કવર સ્ટોરીઃ હોરરમાં ઓટના એંધાણ

હેમા શાસ્ત્રી
‘તેરે ઈશ્ક મેં’માં ક્રીતિ સેનન અને ધનુષ, ‘થામા’માં આયુષ્માન ખુરાના-રશ્મિકા મંદાના
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી હોરર ફિલ્મ કમાલ અમરોહી લિખિત-દિગ્દર્શિત ‘મહલ’ (1949) માનવામાં આવે છે અને પહેલી હોરર કોમેડી મેહમુદની ‘ભૂત બંગલા’ (1965) ગણવામાં આવે છે. 1970-80ના દાયકામાં રામસે બંધુગણ ડરાવણી ફિલ્મોને અલગ સપાટીએ લઈ ગયા, પણ તાજેતરનાં વર્ષોમાં હોરર કોમેડીની બોલબાલા વધી છે એનો પ્રારંભ અમુક અંશે અજય દેવગનની ‘ભૂત’ અને અક્ષય કુમારની ‘ભૂલ ભુલૈયા’થી થયો એમ કહી શકાય.
અલબત્ત, આ બંને રૂઢ અર્થમાં હોરર કોમેડી નહોતી, પણ એમાં હાસ્યના છાંટણાં જરૂર હતા. નિર્ભેળપણે હોરર કોમેડીનું લેબલ મારી શકાય એની શરૂઆત ‘તુમ્બાડ’ (2018)થી થઈ. પછી તો એવી ઘેલછા જાગી કે ચોક્કસ નિર્માણ ગૃહે હોરર યુનિવર્સની ફિલ્મોનો દોર જ શરૂ કરી દીધો. તાજેતરમાં રિલીઝ થયેલી ‘થામા’ એનું નવું પ્રકરણ છે.
જોકે, વિદેશથી આવેલી બાતમી અને ‘થામા’નો બોક્સ ઓફિસ પરફોર્મન્સ જોતા હોરર શૈલીની ફિલ્મોથી દર્શકો ધરાઈ ગયા કે અકળાઈ ગયા કે તેમને અબખે પડી ગઈ છે એવી અટકળો વહેતી થઈ છે. રિલીઝના 15 દિવસ પછી 145 કરોડના બજેટમાં બનેલી ‘થામા’ ભારત અને વિદેશમાં મળી 158 કરોડનો જ વકરો કરી શકી છે.
નિર્માણ ગૃહની ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી 2’ તેમ જ ‘ભેડિયા’ અને ‘મુંજ્યા’ ચિત્રપટોએ બજેટની સામે જે વિરાટ વળતર અંકે કર્યું એની સામે તો ‘થામા’નું કલેક્શન વામણું લાગે. વાત અહીં પૂરી નથી થતી. વિદેશમાં અનેક ઠેકાણે ‘હેલોવીન’ એક ઉજવણી-ઉત્સવ છે. 31 ઓક્ટોબરે ખ્રિસ્તી ધર્મનું પાલન કરનારા લોકો મૃત્યુ પામેલા સંત, શહીદ અને શ્રદ્ધાળુઓનું સ્મરણ કરે એવી પરંપરા શરૂ થઈ.
આજની તારીખમાં ભયાનક કે અલૌકિક સાથે સંબંધિત બાબતનું અનુસંધાન જોડી હેલોવીન હોરરનો ઉત્સવ મનાવે છે. આ કારણસર હોલિવૂડમાં ઓક્ટોબર મહિનો ‘હોરર મૂવી મંથ’ તરીકે જાણીતો છે. ઓક્ટોબરમાં ભયભીત થવાની લોકોની અદમ્ય ઈચ્છા હોવાથી અને હેલોવીનની ઉજવણીના ભાગરૂપે અનેક લોકો હોરર ફિલ્મો જોવાનું પસંદ કરે છે અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરો આ વાતથી વાકેફ છે.
આ સમય અને ઈચ્છાને રોકડી કરતા ‘હેલોવીન’ (1978-બજેટ ત્રણ લાખ ડૉલર અને કલેક્શન 7 કરોડ ડૉલર) અને ‘સો’ (2004-બજેટ 12 લાખ ડૉલર અને કલેક્શન 10 કરોડ ડૉલર) જ્વલંત ઉદાહરણ છે, પણ આ વખતે શું જોવા મળ્યું?
