સ્ટાર-યાર-કલાકારઃ એકલવીર-એક્સપરિમેન્ટલ ને બહાદુર બંદા: બી.આર. ચોપરા

સંજય છેલ
અલગ પ્રકારની ફિલ્મોએ મને ખૂબ પડકારો આપ્યા, નુકસાની આપી પણ મારા પેશન મારી ઘેલછાએ મારામાંના ફિલ્મમેકરને જીવાડ્યો.
હું હંમેશાં એવી ફિલ્મો બનાવવામાં વિશ્વાસ રાખું છું, જે સમાજને પ્રતિબિંબિત કરે અને વિચાર કરવા પ્રેરિત કરે, માત્ર મનોરંજન નહીં.
આ શબ્દો છે બલદેવ રાજ ચોપરા અર્થાત્ બી.આર.ચોપરાના, જે સામાજિક સભાનતા સાથે સુપરહિટ ફિલ્મો માટે આજેય સિનેમાનો માઇલસ્ટોન માણસ છે. ચોપરાજીની ફિલોસોફી માત્ર વાતોના વડા નથી, પણ એમણે ‘એક હી રાસ્તા’ (1956)માં વિધવા-વિવાહ અને ‘ધૂલ કા ફૂલ’ (1959) કે ‘ધર્મપુત્ર’(1961) માં કોમી-એકતા જેવા જલદ વિષયને ઊંડાણથી ને સફળતાથી રજૂ કરીને દેખાડેલા.
બી.આર.ચોપરા દેશના ભાગલા બાદ પાકિસ્તાનથી ભારત આવ્યા. ફિલ્મો બનાવતા પહેલાં ચોપરા કલકત્તાના અખબાર માટે ફિલ્મ રિવ્યુઝ લખતા, જેમાં ભારતીય સિનેમામાં વાસ્તવિક અને સબળ વાર્તાના અભાવની સતત ટીકા કરતા માટે જ ચોપરાજીની ફિલ્મો હંમેશાં ‘કથાપ્રધાન’ રહેતી.
એ મુંબઈ આવ્યા ને શરૂઆતમાં મિત્રો સાથે પાર્ટનરશિપમાં ફિલ્મ પ્રોડ્યુસ કરી, પણ એમની નિર્માતા તરીકે પહેલી જ ફિલ્મ ‘કરવટ’ ફ્લોપ ગઈ. એમના પાર્ટનર્સ ભાગી ગયા ને એ એકલા જ પોતાનાં સપનાંને સાકાર કરવામાં મચી પડ્યા. ચોપરાજી અવારનવાર મુંબઈના એક રેસ્ટોરન્ટમાં જતા. ત્યાં સ્ટ્રગલ કરતા નવા આર્ટિસ્ટ્સ ભેગા થતા. એમની મદદથી એમણે નિર્દેશક તરીકની પહેલી ફિલ્મ ‘અફસાના’ બનાવી જે સુપર હિટ થઈ.
બી.આર.ચોપરાની 1988માં શરૂ થયેલી ભવ્ય ક્લાસિક ટી.વી. સિરિયલ ‘મહાભારત’ને હજી પણ લોકો યાદ કરે છે. એમણે મહાભારત પહેલાં તો ફીચર ફિલ્મ તરીકે પ્લાન કરેલી પણ પછી સમજાયું કે મહાભારત જેવા એપિક-મહાકાવ્યની વિશાળતા માત્ર 3 કલાકમાં ના સમાવાય એટલે એમણે વિસ્તારથી 94 એપિસોડની સિરિયલ બનાવી.
ચોપરાજીએ મહાભારત સિરિયલ માટે કવિ પંડિત નરેન્દ્ર શર્મા જેવા વિદ્વાન સાહિત્યકારોની સલાહ લીધેલી અને ડો. રાહી માસૂમ રઝા જેવા ઉર્દૂ હિંદીના મશહૂર લેખક પાસે યાદગાર સંવાદો લખાવેલા. શરૂઆતમાં લોકોએ વિરોધ કરેલો કે એક મુસ્લિમ લેખક મહાભારત શું સમજે? પણ રાહી માસૂમના સંવાદોએ સૌની બોલતી બંધ કરી નાખી. એમણે એ જમાનામાં સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે ક્રોમા કી જેવી મોડર્ન ટેક્નિક્સ વાપરેલી.
