મેટિની

ફિલ્મનામાઃ તિગ્માંશુ ધૂલિયા પોતાના પ્રિય ડોગીનું નામ ‘એક્શન’ શું કામ પાડ્યું?

નરેશ શાહ

તિગ્માંશુ ધૂલિયા એક ઊંચાં દરજ્જાનો સર્જક છે. એ પ્રભાવશાળી અભિનેતા છે તો ઉમદા લેખક છે તો એક અલગ માહૌલમાં લઈ જતી ફિલ્મો બનાવતા ડાયરેક્ટર પણ છે. ફિલ્મોના ચાહકો તો એ પણ યાદ રાખશે કે ઈરફાન ખાનના અભિનયનું સાચું મૂલ્ય પરદા પર અંકિત કરનારા સર્જક પણ તિગ્માંશુ ધૂલિયા છે, પણ માણસ ગમે તેટલો જિનિયસ હોય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નિયતિ તેને કસોટીની એરણ પર ચડાવ્યા વગર રહેતી નથી. તિગ્માંશુ ધૂલિયા પણ ડેસ્ટિનીના આ રોલર-કોસ્ટરમાંથી પસાર થયા છે અને આજે તેને વાત કરવી છે.

કાસ્ટિંગ ડિરેક્ટર (બેન્ડિટ ક્વિન) ડાયલોગ રાઈટર (દિલ સે) સહિતના પડાવ પસાર કરીને તિગ્માંશુ ધૂલિયાની પહેલી ફિલ્મ ‘હાંસિલ’ પડદા પર આવી ત્યારથી ડિરેક્ટર ધૂલિયા અને એક્ટર ઈરફાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ તેમના કામની નોંધ સિરિયસલી લેવાનું શરૂ કર્યું હતું, પણ હકીકત એ છે કે ‘હાંસિલ’ ફિલ્મને સિલ્વર સ્ક્રીન સુધી પહોંચતા ઓલમોસ્ટ છ વરસ લાગ્યા હતા.

‘હાંસિલ’ના કથાવિચારને કાગળ પર ઉતારવાનું તિગ્માંશુએ 1996માં શરૂ કર્યું હતું અને એ રિલીઝ 2003માં થઈ હતી. આમ જુઓ તો ફિલ્મો માટે કામ કરવાનું શરૂ કર્યા પછી છેક ચૌદ વરરના ‘વનવાસ’ બાદ એ ડિરેક્ટર ‘હાંસિલ’ ફિલ્મ બનાવીને તિગ્માંશુ ડિરેક્ટર બન્યા હતા. આપણને થાય કે એ પછી તો ટેલેન્ટેડ ડિરેક્ટરની દુકાન પૂરપાટ ચાલવા માંડી હશે, પણ એવું નથી. નેકસ્ટ ઈયર, 2004માં તેમની બીજી ફિલ્મ ‘ચરસ’ રિલીઝ થઈ હતી પણ પછી કંઈક એવું બન્યું કે તિગ્માંશુ ધૂલિયાની ત્રીજી ફિલ્મમાં છેક સાત વરસ પછી 2011માં(શાગિર્દ-નાના પાટેકર, અનુરાગ કશ્યપ) રિલીઝ થઈ હતી.

મજા ગણો કે ટ્રેજેડી ગણો. આ સાત વરસ દરમિયાન તેઓ સતત ફિલ્મ બનાવી રહ્યા હતા. શાગિર્દ ઉપરાંત સાહેબ, બીબી ઔર ગેંગસ્ટર અને ક્લાસિક ગણાય એવી પાનસિંહ તોમર તેમણે આ સમયખંડમાં જ કમ્પલીટ કરી દીધી હતી પણ એ થિયેટરનું મોઢું જોઈ શકવાને સમર્થ બનતી નહોતી.

