કવર સ્ટોરીઃ ‘અમિતજી મુક્તપણે અભિપ્રાય નથી આપી શકતા’

હેમા શાસ્ત્રી
જયા બચ્ચન અને રણબીર કપૂર…
એક ગઈકાલનાં બેમિસાલ અભિનેત્રી અને એક આજનો અફલાતૂન એક્ટર. બંને નામ તાજેતરમાં ગાજ્યા છે સોશિયલ મીડિયામાંના, એમની કોઈ ફિલ્મના પરફોર્મન્સ માટે નહીં, પણ સોશ્યલ મીડિયામાં એક અત્યંત મહત્ત્વનું રસાયણ ગણાતા પાપારાઝીને કારણે. ‘પાપારાઝી’ એટલે એ ફોટોગ્રાફર, જે સેલેબ્સની તસવીરો ક્લિક કરવા એમની પાછળ પડી જાય…
અવસાન થયા પૂર્વે ધરમજીને હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે પાપારાઝી જે રીતે તેમના ઘર અને હૉસ્પિટલ પર મંડરાઈ રહ્યા હતા એ જોઈ સની દેઓલએ પણ ભડકીને ‘કુછ તો શર્મ કરો’ એમ કહી રોષ ઠાલવ્યો હતો.
પાપારાઝી અને સેલિબ્રિટી એક એવો નાતો છે જે ‘તારી સાથે ફાવે નહીં ને તારા વિના જામે નહીં’ પંક્તિમાં બિરાજે છે. જાવેદ અખ્તરના ‘સિલસિલા’ ગીતની પંક્તિ ‘તૂ બદન મૈં હૂં છાયા, તૂના હો તો મૈં કહાં હૂં’ જેવી આ રિલેશનશિપ છે.
સની દેઓલના રોષ ઉપરાંત તાજેતરમાં સંજય લીલા ભણસાલીની ઓફિસ નજીક એકઠા થયેલા પાપારાઝીને જોઈ રણબીર કપૂરની ટીમે એમને ચાલતી પકડવા કહ્યું હતું તો મહિલા સશક્તીકરણ અને સમાજ, સંસ્કૃતિ અને રાજકારણમાં બદલાવ લાવતી મહિલાઓ સાથેની વાતચીત માટેના ‘વી ધ વિમેન’ પોડકાસ્ટમાં જયાજીએ પાપારાઝી વિશે તેજાબી વિધાનો કર્યા તો છે જ, પણ આ વખતે તેમણે અમિતાભ બચ્ચન અને દોહિત્રી નવ્યા નવેલી સંબંધે કરેલા વિધાનો ઘણાને ચોંકાવી ગયા છે.
17માં ઓસ્કર એવોર્ડ માટે નોમિનેશન મેળવનાર ઈટલીના વિશ્વવિખ્યાત ફિલ્મમેકર ફેડેરિકો ફેલિનીએ 1960માં La Dolce Vita (જેનો અર્થ મજાની લાઈફ થાય) નામની ફિલ્મ બનાવેલી. આ ફિલ્મમાં એક ફોટોગ્રાફરનું પાત્ર છે, જેનું નામ પાપારાઝો છે. ફેલિનીએ આ કેરેક્ટર ટાઝિયો સેકીરોલ નામના ઈટાલિયન ફોટોગ્રાફર પરથી વિકસાવ્યું હતું. ટાઝિયો પ્રસિદ્ધિ મેળવનાર પ્રથમ પાપારાઝો માનવામાં આવે છે. (પાપરાઝો-એક વચન અને એકથી વધુ એ પ્રકારના ફોટોગ્રાફર પાપારાઝી). પાપારાઝી એટલે સ્વતંત્ર રીતે કામ કરતા ફોટોગ્રાફર્સ, જે એક્ટર્સ, સ્પોર્ટ્સમેન, રાજકારણી અને અન્ય સેલિબ્રિટીના તેમના દૈનિક જીવનની તસવીરો લેવાનું કામ કરતા હોય છે. La Dolce Vita ફિલ્મના પાપારાઝો પાત્ર પરથી ‘પાપારાઝી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.
જયા બચ્ચનએ La Dolce Vita જોઈ હતી કે નહીં કે પછી તેમને ફેડેરિકો ફેલિનીની ફિલ્મો માટે આકર્ષણ-લગાવ હતા કે નહીં એ આપણે નથી જાણતા, પણ એક વાત બત્રીસ આના (ઘણી વાર ભાર દેવા 200 ટકા બોલાય છે એમ) સાચી છે કે જયાજીને પાપારાઝી માટે ભયંકર નફરત છે.
1971માં આવેલી ‘ગુડ્ડી’થી 1981માં રિલીઝ થયેલી ’સિલસિલા’ દરમિયાનના દશકામાં અવ્વલ અભિનેત્રી તરીકે છવાઈ ગયેલાં જયાજીના નામ સામે છેલ્લા 45 વર્ષમાં ગણીને ડઝન ફિલ્મ માંડ બોલે છે અને એમાંય ધ્યાનમાં રહી જાય એવા રોલવાળી ફિલ્મ ગણીએ તો ઈન મીન સાડે તીનમાં વાત પૂરી થાય એવી પરિસ્થિતિ છે. તેમ છતાં જ્યાજી મીડિયામાં-સોશ્યલ મીડિયામાં ગાજી રહ્યાં છે.
