શો-શરાબા: ડોક્યુમેન્ટેડ ડ્રીમ્સ: દસ્તાવેજી દ્રષ્ટિએ સિનેમાનાં સપનાં | મુંબઈ સમાચાર

શો-શરાબા: ડોક્યુમેન્ટેડ ડ્રીમ્સ: દસ્તાવેજી દ્રષ્ટિએ સિનેમાનાં સપનાં

-દિવ્યકાંત પંડ્યા

અવિશ્વસનીય લાગશે, પણ હકીકત એ છે કે બોલિવૂડ જેટલો મોટો અને રોમાંચક ઇતિહાસ ધરાવે છે તેટલો જ ઓછો તેણે પોતાનો ઇતિહાસ સાચવી રાખ્યો છે (ફિલ્મ આર્કાઇવ અને ભારતીય સિનેમાના સંરક્ષક ગણાતા પી. કે. નાયર પર આ જ કટારમાં એક શ્રેણી લખી હતી). વર્ષો સુધી અહીં ફિલ્મ્સની પાછળની સાચી વાર્તાઓ, મહેનત કરનારા લોકોના યોગદાન અને ભારતીય સિનેમાના વિકાસ વિશે સચોટ રીતે જણાવતી ડોક્યુમેન્ટરીઝ (દસ્તાવેજી ફિલ્મ્સ) બહુ જ ઓછી બની છે. પણ હવે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ આવી ગયા પછી આપણું સિનેમા આખરે પોતાને લઈને ડોક્યુમેન્ટરીઝ બનાવી રહ્યું છે.

આ દરેક ડોક્યુમેન્ટરીઝ અલગ અલગ વિષય પર છે, પણ એ દરેકે ભારતીય સિનેમાની આંતરિક સફર દર્શાવી છે. સૌપ્રથમ છે ‘ધ રોમેન્ટિક્સ (The Romantics)’, જે ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થઈ હતી. આ ડોક્યુમેન્ટરી યશ ચોપરા અને આદિત્ય ચોપરાના ‘યશરાજ ફિલ્મ્સ’ના વારસાને ઉજાગર કરે છે. આમાં શાહરુખ ખાન, રણબીર કપૂર, કેટરિના કૈફ જેવા અદાકારોથી લઈ ઘણા દિગ્ગજ ફિલ્મમેકર્સ સુધી બધાએ ‘યશરાજ’ની ફિલ્મ્સના સંબંધે પોતાની યાદ વહેંચી છે. ક્યારેય કેમેરા સામે ન આવતા આદિત્ય ચોપરાએ પણ તેમાં ભાગ લીધો છે. આ ડોક્યુમેન્ટરી માત્ર ભૂતકાળની યાદો નથી, પણ એ બતાવે છે કે કેવું સિનેમેટિક વિઝન યશ ચોપરાએ અપનાવ્યું – આપ્યું અને કેવી રીતે એ આજના બોલિવૂડના રોમાંસનો આધાર બની ગયું.

બીજી ડોક્યુમેન્ટરી છે ‘મોડર્ન માસ્ટર્સ: એસ. એસ. રાજામૌલી’. આ પણ ‘નેટફ્લિક્સ’ પર છે. આ ડોક્યુમેન્ટરીમાં રાજામૌલીની શરૂઆતથી લઇને વૈશ્વિક સફળતા સુધીની સફર છે. એમના પિતા વિજયેન્દ્ર પ્રસાદ, સાથે કામ કરનાર કલાકારો અને વિદેશી દિગ્દર્શકો જેમ કે જેમ્સ કેમેરોન પણ એમના વિશે વાત કરે છે. આ દર્શાવે છે કે ભારતીય દિગ્દર્શકો હવે હોલિવૂડના સ્તરે ઓળખાઈ રહ્યા છે.

ત્રીજી ડોક્યુમેન્ટરી છે ‘ધ રોશન્સ (The Roshans)’. આ ડોક્યુમેન્ટરીમાં હૃતિક રોશને એના પિતા રાકેશ રોશન અને દાદા રોશનલાલ સુધીની ત્રણ પેઢીના યોગદાન વિશે વાત કરી છે. આમ સંગીત, ડિરેકશન અને અભિનય એમ ત્રણેય ક્ષેત્રે એક જ પરિવાર કેટલાય દાયકાઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવું મહત્ત્વનું સ્થાન ધરાવે છે એની વાત છે, આ એક વ્યક્તિ કે સ્ટારની વાર્તા નથી, પણ એક આખા પરિવારની ફિલ્મ- સફર છે.

ચોથી છે ‘નયનતારા: બિયોન્ડ ધ ફેરિટેલ (Nayanthara: Beyond the Fairytale)’, જે દક્ષિણ ભારતીય સુપરસ્ટાર નયનતારાની જીવનયાત્રા દર્શાવે છે. ફિલ્મમાં નયનતારાની વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને લાઈફ વિશે વાત થાય છે. આજના સમયમાં જ્યારે મહિલા કલાકારના યોગદાનને પૂરતું માન મળતું નથી ત્યારે આ ડોક્યુમેન્ટરી એવી અભિનેત્રીઓ માટે અવાજ બની શકે છે, જેમણે ગ્લેમર કરતાં પણ વધુ કંઈક કર્યું છે.

આ પણ વાંચો…શો-શરાબા : નો નેપોટિઝમનો NO…હવે ફિલ્મ્સ કોની….કિડ્સ ઓફ સ્ટારની કે પછી સ્ટોરીની?

