કવર સ્ટોરી: રિસ્ક હૈ તો ઈશ્ક હૈ…

- હેમા શાસ્ત્રી
43 વર્ષનો રણબીર કપૂર અભિનયના ઉત્તુંગ શિખર સર કરવા કારકિર્દીમાં વિવિધ જોખમ લેતા અચકાતો નથી.
હમણાં સપ્ટેમ્બર મહિનામાં આયુષ્યના 43 વર્ષ પૂર્ણ કરનાર અફલાતૂન એક્ટર રણબીર કપૂર અભિનયના નવા શિખર સર કરવા સજ્જ છે. 2007માં 25 વર્ષની ઉંમરે સંજય લીલા ભણસાલીની રશિયન લેખક દોસ્તોયેવસ્કીની કૃતિ પર આધારિત ‘સાંવરિયા’ ફિલ્મથી શરૂઆત કરનાર અભિનેતા હવે ભણસાલીનો ફેવરિટ બની ગયો હોય એવું લાગે છે.
‘પદ્માવત’ અને ‘બાજીરાવ મસ્તાની’માં રણવીર સિંહને મુખ્ય ભૂમિકામાં ચમકાવનારા મિસ્ટર ભણસાલી હવે રણબીર કપૂરનો આગ્રહ રાખી રહ્યા છે. ફિલ્મ મેકરની નવી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ તેમ જ નવીનક્કોર ફિલ્મ ‘બૈજુ બાવરા’ માટે રણવીર સિંહના નામ પર ચોકડી મારી રણબીર કપૂર પર ભણસાલીએ થપ્પો માર્યો છે. રણબીર – ભણસાલીની આ ત્રીજી ફિલ્મ છે. ફિલ્મ વર્તુળની ગપસપ અનુસાર ‘લવ એન્ડ વોર’ માટે ભણસાલીએ પહેલા રણવીર સિંહને પસંદ કર્યો હતો, પણ લીડ રોલને બદલે બીજા નંબરની -દુય્યમ ભૂમિકા ઓફર થઈ હોવાથી રણવીરે ના પાડી હતી. છેવટે એ રોલ વિકી કૌશલને ફાળે ગયો. ‘બૈજુ બાવરા’ માટે રણવીરની જગ્યાએ રણબીરની એન્ટ્રી કેમ થઈ એનું સત્તાવાર કારણ સામે નથી આવ્યું, પણ ‘રામાયણ’થી રણબીરની જે અલગ ઈમેજ બનશે એનો લાભ ‘બૈજુ બાવરા’ને મળશે એવી ગણતરી હોઈ શકે છે.
રણબીર કપૂરની કરિયર પ્લેટ ઢગલાબંધ ફિલ્મોથી ભરેલી નથી, બલકે ચુનંદા ફિલ્મમેકર અને અલાયદા પાત્રથી ધ્યાન ખેંચે છે. અહીં રણબીર પિતાશ્રી રિશી કપૂરથી નોખો તરી આવે છે. રિશી કપૂરની કારકિર્દીનો પ્રારંભ રોમેન્ટિક હીરો (બોબી) તરીકે થઈ હતી. ત્યારબાદ ‘ઝહરીલા ઈન્સાન’ (ફિલ્મમાં પિતાની હત્યા કરી હીરો- હીરોઈન સાથે આત્મહત્યા કરે છે)ને બાદ કરતા રિશી રોમેન્ટિક ઈમેજને વળગી રહ્યો. જોકે, 15 વર્ષ પછી રામસે બ્રધર્સની ‘ખોજ’ ફિલ્મમાં રિશીએ હત્યારાનો રોલ કર્યો, પણ ‘ઝહરીલા ઈન્સાન’ની જેમ ‘ખોજ’ પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. ચાહકોએ આવો રોલ કરવા બદલ રિશી કપૂરના માથે માછલાં ધોયા હતા. એ સમયે નેગેટિવ રોલ કરવા બદલ એક્ટરે પસ્તાવો વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, ‘સાંવરિયા’ના 15 વર્ષ પછી રણબીર કપૂરે પણ મોટું રિસ્ક લીધું. રોમેન્ટિક ઈમેજને ચીરી નાખે એવો રોલ ‘એનિમલ’માં કરવાનું તોતિંગ જોખમ લીધું. મીઠડા – સંસ્કારી નાયકની ઈમેજ હોવા છતાં અને એવા રોલમાં સારી સફળતા મળી હોવા છતાં અત્યંત હિંસાત્મક અને નારી પ્રત્યે ધિક્કાર, નફરત જેવી નકારાત્મક લાગણી ધરાવતા પાત્રને સાકાર કર્યું. અલબત્ત, રોલ સ્વીકારતી વખતે રણબીર અવઢવમાં હતો, પણ ઈમેજના પાંજરામાંથી મુક્ત થવા પ્રયોગ કરવાનું બીડું ઝડપી લીધું. ફિલ્મને જબરદસ્ત સફળતા મળી, પણ ‘રણબીર તુને યે ક્યા કિયા?’ જેવા પ્રતિભાવ સુધ્ધાં આવ્યા. જોકે, રણબીરે કોઈ પસ્તાવો વ્યક્ત ન કર્યો, ઊલટાની ફિલ્મની તરફેણ કરી અને એની સિક્વલમાં પણ કામ કરવા તૈયાર થયો છે.
