ક્લેપ એન્ડ કટ..!: યે દુનિયા કે બદલતે રિશ્તે…

- સિદ્ધાર્થ છાયા
જે ‘યશરાજ ફિલ્મ્સે’ રણવીર સિંહને લોન્ચ કર્યો તેને જ સુપરસ્ટારે બાય બાય કહી દીધું છે. 2010ની ‘બેન્ડ બાજા બારાતમાં’ ‘યશરાજે’ રણવીરને મોટા સ્ક્રિન પર લાવવાનું કામ કર્યું હતું. આ ફિલ્મમાં રણવીરની નોંધ લેવાઈ હતી. પછી તો એ બે વચ્ચેની આ સફર લાંબી ચાલી અને રણવીરે આ બેનર હેઠળ બીજી પાંચ ફિલ્મ પણ કરી. ‘યશરાજ’ અને રણવીરની આ સંયુક્ત સફર 2022ની ‘જયેશભાઈ જોરદાર’ પછી આગળ નથી વધી.
હવે,‘યશરાજ’ સ્પાય યુનિવર્સમાં બીઝી થઇ ગયું છે. આ ઉપરાંત એ ‘સૈયારા’ ટાઈપ ઓછા જાણીતા કે નવા કલાકારો સાથે પણ ફિલ્મ બનાવી રહ્યું છે. તો આમ છૂટા પડવાનું કારણ કદાચ એ હોઈ શકે કે રણવીરને લાગ્યું હોય કે હવે ‘યશરાજ’ને એની જરૂર નથી.. જોકે, જાહેરમાં રણવીરે કાયમ યશરાજના વખાણ કર્યાં જ છે. ‘યશરાજ’ ની કાસ્ટિંગ ડિરેક્ટર અને રણવીરની ‘બેસ્ટ ફ્રેન્ડ’ શાનુ શર્માએ હાલમાં ગોળ ગોળ ભાષામાં ફોડ પાડ્યો છે,જેનાથી એટલું તો સાબિત થાય છે કે રણવીરે જ ‘યશરાજ’ ને ‘આવજો ’કહ્યું છે.
‘વોર ટૂ’ હવે અજાણ્યા ફ્રન્ટ ઉપર પણ લડાશે
‘યશરાજ’ની તકલીફ વધી ગઈ છે. પહેલાં તો રજનીકાંતની મલ્ટિસ્ટાર કાસ્ટ ધરાવતી ‘કુલી’ સાથે ટક્કર નક્કી થઇ. પછી ઓવરસીઝમાં એડવાન્સ બુકિંગમાં રજની અન્નાની ફિલ્મ સામે પીછેહઠ કરવી પડી. આટલું અધુરું હતું એમ હવે મલ્ટિપ્લેક્સવાળા પણ ‘વોર ટુ’ ને નહીં, પરંતુ ‘કુલીને’ વધુ સ્ક્રિન્સ આપશે એવી વાતો આવી છે.
આમ છતાં કિન્તુ, પરંતુ બટ … ‘વક્ત’ ફિલ્મના નટુભાઈની જેમ કહીએ તો ‘યે તો કુછ ભી નહીં હૈ!’ ‘યશરાજ’ માટે ગંભીર સમાચાર પશ્ચિમ બંગાળમાંથી આવ્યાં છે. ‘ધૂમકેતુ’ નામની બંગાળી ફિલ્મે બંગાળમાં ‘ યશરાજ ’ માટે અજાણ્યો ફ્રન્ટ ઉભો કરી દીધો છે. 2015ના ઓક્ટોબરમાં આ ફિલ્મનું શૂટિંગ શરું થયું જે જાન્યુઆરી 2017માં પૂરું થઇ ગયું હતું. ત્યારબાદ અમુક કારણોસર આ ફિલ્મ રિલીઝ ન થઇ શકી,
પરંતુ છેક હવે ‘ધૂમકેતુ’ માટે રિલીઝ થવાના સંજોગો ઉભા થયા છે. આ ફિલ્મ પણ ‘વોર ટુ’ અને ‘કુલી’ સાથે જ 14 ઓગસ્ટે રિલીઝ થશે. કોલકાતામાં અને પશ્ચિમ બંગાળમાં ‘ધૂમકેતુની’ હાઈપ એટલી બધી છે કે ‘યશરાજ’ જેવા બિગ બેનરને પણ મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરમાં ઓછા શો માટે માની જવું પડ્યું છે. આ બંગાળી ફિલ્મે અહીં એડવાન્સ બુકિંગમાં: ‘યશરાજ’ની ફિલ્મ પર ઓલરેડી લીડ પણ મેળવી લીધી છે.
સામાન્યત: ‘યશરાજ’ જેવા મોટા બેનર્સ સ્ક્રિન્સ મેળવવામાં દાદાગીરી કરતાં હોય છે. જ્યારે એક સાથે બે હિન્દી ફિલ્મો રિલીઝ થતી હોય ત્યારે પણ ‘યશરાજ’ ગમેતેમ કરીને જોઈતાં સ્ક્રિન મેળવી લેતું હોય છે, પરંતુ બંગાળમાં એણે એક પ્રાદેશિક ફિલ્મ સમક્ષ ઝુકવું પડ્યું છે એ કંઈ નાનીસૂની ઘટના નથી !
બડજાત્યાનો નવો ‘પ્રેમ’
સુરજ બડજાત્યાની ફિલ્મનો હીરો કોઇપણ કલાકાર હોય પણ એનું નામ તો પ્રેમ જ હોય. ‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપ કે હૈ કૌન’, ‘મૈ પ્રેમ કી દીવાની હૂં’, ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘વિવાહ’ …. આ તમામ ફિલ્મોમાં હીરોનું નામ પ્રેમ હતું. જોકે ‘વિવાહનો’પ્રેમ’ સલમાન નહીં , પરંતુ શાહિદ કપૂર હતો. સૂરજભાઈની છેલ્લી ફિલ્મ ‘ઉંચાઈ’ સિનિયર સિટીઝન્સની વાર્તા કરતી હોવાથી કદાચ એના હીરોનું નામ પ્રેમ રાખવામાં નહોતું આવ્યું.
જોકે હવે સૂરજ બડજાત્યાને એમનો નવો ‘પ્રેમ’ મળી ગયો છે. ‘રાજશ્રી ફિલ્મ્સ’ મુંબઈમાં જ એક પારિવારિક બેકગ્રાઉન્ડ પર ફિલ્મ શૂટ કરવાની છે. આ ફિલ્મના લીડ રોલ એટલેકે ‘પ્રેમ’ તરીકે આયુષ્માન ખુરાનાની પસંદગી કરવામાં આવી છે. સૂરજ બડજાત્યાના કહેવા અનુસાર એમની આગલી ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ ઢગલાબંધ કલાકારો હશે. આથી આપણે એવું ધારી શકીએ કે સલમાન ખાને જે ‘પ્રેમ’ને આઇકોનિક બનાવ્યો એમાં આયુષ્માન ખુરાનાને ફિટ કરવામાં આવશે.
કટ એન્ડ ઓકે..
‘યશરાજે’ સામે ચાલીને ‘વોર ટૂ’માંથી 28 સીન્સ પર કાતર ફેરવીને ફિલ્મની લંબાઈ સવા છ મિનિટ ઓછી કરી નાખી છે….