કવર સ્ટોરીઃ ફિલ્મોમાંથી ફેંકાયો, પણ આવકાર પામ્યો ઓટીટી પર…

હેમા શાસ્ત્રી
‘બદલાવ જ પ્રકૃતિનો નિયમ છે’ એવું ગ્રીક ફિલોસોફર કહી ગયા છે. ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે જગતને જણાવ્યું છે કે ‘સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ’. કોઈ પણ ક્ષેત્રમાં ટકી રહેવા માટે આ નિયમ લાગુ પડે છે.2025નું વર્ષ હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે ‘યર ઓફ રિઇન્વેન્શન’ એટલે કે કાયાપલટનું વર્ષ સાબિત થયું ફિલ્મો માટે અને કલાકાર માટે સુધ્ધાં.
ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોની યાદી પર નજર નાખતા એક બાબત ઊડીને આંખે વળગે છે કે નિશ્ચિત ફોર્મ્યુલા આધારિત ફિલ્મોની બદલે સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં સાહસિક વૃત્તિ નજરે પડી. એક્ટરો ઈમેજ છોડી જોખમ ખેડવા તૈયાર થયા. અવગુણ ધરાવતા પાત્ર સાકાર કરવા તૈયાર થયા. એક સારી વાત એ હતી કે ઓટીટી પ્લેટફોર્મ જોખમને પોંખવા તૈયાર થયું. સ્ટારડમને નહીં, પર્ફોર્મન્સને પ્રાધાન્ય મળવા લાગ્યું. ટૂંકમાં 2025નું વર્ષ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઉત્ક્રાંતિનું અને કલાકારો માટે રિઇન્વેન્શન એટલે કે કાયાપલટનું વર્ષ સાબિત થયું.
ઈમરાન હાશ્મી આ વ્યાખ્યામાં અદ્લોદલ ફિટ બેસે છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભટ્ટ ભાઈઓ મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટ તેમજ મોહિત સૂરિ સાથે પારિવારિક નાતો ધરાવતા ઈમરાન હાશ્મીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆત ‘રાઝ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. ત્યારબાદ વિક્રમ ભટ્ટની ‘ફૂટપાથ’માં ગેન્ગસ્ટરના રોલથી ઈમરાનના અભિનય પ્રવાસનો પ્રારંભ થયો.
જોકે, ફિલ્મ ફ્લોપ થઈ, પણ ઈમરાન હાશ્મીમાં ઈન્ડસ્ટ્રીને આશાસ્પદ અભિનેતા નજરે પડ્યો અને મુકેશ ભટ્ટ નિર્મિત અને અનુરાગ બસુ દિગ્દર્શિત મલ્લિકા શેરાવત સાથેની ‘મર્ડર’ એક્ટરની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ અને ‘કિસિંગ કિંગ’ના લેબલ સાથે ઈમરાન હાશ્મીની ગાડી દોડવા લાગી.
અલબત્ત, ‘કિસિંગ કિંગ’ની ઈમેજનો લાભ થયો તો સિક્કાની બે બાજુ હોય એમ સાથે ગેરલાભ પણ થયો. આ ઈમેજ અચાનક નહોતી ઊભી થઈ. એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે જ આ વિશે ફોડ પાડી ખુલાસો કર્યો છે કે ‘મારી આ સિરિયલ કિસરની ઈમેજ અણધારી કે અચાનક નહોતી બની ગઈ. ઈરાદાપૂર્વક, માર્કેટિંગ વ્યૂહરચનાના ભાગરૂપે આ બધું કરવામાં આવ્યું હતું.’
આમેય ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ પ્રકારના ગતકડાં માટે પ્રખ્યાત છે. હીરો-હીરોઈનના અફેરની વાતો ચગાવવી કે થિયેટરમાં એક સીટ હનુમાન દાદા માટે ખાલી રાખવી જેવા વિવિધ નુસખા દર્શકોને આકર્ષવા કરવામાં આવતા હોય છે.
ઈમરાન કહે છે કે ‘મારી ફિલ્મો વ્યવસાયિક સ્વરૂપમાં સફળ સાબિત થઈ રહી હતી અને એ ઈમેજનો લાભ હું લઈ રહ્યો હતો. માર્કેટિંગના ભાગ સ્વરૂપે આ બધું થઈ રહ્યું હતું. મીડિયા પણ આ વાત ચગાવી રહી હતી.’
સરવાળે એક્ટરનું હિત જળવાઈ રહ્યું હતું. આવી સફળતા ઓફરોમાં ભરતી લાવતી હોય છે. ઈમરાન હાશ્મી ખૂબ જ વ્યસ્ત થયો. ઈરોટિક થ્રિલર્સમાં કામિયાબી મેળવ્યા પછી હોરર ફિલ્મોમાં પણ તેને સફળતા મળી. સાથે સાથે એકશન ફિલ્મોમાં કામ કરવાને પણ પ્રાધાન્ય આપતો રહ્યો. ‘જન્નત’ અને ‘આવારાપન’ વગેરે ફિલ્મોને કારણે એની લોકપ્રિયતામાં મોટી ભરતી આવી.
ઈમરાન હાશ્મીને એક લાભ એ પણ થયો કે એની ફિલ્મોનું સંગીત પણ લોકોને ખાસ્સું પસંદ પડ્યું. ‘આશિક બનાયા આપને’, ‘અકસર’ અને ‘દિલ દિયા હૈ’ ફિલ્મોના ગીત – સંગીત પણ ફિલ્મોની સફળતામાં નિમિત્ત બન્યા. કિસિંગ કિંગની ઈમેજમાં બંધાઈ ગયેલા એક્ટરે થ્રિલર, એક્શન અને ડ્રામા ફિલ્મોને પણ પ્રાધાન્ય આપ્યું. પ્રયોગ કરવાની એની કોશિશ સતત દેખાઈ રહી હતી.