પાંચમી ડોક્યુમેન્ટરી છે ‘ઍંગ્રી યંગ મેન (Angry Young Men)’ જે ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર રિલીઝ થઈ છે. આ સલીમ-જાવેદ એટલે કે ભારતીય ફિલ્મ ઈતિહાસની સૌથી મોટી સ્ક્રીનરાઇટર જોડી વિશે છે. ‘શોલે’, ‘દીવાર’, ‘જંઝીર’ જેવી ફિલ્મ્સ કોણે લખી અને કેમ લખી એ સમજવા માટે આ શ્રેણી જોવી સમજવી ખૂબ જ આવશ્યક છે. આજે જ્યારે લેખકોને ફોટોશૂટ કરતા અભિનેતાઓ જેટલી પણ ઓળખ મળતી નથી ત્યારે આ ડોક્યુમેન્ટરી ખરા અર્થમાં લેખકને નાયક બનાવીને પેશ કરે છે.

છઠ્ઠી અને વધુ સંવેદનશીલ ડોક્યુમેન્ટરી છે ‘પરમા: અ જર્ની વિથ અપર્ણા સેન (Parama: A Journey with Aparna Sen)’ આ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં બતાવવામાં આવી અને પછી થિયેટર્સમાં પણ રિલીઝ કરવામાં આવી હતી. અપર્ણા સેન બંગાળી ફિલ્મમેકર અને અભિનેત્રી છે, જેમણે મહિલા કેન્દ્રિત, ગંભીર વિષયો પર ફિલ્મ્સ બનાવી. ‘પરમા’ ડોક્યુમેન્ટરી એમના જીવનના ઉતાર-ચઢાવ અને સિનેમાના પ્રતિ એના દૃષ્ટિકોણને નાજુક રીતે સ્પર્શે છે.

આ દરેક ડોક્યુમેન્ટરી સાથે જોડાયેલી એક મોટી વાત એ છે કે હવે ભારતીય સિનેમા પોતે પોતાનું ડોક્યુમેન્ટેશન કરવા લાગ્યું છે. આ ડોક્યુમેન્ટરીઝ માત્ર યાદગીરી માટે નથી એ આપણને દર્શાવે છે અને સચોટ રીતે સમજાવે છે કે આ ઇન્ડસ્ટ્રી પાછળ કેટલી મહેનત, સંઘર્ષ અને ક્રિએટિવ વિઝન સતત કાર્યરત છે. અને હવે એવી પણ આશા રાખી શકાય કે આવનારા સમયમાં બીજા અનેક સિનેમા લેજેન્ડસ-દિગ્ગજો પર પણ આવી જ સાચી અને હૃદયસ્પર્શી ડોક્યુમેન્ટરીઝ બને.

આ પણ વાંચો…શો-શરાબા : AI આઇયે પધારીયે ઈન ઇન્ડિયન સિનેમા!

સિનેમાનું આપણે કેટલાંય વર્ષોથી મૂલ્યાંક્ન કરતાં આવ્યા છીએ, ક્યારેય એક પવિત્ર મનોરંજન તરીકે, તો ક્યારેક સંસ્કૃતિના અરીસાના રૂપમાં, પણ હવે સમય છે જ્યારે આપણે સિનેમાને એક લાઈવ-જીવંત ઇતિહાસ તરીકે પણ જોવું પડશે. જે લોકો કેમેરા સામે ન હોવા છતાં, સિનેમાને જીવંત બનાવે છે. જેમના વિચાર, લખાણ, સંગીત, દૃષ્ટિ અને અભિવ્યક્તિને કારણે કોઈ ફિલ્મ બને છે એ બધાની વાર્તા પણ કહેવી અત્યંત જરૂરી છે. આવો દસ્તાવેજી દ્રષ્ટિકોણ આપણી ફિલ્મ સંસ્કૃતિને વધુ ગાઢ બનાવે છે. જ્યાં ફક્ત સ્ટારડમ નહીં, પણ સ્ટ્રગલ, દ્રષ્ટિ અને દાયકાઓની અદૃશ્ય મહેનત પણ છે.

આ ડોક્યુમેન્ટરીઝ માત્ર દર્શકો માટે નથી, તે ભવિષ્યના ફિલ્મમેકર્સ, લેખકો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ એક અમૂલ્ય રિસોર્સ-સંસાધન છે. અને કદાચ, આજથી કેટલાંય વર્ષો પછી જ્યારે ભારતીય સિનેમાની આવી ઘણી બધી યાદગાર ડોક્યુમેન્ટરી બની ચૂકી હશે ત્યારે આપણે ગૌરવથી કહી શકીશું કે ભારતમાં પણ ફિલ્મ ઈતિહાસને સાચવવાની અને સમજવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. સિનેમા ફક્ત જોવાની નહિં, સમજવાની વસ્તુ પણ છે!

લાસ્ટ શોટ:

‘સેલ્યુલોઇડ મેન’ (2012) શિવેન્દ્ર સિંહ ડુંગરપુર દિગ્દર્શિત ડોક્યુમેન્ટરી છે, જે ‘નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઈન્ડિયા’ના સ્થાપક અને ભારતીય સિનેમાના સચોટ સંરક્ષક ગણાતા પી. કે. નાયરના જીવન અને કામને દર્શાવે છે.

આ પણ વાંચો…શો-શરાબા: ટોમ ક્રૂઝ… એના માટે છે પેશન પોસિબલ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button