ક્લેપ એન્ડ કટ..! વિભિષણનો વિશેષ ‘વિવેક’

- સિદ્ધાર્થ છાયા
વાર તહેવારે બોલિવૂડ કલાકારોની સારપ બહાર આવતી હોય છે. ઘણીવાર આ બધું પી.આર. સ્ટંટ માટે પણ થતું હોય છે. તેમ છતાં એવાં ઘણાં કલાકાર છે, જે મૂંગા મોઢે સેવા અને દાન કરતાં રહેતાં રહે છે, પરંતુ આ બધું જ્યારે કોઈ ‘સમાચારમાં રહેતો કલાકાર’ કરે ત્યારે આપણને ખબર પડતી હોય છે.
વિવેક ઓબેરોય બદનસીબે અચ્છો કલાકાર હોવા છતાં સમાચારમાં ખાસ ચમકતો નથી. તેમ છતાં આજકાલ તેના એક નિર્ણયે તેને સમાચારમાં વહેતો જરૂર કરી દીધો છે.
વાત એમ છે કે આવતે વર્ષે આવનારી મેગ્નમ ઓપસ-વૈભવી ફિલ્મ ‘રામાયણ’માં વિવેક ઓબેરોય વિભિષણની મહત્ત્વની ભૂમિકા ભજવવાનો છે. હાલમાં જ્યારે તેને ફિલ્મ અને પોતાના રોલ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે લોકોને આશ્ર્ચર્યમાં મૂકી દીધાં હતાં. વિવેક ઓબેરોયે પહેલાં તો ‘રામાયણ’ ફિલ્મને હોલિવૂડની ભવ્ય ફિલ્મોનો ‘ભારતીય જવાબ’ ગણાવ્યો. વિવેકના માનવા અનુસાર હોલિવૂડમાં જે સ્તરે ફિલ્મો બને છે અને આપણે ફક્ત તેનાં વખાણ કરતાં રહી જઈએ છીએ એવું હવે લોકો ‘રામાયણ’ જોયા બાદ નહીં કરે. આટલું જ નહીં, વિવેકે આ વાતચીત દરમ્યાન એવું પણ જાહેર કર્યું કે તે આ ફિલ્મમાં વિભિષણની ભૂમિકા ભજવવા બદલ મળનારી મહેનતાણાની રકમને દાન કરી દેશે. કેન્સરથી પીડાતાં બાળકો માટે કામ કરતી સંસ્થાને આ રકમ દાન કરશે એવી એણે ઈચ્છા જાહેર કરી છે. ખરેખર વિભિષણ જેવો ‘વિવેક’ આ ઓબેરોયે કરી દેખાડ્યો ખરો!
‘દૃશ્યમ 3’માં બાબુભૈયા નથી….
નવી ફિલ્મો જ્યારે લોન્ચ થાય ત્યારે એની સ્ટારકાસ્ટ વિષે અફવાઓ ઊડતી રહેતી હોય છે. આવી જ એક અફવા ‘દ્રશ્યમ 3’ માટે તાજેતરમાં ઊડી કે આ ફિલ્મમાં પરેશ રાવળને સાઈન કરવામાં આવ્યા છે. હવે આપણે દ્રશ્યમ ફ્રેન્ચાઇઝીની મૂળ કથા તો જાણીએ જ છીએ! એ અફવાને માની જનારા લોકોએ એમ પણ માની લીધું હતું કે પરેશભાઈ આ ફિલ્મમાં અજય દેવગણને આરોપી સાબિત કરનારા પોલીસવાળા બનશે, કારણકે આ પ્રકારનો રોલ ‘દ્રશ્યમ 2’માં અક્ષય ખન્નાએ ભજવ્યો હતો.
જોકે, જ્યારે ખુદ બાબુભૈયાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. પરેશભાઈનું કહેવું હતું કે ‘ફિલ્મના મેકર્સ દ્વારા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેમને સ્ક્રિપ્ટ પણ ગમી હતી, પરંતુ તેમને જે રોલ ઓફર કરવામાં આવ્યો હતો તેમાં તેમને ‘મજા ન આવી’. પરેશભાઈનું કહેવું છે કે સ્ક્રિપ્ટ ભલે ગમે તેટલી સારી હોય પણ જો તમને પોતાનો જ રોલ કરવાની મજા ન આવે તો પછી બાકી બધું નકામું છે.