હોલિવૂડના બોક્સ ઓફિસ વિશ્ર્લેષકની માહિતી અનુસાર કોવિડ – 19 મહામારીના વર્ષ 2020ને બાદ કરતાં આ વખતે ઓક્ટોબર મહિનાનું બોક્સ ઓફિસ કલેક્શન 1997 પછી સૌથી ઓછું રહ્યું છે. ‘બ્લેકફોન 2’ અને ‘શેલ્બી ઓક્સ’ને બાદ કરતાં સિને દર્શકો થિયેટર સુધી દોડતા આવે એવી હોરર ફિલ્મો પણ આ વખતે હેલોવીનના ઓક્ટોબર મહિનામાં રિલીઝ નથી થઈ. ‘બ્લેકફોન 2’ સુપરહિટ થઈ, પણ ‘શેલ્બી ઓક્સ’ને મોળો આવકાર મળ્યો હતો.
આ સંદર્ભમાં 2025માં રિલીઝ થયેલી ‘સૈયારા’ અને ‘એક દીવાને કી દીવાનીયત’ને મળેલી સફળતા જોવામાં આવતા અનેક લોકોની આંખોમાં ચમક આવી ગઈ છે. 45 કરોડના બજેટમાં બનેલી ‘સૈયારા’ 580 કરોડ ભેગા કરી લેવામાં કામિયાબ રહી હતી, જ્યારે મિલાપ ઝવેરી દિગ્દર્શિત ‘એક દીવાને કી દીવાનીયત’નું બજેટ 25 કરોડ હતું અને એનો વકરો 94 કરોડને આંબી ગયો છે.
‘સૈયારા’ સામે આ આંકડા ફીકા લાગી શકે, પણ વળતરને હિસાબે એક રૂપિયાના રોકાણ સામે ચાર રૂપિયાનું વળતર કોઈ પણ વેપારીને હરખપદુડો કરી દે એવી વાત છે. આ બંને ફિલ્મને મળેલો આવકાર જોઈ ‘દે દે પ્યાર દે 2’, ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’, ‘તેરે ઈશ્ક’મેં અને ‘મેરે રહો’ ફિલ્મોના મેકરો અને કલાકારો સુધ્ધાં ઉત્સાહથી ફાટફાટ થઈ રહ્યા છે. રોમેન્ટિક ફિલ્મો માટે જે નવી ભરતી આવી છે એમાં પોતપોતાની લવ સ્ટોરીની નૈયા તરી સામે પાર પહોંચી જશે એવી આશાના મહેલ બાંધી રહ્યા હોય એની નવાઈ ન લાગવી જોઈએ.
રોમેન્ટિક ફિલ્મોના દોરની સંભાવના અંગે ફિલ્મ ટ્રેડના પ્રખર અભ્યાસુ તરણ આદર્શની પ્રતિક્રિયા જાણવા જેવી છે. તેમની દલીલ છે કે ‘આ વર્ષે ‘સૈયારા’ અને ‘દીવાને કી દીવાનીયત’ ફિલ્મોએ યુવા વર્ગ માટે લોહચુંબક સાબિત થઈ સારી સફળતા મેળવ્યા બાદ હવે નવી લવ સ્ટોરી માટે તખતો તૈયાર છે.’
અન્ય એક એક્ઝિબીટરનું કહેવું છે કે ‘સફળ થયેલી ‘સૈયારા’ અને ‘એક દીવાને કી દીવાનીયત’ ગ્રેટ ફિલ્મો નથી, પણ આ ફિલ્મોની સાદગી અને એની સચ્ચાઈ યંગસ્ટર્સને સ્પર્શી ગઈ અને ફિલ્મને ઢાંસુ કમાણી થઈ. લવ સ્ટોરી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પ્રાણ રહી છે અને ફિલ્મ મેકરો એ પ્રકારની ફિલ્મો તરફ પાછા વળે એ સમય આવી ગયો છે.’
અલબત્ત, કયા સમયે શું થશે એ તો સમય સિવાય બીજું કોણ જાણે? એંધાણ એવા છે કે હોરર ફિલ્મો આથમણી દિશા તરફ ગતિ કરી રહી છે તો લવ સ્ટોરી ફિલ્મો ઉગમણી દિશા તરફ. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બે અત્યંત સફળ લવ સ્ટોરી ફિલ્મ સાથે એ પણ જાણી લ્યો કે વિશ્વવિખ્યાત અમેરિકન સિંગર-સોંગ રાઈટર ટેલર સ્વિફ્ટના પ્રેમના પાવરથી છલોછલ નવા નક્કોર આલ્બમ ‘ધ લાઈફ ઑફ અ શોગર્લ’ ગયા મહિને માત્ર ત્રણ દિવસમાં 50 મિલિયન ડૉલર ઉસરડી લેવામાં કામિયાબ રહ્યું છે.
ટૂંકમાં ‘ઓ ની સુલતાના રે, પ્યાર કા મૌસમ આયા…’
આ પણ વાંચો…કવર સ્ટોરી: શાહરુખને સલાહ: સપનાનો રાજકુમાર ને લાડલો દીકરો