‘એનિમલ’ને તગડી સફળતા મળ્યા પછી એના બીજા અંતિમ જેવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના રોલને ન્યાય આપી સિને રસિકોની નજરમાં વસી જવાની કોશિશ કરવી એ પણ બહુ મોટું જોખમ જ છે. જોકે, દરેક પ્રકારની ભૂમિકા કરવી અને એમાં ખરા ઊતરવું એ અભિનેતાનું પ્રાથમિક લક્ષણ માનવામાં આવે છે. રણબીર જેવા અભિનેતા પાત્રને સાકાર કરતી વખતે અને એનું શૂટિંગ કરતી વખતે પાત્ર અનુસાર વ્યવહાર કરવાને પ્રાધાન્ય આપે છે,
જેથી એ કેરેક્ટરને પોતે વધુ સારી રીતે આત્મસાત કરી શકે. ‘રામાયણ’ના શૂટિંગ દરમિયાન સાત્વિક જીવન (માંસાહાર અને શરાબ બંધ)ને પ્રાધાન્ય તેમ જ તીરંદાજી અને સંસ્કૃત ઉચ્ચારણ શીખવાની કોશિશ જેવી બાબત અભિનેતાએ આચરણમાં મૂકી હતી. ભણસાલીની ‘બૈજુ બાવરા’ માટે પસંદગી થયા બાદ અભિનેતાએ નિયમિતપણે ‘બૈજુ બાવરા’ (1952)ના ગીતો એનું સંગીત ઉપરાંત 1950ના દાયકાની ફિલ્મોના શાસ્ત્રીય ઢબના ગીત – સંગીત સાંભળવાનું શરૂ કરી દીધું છે. બૈજુનો રોલ કરવો એ પણ એક મોટું જોખમ તો છે જ. સંજય લીલા ભણસાલી ફિલ્મને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં રજૂ કરશે એ વાત તો નક્કી છે, પણ સંગીતને વરેલા ગુરુ તરીકે રણબીર કેવો ઉપસી આવશે અને દર્શકો કેટલી હદે એને પસંદ કરે એ રણબીર સામે મોટું રિસ્ક તો છે જ.
સમક્ષ રહેલા વિકલ્પોમાંથી પસંદગી કરવાની દ્વિધા અને એમાં રહેલું રિસ્ક અલગ અલગ સ્વરૂપે કલાકારના જીવનમાં આવતું હોય છે. ફિલ્મમેકર અનુરાગ બસુએ રણબીરના સંદર્ભે આ બાબત પર પ્રકાશ પાડતી એક વાત કહી છે. સિને રસિકો એ વાતથી વાકેફ છે કે ‘મર્ડર’, ‘લાઈફ ઈન આ મેટ્રો’ જેવી સુંદર ફિલ્મો બનાવનાર અનુરાગ બસુ કિશોર કુમારની બાયોપિક બનાવવા ઉત્સુક છે. આ ફિલ્મ માટે તેમણે રણબીર કપૂરની વરણી કરી હોવાની ઘોષણા પણ કરી હતી. રણબીર સુધ્ધાં આ બાયોપિક કરવા થનગની રહ્યો હતો. જોકે, દરમિયાનમાં એને નિતેશ તિવારીની ભવ્ય સ્કેલ પર બે પાર્ટમાં રજૂ થનારી ‘રામાયણ’ની ઓફર આવી.
રણબીર સમક્ષ બે વિકલ્પ હતા રામને સાકાર કરવા કે કિશોર કુમારની ભૂમિકા કરવી? એક મહાકાય ફિલ્મ અને સાથે એટલું જ મોટું જોખમ અને બીજી સરખામણીએ નેનો સ્કેલ અને ઓછું જોખમ. જોકે, અહીં સુધ્ધાં રણબીરે મોટું જોખમ લેવાનો નિર્ણય લીધો અને સ્ટોક માર્કેટના અઠંગ ખેલાડી હર્ષદ મહેતાના ફેમસ ડાયલોગ ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’ (અહીં પ્રેમની કોઈ વાત નથી, બલકે ભવ્ય સફળતા મેળવવા મોટું જોખમ લેવું જરૂરી છે એ વાત પર ભાર છે)ને અનુસરી રામનો રોલ સ્વીકાર્યો. અંગત નુકસાન થયું હોવા છતાં અનુરાગ બસુએ રણબીરના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો.
રણબીર એક અન્ય મોટું જોખમ પણ લેવા ધારે છે. એને ફિલ્મ ડિરેક્ટ કરવી છે. અલબત્ત, ક્યારે એ તો આવનારો સમય જ કહેશે.