ક્લેપ એન્ડ કટ..!: યે સબ દોગલાપન હૈ!

સિદ્ધાર્થ છાયા
એક વખત પ્રસિદ્ધ થઇ ગયા પછી આપણા ‘સ્ટાર્સ’ ભૂતકાળ લગભગ ભૂલી જાય છે. તેમણે પોતાનાં સંઘર્ષના કાળમાં કે પછી ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત થતાં સમયે કયા રોલ્સ ભજવ્યાં હતાં એ એમને યાદ નથી રહેતું. પરિણામ એવું આવે છે કે લોકપ્રિય થયાં બાદ ‘ભાંગરો વાટવા ’ લાગે છે. આનું તાજું ઉદાહરણ છે રસિકા દુગ્ગલ. રસિકા આમ પણ ‘એમેઝોન પ્રાઈમ’ની વેબસિરીઝ ‘મિર્ઝાપુર’થી જાણીતી થઇ છે.
હવે આ જ રસિકા આ જ વેબસિરીઝમાં પોતે કઈ ભૂમિકા ભજવી હતી એ કદાચ ભૂલી ગઈ છે. એક પોડકાસ્ટમાં રસિકાને જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યું ત્યારે તેણે એ ફિલ્મને સ્ત્રી વિરોધી ગણાવી હતી. ટૂંકમાં કહીએ તો રસિકા દુગ્ગલનું એમ કહેવું હતું એક સ્ત્રીને આ રીતે નિમ્નસ્તરની ચીતરતી હોય એવી ફિલ્મમાં તો હું ક્યારેય કામ ન કરું. અચ્છા? તો પછી ‘મિર્ઝાપુર’ની બીના ત્રિપાઠીનો રોલ કેવો હતો? બીના ત્રિપાઠીના પતિ તેને ‘પુરુષનું સુખ’ ન આપતાં હોવાથી એ નોકર સાથે પહેલાં તો ગમન કરે છે, પોતાનાં સાવકા દીકરા સાથે ફ્લર્ટ કરે છે અને છેવટે ગાદી મેળવવા સસરા સાથે પણ… તો અહીં એક સ્ત્રીને કશું પણ મેળવવા માટે આ સ્તરે નીચી ઉતરતી સુધીનું પાત્ર એણે નથી ભજવ્યું?
વાહ દીદી વાહ! આવાં બેવડાં ધોરણો ક્યાંથી શોધી લાવ્યાં? ફક્ત એક ફિલ્મને નીચી ચીતરવા માટે? અગાઉ પણ જાવેદ અખ્તર જેવાં ‘બુદ્ધિજીવીઓ’એ પણ ‘એનિમલ’ ફિલ્મ ને જોયાં વગર એને સ્ત્રી વિરોધી ગણાવી દીધી હતી. યહ લોગ કહાં સે લાતે હૈ ઐસા દોગલાપન? બેવડા ધોરણની પણ કોઈ હદ ખરી?
સહુથી લાં… આઆઆ… બી ફિલ્મ!
આજે એક એવી ફિલ્મ રિલીઝ થઇ છે, જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી અને એ પણ છેલ્લાં ત્રણેક મહિનાથી. જી હા, વાત કરી રહ્યાં છીએ ‘ધુરંધર’ની. હમણાં આપણે ‘એનિમલ’ની વાત કરી તો ‘ધુરંધર’માં પણ એનાં જેટલી જ કે પછી એનાંથી પણ વધુ હિંસા દેખાડવામાં આવી છે. આવું ફિલ્મ જોયા વગર એટલાં માટે કહી શકાય, કારણકે તેનું ટ્રેલર એમ કહી રહ્યું છે. એનીવે, અહીં આપણો મુદ્દો હિંસા નથી. અમે ‘ધુરંધર’ને બે ભાગમાં રીલીઝ કરવાનાં છીએ એવું ફિલ્મનાં ડાયરેક્ટર આદિત્ય ધર પહેલેથી જ કહી ચૂક્યા છે, પરંતુ ફિલ્મનો પહેલો ભાગ જ 214 મિનીટનો હોવાનું સામે આવ્યું છે.
