કવર સ્ટોરી – 44 વર્ષે પણ ચેલેંજિંગ રોલની તલાશ…

- હેમા શાસ્ત્રી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિલ્વર જ્યુબિલી મનાવી રહેલી કરિના કપૂરનાં અભિનય કૌશલનાં વાજા બહુ વાગ્યા નહીં એ હકીકત છે
કરિના કપૂર…
આ નામ કાને પડતાની સાથે સૌપ્રથમ ‘જબ વી મેટ’ની રમતિયાળ, નટખટ, બેફિકર ગીત ઢિલ્લોં નજર સામે તરવરવા લાગે. પછી તરત ‘કભી ખુશી કભી ગમ’ની બિન્ધાસ્ત – બેધડક અને સ્ટાઈલિશ પૂ (પૂજા શર્મા) યાદ આવી જાય. સાથે સાથે ‘થ્રિ ઈડિયટ્સ’ની ડૉ.પિયા સહસ્ત્રબુદ્ધેનું પણ સ્મરણ થાય અને ‘ગોલમાલ’, ‘બોડીગાર્ડ’ અને ‘બજરંગી ભાઈજાન’ના એના રોલ સુધ્ધાં યાદ આવી જાય.
અલબત્ત, 25 વર્ષ પહેલા જે. પી. દત્તાની ‘રેફ્યુજી’થી ફિલ્મોમાં પદાર્પણ કરનારી ’બેબો’ કરિના કપૂરની ઓળખ આ ફિલ્મો પૂરતી રાખવી એ એની સાથે અન્યાય કરવા બરાબર છે. આ બધા રોલ સાથે ‘ફિદા’ની નેહા, ‘ચમેલી’ની ચમેલી, ‘યુવા’ની મીરા, ‘ઐતરાઝ’ની પ્રિયા મલ્હોત્રા, ‘ઉડતા પંજાબ’ની ડૉ. પ્રીત સાહની અને ‘વિરે દી વેડિંગ’ની કાલિન્દી પુરીને પણ યાદ કરવી જોઈએ.
વાત એમ છે કે ‘જબ વી મેટ’ની ગીત અને અન્ય ફિલ્મોના ગીત એટલા બધા ગવાયા કે ‘ચમેલી’ અને અન્ય ફિલ્મોમાં એના અભિનયનો ચળકાટ દબાઈ ગયો. કરિનાની ગ્લેમરસ ઈમેજે એની અભિનયની આવડતને નુકસાન પહોંચાડ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ લાગી શકે છે, પણ એ દલીલની અવગણના ન કરી શકાય.
25 વર્ષ પહેલા રિલીઝ થયેલી ‘રેફ્યુજી’ની નાઝનીનથી શરૂ થયેલી સફર ગયા વર્ષે પ્રદર્શિત થયેલી ‘ક્રૂ’ની જાસ્મીન કોહલી અને ‘સિંઘમ અગેન’ની અવની સુધી પહોંચી છે. બે બાળકની 44 વર્ષની માતાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહુ કંઈ ગણતરીમાં લે નહીં, પણ કરિનાની વાત જરા જુદી છે. વિવિધ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટમાં નિયમિત જોવા મળતી અભિનેત્રીને આજની તારીખમાં પણ મહત્ત્વ ધરાવતા રોલ ઓફર થાય છે. રિયલ લાઈફના બનાવ – ઘટના તેમ જ સામાજિક મુદ્દા કેન્દ્રમાં રાખી ફિલ્મો બનાવવા માટે જાણીતી મેઘના ગુલઝારની ‘દાયરા’ નામની ફિલ્મમાં કરિના કપૂર હીરોઈન છે અને હીરો છે સાઉથનો સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન. સાંપ્રત સમાજની વાસ્તવિકતા અને આ સમાજમાં રહેતા લોકોની માનસિકતા, એમના વ્યવહાર પર પ્રકાશ ફેંકતી આ ફિલ્મ ક્રાઈમ થ્રિલર છે. મેઘનાની ફિલ્મ હોવાથી કરીના મહત્ત્વના રોલમાં હશે એવું ખાતરીપૂર્વક કહી શકાય. આ સિવાય ઓટીટી પ્લેટફોર્મ પર એક ફિલ્મ અને એક વેબ સિરીઝ માટે પણ એની વાતચીત ચાલુ છે, સત્તાવાર જાહેરાત નથી થઈ. કરિયરની સિલ્વર જ્યુબિલી નિમિત્તે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કરીનાએ અભિનય સફર વિશે કરેલી વાત કરીનાનો સાચો પરિચય આપે છે, જેમ કે…
