ક્લેપ એન્ડ કટ: …તો આવા છે ‘હાઉસફૂલ ફાઈવ’ના બંને એન્ડ

-સિદ્ધાર્થ છાયા
આજે રિલીઝ થયેલી ફિલ્મ ‘હાઉસફૂલ- ફાઈવ’ બે એન્ડ ધરાવતી ફિલ્મ છે. નિર્માતા સાજીદ નડિયાદવાલાએ ફિલ્મને ‘હાઉસફૂલ- 5એ‘ અને ‘હાઉસફૂલ – 5બી’ એમ બે નામ આપ્યા છે. આમ છતાં જો આપણા મનમાં ક્ધફ્યૂઝન હોય કે આવી રીતે બે એન્ડવાળી ફિલ્મ કેમની જોવી તો આનો ઉકેલ પણ હવે આવી ગયો છે. ધારો કે કોઈ મલ્ટિપ્લેક્સમાં 6 સ્ક્રીન્સ છે તો 3-3 સ્ક્રીન્સ બંને એન્ડ માટે વહેંચી દેવામાં આવશે. જો કોઈ મલ્ટિપ્લેક્સમાં 5 કે 3 સ્ક્રિન છે તો ‘હાઉસફૂલ 5એ’ બહુમતી સ્ક્રિન્સ મેળવશે. આ ઉપરાંત જે સિંગલ સ્ક્રીન છે જે મોટેભાગે રોજના ત્રણ જ શો આયોજિત કરી શકે તેમ છે ત્યાં પણ ‘હાઉસફૂલ 5એ’ ને વધુ શોઝ મેળવશે.
બીજો પ્રશ્ન એ પણ છે કે અગાઉથી ચાલતી ફિલ્મોનું શું? ઉપરાંત ગઈકાલે કમલ હસનની ‘ઠગ લાઈફ’ પણ રિલીઝ થઇ છે.
બિન-હિન્દીભાષી રાજ્યોમાં એમની ભાષાની ફિલ્મો પણ હશે તો ત્યાં પણ જેટલા સ્ક્રીન્સ અથવા શોઝ અવેલેબલ હશે ત્યાં 2:1 ના રેશિયો પ્રમાણે આ બે એન્ડ્સ ધરાવતી ફિલ્મના શોઝની સંખ્યા વહેંચી દેવામાં આવશે.
મારું બેટું હજીય ક્ધફ્યૂઝન છે? વાંધો નહીં આપણને મનમાં આવે તે એન્ડવાળી ફિલ્મ જોઈ આવવાની પછી નક્કી કરજો કે બીજા એન્ડવાળી ફિલ્મ પાછળ પૈસા ખરચવા છે કે પછી… હાલશે, મારા ભઈ ?!
આમિર માટે ‘નેટફ્લિક્સ’ ઝમીન પર!
આપણે આ અગાઉ ‘કટ એન્ડ ક્લેપમાં’ જ જાણ્યું હતું કે આમિરની ‘સિતારે ઝમીન પર’ રિલીઝ થયાના 8 વીક પછી યુટ્યૂબ ઉપર રિલીઝ થઇ જશે. યુટ્યૂબ પર ‘પે-પર-વ્યૂના’ હિસાબે કોઇપણ વ્યક્તિ આ ફિલ્મ જોઈ શકશે. ટૂંકમાં આ ફિલ્મનું દર્શન મફતમાં તો નહીં જ હોય. જોકે, ‘નેટફ્લિકસ’ ઈચ્છે છે કે આમિર એની આ ફિલ્મ યુટ્યૂબ પર નહીં, પણ પોતાના પ્લેટફોર્મ પર રિલીઝ કરે.
એક કાનોકાન મળેલી ખબર અનુસાર શરૂઆતમાં ‘નેટફ્લિકસે’ આમિરને 50 થી 60 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ આમિરે જરાય મચક ન આપતાં હવે , ‘નેટફ્લિકસ’એ પોતાની ઓફર બમણી કરી દીધી છે! એટલે કે આમિરને દુનિયાના સહુથી મોટા ઓટીટી પ્લેટફોર્મે અધધધ 120 કરોડની ઓફર આપી છે!
આ પણ વાંચો….ક્લેપ એન્ડ કટ-હેં….શહેનશાહની જગ્યાએ ભાઈજાન બનાવશે કરોડપતિ?