ઓડિયન્સની બદલાતી રુચિ અંગે ઈમરાન હાશ્મી એક સરસ મુદ્દો માંડે છે. બે દાયકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિતાવનાર એક્ટર કહે છે કે ‘હું સતત નવા નવા પાત્રો ભજવવાની કોશિશ કરતો હતો, પણ સિરિયલ કિસરની ઈમેજ પીછો નહોતી છોડતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક બાબત મારા ધ્યાનમાં આવી છે કે દરેકનો દસકો હોય છે. દસકા પછી બદલાવ આવતો હોય છે.
આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કહેવાય છે કે દસ-બાર વર્ષે થિયેટરમાં આવતા દર્શકો બદલાય છે. નવી પેઢીની રુચિ પણ અલગ હોય છે. નવાનક્કોર દર્શકો માટે ફિલ્મમેકર તેમજ એક્ટર પોતાને રિઈન્વેન્ટ કરે એટલે કે ધરમૂળથી ફેરફાર કરે – બદલાવ લાવે એ જરૂરી છે. આમ પણ કોઈ પણ પાત્ર કે શૈલી અમુક સમય પછી દર્શકોને અબકે પડી જતી હોય છે. મારા કેસમાં મને એ સમજાઈ ગયું અને રસ્તો બદલવો જરૂરી છે એ મને સમજાઈ ગયું.’
ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા અને ફિલ્મમેકરોના રડારમાં રહેવું હશે તો જોખમ લીધા વિના નહીં ચાલે…
અભિનય કૌશલ સાબિત કરવું હશે તો ઈમેજનું પાંજરું જાતે તોડીને ખુલ્લી હવામાં દોડવું જરૂરી છે એ વાત ઈમરાનને સમજાઈ ગઈ.‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા’ એ મંત્રનો જાપ કરી ઈમરાન હાશ્મીએ આગળ વધવાનું નક્કી કર્યું. પહેલું પગલું પોતે ભરવું જરૂરી હતું, કારણ કે જો એ તૈયારી દેખાડે તો ફિલ્મમેકર એ દિશામાં વિચાર કરે. અહીં ઓટીટી ઈમરાન હાશ્મીની મદદે આવ્યું.
ઓટીટી પ્લેટફોર્મ્સનું એક સુખ એ છે કે એનું ઓડિયન્સ કમર્શિયલ ફિલ્મોની નિશ્ર્ચિત ફોર્મ્યુલા ધરાવતી રજૂઆત જ પસંદ કરે એવું નથી. અમિતાભ બચ્ચન, રિશી કપૂર તેમજ અક્ષય કુમાર સાથેની ફિલ્મોમાં સરિયામ નિષ્ફળતા મળ્યા બાદ ગયા વર્ષે ઈમરાન – યામી ગૌતમની ‘હક’ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. થિયેટરમાં આ ફિલ્મ પણ ઊંધા માથે પછડાઈ અને એક્ટરની નિષ્ફળ ફિલ્મોની યાદી લંબાઈ.
જોકે, આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર સારો આવકાર મળ્યો. થિયેટરમાં આ ફિલ્મ જોઈ ન શકેલા દર્શકો અને ઓટીટીની પ્રયોગશીલ વેબ સિરીઝ-ફિલ્મો માટે રુચિ ધરાવતા રસિકોને ‘હક’ પસંદ પડી અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે ઈમરાન હાશ્મી સાવ જ અલગ અવતારમાં જોવા મળ્યો. કિસિંગ સીન નહીં, રોમેન્ટિક કે ગેંગસ્ટર કે એક્શન હીરો પણ નહીં.
મુસ્લિમ સમાજની રૂઢિઓને વળગી રહેલા વકીલ અબ્બાસ ખાનના રોલમાં હાશ્મીએ પ્રભાવી અભિનયથી દર્શકોને ચોંકાવી દીધા અને રાજી પણ કરી દીધા. એક્ટરનો નવો પહેલુ જોવા મળ્યો. ઈમરાન સંયમિત અભિનય પણ કરી શકે છે એ સિદ્ધ થયું. તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘તસ્કરી’ વેબ સિરીઝમાં કસ્ટમ ઓફિસર અર્જુન મીનાના રોલમાં એક્ટર જોવા મળ્યો છે. વેબ સિરીઝ અંગે પસંદ-નાપસંદ જેવા બે છેડાના અભિપ્રાય જોવા મળ્યા છે, પણ ઈમરાન હાશ્મી મોટાભાગના લોકોને પસંદ પડ્યો છે.
આમ હેતુદર્શક કથા ધરાવતી ફિલ્મોના આધુનિક ઓડિયન્સ માટે બની રહેલી ફિલ્મો – વેબ સિરીઝમાં ઈમરાન હાશ્મી ગોઠવાઈ રહ્યો છે. ફિલ્મોમાંથી ફંગોળાઈ ગયા બાદ ઓટીટીમાં મળેલા આવકારથી એની નવી ઈનિંગ્સ શરૂ થઈ છે. મનોરંજનની બદલાયેલી વ્યાખ્યામાં પોતાનામાં બદલાવ લાવી નવા વાતાવરણમાં ગોઠવાઈ જવું એ મંત્ર ઈમરાન હાશ્મીએ અપનાવી લીધો છે.