ટૂંકમાં પરેશ રાવળ ‘દ્રશ્યમ 3’માં નાની કે મોટી કોઈજ ભૂમિકા ભજવવાના નથી એ ક્ધફર્મ છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર 2026ના દિવસે રિલીઝ થવાની છે. 2 ઓક્ટોબર અને ‘દ્રશ્યમ’નો સંબંધ કેટલો પાક્કો છે એ આપણને ખબર જ છે.
આદિત્ય પંચોલીનો ‘તેઝાબ’
અમુક કલાકારો ગુમનામીના અંધકારમાં એવાં ખોવાઈ જતાં હોય છે કે પછી શોધ્યા જડતા નથી. આદિત્ય પંચોલી આવા કલાકારોમાંથી એક છે. ઘણીવાર આ પ્રકારના કલાકારો ગમે ત્યારે સમાચારમાં પરત આવવા માટે વિસ્ફોટક નિવેદન કરી દે છે.
તાજેતારમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આદિત્યએ શરૂઆત તો એમ કહી ને કરી કે બોલિવૂડમાં નેપોટીઝમ કરતાં રાજકારણ વધુ રમાય છે. પછી પોતાનાં આ નિવેદનનું સમર્થન કરવા તેણે એક ગોળગોળ બોમ્બ ફોડ્યો.
આદિત્ય પંચોલીએ બોલિવૂડમાં રાજકારણ કેટલું અંદર સુધી ઘૂસી ગયું છે એ સાબિત કરવા એમ કહ્યું કે 1988માં એન. ચંદ્રાની ફિલ્મ ‘તેઝાબ’ રિલીઝ થઇ એમાં મુન્નાની ભૂમિકા પહેલાં એ કરવાનો હતો,
પરંતુ, એક મોટા પ્રોડ્યુસરે પોતાના ભાઈની લાગવગ એન. ચંદ્રા સાથે લગાવી અને એને ફિલ્મનો હીરો બનાવી દીધો! .
બાય ધ વે, તમને પણ યાદ જ હશે કે ‘તેઝાબ’ના મુન્નાની જાનદાર ભૂમિકા અનિલ કપૂરે ભજવી હતી! ‘તેઝાબ’ એ અનિલ કપૂરની ‘લાઈફ ચેન્જિંગ’ ફિલ્મોમાંથી એક હતી. એ સમયે ‘તેઝાબ’ ઉપરાંત ‘રામ લખન’, ‘રખવાલા’ અને ‘ઈશ્વર’ એમ સળંગ ચાર હીટ ફિલ્મો અનિલે આપી હતી અને રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. આદિત્ય પંચોલી બેશક સારો કલાકાર છે, પરંતુ ક્યાં મુન્ના તરીકે અનિલ કપૂર ને કયાં અદિત્ય પંચોલી?!
અહીં નવાઈ એ વાતની છે કે આટલાં વર્ષો બાદ આ વાતનો ઉલ્લેખ કરવાનો અર્થ શો?
કટ એન્ડ ઓકે…
બોલિવૂડમાં અમુક કલાકારો મોડાં આવવાનું તો દૂર… એ સેટ પર દેખા જ દેતાં નથી… અમે એમની રાહ જોઈએ અને એ લોકો ફોન પર જ શૂટ કેન્સલ કરી દેતાં હોય છે.
ઇમરાન હાશ્મીનો ઘટસ્ફોટ!
આપણ વાંચો: જેટલાં બીજાને મોંઘા કરશો એટલાં તમે પોતે સસ્તા થઈ જશો…
 
 
 
 


