મેટિની

ક્લેપ એન્ડ કટ..! રણવીર ભૂત બનશે?

  • સિદ્ધાર્થ છાયા

‘મેડોક ફિલ્મ્સ’ના દિનેશ વિજન કદાચ બહુ જલદી એક મોટો ધડાકો કરશે. મેડોકનું લોકપ્રિય હોરર-કોમેડી યુનિવર્સ હવે વધુ વજનદાર બનવા જઈ રહ્યું છે. બહુ જલદીથી દીપિકા પતિ રણવીર સિંહ આ યુનિવર્સમાં જોડાશે.

‘સ્ત્રી’ અને ‘ભેડિયા’ જેવી ફિલ્મોથી આ યુનિવર્સ ઊભું કરનાર મેડોક હજી બીજી એક હોરર-કોમેડી ફિલ્મ લાવી રહ્યું છે. એ ફિલ્મનું નામ છે ‘થામા’ અને તેમાં આયુષ્માન ખુરાના ચામાચીડિયાનો રોલ કરવાનો છે, પરંતુ આ ફિલ્મના પ્રોડ્યુસર્સ હવે પોતાના યુનિવર્સને વિકસિત કરવા માગે છે. જાણકારી મળ્યા અનુસાર ગયા અઠવાડિયે રણવીર સિંહ જાતે પોતે મેડોકની ઓફિસમાં ગયો હતો, પરંતુ, જેમ કાયમ બને છે એમ મેડોક કે રણવીર બંનેમાંથી કોઈએ પણ કોઈ જ ફોડ પાડ્યો નથી.

મેડોક અલગ પ્રકારની વાર્તાઓ લાવવા માટે જાણીતું છે.

મેડોકની રણવીર માટે કોઈ અલગ સ્ક્રિપ્ટ છે?

આમ પણ 2023 પછી રણવીરની કોઈ ફિલ્મ આવી નથી એટલે એ ફરીથી સ્ક્રિન પર ક્યારે દેખાશે તેની ઉત્કંઠા એના ચાહકોમાં હોય જ. હાલમાં રણવીરની બે ફિલ્મ સેટ ઉપર છે : આદિત્ય ધરની ‘ધુરંધર’ અને ફરહાન અખ્તરની ‘ડોન થ્રી’. જોઈએ મેડોક સાથે રણવીર કોઈ મેડનેસ કરશે કે પછી આ મુલાકાત ફક્ત ચા-નાસ્તા સુધી જ સીમિત રહી જશે?!

‘વોર ટુ’ માટે યશરાજની જબરી રણનીતિ
‘યશરાજ’ની સ્પાય યુનિવર્સ માટે અત્યંત મહત્ત્વની એવી ‘વોર ટુ’ 14 ઓગસ્ટે રિલીઝ થશે. આજકાલના ટ્રેન્ડ અનુસાર હવે બહુ જલદીથી એનું પ્રમોશન પણ શરૂ થઇ જવાનું છે. ‘વોર 2’ માટેની હાઈપ એટલા માટે પણ ઉંચી ગઈ છે, કારણ કે તેમાં હ્રતિક રોશન સામે નેગેટીવ રોલમાં જુનિયર એનટીઆર છે. ‘આર.આર.આર’ની અભૂતપૂર્વ સફળતા બાદ હિન્દી ઓડિયન્સમાં પણ જુનિયર એનટીઆરની લોકપ્રિયતા વધી છે. એમાંય આ તેલુગુ કલાકાર જો હ્રતિક જેવા કલાકાર સામે વિલન તરીકે આવે તો એ ‘હાઈપ’ છાપરું તોડીને ઉપર જતી રહે એ સ્વાભાવિક છે. એવામાં ‘યશરાજે’ ફિલ્મમાં દેખાડવામાં આવેલી આ બંને કલાકારની દુશ્મનીને એનકેશ કરવા માટે એક જબરદસ્ત રણનીતિ અપનાવી છે. જ્યારે પણ ‘વોર ટુ’નું પ્રમોશન શરૂ થશે ત્યારે કાયમની જેમ ફિલ્મના તમામ કલાકાર એક સાથે પ્રમોશન નહીં કરે. એમાંય, હ્રતિક અને જુનિયર એનટીઆર તો એકબીજાથી દૂર જ રહેશે. યસ! તમે બરાબર જ વાંચ્યું છે. ઓડિયન્સમાં આ બંનેની કટ્ટર દુશ્મનીની લાગણીને વધુ હવા મળે એ માટે ‘યશરાજ’ આ બંને મુખ્ય કલાકારને અલગ અલગ પ્રમોશનલ ઈવેન્ટ્સમાં મોકલશે. આથી ફિલ્મ રિલીઝ થવા સુધીમાં એક એવું વાતાવરણ ઊભું થશે કે ફિલ્મમાં આ બંને એકબીજા વિરુદ્ધ પોતાની દુશ્મનાવટ કેવી રીતે બહાર લાવશે એ તો જોવા લોકો ઊમટી પડે…

આપણ વાંચો:  અધૂરી થીગડાં મારેલી ફિલ્મો!

બાકી, બોલિવૂડ આજકાલ નવા નવા પેંતરાં કરી રહ્યું છે, જેમકે ‘હાઉસફૂલ ફાઈવ’ના બે અલગ અલગ એન્ડ અને હવે ‘વોર ટુ’માં બે અલગ અલગ પ્રમોશન!

કટ એન્ડ ઓકે…
‘ટ્રાફિકમાં ગૂંગળાઈ જવા કરતાં રાહ જોવી સારી!’ પુત્ર કુશ દ્વારા નિર્દેશિત અને પુત્રી સોનાક્ષી દ્વારા અભિનીત ફિલ્મ ‘નિકિતા રોય’ની રિલીઝ પાછળ ઠેલવા અંગે પિતા શત્રુઘ્ન સિન્હાની પ્રતિક્રિયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button