મેટિની

કવર સ્ટોરીઃ રણવીર પણ ધુરંધર સાબિત થયો…

હેમા શાસ્ત્રી

‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ના દિગ્દર્શક આદિત્ય ધરની ‘ધુરંધર’ ટોપ ગિયરમાં બોક્સ ઓફિસ પર દોડી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં સ્વદેશમાં બોક્સ ઓફિસ કલેક્શન-વકરો 425 કરોડ અને દુનિયાભરના કલેક્શનનો આંકડો 630 કરોડને આંબી ગયો છે. આ દોડ ક્યાં જઈને અટકશે એનો આઈડિયા તો ખુદ આદિત્ય ધરને પણ નહીં હોય. ટૂંકમાં ‘ધુરંધર’ ખુદ ધુરંધર સાબિત થઈ છે.

એક વાત નક્કી છે કે ક્રિકેટ હોય કે ફિલ્મ, પાકિસ્તાનને પછાડવાની, એને ભોંયભેગુ કરવાની, એને ધૂળચાટતું કરવાના પ્રયાસને હંમેશાં બહોળો આવકાર મળે છે. દુશ્મનના ઘરમાં ઘૂસી એને પતાવી દેવાનો એ કથાનું હાર્દ લોકોને બેહદ પસંદ પડ્યું હોવાની શક્યતા ભારોભાર છે.

એક તરફ ફિલ્મ બોક્સ ઓફિસ પર ગાજી રહી છે તો બીજી બાજુ સોશ્યલ મીડિયા પર પણ હોંકારા- પડકારા સંભળાઈ રહ્યા છે. ફિલ્મનું તો એવું છે કે કોઈને ગમે તો કોઈને ન ગમે. કોઈ તારીફના પુલ બાંધે તો કોઈ આકરી ટીકા પણ કરે. ફિલ્મ જોતા દર્શકના અને વિવેચકના ચશ્માંના નંબર અલગ અલગ હોય છે એ ફરી એક વાર સિદ્ધ થયું છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક લોકોએ સર્વાંગી રીતે આ ફિલ્મ વખાણી છે તો કેટલાક લોકોએ એને વખોડી સુધ્ધાં છે. થોડી બાધા-બાધી પણ થઈ છે. ફિલ્મની અનેક રસપ્રદ બાબતો ની વિસ્તારપૂર્વક ચર્ચા-આલોચના થઈ છે જેમકે ડિરેક્શન ટોપ ક્લાસ છે, અક્ષય ખન્નાઅફલાતૂન છે – રણવીર સિંહનો સંયમિત અભિનય લાજવાબ છે. નવોદિત સારા અર્જુનમાં ચમક છે સંજય દત્ત-અર્જુન રામપાલ-આર. માધવન-રાકેશ બેદીનું પર્ફોર્મન્સ દમદાર છે એમ ફિલ્મનું મ્યુઝિક પણ પાવરફુલ છે, વગેરે વગેરે.

અક્ષય ખન્નાના પરફોર્મન્સની ચોરે ને ચૌટે ચર્ચા થાય છે, પણ એ વાત ન ભૂલવી જોઈએ કે ફિલ્મનું કેન્દ્રવર્તી આક્રમક પાત્ર હોવા છતાં રણવીરે સંયમને અમોઘ હથિયાર બનાવી પાત્રને ચાર ચાંદ લગાવી દીધા છે. ‘ગલી બોય’ને અહીં દોડવા માટે હાઈ-વે મળી ગયો છે અને એ ફિલ્મનો ધુરંધર (શબ્દકોશ અનુસાર ધુરંધર એટલે ઉત્તમ, શ્રેષ્ઠ, સર્વોપરી, ભવ્ય. હરકોઈ કામ કરવામાં સમર્થ) સાબિત થયો છે. આ સિવાય બીજી બે-ચાર રસપ્રદ વાત પણ બહાર આવી છે…

ફિલ્મ રિલીઝ કરવામાં શુકન કે નસીબને અનેક લોકો મહત્ત્વ આપતા હોય છે. કોઈ કલાકાર ઈદ વખતે તો કોઈ દિવાળી અથવા ક્રિસમસની રજામાં તો કોઈ 15 ઓગસ્ટ વખતે ચિત્રપટ રજૂ થાય એવો આગ્રહ રાખતા હોય છે. હવે આ નસીબવંતા પેકેજમાં ડિસેમ્બર રિલીઝ જોડાઈ જશે તો નવાઈ નહીં લાગે. વાત એમ છે કે ડિસેમ્બરમાં રિલીઝ થઈ ભવ્ય સફળતા મેળવનારી ‘ધુરંધર’ ત્રીજી ફિલ્મ છે.

પહેલી ડિસેમ્બર, 2023ના દિવસે ‘એનિમલ’ રિલીઝ થઈ હતી અને એના દેશ-પરદેશના કલેક્શનનો સરવાળો 910 કરોડ હતો. ત્યારબાદ પાંચ ડિસેમ્બર, 2024માં ‘પુષ્પા 2: ધ રુલ’ આવી અને ભારતમાં અને ભારત બહારથી ‘એનિમલ’ કરતા બમણો વકરો (1800 કરોડ) કરવામાં સફળ રહી. ‘ધુરંધર’ 5 ડિસેમ્બર, 2025ના દિવસે રિલીઝ કરવામાં આવી હતી અને એની દોડ હજુ અવિરત ચાલુ છે. ફિલ્મ રિલીઝ માટે ડિસેમ્બરની ડિમાન્ડ વધવાની સંભાવના નકારી ન શકાય.