તમે ત્રણ ફિલ્મ (નાના પાટેકર, જીમી શેરગિલ, ઈરફાન ખાન જેવા સ્ટાર-એક્ટર સાથે) બનાવી ચૂક્યા હોવા છતાં એ રિલીઝ ન થતી હોય ત્યારે ઈન્ડસ્ટ્રીઝમાં કેવી વાતો આ ફિલ્મોના રાઈટર-ડિરેક્ટર માટે ચાલતી હોય, તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. એ રાઈટર-ડિરેક્ટરની મનોસ્થિતિ પણ કેવી તીવ્રપણે ડામાડોળ અવસ્થામાં પહોંચી ગઈ હશે, એ પણ અનુમાનનો વિષય છે. આ ત્રણેય ફિલ્મ કલા અને રજૂઆતની દૃષ્ટિએ ચોટડુંક બની હતી, એ તો રિલીઝ પછી બધાએ સ્વીકાર્યું પણ એ પહેલાં તિગ્માંશુ ધૂલિયાની મનોઅવસ્થા કેવી હતી?

‘આ એ સમય હતો કે હું સ્વયં અંતહીન ઈન્તઝારની અવસ્થામાંથી પસાર થઈ રહ્યો હતો. મેં ક્યારેય મારા આંસુ કોઈને દેખાડ્યા નહીં કે એવો અવસર જ આવવા ન દીધો!’

તિગ્માંશુ ધૂલિયાએ આ શબ્દો (ગીતકાર આનંદ બક્ષીના પુત્ર) રાકેશ આનંદ બક્ષીને ‘ડિરેક્ટર્સ ડાયરી’ પુસ્તક પાસે આપેલાં ઈન્ટરવ્યૂમાં કહ્યા પછી ઉમેર્યું હતું કે, ‘મને ડોગી પસંદ છે. એ દિવસોમાં હું એક ડોગી ખરીદી લાવ્યો અને તેનું નામ રાખ્યું: એકશન… આ એ દિવસો હતા કે ડિરેક્ટર તરીકે હું ‘એકશન’ શબ્દ બોલી શકું એવી પરિસ્થિતિ જ નહોતી એટલે ખૂબ હતાશ રહેતો હતો પણ મારા પ્રિય ડોગનો મારે આભાર માનવો રહ્યો કે જેના કારણે (હતાશાના) એ દિવસોમાં પણ દિવસમાં સો વખત ‘એક્શન,’ ‘એક્શન’ બોલી શકતો હતો!’

ડિપ્રેશનની ડેલીને અડી આવ્યા જેવી આ સ્થિતિમાંથી પસાર થયા પછી જોકે કૌવત-કુશળતાનો સૂરજ ઊગ્યો પણ એ પહેલાં ઘણી બધી બૌદ્ધિક ટકરામણો તિગ્માંશુ ધૂલિયાએ કરવી પડી હશે , કારણ કે શાગિર્દ અને પાનસિંહ તોમરના નિર્માતા સ્ટુડિયોમેકર આ ફિલ્મોને થિયેટરમાં રિલીઝ કરવા રાજી જ નહોતા. ‘શાગિર્દ’ માટે તેમનું માનવું હતું કે નાના પાટેકરની માર્કેટમાં ઓટ આવી ગઈ છે એટલે તેને જોવા કોઈ થિયેટરમાં આવશે નહીં.

‘પાનસિંહ તોમર’ તો બની ગયા પછી દોઢ-બે વરસ પડી રહી હતી, કારણ કે સ્ટુડિયોને ડાઉટ હતો કે… આવી આર્ટિસ્ટીક મૂવી કદાચ, ઈન્ડિયન ઓડિયન્સને માફક નહીં આવે. જે હોય તે. ‘શાગિર્દ’એ આપણને અભિનેતા અનુરાગ કશ્યપ આપ્યો તો ‘પાનસિંહ તોમર’ અપ્રતિમપણે લોકોના દિલોદિમાગમાં કોતરાઈ ગઈ અને ફરી એકવાર પુરવાર થયું કે સ્ટુડિયોના ડિગ્રીધારી ક્રિએટર્સ કરતાં એક સર્જકની ગટ્સ ફિલિંગ વધુ સાચી હોય છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button