ક્લેપ એન્ડ કટ..! : સો રૂપિયામાં સિતારે ઘર પે ! | મુંબઈ સમાચાર

ક્લેપ એન્ડ કટ..! : સો રૂપિયામાં સિતારે ઘર પે !

  • સિદ્ધાર્થ છાયા

આમિર ખાને છેવટે પોતે આપેલું વચન નિભાવ્યું છે. આજથી એની યુટ્યુબ ચેનલ ‘આમિર ખાન ટોકીઝ’ પર ‘સિતારે ઝમીન પર…’ જોવા મળશે. જોકે, આ ફિલ્મ એમ સાવ મફતમાં તો જોવા નહીં મળે… આમિર ખાને આ અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે વધુ સ્પષ્ટતા કરી છે..

જોકે આમિરે એમ પણ જણાવ્યું કે એની આ ફિલ્મ એક ઓટીટી પ્લેટફોર્મ દોઢસો કરોડમાં ખરીદવા માટે તૈયાર હતું, પરંતુ એને તો ફક્ત સો રૂપિયામાં ફિલ્મને ઘેરઘેર પહોંચાડવી હતી. ‘સિતારે ઝમીન પર … ’ આમિર ખાન ટોકીઝ પર પે-પર-વ્યૂ આધારે જોવા મળશે. આ અનુસાર તમે યુટ્યુબ પર 100 રૂપિયા ચૂકવીને એ ફિલ્મ 30 દિવસ માટે ભાડે લઇ શકશો, પરંતુ, એક વખત તમે ફિલ્મ જોવાની શરૂ કરી તો અડતાલીસ કલાકમાં તેને જોઈ લેવાની રહેશે.

આમિરે આ જાહેરાત સાથે એ પણ ઉમેર્યું કે એના પ્રોડક્શન હાઉસ ઉપરાંત પપ્પા તાહિર હુસૈનની ફિલ્મો પણ હવે એની ચેનલ પર જોવા મળશે. ‘કારવાં’ અને ‘અનામિકા’ જેવી ફિલ્મો ફ્રીમાં લોકો જોઈ શકશે. આ ઉપરાંત આમિરનો ટીવી શો ‘સત્યમેવ જયતે’ પણ ફ્રીમાં જોઈ શકાશે.

આમિરનો આ પ્રયાસ અવનવો છે.એ જો સફળ નીવડશે તો વધુને વધુ હિન્દી ફિલ્મ પ્રોડ્યુસર્સ આમિરને જરૂર અનુસરવાના….

યાર , આ ‘વોર’ તો મોંઘું છે…

યુદ્ધ હંમેશાં મોંઘુ જ હોય છે. જાનમાલની હાનિ અને બેફામ નાણાનો વ્ય્ય. ખૂબ ખર્ચાય. આપણે અહીં બે દેશ વચ્ચેના વોરની નહીં, પરંતુ ‘યશરાજ’ની ફિલ્મ ‘ વોર-2‘ની વાત છે.

એક આંકડા અનુસાર ‘યશરાજ’ ની ‘વોર-ટુ’ 400 કરોડની ફિલ્મ બનીને બહાર આવી છે.

આ વર્ષે સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ આ ફિલ્મ રિલીઝ થવાની છે. આપણે ફિલ્મ બનાવવાનું બજેટ બાજુમાં મૂકી દઈએ તો પણ જે આંકડા સામે આવ્યા છે એ આશ્ચર્ય પમાડે તેવા છે.

માહિતી અનુસાર હિૃતિક રોશનને આ ફિલ્મ માટે 50 કરોડ મળ્યા છે, પરંતુ, ફિલ્મમાં વિલન બનેલા જુનિયર એનટીઆરને તો હ્રિતિક કરતાં પણ વધુ એટલે કે 70 કરોડનો ચેક આપવામાં આવ્યો છે. એ શક્ય છે કે હિૃતિકને નફામાં ભાગ પણ આપવાનો હશે.

‘વોર-ટુ’ની હીરોઈન કિયારા અડવાણી ઘરે 15 કરોડ લઇ ગઈ છે અને અનિલ ‘જકાસ’ કપૂરને 10 કરોડ મળ્યા છે. ઔર અભી તો રુકો… ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી પોતે 30 કરોડ લઈને સંતુષ્ટ થયા છે. બાકીના 220 કરોડ સમગ્ર પ્રોડક્શનમાં ખર્ચવામાં આવ્યા છે.

વિચારો, 400 કરોડની ફિલ્મને સુપર હીટ કે બ્લોક બસ્ટર થવા માટે કેટલા કરોડની કમાણી કરવી પડશે? અરે! માત્ર હીટ કહેવડાવા માટે કેટલા કરોડ કમાવા પડશે? એ જાણવું રસપ્રદ રહેશે કે આ ફિલ્મ તેની સ્ટોરીને લીધે ચાલશે કે પછી ‘યશરાજની ‘સૈયારા’ જેવી રણનીતિથી ફિલ્મને હીટ જશે?

‘ના રે ના, અમે તો ક્યારનું ય છોડી દીધું છે!’

ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે સેમી અથવા તો સોફ્ટ પોર્ન દેખાડતી કેટલીક એપ્સને પ્રતિબંધિત કરી. આ એપ્સમાં ALTT પણ સામેલ હતું. હવે આ નામ સાથે બે ખાસ નામો પણ જોડાયેલા હતા એટલે સોશ્યલ મીડિયામાં જોણું થયું.

એકતા કપૂર અને માતા શોભા કપૂર એક સમયે આ એપના કર્તાધર્તા હતાં.

આથી, જેવી આ એપ પર પ્રતિબંધ મુકાયો લોકો માતા-પુત્રીની આ જોડી પર તૂટી પડ્યા હતા. છેવટે બાલાજી તરફથી એકતા કપૂરે ખુલાસો કર્યો. એકતા કહે છે કે ‘હું અને મારી માતા 20 જૂન 2021થી જ આ એપથી છેડો ફાડી ચૂક્યાં છીએ..’ માતા-પુત્રીની જોડીને ટ્રોલ કરનારાઓએ એટલું પણ ધ્યાન ન રાખ્યું કે પહેલાં જે એપને ‘ઓલ્ટ બાલાજી’ તરીકે ઓળખવામાં આવતી હતી તેનું નામ હવે ALTT થઇ ગયું છે.

એકતાએ ભલે એમ કહી દીધું કે અમે હવે એ એપ સાથે જોડાયેલા નથી, પરંતુ એક સત્ય બીજું પણ છે. એકતા અને શોભા કપૂરના એપ સાથે સંબંધ તોડ્યા પહેલાંથી જ એમાં ‘એ ’ પ્રકારનું એડલ્સ ક્ધટેન્ટ આવતું જ હતું. એમનાં ગયા પછી એમાં કદાચ વધારો થયો છે એ હકીકત છે… ‘આમ કેમ?’ એ કોણ કહેશે.

કટ એન્ડ ઓકે…
‘એ પબ્લિસિટી સ્ટંટ ન હતો, મામલો ખરેખર કોર્ટમાં ગયો હતો.’….
‘હેરાફેરી’ ના છેલ્લો વિવાદ પત્યા બાદ
‘એ પબ્લિસિટી સ્ટંટ હતો’ ના આરોપ વિશે અક્ષય કુમારે આવી સ્પષ્ટતા કરવી પડી છે.

આપણ વાંચો:  તારાચંદ બડજાત્યાનાં પબ્લિસિટી ‘ગિમિક્સ’?

સંબંધિત લેખો

Back to top button