મેટિની

ક્લેપ એન્ડ કટ..! : ધૂંઆધાર રેકોર્ડસ સર્જી રહ્યું છે ‘ધુરંધર’

સિદ્ધાર્થ છાયા

રણવીર સિંહ અને અક્ષય ખન્નાની આ ‘ધુરંધર’ હવે બોલિવૂડની ઓલ ટાઈમ બ્લોક બસ્ટર તરીકે જાહેર થઇ ગઈ છે. આદિત્ય ધરની આ ‘કમાલ’ બોક્સઓફિસ પર તો ધમાલ મચાવી જ રહી છે, પરંતુ આ ફિલ્મે રેકોર્ડ બુક્સમાં પણ પોતાનું નામ બીજી રીતે નોંધાવી દીધું છે. વળી, આ રેકોર્ડ પણ સાવ અનોખો છે. આ રેકોર્ડ જાણવા પહેલાં થોડાં નીતિનિયમો જાણીએ.

વાત એમ છે કે છેલ્લાં અમુક વર્ષથી મલ્ટિપ્લેક્સ ચેઈન્સમાં દર મંગળવારે ટિકિટના દર ફક્ત 99 રૂપિયા રાખવામાં આવે છે. પછી એ મંગળવાર અગાઉના શુક્રવારે આવેલી નવી ફિલ્મ હોય તો પણ ટિકિટ 99 રૂપિયા જ રાખવામાં આવે છે. આમ કરવાથી જે લોકો મલ્ટિપ્લેક્સથી દૂર રહે છે એમને એક દિવસ ફાયદો મળી રહે છે અને સ્ક્રિન્સ પણ ફૂલ રહે છે. તો આ છે નિયમ…

હવે ‘ધુરંધર’ બે વિક (આજે ત્રીજું વિક બેઠું) જૂની થઇ ગઈ છે એટલે બે મંગળવાર આવી ગયાં છે, પરંતુ, ફિલ્મનાં નિર્માતાઓનાં નિર્ણય અનુસાર આ બંને વિકમાં આવેલાં બંને મંગળવારે ટિકિટોનાં રેગ્યુલર ભાવ જ રાખવામાં આવ્યાં હતાં. આ ઘટના એક રેકોર્ડ છે. આ અગાઉ બે ફિલ્મ એવી આવી ગઈ છે, જેમાં માત્ર એક મંગળવારે ટિકિટોનાં ભાવ ઘટાડવામાં આવ્યાં ન હતાં.

આ જ વર્ષે આવી ગયેલી બે ફિલ્મ ‘રેઇડ 2’ અને ‘સિતારે ઝમીન પર’નાં ફક્ત એક મંગળવારે ટિકિટનાં ભાવ ઘટાડવામાં આવ્યાં ન હતાં.

આમ ‘ધુરંધરે’ ટિકિટબારી પર આ એક નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. જે રીતે ફિલ્મ જોવા હજી પણ પડાપડી થઇ રહી છે અને લોકો રિપીટ જોઈ રહ્યાં છે એટલે શક્યતા એવી છે કે ત્રીજા મંગળવારે પણ ટિકિટનાં ભાવ ઘટશે નહીં.

દોઢ દાયકે બે-બે પુનર્મિલન

કોઈ એક્ટર અને ડિરેક્ટર વચ્ચે ઘણીવાર ખૂબ સરસ કેમિસ્ટ્રી બેસી ગઈ હોય તેમ છતાં એ બંને વર્ષો સુધી એક સાથે ફિલ્મો કરે નહીં એવુંય બનતું હોય છે. આવી જ એક જોડી છે અનીસ બઝમી અને અક્ષય કુમારની. ‘વેલકમ’માં આ બંનેની જોડી એવી જામી ગયેલી કે આજે પણ ‘વેલકમ’ ફિલ્મ કલ્ટ ક્લાસિક ગણાય છે. છેલ્લે 2010માં આ બંનેએ એક સાથે ‘થેન્ક યુ’ ફિલ્મ કરી હતી.

