કવર સ્ટોરીઃ એક હિટ… લો, ફરી ફિટમ ફિટ…!

હેમા શાસ્ત્રી
શેરબજાર અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલુંક સામ્ય જોવા મળે છે. કોઈ એક કારણ બજારને મંદીમાં ધકેલી દે તો કોઈ એક બાબતને પગલે સ્ટોક માર્કેટનો આખલો તેજીમાં આવી જાય. વેનેઝુએલા પર થયેલું અમેરિકી લશ્કરનું આક્રમણ એનું તાજું ઉદાહરણ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઈતિહાસ તપાસતા જોવા મળે છે કે કોઈ એક જોનરની-શૈલીની ફિલ્મ હિટ જાય એટલે એ જ પ્રકારની ફિલ્મો બનાવવા નિર્માતાઓ દોડાદોડ કરી મૂકે. કોઈ એક કલાકાર ચોક્કસ ભૂમિકામાં દર્શકોનો બહોળો આવકાર મેળવે એટલે એને એ જ પ્રકારના રોલ ઓફર કરવામાં આવે અને પછી એ ટાઈપકાસ્ટ થઈ જાય. કોઈ સંગીતકારના કમ્પોઝિશન ગુંજવા લાગે એટલે એને ઢગલામોઢે ફિલ્મો મળતી થઈ જાય. આવા બીજા પણ કેટલાક છે.
એક હિટ અને ફરી ફિટ’ નામના સમીકરણનો અનુભવ તાજેતરમાં અક્ષય ખન્ના કરી રહ્યો છે.ધુરંધર’ હિટ થયા પછી એ તેજીમાં આવી ગયો છે. 2023ના અંતમાં રિલીઝ થયેલી સંદીપ રેડ્ડી વાંગાની `એનિમલ’ પછી લગભગ જમીનદોસ્ત થઈ ગયેલી બોબી દેઓલની કારકિર્દીમાં હવે ઊંચી ઈમારત બાંધવાનો પાયો ખોદાઈ ગયો છે. મંદીમાં ધકેલાઈ ગયેલા અક્ષય ખન્ના અને બોબી દેઓલ હવે ફરી તેજીના તોખાર બની જશે એવી ઉજળી સંભાવના દેખાઈ રહી છે.
સોશ્યલ મીડિયા પર અક્ષય-બોબીની સરખામણી કરવાનો જ્વર જોરશોરથી ચાલી રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઝીણવટથી જોતા અને એને નિયમિત અનુસરતા હરખપદુડા સિનેપ્રેમીઓએ ભૂતકાળમાં ડોકિયું કરી 23 વર્ષ પહેલાની અબ્બાસ-મસ્તાનની થ્રિલર ફિલ્મ હમરાઝ’માં આ બંને એક્ટરના પરફોર્મન્સની રીલ સોશ્યલ મીડિયા પર શેર કરી છે. વાત આટલેથી નથી અટકી. આ બંને કલાકારને ફરી સાથે ચમકાવીહમરાઝ’ની સિક્વલ બનાવવી જોઈએ એવી દરખાસ્ત મૂકવામાં આવી છે.
વાત ફરતી ફરતી નિર્માતા રતન જૈન સુધી પહોંચી. નિર્માતા પણ વહેતી ગંગામાં માત્ર હાથ ધોવા જ નહીં, નહાવા પણ તૈયાર હોય એ સ્વાભાવિક છે. અલબત્ત, આજે નિર્માતા બધી ગણતરી કર્યા પછી પગલું ભરવામાં શાણપણ માનતો થયો છે એટલે જૈન સાહેબએ કહ્યું છે કે જો યોગ્ય સ્ક્રિપ્ટ મળશે તો `હમરાઝ’ની સિક્વલ બનાવવાની દિશામાં પોતે ચોક્કસ વિચારશે.
અક્ષય-બોબીના મોભાને છાજે એવી ભૂમિકા હોવી જોઈએ એ વાત પર તેમણે ભાર મૂક્યો છે. આ વાત માત્ર કાગળ પર કે એક તુક્કા પૂરતી નથી એ વાતનું સમર્થન નિર્માતાના ખુલાસા પરથી મળે છે. `અબ્બાસ-મસ્તાન ભાઈઓ સાથે અમારી સતત વાતચીત થતી હોય છે.મારા દિમાગમાં એક આઈડિયા છે. બંને ભાઈ એના આધારે પટકથા પર કામ કરી રહ્યા છે. જો એક્ટરો રાજી થશે અને કામ કરવા તૈયાર થશે તો અમે ચોક્કસ અક્ષય ખન્ના અને બોબી દેઓલને લઈને ફિલ્મ બનાવીશું,’ રતન જૈન ચોખવટ કરે છે.
