મેટિની

ક્લેપ એન્ડ કટ..!સિદ્ધાર્થ છાયા

પહેલાં પરીક્ષા પછી કેમેરા-સાઉન્ડ-એક્શન!

એક જમાનો હતો જ્યારે કલાકાર બનવા માટે ભણતર જરૂરી ન હતું. કેટલાક માટે આજે પણ નથી, પણ આજની પેઢી ફિલ્મોમાં કરિયર બનાવવા માટે ભણતરને જતું કરવા તૈયાર નથી. અલબત્ત, અપવાદ રૂપ આજની પેઢીમાં પણ ઓછું ભણેલા કેટલાં કલાકાર અત્યારે સુપરસ્ટાર ગણાય છે. આમ છતાં, જનરેશન જી આ માટે તૈયાર નથી. ‘સૈયારા’ થ’ આ જ યુવા પેઢીની દિલોની ધડકન બની ગયેલી અનીત પડ્ડા અત્યારે એની પરીક્ષાની તૈયારીમાં પડી છે.

આ માટે એણે ‘મેડોક હોરર કોમેડી યુનિવર્સ’ની પોતાની ફિલ્મ ‘શક્તિ શાલીની’ના શૂટ હમણાં ઈન્કાર કરી દીધો છે. ઘણાને એ જાણીને આશ્ચર્ય થશે કે અનીત હજી કોલેજમાં ભણે છે. તે અત્યારે બી.એ (ઓનર્સ) વિથ પોલિટીકલ સાયન્સની ફાઈનલ પરીક્ષા માટે તનતોડ અને તડામાર મહેનત કરી રહી છે.

અનીતની એક્ઝામ ડિસેમ્બર એન્ડથી શરૂ થવાની છે જે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં પૂર્ણ થશે એટલે ‘શક્તિ શાલીની’ માટે અનીતનું શૂટ જાન્યુઆરીનાં મધ્યમાં જ શરૂ થશે. અનીતના સામે નિર્માતા દિનેશ વિજન પણ નડતર ન થવા માટે તૈયાર થઇ ગયા છે. ઓલરેડી ‘થામા’ દરમિયાન આ ફિલ્મ અનીત કરી રહી છે એવી જાહેરાત ‘મેડોક’ ઓલરેડી કરી ચૂક્યું છે એટલે પારોઠના પગલાં ભરવા એમ પણ અશક્ય છે.

અહીં કિન્તુ-બટ-પરંતુ પ્રશ્ન એ છે કે અનીત જો જાન્યુઆરીથી શૂટ કરી શકે તેમ હતી તો ઓરિજીનલ ચોઈસ કિયારા અડવાણી પણ માર્ચથી ઉપલબ્ધ હતી તો બે મહિના રાહ જોઈ શકાતી હતી. ખેર, નિર્માતા દિનેશ વિજનને જે ગમ્યું તે ખરું.

બાપ કો ડાયરેક્ટ કરને સે પહેલે…

‘બેડ્સ ઓફ બોલિવૂડ’નાં અદભુત ડાયરેક્શન બાદ શાહરૂખ પુત્ર આર્યન છવાઈ ગયો છે. આ વેબસિરીઝ માટે આર્યનની મહેનત અને એની સ્કિલ તો વખાણવા લાયક જરૂર છે, પરંતુ જે રીતે એણે હોશિયારી દેખાડી છે એ કાબિલે દાદ છે.
હવે વાત એમ છે કે આર્યન ખાન એક ફૂલ ફ્લેજેડ મુવીને ડાયરેક્ટ કરવાનું નક્કી કરી ચૂક્યો છે. જોકે, આર્યનનો મુખ્ય ગોલ તો પિતા શાહરૂખને ડાયરેક્ટ કરવાનો છે.
જો કે એ બને તે પહેલાં આર્યનનું માનવું છે કે તે પબ્લિક સમક્ષ પોતાની જાતને એક ‘સારા ડાયરેક્ટર’ તરીકે સ્થાપિત કરી દે….

આર્યન ખરી દિશામાં વિચારી રહ્યો છે, કારણ કે વેબસિરીઝની રીચ ઓછી હોય છે પછી એ ‘નેટફ્લિક્સ’ હોય કે બીજી કોઈ… વેબસિરીઝ એક સ્તરના લોકો સુધી જ પહોંચી શકતી હોય છે એટલે એક આખેઆખી ફિલ્મ જો આર્યન બનાવે અને ભારતભરના દર્શકો સુધી પહોંચાડે તો એની નિર્દેશન કળાને લોકો પારખી શકે.

