ધરમજીના વિલન પણ હીરો બની ગયા…!

હેન્રી શાસ્ત્રી
65 વર્ષ (1960થી 2025) દરમિયાન ધરમજીના સશક્ત પરફોર્મન્સની વાત કરવા બેસીએ તો જગ્યા ઓછી પડે. ધરમ પ્રાજીએ (અનિતા રાજ સાથેની ફિલ્મના શૂટિંગ વખતે ધરમજીએ સમજાવ્યું હતું કે સાચો શબ્દ ‘પ્રાજી’ છે પાજી નહીં. પંજાબીમાં ભાઈને ‘પ્રા’ કહી બોલાવાય છે અને એનું માનવાચક ‘પ્રાજી’) અનેક કલાકારો સાથે કામ કર્યું છે, પણ એમાં બે વિલન અને એક હીરોની વાત જરા નિરાળી છે.
રસપ્રદ વાત એ છે કે કારકિર્દીના પ્રારંભમાં નેગેટિવ રોલ કરી સ્ટારડમ મેળવનારા ધરમજીની ફિલ્મોમાં ખલનાયક તરીકે કામ કરનારા બે એક્ટરે રાતોરાત નાયક તરીકે ખ્યાતિ મેળવી હતી. ધરમજીના સંદર્ભમાં આ અભિનેતાઓ વચ્ચે રહેલું સામ્ય જાણવા-સમજવા જેવું છે. થોડા ભૂતકાળમાં સરી વાત વિગતે સમજવા જેવી છે…
અર્જુન હિંગોરાનીની ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ પછી હેન્ડસમ હીરો તરીકે નામના મેળવનાર ધર્મેન્દ્ર શરૂઆતમાં રોમેન્ટિક હીરો તરીકે જામી રહ્યો હતો. ‘શોલા ઔર શબનમ’, ‘સૂરત ઔર સિરત’, ‘અનપઢ’, ‘બંદિની’…. રૂપાળો અને કુમાશભર્યા ચહેરાવાળો ધર્મેન્દ્ર દર્શકોને પસંદ પડી રહ્યો હતો. જે. ઓમ પ્રકાશ નિર્મિત અને મોહન કુમાર દિગ્દર્શિત ‘આઈ મિલન કી બેલા’માં નેગેટિવ રોલની છાંટ ધરાવતો રોલ કરવાની હિંમત ધર્મેન્દ્રએ દેખાડી હતી. ફિલ્મ સુપરહિટ થઈ અને એક્ટરની ગણતરી અગ્રણી હીરોમાં થવા લાગી.
અહીં દિલચસ્પ વાત એ છે કે 1970ના દાયકામાં ધરમજી હીરો હતા એમાં વિલનનો રોલ કરનારા બે અભિનેતાની કિસ્મત એવી ચમકી કે પછી બંનેએ હીરો તરીકે નામના મેળવી એક ઊંચાઈ હાંસલ કરી. આ બે કલાકાર છે શત્રુઘ્ન સિન્હા અને વિનોદ ખન્ના.
પંજાબી પિતાની ઈચ્છા વિરુદ્ધ ફિલ્મોમાં ભાગ્ય અજમાવવા આવેલા વિનોદ ખન્નાને બ્રેક મળ્યો સુનીલ દત્તની ‘મનકા મીત’ ફિલ્મથી અને ત્યારબાદ ‘આન મિલો સજના’, ’મેરે અપને’ વગેરે ફિલ્મોથી દર્શકો અને ફિલ્મમેકરોની નજરે ચડ્યો. નેગેટિવ રોલ વધુ મળી રહ્યા હતા અને હીરો બનવાના ખ્વાબનું પોટલું બાંધી અભેરાઈ પર ચડાવી દેવું પડશે એવું લાગી રહ્યું હતું અને 1971માં આવી રાજ ખોસલાની ‘મેરા ગાંવ મેરા દેશ’.
ફિલ્મમાં હીરો હતા ધરમજી પણ વિનોદ ખન્નાએ ડાકુના રોલમાં હીરોને જોરદાર ટક્કર આપી અને અચાનક હીરોના રોલ ઓફર થવા લાગ્યા. એક સમય તો એવો હતો કે મિસ્ટર ખન્ના એક સાથે હીરો અને વિલનના રોલ કરી રહ્યા હતા. ટૂંકમાં ધરમજીની ફિલ્મમાં ખલનાયક બન્યા પછી વિનોદ ખન્નાનો નાયક તરીકે સિતારો ચમકી ગયો એ હકીકત છે. 1980 સુધીમાં તો અમિતાભ બચ્ચન જેટલી જ લોકપ્રિયતા વિનોદ ખન્નાને મળી ગઈ.
