ક્લેપ એન્ડ કટ..! : થિયેટરમાં ભીડ થઇ તો ગઈ છે, પણ…

-સિદ્ધાર્થ છાયા
ગઈકાલથી મુંબઈ અને ગુજરાતના થિયેટર્સમાં ભીડ જ ભીડ જોવા મળી છે, પરંતુ આ ભીડ દર્શકોની નહીં પરંતુ ફિલ્મોની ભીડ છે. 1 મેના મહારાષ્ટ્ર અને ગુજરાત પોતપોતાના સ્થાપના દિવસ ઉજવે છે. આ દિવસે મુંબઈ-મહારાષ્ટ્રમાં તો જાહેર રજા હોય છે, પરંતુ ગુજરાતમાં કામ ચાલુ આહે!
આમ છતાં જાહેર રજાનો લાભ લેવા બોક્સ ઓફિસ ઉપર જાણે કે ફિલ્મો તૂટી પડી છે. અજય દેવગણની મચ અવેઈટેડ ‘રેડ 2’ તો આવી જ છે, પણ તેની સાથે હોલિવૂડની ‘થંડરબોલ્ટ્સ’ પણ પધારી છે. આટલું ઓછું હોય એમ સંજય દત્તની ‘ભૂતની’ પણ ડરાવવા માટે આંબલીના ઝાડ પરથી થિયેટરમાં ઉતરી આવી છે.
હજી તો ‘રુકો ઝરા, સબર કરો!’ મુંબઈ-મહારાષ્ટ્રમાં બે મરાઠી ફિલ્મ પણ રિલીઝ થઇ છે ‘ગુલકંદ’ અને ‘આતા થામ્બ્યાચા નાય’… આમ પાંચ-પાંચ ફિલ્મ આ સર્કિટમાં એક સાથે રિલીઝ થઇ છે.
જો ગુજરાતની વાત કરીએ તો અહીં ‘શસ્ત્ર’ નામની સાયબર ક્રાઈમ થ્રીલર પણ રિલીઝ થઇ છે.
એક તરફ, એક સાથે ફિલ્મો રિલીઝ ન થવી જોઈએ એનાં રોદણાં રોવામાં આવે છે અને બીજી તરફ બે હિન્દી અને બે મરાઠી ફિલ્મ એક જ દિવસે રિલીઝ થાય છે.
મહારાષ્ટ્રના અમુક થિયેટર્સ એવા છે જ્યાં મરાઠી ફિલ્મો ખૂબ ચાલતી હોય છે, પણ તેમને ‘રેડ 2’ પણ ચલાવવી છે.
એક વાત તો નક્કી છે, ‘થંડરબોલ્ટ્સ’ને બાજુમાં રાખીએ તો બાકીની બે હિન્દી અને બે મરાઠી ફિલ્મોમાંથી એક-એક ફિલ્મ કઈ ફિલ્મ જોવી એની દર્શકોની મૂંઝવણને લીધે નક્કી સોમવાર સુધીમાં એ રેસની બહાર થઇ જશે આવી ધક્કામુક્કીનો શો ફાયદો.
આઘાત-પ્રત્યાઘાત શરૂ..!
પહલગામ આતંકી હુમલા પછી ફવાદ ખાનની ‘અબીર ગુલાલ’ રિલીઝ નહીં થાય એમ સરકારે જ કહી દીધું છે, પરંતુ અત્યારે પંજાબી ફિલ્મોના સુપરસ્ટાર અને ગાયક દીલજિત દોસંજની ફિલ્મ ‘સરદારજી 3’માં પાકિસ્તાની કલાકાર હાનિયા આમીરનું શૂટ ચાલી રહ્યું હતું એ પણ બંધ થઇ ગયું છે. જાણવા મળ્યું છે કે હાનિયા આમીરે જાતેપોતે આ ફિલ્મમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લઇ લીધો છે.