ચોપડાજી, રોમેંટિક ફિલ્મોના જાદૂગર એવા યશ ચોપડાના મોટા ભાઇ જ નહોતા, પણ એક રીતે ગોડફાધર કે ગુરુ હતા. યશ ચોપરાએ 1972માં બી.આર.ફિલ્મ્સ છોડીને રાજેશ ખન્નાની મદદથી ‘યશરાજ ફિલ્મ’ શરૂ કરી ને ‘દાગ’ જેવી હિટ ફિલ્મ બનાવી ત્યારે બી.આર. ચોપડાની એકધારી સફળતા પર ખૂબ અસર થઈ હતી. યશજીની ‘દાગ’, ‘દીવાર’, ‘ત્રિશૂલ’, ‘કભી-કભી’ ફિલ્મોની સફળતાએ બી.આર.ચોપરાને પાછળ મૂકી દીધા.
આમ છતાં ચોપરાએ બાસુ ચેટર્જી પાસે ‘પતિ પત્ની ઓર વો’ જેવી કોમેડી બનાવડાવી અને ‘ઇંસાફ કા તરાઝૂ’ જેવી હિટ ફિલ્મો પ્રોડ્યુસ કરવાની ચાલુ રાખી. આ ફિલ્મોમાં એમણે લગ્ન બહારના લફરાં ને બળાત્કાર જેવા બોલ્ડ થીમ્સ લાવવાની હિમ્મત કરી તો બીજી તરફ્, ‘નિકાહ’ ફિલ્મમાં મુસ્લિમ સમાજના તલાકના ગંભીર વિષયને છંછેડીને યાદગાર સંગીત ને નવા કલાકારો સાથે એ જમાનામાં હિટ કરી દેખાડેલી.
1960ના દાયકામાં એક પરિણિતા સ્ત્રી લગ્ન બહાર સંબંધ રાખે એવી ‘ગુમરાહ’ જેવી ફિલ્મ બનાવેલી તો અશોકકુમાર અભિનીત ‘કાનૂન’ જેવી એક જ સેટ પર, એકપણ ગીત વિનાની માત્ર કોર્ટરૂમ ડ્રામાની હિટ ફિલ્મ આપેલી.
ચોપરાજીની ફિલ્મ ‘નયા દૌર’માં શરૂઆતમાં મધુબાલાને દિલીપકુમારની હીરોઇન તરીકે લેવામાં આવી હતી. મધુબાલા ને દિલીપ કુમાર 99 વર્ષથી રિલેશનશિપમાં હતા. મુંબઈના સ્ટુડિયોમાં લગભગ 10 દિવસ ફિલ્મનું શૂટિંગ થયું. ત્યાર બાદ ગામડાનાં સીન માટે ભોપાલ નજીક એક ગામડામાં 40-45 દિવસના લાંબા આઉટડોર શૂટિંગ માટે જવાનું હતું.
મધુબાલાના અબ્બાજન અતાઉલ્લા ખાને મધુબાલાની નાજુક તબિયતનું (હાર્ટની સમસ્યાનું) બહાનું આપ્યું, પણ અસલી કારણ એ હતું કે દિલીપકુમાર સાથે મધુબાલાનો રોમાન્સ પિતા અતાઉલ્લાને મંજૂર નહોતો. આખરે મધુબાલા એ ફિલ્મ છોડી દીધી. ચોપડાજીએ મધુબાલા અને એના પિતા અતાઉલ્લા ખાન પર કોન્ટ્રાક્ટ ભંગ કરવા બદલ લાખોની માંગણી કરી. જવાબમાં અતાઉલ્લા ખાને હીરોઇનને કહ્યા વિના લોકેશન બદલવા માટે ચોપરાજી વિરુદ્ધ સામો કેસ કર્યો.