આવી જ કથા ‘શોટગન’ વિશેષણ મેળવનારા શત્રુઘ્ન સિન્હાની પણ છે. શત્રુજીનો ચહેરો જાણીતો બન્યો ‘ખિલૌના’ અને ‘પ્રેમ પુજારી’થી. આ બંને ફિલ્મમાં એનો નેગેટિવ રોલ હતો. જોકે, આ બંને ફિલ્મો પહેલા અને પછી ધર્મેન્દ્ર સાથે શત્રુઘ્ન સિન્હાએ કરેલી ફિલ્મમાં વિલનનો રોલ કર્યો હતો, જે એમની કરિયરને પહેલા ધક્કો આપવામાં અને પછી હીરો બની જવામાં નિમિત્ત બન્યો હતો.
ભપ્પી સોની દિગ્દર્શિત 1969ની ‘પ્યાર હી પ્યાર’માં (’મૈં કહીં કવિ ન બન જાઉં તેરે પ્યાર મેં અય કવિતા’ ગીત યાદ છે?) હીરો ધરમજી હતા અને બ્લેકમેલરની નાનકડી ભૂમિકામાં શત્રુજીની હાજરી હતી. રોલ નાનો હતો પણ મિસ્ટર સિન્હાને વિલનના અન્ય રોલ અપાવવામાં મદદરૂપ થયો હતો.
1973માં વિજય આનંદ દિગ્દર્શિત ‘બ્લેકમેલ’ (’પલ પલ દિલ કે પાસ તુમ રહતી હો’ યાદ હશે) ફિલ્મમાં ધર્મેન્દ્ર-રાખીની મુખ્ય જોડી હતી અને ફિલ્મમાં ખલનાયકનું પાત્ર શત્રુઘ્ન સિન્હાએ ભજવ્યું હતું. ચિત્રપટને વ્યાવસાયિક સફળતા નહોતી મળી, પણ શત્રુજીની કિસ્મતને કિક લાગી અને સુભાષ ઘઈની ‘કાલીચરણ’માં હીરો બનવાનો મોકો મળ્યો. એ ફિલ્મને ફાંકડી સફળતા મળી અને એક વિલન હીરો બની ગયા.
ધરમજીના આવા યોગદાન વિશે પણ વાકેફ થવું જોઈએ. ધરમજીની ફિલ્મોના છાપ પાડી ગયા હોય એવા અનેક દ્રશ્ય છે, જેમાં એમની કારકિર્દીને વળાંક આપનારી ‘ફૂલ ઔર પત્થર’ના એક સીનનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ફિલ્મમાં એક કલાક અને બાર મિનિટ પછી આવતા આ સીનમાં દારૂના નશામાં ચૂર શાકા (ધર્મેન્દ્ર) ઘરે પાછા ફરતી વખતે એનું ધ્યાન વૃક્ષ નીચે ઠંડીથી ઠૂંઠવાતી એક આધેડ વયની મહિલા પર પડે છે. માતા સમાન વૃદ્ધાને ઠંડીથી રક્ષણ મળે એ માટે શાકા શર્ટ ઉતારી એ મહિલાને ઓઢાડી દે છે.
આ દ્રશ્ય અમર બની ગયું અને એમની કારકિર્દીને વેગ મળ્યો. એવું સાંભળ્યું હતું કે અંદાજે અઢી મિનિટ ભરાવદાર છાતી અને કસાયેલા બાવડાં ધરાવતો ધર્મેન્દ્ર જોવા ઘણા લોકોએ એકથી વધુ વખત આ ફિલ્મ જોઈ હતી. આ સીનથી ધરમજી હી-મેન બની ગયા. ‘ફૂલ ઔર પત્થર’ રિલીઝ થઈ હતી 1966માં અને 1998માં રજૂ થયેલી ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં શર્ટ પહેર્યા વિના ઉઘાડી છાતીએ પડદા પર ગીત (ઓ ઓ જાને જાના) ગાઈને સલમાન ખાન મશહૂર થઈ ગયો હતો. રસપ્રદ વાત તો એ છે આ ફિલ્મમાં ધરમજીએ પણ કામ કર્યું છે !
આ ઈન્ડસ્ટ્રીમાં શિખર પર પહોંચ્યા પછી ક્યારે ગબડતા ગબડતા તળેટીમાં પહોંચી જવાય એનું અનુમાન નથી થઈ શકતું. ઢગલાબંધ હિટ ફિલ્મો આપનારા ધરમજીએ એવા માઠાં દિવસો જોવાનો વારો આવ્યો કે બી ગ્રેડ એક્શન હીરો તરીકે ઓળખાવા લાગ્યા. હેમંત બિરજે જેવા એક્ટર સાથે 11 ફિલ્મ કરવાનો વખત આવ્યો હતો. જોકે, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ની સફળતાને પગલે ધરમજીએ આ પ્રકારની ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.