વૈવિધ્યપૂર્ણ પાત્રો સાકાર કરવાની મને જે તક મળે છે એમાંથી મળતો આનંદ અવર્ણનીય છે. શ્રેષ્ઠ અભિનયથી પાત્રમાં ઢળી એને પ્રભાવીપણે સાકાર કરવાથી સૌથી વધુ આનંદ મળે છે. કોઈ પણ એક્ટરના કૌશલ્યનો માપદંડ સોશિયલ મીડિયા પર એને કેટલી લાઈક્સ મળે છે કે કેટલી વાર એને રેડ કાર્પેટ પર ચાલવાની તક મળી છે એ નથી, પણ કેમેરા ચાલુ થતા જ એક્ટર પાત્રને કેટલું જીવંત , કેટલું અસરકારક બનાવી શકે છે એ છે. કરિનાને પૂજા, ગીતની સાથે સાથે ચમેલી, ડોલી મિશ્રા (ઓમકારા) ઉપરાંત ‘જાને જાન’ની માયા ડિસોઝા કે પછી ‘ધ બકિંગહેમ મર્ડર્સ’ની ડિટેક્ટિવ જસ્મિત તરીકે પણ ઓળખવી જોઈએ એ તરફ એનો આ ઈશારો છે. ‘એક્ટર તરીકે સતત નવા પડકારોનો સામનો કરવાની તક મળે એવી મારી કોશિશ છે.’ કરિનાનું કહેવું છે, ‘લોકોને પૂ (પૂજા) કે ગીત ભલે વધુ સ્મરણમાં રહી ગયા હોય, મને તો એવાં પાત્રો ભજવવાથી સંતોષ મળે છે, જેમાં મને કશુંક નવું કરવાની, નવેસરથી અભિનયનો એકડો ઘૂંટવાની તક મળે. પાત્રનું બાહ્ય સ્વરૂપ, એની વાણી અને એના ચિત્તતંત્રમાં વૈવિધ્ય હોય એવા રોલ ભજવવા મળે તો જ કામ કરવું છે. મેં દરેક પ્રકારના રોલ કરી લીધા, હવે નવું કશું કરવાનું બાકી નથી રહેતું એવી લાગણીનો અનુભવ મને ક્યારેય નહીં થાય. કરેલા કામથી સંતોષ ન થવો જોઈએ.’
જોકે, ફિલ્મની પસંદગી કરવામાં કરિના કપૂરે થાપ પણ ખાધી છે. એણે નકારેલી કેટલીક ફિલ્મના નામ જાણ્યા પછી ‘અરે કરિના, તુને યે ક્યા કિયા’ એવી પ્રતિક્રિયા તમારા મોંમાંથી સરી પડે તો નવાઈ નહીં લાગે. કરિનાએ ના પડી હતી એમાંની સાત ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત તો થઈ જ, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નોંધપાત્ર ફિલ્મોમાં એની ગણના થાય છે. સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચુકે સનમ’માં નંદિનીના રોલ માટે કરિનાએ ના પાડી અને ઐશ્વર્યાને એનો બહુ લાભ થયો. રિતિકની ડેબ્યુ ફિલ્મ ‘કહો ના… પ્યાર હૈ’ માટે ના પાડી અને એક બ્લોકબસ્ટરમાં કામ કરવાની તક ગુમાવી. ભણસાલીની જ ‘બ્લેક’ માટે નનૈયો ભણ્યો અને રાની મુખરજીના માનપાન વધી ગયા. મધુર ભંડારકરની ‘ફેશન’ નકારી અને પ્રિયંકા ચોપડા ‘નેશનલ એવોર્ડ’ મેળવી ગઈ. ‘ગોલિયોં કી રાસલીલા – રામલીલા’માં ના પાડી સંજય લીલા ભણસાલી સાથે નકારની હેટ – ટ્રીક કરી. દીપિકાએ તક ઝડપી લીધી. એ જ રીતે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને કંગના રનૌટની કારકિર્દીને વેગ આપનારી ‘ક્વીન’ પણ કરિનાએ ઠુકરાવી હતી.
આપણ વાંચો: આજની ટૂંકી વાર્તા :ચરણ રુકે ત્યાં કાશી
બીજી તરફ, 2025નું વર્ષ કરિનાના અંગત જીવનમાં બહોત ખુશી, બહોત ગમ લાવનારું રહ્યું છે. આ વર્ષના પ્રારંભમાં જ અજાણી વ્યક્તિએ ઘરમાં ઘૂસી સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કર્યો હતો. સદનસીબે સૈફ એમાંથી હેમખેમ ઉગરી ગયો. એ દુર્ઘટનાની શારીરિક પીડામાંથી તો સૈફ મુક્ત થઈ ગયો, પણ ચિત્ત પર પડેલા ઉઝરડામાંથી સાજા થવું આસાન નહોતું. જોકે, 1988માં વિખુટા પડી ગયેલાં મમ્મી – પપ્પા, બબીતા – રણધીર કપૂરે 37 વર્ષ પછી શેષ જીવન એકમેકના સાંનિધ્યમાં પસાર કરવાનો લીધેલો નિર્ણય કરિના માટે ગ્રેટ ન્યૂઝથી કમ તો નથી જ. સૈફ પર થયેલા હુમલાને કારણે ચિત્ત પર પડેલા ઉઝરડાને મિટાવી દેવાનું કામ આ રિયુનિયન કરી શકવાની તાકાત ધરાવે છે. 44 વર્ષની કરિનાની અડધી જિંદગી કેમેરા સામે અભિનય કરવામાં પસાર થઈ છે. એક સમયે વર્ષેદાડે ચાર – પાંચ ફિલ્મ કરતી કરિના હવે ‘ઓછું પણ અર્થપૂર્ણ કામ કરવું’ એ મંત્ર સાથે આગળ વધવા માગે છે.