1956માં કેસ બોમ્બે હાઇકોર્ટમાં ગયો, જે ત્યારના મીડિયામાં ખૂબ ગાજ્યો, પણ અદાલતમાં દિલીપ કુમારે મધુબાલા વિરુદ્ધ બયાન આપ્યું અને આઉટડોર શૂટની જરૂરિયાતને સાચી ઠેરવી અને અતાઉલ્લા ખાનની ટીકા કરી. કોર્ટે ચોપડાના પક્ષમાં ચુકાદો આપ્યો. એ પછી ફિલ્મ મધુબાલાની જગ્યાએ વૈજયંતીમાલાને લેવામાં આવી. કેસને લીધે ફિલ્મની પબ્લિસિટી એટલી બધી થઇ કે ફિલ્મ સુપરડુપર હિટ થઈ.
આ પણ વાંચો…-યાર-કલાકાર : ‘ચૌંકના મત’… આ છે ‘અસરાની સર’ની પાઠશાળાનો ગુરુમંત્ર!
‘મેન વર્સીસ મશીન’ અર્થાત્ ‘માણસ વિરુદ્ધ મશીન’ના થીમને ખુદ ત્યારના વડા પ્રધાન નહેરુએ બિરદાવેલી. નહેરુજીનો એ પત્ર ‘રાજુ બન ગયા જેંટલમેન’, ‘યેસ બોસ’, ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ જેવી ફિલ્મો અને ‘નુકકડ’ જેવી યાદગાર સિરિયલના નિર્દેશક અઝીઝ મિર્ઝાના પિતા અને ‘નયા દૌર’ના લેખક સ્વ. અખ્તર મિર્ઝાના ઘરે ફ્રેમમાં મઢેલો મેં ખુદ જોયો છે.
બી.આર.ચોપરાએ મુંબઇના જૂહુ વિસ્તારમાં ફિલ્મોના એડિટિંગ ને ડબિંગ માટે શાનદાર આધુનિક બી.આર સ્ટુડિયો પણ બનાવેલો. ચોપરાજી બોલિવૂડમાં સ્ટોરી વિભાગ શરૂ કરનારા પહેલાં હતા, જેમાં 34 લેખકોને મહિને સન્માનીય રકમનો પગાર આપવામાં આવતો. એમાં એક ગુજરાતી લેખક સી.જે.પાવરી પણ હતા.
ચોપરાજી, ગુજરાતી નાટકો પણ જોતા એટલે જ સ્વ.પ્રવીણ જોશીના નાટક ‘ધુમ્મસ’ પરથી ‘ઇત્તેફાક’ નામની થ્રિલર ફિલ્મ બનાવેલી. આ ફિલ્મ રોમેંટિક સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે એમણે એક પણ ગીત કે હીરોઇન વિના માત્ર 21 દિવસમાં પ્રોડ્યુસ કરેલી. વળી આ જ ફિલ્મમાં રાજેશ ખન્નાને અભિનયની સહાય કરવા મૂળ ગુજરાતી નાટકના હીરો ને અદ્ભુત અદાકાર અરવિંદ જોશી સેટ પર હાજર રહેતા.
આજે બોલિવૂડમાં સાઉથમાંથી ફિલ્મની વાર્તા શોધતા નિર્માતાઓ ઠેરઠેર છે, પણ ચોપરાની ફિલ્મો ત્યારે સાઉથમાં રી- મેક થતી. હિંદી ફિલ્મ ઇતિહાસમાં બી.આર.ચોપડા સમય સાથે, સમયથી આગળ, સ્ટાર સાથે કે સ્ટાર વિના, સુપરહિટ ગીત સંગીત સાથે કે વગર, એક પ્રયોગશીલ ને છતાંયે સફળ વત્તા સૌથી હિમ્મતવાન ‘નિર્માતા નિર્દેશક’ હતા અને રહેશે. 1998માં એમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો ત્યારે કહેલું ‘મારા હિસાબે, આ એવોર્ડ મારી ફિલ્મ કારકિર્દીનો ક્લાઇમેક્સ છે.’
-પણ ના, ચોપરાજી છેક 2004 સુધી અમિતાભની ‘બાગબાન’ ફિલ્મ સુધી કાર્યરત હતા. આ 5 નવેંબરે ચોપરાજીની પુણ્યતિથિ ગઇ. આવા એકલવીર, એક્સપરિમેન્ટલ અને બહાદુર બંદાને 100-100 સલામ.
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : સતીશ શાહ અલબેલો- આનંદી ને ઓલ-રાઉન્ડર અદાકાર