આ ઉપરાંત ‘ધી શાહરૂખ ખાનને ડાયરેક્ટ કરવો એમ સાવ ખાવાનાં ખેલ તો નથી જ એટલે પહેલાં ખરા અર્થમાં પૂરી ફિલ્મ બનાવવાની કળા એનું ગણિત ગ્રામર આર્યન શીખી લે પછી એ અનુભવ કામે લઈને ‘બાપ’ ને નિર્દેશન કરે તો એ યોગ્ય પણ ગણાશે. આર્યનની એ ‘પ્રેકટિસ ફિલ્મ’ કોણ પ્રોડ્યુસ કરશે અને એમાં કોણ કામ કરશે એ હજી સુધી નક્કી નથી થયું. પણ આર્યન જ્યારે પણ ફિલ્મ માટે શાહરૂખને ડાયરેક્ટ કરશે ત્યારે એ ઘટના પણ ખાસ નોંધનીય હશે.

દાદાસાહેબને હજી રાહ જોવી પડશે

ભારતીય સિનેમાના જનક એવા દાદાસાહેબ ફાળકેનાં જીવન પર બનનારી ફિલ્મ હવે નહીં બને. કારણ? કારણ છે આમિર ખાન અને રાજકુમાર હિરાણી વચ્ચેના મતભેદ. રાજકુમાર હિરાણી અને અભિજાત જોષી જયારે આમિર પાસે આ વર્ષની શરૂઆતમાં દાદાસાહેબ ફાળકેની બાયોપિક માટે સ્ક્રિપ્ટ લઈને ગયા ત્યારે આમિરે વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું હતું. પછી આમિરે એની ટેવ અનુસાર ત્રણ-ચાર મહિના ‘વિચાર’ કરવા માટે લીધાં. પછી એમણે આ જોડીને ફરીથી વાત કરવા બોલાવી.

રાજકુમાર અને અભિજાત જોષીના આઘાત વચ્ચે આમિરે એમ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે આ સ્ક્રિપ્ટમાં કોમેડી તો છે જ નહીં. થોડી ‘હિરાણી સ્ટાઈલની’ કોમેડી ઉમેરો પછી આપણે શરૂ કરીએ. હવે એક ગંભીર બાયોપિકમાં મારી મચડીને કોમેડી કેમ ઉમેરવી એ આ લેખક જોડીને સમજાયું નહીં. હકીકતમાં તો આ ફિલ્મ ગયા મહિને જ ફ્લોર પર જવાની હતી. કહે છે કે હવે હિરાણી અને જોષીએ હથિયાર હેઠાં મૂકી દીધાં છે.

આ બંનેએ આમિરને કહી દીધું છે કે આપણે આ ફિલ્મ નથી કરતાં. એ પછી આમિર પણ હવે પોતાના નવાં પ્રોજેક્ટમાં વ્યસ્ત થઇ ગયો છે અને હિરાણી અને જોષીએ પણ અન્ય કોઈ નવી સ્ક્રિપ્ટ ઉપર મનોમંથન શરૂ કરી દીધું છે. જોકે દાદાસાહેબની બાયોપિક એમ સાવ ભુલાઈ નહીં જાય. સાઉથના ‘બાહુબલી’ ડાયરેક્ટર રાજમૌલી ઓલરેડી આ ફિલ્મ બનાવવા પર કામ શરૂ કરી ચૂક્યા છે. તેમને ફક્ત દાદાસાહેબનો રોલ કોણ ભજવે એની પસંદગી કરવાની બાકી છે. એટલે ફિલ્મ તો બનશે… પછી એ દક્ષિણથી પહેલાં બને કે ઉત્તરથી એની થોડી રાહ જોવી પડશે.

કટ એન્ડ ઓકે…
44 વર્ષ પછી રજનીકાંત અને કમલ હસન એકસાથે સ્ક્રિન પર દેખાશે. સુંદર સી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નામ હશે ‘થાલાઈવાર 173’ અને તેને પ્રોડ્યુસ કરશે ખુદ કમલ હસન.

આપણ વાંચો:  ત્રણ બાળ ફિલ્મમાં વિશિષ્ટ સામ્ય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button