મેટિની

એકસ્ટ્રા અફેર : કર્નલ સોફિયા દેશ કી બેટી કે આતંકવાદીઓની બહેન?

-ભરત ભારદ્વાજ

પાકિસ્તાની આતંકવાદીઓનો ઘડોલાડવો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર બદલ આખા દેશને દેશની ઈન્ડિયન આર્મી પર ગર્વ છે. લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ સાથે મળીને હાથ ધરેલા આ ઓપરેશને પાકિસ્તાન અને આતંકવાદ બંનેને હચમચાવી નાંખ્યા છે, ત્યારે મધ્ય પ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહે ઓપરેશન સિંદૂર અંગે બ્રીફિંગ કરવા માટે આવેલાં કર્નલ સોફિયા કુરેશી વિશે કરેલી અપમાનજનક અને આઘાતજનક ટીપ્પણી સામે દેશભરમાં આક્રોશ છે.

વિજય શાહે જાહેરમાં કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવીને અપમાનિત કરી તેની મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે પણ નોંધ લીધી અને વિજય શાહ સામે દેશમાં કોમી ઉશ્કેરણી કરવા બદલ એફઆઈઆર નોંધવા ફરમાન કર્યું ત્યારે ભાજપની નેતાગીરી આ મુદ્દે ચૂપ છે. દેશનું ગૌરવ એવાં કર્નલ સોફિયા કુરેશી માટે આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે ત્યારે તેમના માટે અપમાનજનક ટીપ્પણી કરનારા મંત્રીને ભાજપે લાત મારીને તગેડી મૂકવા જોઈએ પણ તેના બદલે ભાજપના નેતા આ મુદ્દે હરફ પણ ઉચ્ચારી રહ્યા નથી.

વિજય શાહ કર્નલ સોફિયા કુરેશી માટે આવા શબ્દો ઉચ્ચારે છે કેમ કે કર્નલ સોફિયા મુસ્લિમ છે. આ વાત હાઈ કોર્ટે કહેવી પડી છે પણ ખરેખર તો ભાજપની નેતાગીરીએ કરવી જોઈએ અને બીજું કંઈ કરવાની તાકાત ના હોય તો વિજય શાહ પાસે કમ સે કમ જાહેરમાં માફી તો મંગાવવી જ જોઈએ.

આ દેશમાં એક વર્ગ એવો છે કે, જેને ભાજપની જરાક ટીકા કરો તો પણ મરચાં લાગી જાય છે. ભાજપની ભૂલો કે બેવડાં ધોરણ તરફ ધ્યાન દોરાય તો પણ ટીકાકાર પર ભાજપવિરોધી ને દેશવિરોધી હોવાનું લેબલ લગાવવા કૂદી પડે છે. અત્યારે ભાજપના એક મંત્રી ઈન્ડિયન આર્મીમાં 20 વર્ષથી વધારે સમયથી સેવા આપતી દેશની દીકરી પર આતંકવાદીઓની બહેન હોવાનું લેબલ લગાવી રહ્યા છે ત્યારે તેમની બોલતી બંધ છે. ભાજપની ટીકા કરાય ત્યારે જ જેમનો દેશપ્રેમ ઉછાળા મારવા માંડે છે એ લોકોને શરમ આવવી જોઈએ. હિંદુઓનો ઈતિહાસ તો દેશની દીકરીઓ માટે મરી ફિટવાનો છે. અહીં એક બે બદામનો મંત્રી બેફામ લવારા કરે છે ને બધાં ચૂપ છે. દેશની દીકરીના બચાવમાં બોલી નહીં શકનારાં બધાંને લાનત છે.

મધ્ય પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી હિતાનંદ શર્માએ શાહને પાર્ટીના મુખ્યાલયે બોલાવીને કર્નલ સોફિયા વિરોધી નિવેદન બદલ ઠપકો આપ્યો પછી શાહે માફી માગી અને ફરી આવું નહીં કરવાનું વચન આપ્યું હોવાના દાવા ભાજપભક્ત મીડિયામાં કરાયા છે પણ શાહે જાહેરમાં કોઈ માફી માગી નથી કે ભાજપે પણ તેમણે માફી માગી હોવાનું કહ્યું નથી. ઊલટાનું શાહે તો એવો દાવો કર્યો કે, આપણી બહેનોએ પોતાની પૂરી તાકાતથી સેના સાથે કામ કર્યું છે. કેટલાક લોકો મારા ભાષણને અલગ સંદર્ભમાં જોઈ રહ્યા છે પણ મેં કશું ખોટું કહ્યું નથી.