ત્યાર પછી ન જાણે શું થયું કે બંને સાથે આવ્યા જ નહીં. હાલમાં અનીસ બઝમીએ આ બાબતનો ખુલાસો કરતાં કહ્યું કે, એ બન્ને એકબીજાં સાથે સંપર્કમાં તો હતાં, પરંતુ કોઈ સ્ક્રિપ્ટનો મેળ પડતો ન હતો. હવે બંનેને એક સ્ક્રિપ્ટ ગમી છે અને આવતે વર્ષે બંને એક સાથે એક કોમેડી ફિલ્મ બનાવશે. ‘આ ફિલ્મ કોઈ તેલુગુ ફિલ્મની રિમેક છે કે કેમ?’ આ પ્રશ્નનો જવાબ બઝમીએ ટાળી દીધો હતો!.

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!:સિદ્ધાર્થ છાયા

આવી જ રીતે 2010માં જ અજય દેવગણ અને અક્ષય ખન્નાની ફિલ્મ ‘આક્રોશ’માં એ સમયે સંઘર્ષ કરી રહેલાં પંકજ ત્રિપાઠીને પ્રિયદર્શને ડાયરેક્ટ કર્યા હતા. એ પછી આ બંને ભેગાં થયાં જ નહીં. વચ્ચે જ્યારે ‘હેરાફેરી 3’માંથી પરેશ રાવલે નીકળી જવાનો નિર્ણય કર્યો હતો ત્યારે એમનાં રિપ્લેસમેન્ટ તરીકે પંકજ ત્રિપાઠીનું નામ સામે આવ્યું હતું, પરંતુ પરેશભાઈ પરત આવી ગયાં ને વાત ત્યાં જ અટકી ગઈ.

જોકે હવે પ્રિયદર્શને ખુદે જણાવ્યું છે કે એ ‘હેરાફેરી’ અને ‘દે ધનાધન’ જેવી ધમાકેદાર કોમેડી ફિલ્મ બનાવી રહ્યાં છે અને તેમાં મુખ્ય નહીં તો મહત્ત્વની લાંબી ભૂમિકા પંકજ ત્રિપાઠી ભજવશે. આમ દોઢ દાયકા પછી ડાયરેક્ટર અને એક્ટરની બે મસ્ત મજાની જોડી ફરીથી એક સાથે આપણને સ્ક્રિન પર જોવા મળશે.

શિલ્પાની પાછળ પડી ગયો શનિ!

જ્યારથી શિલ્પા શેટ્ટીના પતિની ‘પેલી ફિલ્મો’ બનાવવાના આરોપસર ધરપકડ થઇ છે ત્યારથી શિલ્પાને કોઈ વાતે સીધું ઊતરતું નથી. જાણે એને શનિની સાડા સાતી લાગી છે…
હાલમાં જ ‘ઈ. ઓ. ડબ્લ્યુ’ (આર્થિક અપરાધની વિંગ) એ આ પતિ-પત્નીને પૂછપરછ કરવા પોતાની ઓફિસે બોલાવ્યાં પછી બન્નેને થકવી નાખે એવી ઊલટતપાસ લીધી.

એમાંથી માંડ કામચલાઉ છુટકારો થયો ત્યાં હવે મુંબઈથી દૂર છેક બેંગલુરુથી પણ શિલ્પા માટે મોંકાણના સમાચાર આવ્યાં છે. વાત એમ છે કે બેંગલુરુમાં શિલ્પાનું ‘બાસ્ટીયન’ નામનું રેસ્ટોરન્ટ ચાલે છે. હમણાં આ રેસ્ટોરન્ટમાં કોઈને કોઈ બાબતે કોઈ સાથે ઝઘડો થયો. આમ તો એ ઝઘડો તો કોઈનો અંગત હતો, પણ પોલીસે રેસ્ટોરન્ટ પર એમ કહીને કેસ કર્યો કે તે નિયમ કરતાં મોડે સુધી ઊઘાડી હતી, જે નિયમ વિરુદ્ધ હતું.!

હવે બેંગલુરુ પોલીસે શિલ્પાનાં એ રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધીને શિલ્પાને સમન્સ ફટકારી દીધાં છે… કહે છે ને કે મુસીબત ત્રાટકે ત્યારે દસે દિશાથી જ ત્રાટકે …
કટ એન્ડ ઓકે..
‘બોર્ડર-2’નાં ટિઝરમાં જોવા મળતું નબળું વીએફએક્સ ક્યાંક આ એપિક સિકવલની મજા ન મારી નાખે!

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!: યે સબ દોગલાપન હૈ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button