કવર સ્ટોરી: ગલી બોય હાઈ-વેની ખોજમાં…

-હેમા શાસ્ત્રી
પંદર વર્ષ પહેલાં ‘યશરાજ ફિલ્મ્સ’ના બેનર હેઠળ રણવીર સિંહનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ થયો હતો. એય પાછો ધમાકેદાર, ‘બેન્ડ બાજા બારાત’ સાથે. હા, મનીષ શર્મા દિગ્દર્શિત એની પહેલી ફિલ્મનું ટાઈટલ હતું ‘બેન્ડ બાજા બારાત’ પણ રણવીરની એન્ટ્રી ફિલ્મના ટાઈટલને સર્વાંગ સાર્થક કરનારી હતી. 15 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 33 કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી. રણવીર સિંહના વરઘોડાના ઓવારણાં લેવાયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એના વાજાં વાગવા લાગ્યા. કરણ જોહર, વિક્રમાદિત્ય મોટવાને, સંજય લીલા ભણસાલી જેવા નામી ફિલ્મમેકરોમાં એની સાથે કામ કરવા ઉત્સાહ નજરે પડવા લાગ્યો.
અલબત્ત, ગગનમાં ઊંચે ઊડતા પતંગનો માંજો, એની કની અને ખુદ પતંગ ગમે એટલી ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હોય, એ પતંગ એક દિવસ જમીનદોસ્ત થવાનો જ છે. વાજાં વાગ્યા અને બારાતના ઓવારણાં લેવાયા એનો આનંદ માણ્યા પછી એની કારકિર્દીની બેન્ડ વાગવાની શરૂઆત થઈ. ‘ગોલિયોં રાસલીલા રામ – લીલા’, ‘ગુંડે’, ‘દિલ ધડકને દો’, ‘બાજીરાવ મસ્તાની’ ‘બેફિકરે’, ‘પદ્માવત’, ‘ગલી બોય’ સુધી હિટ ઝાઝી અને ફ્લોપ થોડીનો હિસાબ કિતાબ ધરાવતી કારકિર્દીમાં નિષ્ફળતા શરૂ થઈ. ‘83’, ‘જયેશભાઈ જોરદાર’, ‘સર્કસ’ ધડામ કરતા બોક્સ ઓફિસ પર પટકાઈ ગઈ.
હા, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ હિટ સાબિત થઈ, પણ એ સફળતામાં આંતરરાષ્ટ્રીય કલેક્શનનો મોટો ફાળો હતો એવી દલીલ કરવામાં આવી હતી. આપણા દર્શકોને ફિલ્મ બહુ પસંદ નહોતી પડી એવું ઠસાવવાની આ કોશિશ હતી.
ગયા વર્ષની રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’ ફ્લોપ
નહોતી, પણ જબરદસ્ત હિટ સુધ્ધાં નહોતી. ઓકે ઓકે સફળતા મેળવનારી આ ફિલ્મ મલ્ટીસ્ટારર (અજય દેવગન, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ હતા) હતી અને એટલે સફળતાનો શ્રેય વહેંચાઈ ગયો.
આ તરફ, આ પ્રકારના અનુભવ રણબીર કપૂરને પણ થયો છે. સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ‘સાંવરિયા’ (2008)થી શરૂઆત કરનારા રણબીરની બીજી ફિલ્મ ‘બચના અય હસીનો’ સુપરહિટ સાબિત થતા રાજ કપૂરના પૌત્રની ડિમાન્ડ વધી ગઈ.
ત્યારબાદ ‘વેકઅપ સિદ’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ વગેરે ફિલ્મોની સફળતાથી એની ગાડી સડસડાટ દોડવા લાગી. 2013માં રિલીઝ થયેલી ‘બચના અય હસીનો’ સુધી હિટ ઝાઝી, ફ્લોપ થોડીનો અનુભવ કરનારા રણબીરની ગાડીને પહેલી બ્રેક લાગી ‘બેશરમ’ ફિલ્મથી. ત્યારબાદ ‘રોય’, ‘બોમ્બે વેલ્વેટ’, ‘તમાશા’, ‘જગ્ગા જાસૂસ’ … ફ્લોપથી સુપર ફ્લોપનો સિલસિલો શરૂ થયો. શિખરથી સીધો તળેટીમાં પછડાયો અને એ પછી 2018માં આવી રાજકુમાર હિરાણીની ‘સંજુ’ જે બ્લોકબસ્ટર સાબિત થઈ. સુપરફ્લોપ ‘સમશેરા’ને બાદ કરતા બે હિટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: ભાગ એક – શિવ’ અને ‘તૂ જૂઠી મૈં મક્કાર’ અને બ્લોકબસ્ટર ‘એનિમલ’થી રણબીરની ગાડી તળેટીથી ફરી શિખર તરફ દોડી…એની આગામી ફિલ્મો સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ તેમ જ નિતેશ તિવારીની ‘રામાયણ પાર્ટ વન’ જોરદાર આવકારની સંભાવના ધરાવે છે. ટૂંકમાં સફળતા પછી નિષ્ફળતા અને ફરી સફળતા એ ચક્કર તો ચાલતું રહેવાનું.
આ પણ વાંચો…કવર સ્ટોરી – 44 વર્ષે પણ ચેલેંજિંગ રોલની તલાશ…
રણવીર સિંહ માટે પણ આદિત્ય ધર દિગ્દર્શિત ‘ધુરંધર’ સફળતાની નવી સીડીનું પહેલું પગથિયું સાબિત થઈ શકે છે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. બ્લોકબસ્ટર ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ના લેખક – નિર્માતા – દિગ્દર્શક (તેમ જ યામી ગૌતમના જીવનસાથી) ‘આર્ટિકલ 370’ના લેખક અને નિર્માતા આદિત્ય ઈતિહાસને ફંફોસી અર્થપૂર્ણ સિનેમા બનાવે છે. ભારતીય ગુપ્તચર સંસ્થા ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ – રોના એક મિશનની કામગીરીની આસપાસ વીંટળાયેલી કથા ધરાવતી ફિલ્મમાં બ્લોકબસ્ટર સાબિત થવાના બધા ગુણો સમાયેલા છે.
‘ધુરંધર’ સિવાય રણવીરની ઝોળીમાં ફરહાન અખ્તરની ‘ડોન 3’ છે જેનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થવાનું છે. હિન્દીમાં ડબ કરી સફળતા મેળવનારી સફળ તેલુગુ ફિલ્મ ‘હનુ – માન’ના દિગ્દર્શક પ્રશાંત વર્માની ‘રાક્ષસ’ રણવીર સિંહ સાથે બનાવવાની ઘોષણા થઈ હતી. જોકે, ક્રિયેટિવ ડિફરન્સીસનું કારણ રજૂ કરી રણવીર ફિલ્મમાંથી ખસી ગયો છે. એકંદરે ઝોળી ખાલી છે. ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધુરંધર સાબિત થાય અને ગાડી ફરી સડસડાટ દોડવા લાગે એવું અનુમાન હકીકત બની શકશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે.
ટૂંકમાં ‘ગલી બોય’ (ઝોયા અખ્તર દિગ્દર્શિત 2019ની ફિલ્મ)ને હાઈ- વેની તલાશ છે. ‘એનિમલ’ ફિલ્મે રણબીર માટે જે કર્યું એ ‘ધુરંધર’ રણવીર માટે કરી શકશે અને નિષ્ફળતાનો દોર પૂરો થશે એવી ઉમેદ એક્ટર બાંધીને બેઠો છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી: રામાયણ’ની રામાયણ ને પારાયણ