કવર સ્ટોરીઃ ‘ભાઈ’એ એક્શનને કહ્યું: આવજો!

હેમા શાસ્ત્રી
1990ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાન ત્રિપુટીનો દબદબો હતો. ત્રણ દાયકા શાસન કર્યા પછી હવે ઘડપણ બોલે છે, કમ સે કમ ઉંમરની બાબતમાં. માર્ચમાં આમિરે 60 પૂરા કર્યા, સપ્ટેમ્બરમાં શાહરુખ અને ડિસેમ્બરમાં સલમાન ખાન આયુષ્યના 60 વર્ષ પૂરા કરશે. આ ત્રિપુટીમાં અત્યારે કિંગ ખાન અવ્વલ છે. ‘હવે ફિલ્મ નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું છે…’ એવી કબૂલાત આમિર કરી ચૂક્યો છે અને ભાઈજાન સલમાન ખાન અવઢવમાં છે.
જોકે, ઢળતી ઉંમરે એક્શન ફિલ્મો તરફ વળીને શાહરુખે સફળતા અંકે કરી છે જ્યારે સલમાનએ એક્શનને ‘આવજો’ કહેવાનું મન બનાવી લીધું હોય એવું એના આજકાલનાં નિવેદનો પરથી લાગી રહ્યું છે. ફાઇટ- બાઈટ… કૂદકા- ભૂસકા…છલાંગ- બલાંગ હવે ભારે પડે છે યાને કે એક્શન સીન કરવા હવે આસાન નથી એવી કબૂલાત સલમાને એક ઈન્ટરવ્યૂમાં કરી છે. આમ સલમાનના કેસમાં ‘સાઠી બુદ્ધિ નાઠી’ નહીં, પણ ‘સાઠી બુદ્ધિ સાચી’ એમ કહેવું જોઈએ, કારણ કે સમય વર્તે સાવધાનનો અભિગમ એણે અપનાવ્યો છે.
એક ચોખવટ: મૂળ કહેવત ‘સાઠી બુદ્ધિ નાઠી’ છે જે કાળક્રમે ‘સાઠે બુદ્ધિ નાઠી’ તરીકે બોલાતી આવી છે. સાઠી એટલે સાઠ વર્ષની ઉંમર. કોઈને સાઠી બરાબર નહીં લાગ્યું હોય અને એનું ‘સાઈઠે બુદ્ધિ નાઠી’ કરી નાખ્યું હશે, જે પછી બોલવામાં સરળતા પડે એ માટે ‘સાઠે બુદ્ધિ નાઠી’ થઈ ગયું હશે…ખેર, જે હોય તે…
હકીકત એ છે કે એ. આર. મુરુગાદોસની આ વર્ષે રિલીઝ થયેલી એક્શન ડ્રામા ‘સિકંદર’ બોક્સ ઓફિસની દુનિયા સર કરવાના બદલે ધૂળ ચાટતી થઈ એના આંચકામાંથી ભાઈજાન હજુ બહાર નથી આવ્યા. પિતા સલીમ ખાનની સલાહ કે પછી પોતાને જ અણસાર આવી ગયો કે હવે એક્શન પૂરતું સીમિત રહેવામાં મજા નથી એટલે ભાઈજાન ‘ગલવાન’ પછી ‘સમ એક્શન એન્ડ અધર ઈમોશન’ માટે મન મનાવી બેઠો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
હાલ સલમાનની એક જ ફિલ્મ ફ્લોર પર છે – અપૂર્વ લાખિયા (‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ બનાવી હતી) દિગ્દર્શિત ‘બેટલ ઓફ ગલવાન’. ફિલ્મ ભારત-ચીન વચ્ચે 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં થયેલી લડાઈ પર આધારિત છે. એમાં એક્શન સીન ઠાંસોઠાંસ ભરેલા હશે એ કહેવાની જરૂર ખરી? ભાઈજાન લશ્કરી જવાનની ભૂમિકા કરી રહ્યો છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : ફિલ્મ સ્ટાર્સના બાળ ઉછેરમાં બદલાવ…
સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલા આ ચિત્રપટ સંદર્ભે જ ‘હવે એક્શન સીન કરવામાં શરીર સાથ નથી દેતું’ મતલબની પ્રતિક્રિયા ભાઈજાને આપી છે. ‘બેટલ ઓફ ગલવાન’ સાઈન કરી ત્યારે એને આ વોર ડ્રામા ફિલ્મ અત્યંત રોમાંચક લાગી હતી અને એટલે તરત હા પાડી દીધી હતી, પણ જેમ જેમ શૂટિંગ થતું ગયું એમ એમ એક્શન સીન કરવામાં હવે પહેલા જેવી આસાની નથી રહી એનો ખ્યાલ આવતો ગયો. ખૂબ ઊંચાઈએ અને ઠંડાગાર પાણીમાં શૂટિંગ કરવામાં ખાસ્સી તકલીફ અનુભવી છે.