ઔર અભી તો રુકો! આ 214 મિનિટ સેન્સર બોર્ડે કરેલી કાપકૂપ પછીની નેટ સમય છે. 214 મિનિટ એટલે કે રોકડા 3 કલાક 34 મિનિટનો આ રનટાઈમ પણ જ એક રેકોર્ડ છે. સત્તર વર્ષ પહેલાં આશુતોષ ગોવારીકરની મેગ્નમ ઓપસ ‘જોધા અકબર’નો રન ટાઈમ બોલિવૂડમાં અત્યાર સુધીનો સહુથી લાંબો રનટાઈમ હોવાનું નોંધાયું હતું. હવે આ ‘ધુરંધરે’ તેનાં 3 કલાક 33 મિનિટનાં રનટાઈમને એક મિનીટથી પાછળ પાડી દીધો છે.
હવે વિચારવાનું એ છે કે આદિત્ય ધર પહેલેથી જ કહી ચૂક્યા છે કે ફિલ્મ બે ભાગમાં છે એટલે વિચારો કે કેટલું વિશાળ ક્ધટેન્ટ આ ફિલ્મ ધરાવતું હશે? આજે ત્રીસ સેક્ધડની રીલ પણ પૂરી ન જોઈ શકતી પેઢીને 3 કલાક 34 મિનિટ થિયેટરની ખુરશી પર બેસાડી રાખવી એ આદિત્ય ધર માટે બહુ મોટી ચેલેન્જ છે એની ફિલ્મની લંબાઈ જેટલી જ!
બાપ કરતાં બેટો સવાયો!
જ્યારે અમિતાભ બચ્ચને ABCL બનાવીને પોતાની મરણમૂડી પણ ગુમાવી દીધી હતી ત્યારે એમ કહેવાયું હતું કે ‘જેને જે કામ આવડતું હોય એ જ કરાય’. અમિતાભે કદાચ આ સલાહને સ્વીકારીને ફક્ત એક્ટિંગ કરીને ફરીથી બે પગ ઉપર ઊભા થઈને એક ઐતિહાસિક કમબેક કર્યું હતું, પરંતુ, અમિતાભના દીકરા અભિષેક, જેણે આજ સુધી પોતાનાં પિતાના વિશાળકાય પડછાયામાં જ રહેવું પડ્યું છે તેણે બિઝનેસનાં ક્ષેત્રમાં તો પિતાથી સવાયા થઇ બતાવ્યું છે.
અભિષેક ખુદ જબરદસ્ત કલાકાર છે, પરંતુ હવે જાણવા મળ્યું છે કે એ બિઝનેસમેન પણ એટલો જબરદસ્ત છે. અભિષેક અને અમિતાભ બચ્ચન વર્ષોથી રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને કરોડો કમાયા છે, પરંતુ અભિષેક બચ્ચને પોતાનું રોકાણ એક કબડી ટીમમાં કર્યું અને તેને બખ્ખાં થઇ ગયાં છે. અભિષેક બચ્ચનની ‘પ્રો કબડ્ડી’ લીગની ટીમ ‘જયપુર પિંક પેન્થર્સ’ની નેટવર્થ અધધધ 100 કરોડે પહોંચી ગઈ છે. જ્યારે દેશમાં આઈપીએલની તર્જ પર અન્ય સ્પોર્ટ્સમાં પણ લીગ્સ શરૂ થઇ ત્યારે આ કબડીની લીગ શરૂ થઇ હતી.
એ અભિષેકની બિઝનેસ બુદ્ધિમત્તા જ હતી જેણે જયપુરની ટીમ ખરીદવામાં રસ દેખાડ્યો અને આજે એણે એ વાતને ખોટી સાબિત કરી દીધી છે કે ‘એક અભિનેતાએ ફક્ત એક્ટિંગ જ કરવી જોઈએ, બિઝનેસ નહીં.’
કટ એન્ડ ઓકે…
જ્યાં સુધી મને ખ્યાલ છે લગ્ન હજી પણ મુલતવી જ છે. 7 ડિસેમ્બરે લેડી ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્ન ફરીથી નિર્ધારિત થયાં છે એ અફવા પર સ્મ્રિતિનાં ભાઈ શ્રવણનું પૂર્ણવિરામ
આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!:સિદ્ધાર્થ છાયા



