ર અને પરિવાર સાથે એકાદ મહિનો રહેવાના આશયથી આવે છે. બેશક, આ વખતે પરિવારને મળવાનો તેમનો એક ઉદ્દેશ છે, પરંતુ પ્રથમ બે દિવસ દરમિયાન જ એમનો અનુભવે છે કે, પુત્રો, પુત્રવધૂ કે પૌત્રો પૌત્રી પાસે નિરાંતે બેસવાનો સમય જ નથી. અરે, જમવાના ટેબલ પર પણ સાથે બેસવાની તેમને ફૂરસદ નથી. એકાદ-બે વખત એ પરિવારના સભ્યોને કહે પણ છે કે, મારે તમારા બધા સાથે એક ખાસ વાત શેર કરવી છે, પણ…

ન્યુમરોલોજિસ્ટ તરીકે કામ કરતો પુત્ર (આદિત્ય રોય કપૂર) કાનમાં ઈયર ફોન ઠોસીને ક્લાયન્ટસ સાથે વાત કરવામાં મશગૂલ રહે છે. પુત્રવધૂ સિમરન (મોના સિંહ) કે પૌત્રી અવની સતત મોબાઈલમાં યા લેપટોપ યા ટેબલેટમાં વ્યસ્ત હોય છે. પૌત્ર વિવાન તો વીડિયો ગેમ પાછળ ઘેલો છે…       

આમ જૂઓ તો, આજના આપણા મોટાભાગના પરિવારોમાં વધતે ઓછે અંશે આ જ સ્થિતિ છે. 

ત્રીજા દિવસે નેવી કેપ્ટન અશ્વિન મહેતાનો પા’રો છટકે છે અને મિલિટરી મિજાજથી પરિવારના પાંચેય સભ્યો (કેપ્ટનના પત્ની અવસાન પામ્યા છે)ને ભેગા બેસાડી એ એલાન કરે છે કે `પોતે બધું વેચીને વર્લ્ડ ટૂર પર જવાના છે, પરંતુ પોતાના માટે ત્રણ કરોડ રાખ્યા પછી વધતા પાંચ કરોડ એ પરિવારના સભ્યોને (એક-એક) કરોડ આપવા માગે છે, પણ એક શરત છે…. શરત એ છે કે છ મહિના સુધી જે પારિવારિક સભ્ય `ડિજિટલ ફાસ્ટિંગ’ (મોબાઈલ, લેપટોપ સહિતની તમામ ટેકનોલોજીથી દૂર રહેવાના ઉપવાસ) કરશે, તેને જ તેના હિસ્સાના એક કરોડ મળશે…! 

શ્રીશંક એસ. આનંદે લખેલી વાર્તામાં આજના સમાજમાં વ્યાપ્ત વિકારને પેશ કરવામાં આવ્યો છે, પણ તેમાં અતિશયોક્તિ વધારે લાગે છે. છ મહિના સુધી `ડિજિટલ ફાસ્ટિંગ’વાળી વાત જ પ્રેક્ટિકલ નથી, કારણ કે ડિજિટલ બેન્કિંગ, બીલ પેમેન્ટથી માંડીને અભ્યાસના પ્રોજેક્ટ સુધ્ધાં માટે મોબાઈલ અને કોમ્પ્યુટર અનિવાર્ય જેવા છે. 

ફિલ્મમાં તો કેપ્ટન અશ્વિન મહેતા મિક્સર અને વોશિંગ મશીનને `ડિજિટલ ફાસ્ટિંગ’ ગણાવીને ઘરમાંથી હટાવે છે. જે જરા વધુ પડતું લાગે છે… આમ છતાં વેબસિરીઝ ડિરેક્ટ કરનારા અજય ભુયાનની `થોડે દૂર, થોડે પાસ’ બે કલાકમાં એ વાતનો અહેસાસ કરાવી જ દે છે કે ટેકનોલોજીની નાગચૂડ આપણી ફરતે કેવો મુશ્કેટાટ ભરડો લઈ ચૂકી છે. મોબાઈલ ન વાપરતા કેપ્ટન અશ્વિન મહેતા એક દૃશ્યમાં કહે છે, `ફોન અગર સ્માર્ટ હો ગયા તો મૈં બેવકૂફ હો જાઉંગા, જો મુઝે મંજૂર નહીં!’

સ્માર્ટ ફોન હવે અનિવાર્ય છે એ સચ્ચાઈ હોવા છતાં તેનાથી (ભલે થોડો સમય દરરોજ) દૂર રહીએ ત્યારે ઉગતી સવાર, મોંમાં મૂકાતાં દરેક કોળિયા, સૂર્યપ્રકાશ અને લહેરાતી હવાથી માંડીને પરિવારના સભ્યો સામે જોવાથી જાગતી સંવેદના…વગેરેના અહેસાસ `થોડે દૂર, થોડે પાસ’ આપણને કરાવી જ દે છે. 

મેદાન, સાઈકલિંગ, વાતચીત, અટ્ટહાસ્યોમાં બયાન થતું પોતિકાપણું, ખૂણામાં કે માળિયે રખાઈ ગયેલાં શોખ (ફિલ્મમાં ગિટાર), કાળજી ફોક્સ, દીવાલ પર લટકતાં અને ઘરમાં રહેતા સ્વજનો, ગીતો, મહેનત… સ્માર્ટ ફોનથી અનાયાસ કેટકેટલું હાજર હોવા છતાં જીવનમાંથી વસુકી ગયું છે તેનો અહેસાસ `થોડે દૂર, થોડે પાસ’ આપણને કરાવે છે. એ અનુભૂતિ લેશો તો પછી તરત સ્માર્ટ ફોન હાથમાં લેવાનું મન નહીં થાય!

આ પણ વાંચો…ફિલ્મનામાઃ રાજકારણમાં બધું ચાલે, પણ સિનેમામાં રાજકારણીઓ નથી ચાલતાં!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button