છેલ્લાં કેટલાંક વર્ષથી પેન ઈન્ડિયા ફિલ્મો બનાવવાનું ચલણ વધ્યું છે. સાઉથની ચાર ભાષા (તમિલ, તેલુગુ, ક્ધનડ અને મલયાલમ)માંથી કોઈ એક ભાષામાં બનતી ફિલ્મ બાકીની ત્રણ તેમજ હિન્દીમાં ડબ કરી વધુ દર્શકો સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. આ બધા વચ્ચે યાદ રહે કે ‘ધુરંધર’ ફક્ત હિન્દીમાં જ બની છે. સોશ્યલ મીડિયા પર ‘ધુરંધર’ સાઉથની ચારેચાર ભાષામાં ડબ કરી રજૂ કરવાનો આઈડિયા વહેતો થયો છે.

ફિલ્મના રાઈટ્સ માટે ખાસ્સી ખેંચતાણ થયા પછી તેલુગુમાં ડબિંગ થઈ ગયું છે અને રિલીઝ થવાની તૈયારીમાં છે એવી બાતમી છે. તેલુગુ વર્ઝન માટે કેવો પ્રતિસાદ મળે છે એ જોયા પછી કદાચ અન્ય ભાષા માટે નિર્ણય લેવાય તેવી સંભાવના છે.

‘કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?’ ટેગલાઈન ‘બાહુબલી 2’ માટે અસીમ ઉત્સુકતા વધારવામાં અને એને બોક્સ ઓફિસ પર ધૂંઆધાર સફળતા અપાવવામાં મહત્ત્વનું કારણ બની હતી. એ જ કેડી પર ‘ધુરંધર’ આગળ વધી 19 માર્ચ, 2026ના દિવસે રિલીઝ થનારી સિક્વલમાં રણવીર સિંહનું પાત્ર પણ મૃત્યુ પામશે એવી અટકળો સોશ્યલ મીડિયામાં વહેતી થઈ છે કે વહેતી મૂકવામાં આવી છે.

કેટલાક સ્માર્ટ દર્શકો-ચાહકોએ એ વાત પર ધ્યાન દોર્યું છે કે ‘ધુરંધર’માં રણવીરનું પાત્ર અંડરકવર એજન્ટ (ગુપ્ત રહી સંસ્થા કે દેશના હિતમાં કામ કરતી વ્યક્તિ) હમઝા અલી મજારી તરીકે જોવા મળે છે, પણ અંતમાં એનું સાચું નામ જશકિરત સિંહ રંગી છે. ફિલ્મ રસિયાઓએ વધુ ખણખોદ કરી જાણકારી આપી છે કે આદિત્ય ધરની ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’માં જશકિરત સિંહ રંગી નામના લશ્કરી અધિકારીનો ઉલ્લેખ આવે છે, જે લડાઈમાં શહીદ થાય છે. આને આધારે રણવીર સિંહનું પાત્ર સિક્વલમાં મૃત્યુ પામશે એવું અનુમાન કરવામાં આવ્યું છે.

આ સિવાય કલ્પનાના ઘોડા છુટ્ટા મૂકી ફિલ્મ ચાહકોએ પોતાની મતિ અનુસાર તૈયાર કરેલો વાર્તાનો પિંડ કંઈક આવો છે: એક અનુમાન એવું છે કે જશકિરત સિંહ એના નવા ટાર્ગેટ ‘બડે સાહબ’ને ખતમ કરવામાં સફળતા મેળવે છે પણ એ ઓપરેશનની સફળતા પછી અવસાન પામે છે. ‘ધુરંધર’માં એસપી ચૌધરી અસલમ (સંજય દત્ત) બે-ચાર વાર ‘બડે સાહબ’નો ઉલ્લેખ કરે છે, પણ એ વ્યક્તિ કોણ છે એ નથી દર્શાવવામાં આવ્યું.

દર્શકોની પારખુ નજરે સિક્વલની સ્ટાર કાસ્ટમાં દાઉદ ઈબ્રાહિમનું પાત્ર દાનિશ ઇકબાલ નામનો એક્ટર ભજવતો હોવાનું પકડી પાડ્યું છે. એટલે ‘બડે સાહબ’ દાઉદ અથવા આતંકવાદી મસૂદ અઝહર હોઈ શકે છે. 1999માં ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન મસૂદ અઝહરને છોડાવવા જ હાઈજેક કરવામાં આવ્યું હતું.

બીજી સંભાવના એ વ્યક્ત થઈ છે કે મિશન પાર પાડી એ ભારત પાછો ફરી લશ્કરમાં જોડાયછે અને અણધાર્યા હુમલામાં માર્યો જાય છે. ત્રીજી અટકળ અનુસાર એ દુશ્મન પ્રદેશમાં અંદર અંદર ઘૂસી અન્ય મિશન પાર પાડે છે. ટૂંકમાં રણવીર સિંહના પાત્રનું શું થશે એ કુતૂહલ લોકોને ઘેરી વળ્યું છે અને એ સિક્વલને સડસડાટ દોડાવવામાં મુખ્ય ભાગ ભજવી શકે છે.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ ‘અમિતજી મુક્તપણે અભિપ્રાય નથી આપી શકતા’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button