તો કરવું શું?
આમિર અને શાહરુખે જેમ પોતપોતાની નવી કેડી તૈયાર કરી એમ સલમાનનું મન હવે શેમાં પરોવાય છે કે શેના તરફ એ ઢળવા માગે છે એ સંભવત: એનો આગામી દોર નક્કી કરી શકે છે.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સલમાન સાઉથના-મલયાલમ ફિલ્મના ડિરેક્ટર મહેશ નારાયણન સાથે હિન્દી ફિલ્મ કરવા અંગે ચર્ચા કરી રહ્યો છે. મલયાલમ ઉપરાંત તમિળ ફિલ્મો પણ ડિરેક્ટ કરનારા મહેશ પાસે ત્રણ હિન્દી ફિલ્મ (‘ફિર કભી’-મિથુન, ડિમ્પલ તેમજ ‘વિશ્વરૂપમ’-કમલ હસન, રાહુલ બોઝ અને ‘ટ્રાફિક’-મનોજ બાજપેયી અને જિમી શેરગિલ)નું એડિટિંગ કરવાનો અનુભવ છે.
સાઉથના દિગ્દર્શકોમાં હિન્દી ફિલ્મો કરવાની ઈચ્છા બળવત્તર થઈ રહી છે એ યાદીમાં હવે મહેશ નારાયણનનું નામ પણ જોડાઈ જશે. આ ફિલ્મ પિરિયડ થ્રિલર હશે અને એટલે એક્શન સીન તો હોવાના જ પણ સલમાન પિરિયડ ફિલ્મ-ઐતિહાસિક પાર્શ્વભૂમિ ધરાવતી ફિલ્મ પહેલી જ વાર કરી રહ્યો છે. ટૂંકમાં પોતાના કમ્ફર્ટ ઝોન-માફક આવે એવા જોનર સિવાયની ફિલ્મો કરવાની એને ઉત્કંઠા છે અને જરૂરિયાત પણ છે.
સલમાન જે અન્ય ફિલ્મ મેકર સાથે ચર્ચામાં છે એમાં એક અગ્રણી અને જાણીતું નામ કબીર ખાનનું છે. કબીર ખાન સાથે સલમાન ત્રણ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. એમાંથી બે ફિલ્મ (‘બજરંગી ભાઈજાન’ અને ‘એક થા ટાઈગર; ) સુપરહિટ હતી. ત્રીજી ‘ટયુબલાઈટ’ ઝબૂક..ઝ્બૂક થઈને નિષ્ફળ નીવડી હતી. બે ફિલ્મમાં એક્શન ભારોભાર હતું જ્યારે ‘બજરંગી ભાઈજાન’ કોમેડી ડ્રામા હતી.
કબીર-સલમાન સૌથી વધુ ઉત્સુક ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલ બનાવવા માટે છે. અલબત્ત, એની સ્ક્રિપ્ટ હજી તૈયાર નથી થઈ એટલે મામલો અધ્ધર છે, પણ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું એ નિશ્ચિત છે.
શાહરુખ ખાન અને રણબીર કપૂર બંને રોમેન્ટિક હીરો પણ આ બંને એક્ટરે રોમેન્સને રામ રામ કરી બીજા જોનરનો અખતરો કરી સફળતા મેળવી છે. શું એનું પુનરાવર્તન એક્શનને આવજો કહી નવો અખતરો કરવા માગતા સલમાનના કેસમાં જોવા મળશે?
જોઈએ…ટાઈમ વીલ ટેલ!
આ પણ વાંચો…કવર સ્ટોરી: હોરરની હવામાં વર્તાય છે પ્રેમનો પાવર!