અક્ષય ખન્ના એક અફલાતૂન એક્ટર છે એ વિશે ભાગ્યે જ કોઈના મનમાં શંકા હશે. જોકે, આ ઈન્ડસ્ટ્રીમાં પ્રતિભા અને પોપ્યુલારિટીનો મેળ બેસે એ જરૂરી નથી. અનેક દમદાર પરફોર્મન્સ આપ્યા હોવા છતાં વિનોદ ખન્નાના પુત્રની કારકિર્દી અસ્તવ્યસ્ત હતી એ હકીકત છે. જોકે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આવેલી `છાવા’ને બોક્સ ઓફિસ પર મળેલી ફાંકડી સફળતાને પગલે હટી ગયેલી નિર્માતાઓની નજર એના પર ફરી પડવા લાગી હતી.
ફિલ્મમાં એનું પાત્ર નેગેટિવ હતું, પણ અક્ષય ઔરંગઝેબ તરીકે દર્શકોમાં ખાસ્સી પ્રશંસાનો હકદાર બન્યો. તાજેતરની ધુરંધર’ની સફળતા અને રેહમાન ડકૈતના પાત્રને આપેલા ઉઠાવને પગલે એક્ટર ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. સાથે એવી વાત પણ જાણવા મળી છે કે સફળતાને પગલે તેણે ભાવ વધારો (વધુ પૈસા) માંગ્યો અનેવિગ પહેર્યા વિના કામ નહીં કરૂં ‘ એવો આગ્રહ રાખતા `દ્રશ્યમ 3’માંથી એના નામની બાદબાકી કરવામાં આવી છે.
વાચકો જાણતા જ હશે કે અજય દેવગનની યાદગાર ફિલ્મ દ્રશ્યમ’ની સિક્વલ દ્રશ્યમ 2’માં ઈન્સ્પેક્ટર જનરલ-આઈજી તરૂણ આહલાવતના રોલમાં એના પર્ફોર્મન્સને વખાણવામાં આવ્યું હતું. દ્રશ્યમ 3’માં પણ એની પસંદગી કરવામાં આવી હતી, પણ હવે બાયબાય કરી દેવામાં આવી છે. ટૂંકમાંધુરંધર’ પછી પોતે તેજીમાં છે એ અક્ષય ખન્ના ઠસાવવા માગે છે. બોબી દેઓલ પણ સાઉથની બે ફિલ્મ (હવે પેન ઈન્ડિયા ફિલ્મનું ચલણ છે) ઉપરાંત હિન્દી ફિલ્મોમાં અને ઓટીટી પ્રોજેક્ટ્સમાં પણ એ વ્યસ્ત છે.
એક હિટ અને ફરી ફિટ’માં રાજકુમાર રાવનું ઉદાહરણ પણ બહુ જૂનું નથી. રાવના અભિનય કૌશલ વિશે કોઈને રાવ (ફરિયાદ) નહીં હોય, પણ ફિલ્મની સફળતાનો માપદંડ વધુ મહત્ત્વ ધરાવે છે. 2024માંસ્ત્રી 2’ને મળેલા અદ્ભુત આવકારને પગલે એની પણ માર્કેટ્માં ડિમાન્ડ વધી ગઈ છે.
જોકે, આ બધા ઉદાહરણમાં સૌથી અસાધારણ ઉદાહરણ શશી કપૂરનું છે. મેરે પાસ માં હૈ' ડાયલોગ ધરાવતી ફિલ્મદીવાર’ ટંકશાળ સાબિત થતા શશીજીના ઘરની બહાર પ્રોડ્યુસરો લાઈન લગાડીને ઊભા રહી ગયા હતા. એ સમયે પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર `દીવાર’ પછી મિસ્ટર કપૂરની કરિયરમાં એવી તૂફાની તેજી આવી કે એક સાથે 100 ફિલ્મ તેમણે સાઈન કરી લીધી હતી. તળેટીમાં રઝળપાટ પરથી છેક શિખરની ટોચ પર પહોંચવાની કેડ઼ી તૈયાર થઈ ગઈ. અલબત્ત, એમાંથી કેટલી ફિલ્મો બની એ અલગ મુદ્દો છે, પણ કારકિર્દી મંદીમાંથી તેજીમાં આવી હતી એ હકીકત છે….