આમ પણ અત્યારે પાકિસ્તાન પ્રત્યે ભારતીયોનો ગુસ્સો ચરમસીમાએ છે એવામાં હાનિયાનો આ નિર્ણય તેના સ્થાને યોગ્ય જ છે એમ જરૂર કહી શકાય. જોકે ઈન્સ્ટાગ્રામ પર હાનિયાની સ્ટોરી પણ ખૂબ વાયરલ થઇ છે. ફિલ્મ છોડ્યા પછી હાનિયાએ પોતાની સ્ટોરીમાં પાકિસ્તાનના લશ્કરી ચીફ આસીમ મુનીર પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો.
હાનિયાના કહેવા અનુસાર એમના કારણે આજે પાકિસ્તાનના કલાકારોને સહન કરવું પડી રહ્યું છે. એકની ફિલ્મ રોકાઈ ગઈ છે તો પોતાને એની ફિલ્મ અધવચ્ચે છોડીને પાકિસ્તાન પરત થઇ જવું પડ્યું છે. જોકે ભારતમાં તો વર્ષોથી એવી લાગણી છે કે ભારતમાં આટલા બધા ટેલેન્ટેડ કલાકારો છે તો પછી પાકિસ્તાની કલાકારોને શા માટે લાવવામાં આવે છે? હવે જોઈએ હાનિયાને તેના નિર્ણય બાદ પાકિસ્તાનમાં કેવો સામનો કરવો પડે છે.
એ.આર. રહેમાને ધૂન ચોરી!
દિલ્હી હાઈ કોર્ટે તેના એક તાજેતરના ચૂકાદામાં એ.આર. રહેમાનને કોર્ટની રજિસ્ટ્રીમાં 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. રહેમાન પર 2023માં આવેલી ફિલ્મ ‘પોન્નીયીન સેલ્વમ 2’ ના ગીત ‘વીરા રાજા વીરા’ની ધૂન ચોરી કરવાનો આરોપ હતો.
રહેમાન વિરુદ્ધ પદ્મશ્રી ફૈયાઝ ડાગરે એ જ વર્ષે કેસ દાખલ કર્યો હતો. ડાગરનો આરોપ હતો કે ઉપરોક્ત ગીત એમના પિતાજી નસીર ડાગર અને કાકા ઝહિરુદ્દીન ડાગર દ્વારા કમ્પોઝ કરવામાં આવેલી શિવ સ્તુતિની બેઠી કોપી છે. આથી એમણે આ ગીતના ઉપયોગ, પોતાને થયેલા નુકસાન અને મોરલ રાઈટ્સના ભંગ બદલ વળતરની માગણી કરી હતી.
કોર્ટે પોતાની ટિપ્પણીમાં નોંધ્યું છે કે ‘પોન્નીયીન સેલ્વમ’નું એ ગીત ફક્ત ડાગર બંધુઓની શિવ સ્તુતિની કોપી જ નથી, પરંતુ એ ધૂન બેઠી જ ઉપાડી લેવામાં આવી છે અને તેમાં કહેવા પૂરતા ચેન્જીસ કરવામાં આવ્યા છે. કોર્ટે પોતાના અંતરિમ આદેશમાં રહેમાન અને મદ્રાસ ટોકીઝને કોર્ટમાં બે કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે અને ફિલ્મની ક્રેડિટ્સમાં ડાગર બંધુઓને યોગ્ય ક્રેડિટ આપવાનું પણ જણાવ્યું છે.
આપણ વાંચો: કલા ઘણી, કદર ઓછી…
કટ એન્ડ ઓકે..
‘મેલબર્નના કોન્સર્ટમાં નેહા કક્કડ મોડી આવી હતી અને દર્શકોએ હોબાળો મચાવ્યો હતો તેનું સાચું કારણ એ હતું કે નેહા ‘ફક્ત 700 લોકો’ સમક્ષ પરફોર્મ કરવા નહોતી માગતી.’
કોન્સર્ટના આયોજક બિક્રમનો ‘ખુલાસો ’