અમુક વાર તો એમની ગર્જના સાંભળવામાં મળે છે. વાર તહેવારે એક સંસદ સભ્ય (5 વખત રાજ્યસભામાં એમપી તરીકે ચૂંટાયા છે) તરીકે તેમના આકરા નિવેદનો (‘શ્રીમતી જયા અમિતાભ બચ્ચન’ તરીકે કરવામાં ઉલ્લેખ સામે તેમણે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો) ગાજે છે, પણ એથીય વિશેષ સોશ્યલ મીડિયા અને પાપારાઝી સામે તેમનો આક્રોશ – બળાપો વારંવાર વ્યક્ત થતો જોવા મળે છે.
સોશ્યલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર સ્ક્રોલ કરવાથી એરપોર્ટ પર પહોંચેલી સેલિબ્રિટીઓને ક્લિક કરવા પાપારાઝીઓ- ફોટોગ્રાફરો હાજર હોય છે. કોઈને સવાલ થઈ શકે છે કે આ પાપારાઝીઓને કેવી રીતે ખબર પડતી હશે કે ફલાણી ફલાઈટમાં ફલાણો કે ફલાણી એક્ટ્રેસ ફ્લાય કરવાની છે? એમાં નવાઈ પામવા જેવું કશું નથી.
સેલિબ્રિટીની પીઆર ટીમ જ આ પાપારાઝીઓને ‘સાડે દસ કી ફલાઈટ હૈ’ એવી જાણકારી આપે છે અને તસ્વીર ભૂખ્યા ફોટોગ્રાફરોને આપતા હોય છે. આ ફોટોગ્રાફ્સ કે વીડિયો મીડિયામાં વેચી તેમને કમાણી થતી હોય છે. અહીં સુધી તો સમજ્યા, પણ ક્યારેક મર્યાદાનું ઉલ્લંઘન થાય ત્યારે મોટેભાગે સેલિબ્રિટીનો જ રોષ ફાટી નીકળે છે.
રણબીર કપૂરનાકેસમાં પણ એની પીઆર ટીમેજ મેસેજ મોકલ્યો હતો એટલે પાપારાઝી પહોંચી ગયા હતા એવી રજૂઆત તેમનાપક્ષે કરવામાં આવી હતી.
જયા બચ્ચને આપેલો ઈન્ટરવ્યૂ ખાસ્સો લાંબો અને ઘણો તેજાબી છે. ‘ગુડ્ડી’, ‘અભિમાન’ કે ‘સિલસિલા’ની સહેજ ગભરાયેલી-દબાયેલી મહિલાના પાત્ર કરતા બીજા છેડાની રણચંડી-સાક્ષાત દુર્ગા માતાનું સ્વરૂપ છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયામાં જોવા મળ્યું છે. ‘વી ધ વિમેન’ કાર્યક્રમમાં મીડિયા-પાપારાઝીને નિશાન બનાવી જયા બચ્ચને ઘણી વાત વિગતે કરી છે. એમાંની ઉડીને આંખે વળગે એવી-ચોંકાવી દે એવી વાત પર નજર નાખીએ. જયાજીની ધારદાર વાણી એમના જ શબ્દોમાં પ્રસ્તુત છે:
‘મીડિયા સાથે મારા સંબંધો બહુ સારા છે. મીડિયાને કારણે જ હું સેલિબ્રિટી બની છું, પણ પાપારાઝી સાથે મારો સંબંધ ઝીરો છે. એ લોકો છે કોણ? એને મીડિયા કહી શકાય? હું મીડિયા પરિવારમાંથી આવું છું. મારા પિતાશ્રી પત્રકાર હતા. આ પ્રકારના લોકો માટે અનહદ આદર છે.’
અમિતાભ બચ્ચન વિશે જયા જણાવે છે કે એ બોલતા નથી. મારી જેમ મુક્તપણે એ અભિપ્રાય નથી આપી શકતા. અલબત્ત, પોતાને જે કહેવું છે એ યોગ્ય સમયે યોગ્ય રીતે કેમ પહોંચાડવું એની સુઝ એમનામાં છે. મારામાં એ આવડત નથી.
પાપારાઝીઓ વિશે જ્યાજીએ એમ પણ કહ્યું કે ‘એ લોકો બહુ ભદ્દા હોય છે. ચુસ્ત પેન્ટ પહેરી, હાથમાં મોબાઈલ લઈ આવે છે. હાથમાં મોબાઈલ હોય એટલે ગમે તે રીતે ફોટોગ્રાફ લેવાનો અને મન ફાવે એમ બોલવાનો પરવાનો તેમને મળી જાય છે? અને એ લોકોની કોમેન્ટ્સ પણ કેવી વિચિત્ર હોય છે. કોઈ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સાથે સંકળાયેલા હોવાથી મનમાની કરવાની છૂટ થોડી મળે?’ આજની તારીખમાં લગ્ન જૂનવાણી પ્રથા કહેવાય એમ જણાવી જયાજીએ કહ્યું કે ‘નવ્યા લગ્ન કરે એવું હું નથી ઈચ્છતી!’
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ ગ્રીક ગોડને જોયાં નથી, પણ કોઈ અફસોસ નથી… કારણ કે ધરમજીને સાક્ષાત્ જોયાં છે!