આપણ વાંચો:  કવર સ્ટોરી : અંતમાં આરંભનો અણસાર…

કર્નલ સોફિયા કે આર્મીમાં કામ કરતી બીજી કોઈ પણ દેશની દીકરી વરસોથી દેશની સેવા કરે જ છે અને તેમને વિજય શાહના સર્ટિફિકેટની જરૂર નથી, પણ શાહને તેમને અપમાનિત કરવાનો અધિકાર તો જરાય નથી. શાહ જે બચાવ કરે છે એ વાહિયાત છે કેમ કે શાહે કર્નલ સોફિયાને આતંકવાદીઓની બહેન ગણાવી એ સ્પષ્ટ રીતે વીડિયોમાં સંભળાય જ છે.

વિજય શાહ સ્પષ્ટ રીતે એવું બોલતા સંભળાય છે કે, આપણી દીકરીઓના સુહાગ છિનવી લેનારા અને સિંદૂર ઉજાડનારાં સામે મોદીજીએ તેમની જ બહેનને મોકલીને તેમની ઐસી કી તૈસી કરી દીધી. ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરેશી ઓપરેશન સિંદૂરમાં ભાગ નહોતો લીધો પણ વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને પ્રેસ બ્રીફિંગમાં ભારત દ્વારા પાકિસ્તાન સામે કરાયેલા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. વિજય શાહને તો આ હકીકતની પણ ખબર નથી.

શાહ છાપેલું કાટલું છે અને વરસોથી આ પ્રકારના લવારા કર્યા જ કરે છે. વિજય શાહ 2013માં શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં મંત્રી હતા ત્યારે 2013ની વિધાનસભા ચૂંટણી પહેલાં ઝાબુઆમાં એક કાર્યક્રમમાં શિવરાજસિંહ ચૌહાણનાં પત્ની સાધનાસિંહ વિશે અશ્ર્લીલ કોમેન્ટ કરી હતી. શાહે કહેલું કે, મેં શિવરાજસિંહનાં પત્ની સાધનાને કહેલું કે, ભૈયા એટલે કે શિવરાજસિંહ સાથે તો રોજ જાઓ છો પણ ક્યારેક દિયર એટલે કે પોતાની સાથે જવાનું પણ રાખો. આ ગંદી માનસિકતા બતાવનારા વિજય શાહ સામે આખા મધ્ય પ્રદેશમાં હોબાળો થઈ જતાં શિવરાજ સરકારમાં તેમણે રાજીનામું આપવું પડેલું પણ ચાર મહિના પછી ભાજપે પાછા તેમને મંત્રી બનાવી દીધા હતા.

વિજય શાહ એક્ટ્રેસ વિદ્યા બાલને રાત્રે મળવાની ના પાડતાં શૂટિંગ બંધ કરાવી દેવાના કારણે પણ વિવાદમાં આવેલા. વિદ્યા બાલન નવેમ્બર 2023માં બાલાઘાટમાં શૂટિંગ માટે આવેલી. શાહે વિદ્યા બાલનને રાત્રે મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિદ્યા બાલને મળવાની ના પાડી દેતાં શાહે વન વિભાગને ફરમાન કરાવીને ફિલ્મનું શૂટિંગ બંધ કરાવી દેતાં મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચગ્યો હતો. ભાજપ સરકારની ભારે બદનામી થતાં છેવટે વન વિભાગે ફરી શૂટિંગની મંજૂરી આપી હતી.

વિજય શાહને મહિલાઓ અંગે ગંદી માનસિકતા જાહેરમાં બતાવવામાં કોઈ છોછ નથી તેનો આ બે ઘટના પુરાવો છે. આ પહેલાં વિજય શાહે રાહુલ ગાંધી અપરિણીત હોવા અંગે પણ ગંદી ટિપ્પણી કરી હતી. સપ્ટેમ્બર 2022માં વિજય શાહે ખંડવામાં એક સભામાં કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ 50-55 વર્ષની ઉંમર પછી પણ લગ્ન ન કરે તો લોકો પૂછવા લાગે છે કે શું છોકરામાં કોઈ ખામી છે?

વિજય શાહ બેફામ લવારા કરવા માટે પંકાયેલા છે. ભાજપ આ લવારા સામે આંખ આડા કાન કરે છે તેના કારણે એ છાકટા બન્યા છે ત્યારે ભાજપે આ વખતે તેમને પાઠ ભણાવીને કાયમ માટે રવાના કરી દેવા જોઈએ. ભાજપે સાબિત કરવું જોઈએ કે, તેના ચાવવાના અને બતાવવાના જુદા જુદા નથી. એક તરફ ભાજપની સરકાર કર્નલ સોફિયા કુરેશીને ઈન્ડિયન આર્મીની પ્રતિનિધિ બનાવીને બ્રીફિંગ માટે મોકલે ને બીજી તરફ ભાજપના એક મંત્રી કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવે ત્યારે બંનેમાંથી સાચું કોણ એ સ્પષ્ટતા પણ ભાજપે કરવી જોઈએ.

ભારતની 150 કરોડ જનતા માટે તો કર્નલ સોફિયા કુરેશી દેશ કી બેટી છે, ભાજપ માટે શું છે ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button