આમિર હજી પણ મચક નથી આપી રહ્યો એટલે એ જોવું રસપ્રદ રહેશે કે પહેલી આંખ કોણ પટપટાવશે? કદાચ આમિરને એવું લાગે છે કે આઠ અઠવાડિયા પછી પણ પોતાની ફિલ્મ એટલી જ ફ્રેશ હશે એટલે મોટી સંખ્યામાં લોકો યુટ્યૂબ પર પેમેન્ટ કરીને પણ પોતાની ફિલ્મ જોશે તો કદાચ મને (આમિરને), ‘નેટફ્લિકસ’ જેટલા ઓફર કરે છે એનાથી પણ વધુ મળી શકે તેમ છે.
આ તો થઇ આમિરની વાત, પણ 120 કરોડનો પ્રશ્ન એ છે
કે, ‘નેટફ્લિકસ’એ હોલિવૂડ ફિલ્મની નબળી નકલ દેખાઈ રહેલી
આમિરની આ મૂવીમાં એવું તે શું જોઈ લીધું કે પોતાની તિજોરીનું ઢાંકણું ખોલી નાખ્યું છે?
પોડકાસ્ટ બન્યાં પૈસાની ખાણ
આજકાલ જમાનો પોડકાસ્ટનો છે. પોડકાસ્ટ એ એક રીતે તો ઓડિયો ઈન્ટરવ્યૂનું જ આધુનિક સ્વરૂપ છે તેમ છતાં તેમાં થોડોઘણો ફરક એ છે કે પોડકાસ્ટર્સ એટલે કે જે પોડકાસ્ટ હોસ્ટ કરે છે એ સારું એવું રિસર્ચ કરીને પોતાના મહેમાનો સાથે વાતચીત કરતા હોય છે. ઉપરાંત પોડકાસ્ટ ભલે યુટ્યૂબ પર આવે, પરંતુ તમે એને સાંભળી પણ શકો છો. આટલું ઓછું હોય તેમ હોશિયાર પોડકાસ્ટર પોતાના મહેમાન પાસેથી અજાણી (વાંચો આઘાતજનક !) માહિતી પણ જાહેરમાં બહાર કઢાવી શકે છે.
પોડકાસ્ટની આ બે ક્વોલિટીમાં હવે ત્રીજી ‘ક્વોલિટી’ પણ ઉમેરાઈ છે. મોટા મોટા પોડકાસ્ટર્સ પોતાના મહેમાન બનવા માટે મોટા મોટા સ્ટાર્સને સામેથી મોટી રકમ ચૂકવે છે. હાલમાં જ સૂરજ પંચોલીએ ઘટસ્ફોટ કર્યો છે કે બિગ સ્ટાર્સ એક પોડકાસ્ટમાં દેખાવા માટે 30 લાખ જેટલી તગડી રકમ પણ ‘ચાર્જ’ કરતા હોય છે! ( આ આંકડો માન્યમાં આવે તેવો નથી! )
ધારો કે સ્ટાર્સ તો ચાલો કદાચ આટલી તગડી રકમ માગે, પરંતુ જે પોડકાસ્ટ હોસ્ટ કરે છે એ વ્યક્તિ અથવા તો એને જેનું નાણાકીય પીઠબળ મળ્યું છે એ વ્યક્તિ કે કંપની શું વિચારીને આ અઢળક ચાર્જની ‘ચૂકવણી’ કરે? આનો અર્થ એ પણ થયો ને કે એમને પણ ક્યાંકથી સ્પોન્સરશિપના નામે ઢગલો પૈસા મળતા હશે? બાકી, યુટ્યૂબની જાહેરાતમાંથી પોડકાસ્ટર્સ કમાતા હોય એવું વિચારતા હોવ તો તો બોલો, ‘હરી હરી’ !
કટ એન્ડ ઓકે..
દિશા પટની જાણીતા હોલિવૂડ સ્ટાર કેવિન સ્પેશીના નિર્દેશનમાં બની રહેલી હોલિવૂડની ફિલ્મમાં ‘એક્ટિંગ’ કરવા માટે આજકાલ મેક્સિકોમાં જોવા મળી રહી છે!
હેં… સેકસી કવીન દિશા અને એકટિંગ?!
આ પણ વાંચો….સૌથી મોંઘી કોમેડી ફિલ્મ હાઉસફુલ 5 એ રિલિઝ થયા પહેલા છાપી લીધા આટલા કરોડ રૂપિયા