મેટિની

ક્લેપ એન્ડ કટ..! : એક…દો…તીન…ઘંટે લેટ!

  • સિદ્ધાર્થ છાયા

ખબર નહીં, પણ કેમ પરંતુ બોલિવૂડ સ્ટાર્સ પોતાની વિદેશી યાત્રાના શો દરમિયાન કેમ મોડાં પહોંચતા હશે? અગાઉ ઓસ્ટ્રેલિયામાં નેહા કક્કડ પોતાના કોન્સર્ટમાં અમુક કલાક મોડી પડી હતી. હૃતિક રોશનને તો ગયા વર્ષે એની આખી અમેરિકાની ટુરમાં મોડાં પડવાના ટોણાં અને ફરિયાદ સાંભળવા પડ્યા હતા.

હવે વારો ‘ધકધક ગર્લ’ માધુરી દીક્ષિતનો છે. હાલમાં કેનેડાના ટોરન્ટોમાં ‘ધ ગોલ્ડન દીવા ઓફ બોલિવૂડ’ નામે માધુરીનો શો હતો. આ શો ત્યાનાં સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થવાનો હતો, પરંતુ દર્શકોનાં દાવા અનુસાર માધુરીમાસી (હવે તો માસી કે’વાય બરાબરને?!) છેક સાડા દસે ત્યાં પહોંચ્યાં. આ શોની ટિકિટ લઈને ગયેલાં અસંખ્ય દર્શકોએ પોતાનો રોષ સોશ્યલ મીડિયામાં ઠાલવ્યો છે.

એક દર્શક લખે છે કે ‘માધુરી ત્રણ કલાક મોડી આવશે એ માધુરીએ પોતે નક્કી કર્યું હતું કે ઓર્ગેનાઈઝર્સે એ પહેલાં તો સ્પષ્ટ કરવું જોઈએ.’ આ દર્શકે દાવો કર્યો હતો કે પોતે માધુરીની રાહ જોઈ જોઇને થાકી ગયો હતો અને છેવટે રાત્રે સાડા અગિયારે શો છોડીને ઘરભેગો થઇ ગયો હતો, કારણ કે એને બીજે દિવસે સવારે જોબ પર જવાનું હતું.

બીજા એક દર્શકે માધુરીના મોડાં આવવાનું તો ક્ધફર્મ કર્યું જ છે પણ એણે એવો આરોપ પણ લગાવ્યો છે કે શોને અત્યંત ખરાબ રીતે ઓર્ગનાઈઝ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, માધુરી પણ પોતાના હીટ ગીતોની ફક્ત એકાદી લાઈન ઉપર નાચી લેતી હતી. ઓવરઓલ, ટોરન્ટોના પોતાનાં ફેન્સને ‘એક દો તીન’થી ધક ધક કરાવવાને બદલે માધુરી થોડું ઉપરછલ્લું પર્ફોંમ કરીને ‘નવ …દો…ગ્યારા’ થઇ ગઈ હતી!

ગોવિંદા ગેલા રે…?

કારણ શું છે એની તો ખબર નથી પડી રહી. પરંતુ, ગોવિંદાની પત્નીએ જ્યારથી પોતાનું પોડકાસ્ટ શરૂ કર્યું છે ત્યારથી મોટેભાગે એ પોતાના ‘પતિની’ પોલ જ ખોલી રહી છે. ગોવિંદા અને સુનીતા હવે ભેગાં નથી રહેતાં એ અફવા તો ઘણાં સમયથી ચાલી રહી છે, પરંતુ, ગણેશ ચતુર્થી સમયે આ બન્નેની પુત્રી ટીના ઉર્ફે નર્મદાએ ‘આ બધી અફવા છે’ એમ કહી દીધું હતું એ હજી ભૂલાયું નથી, પણ એમ આગ વગર ધુમાડા તો કેમ નીકળે? સુનીતાએ ગણેશ ઉત્સવ બાદ પણ સતત ગોવિંદા વિષે નકારાત્મક વાતો કરવાનું ચાલુ જ રાખ્યું છે.

એક નવી વાત અનુસાર, જે સુનીતાએ જ કહી છે કે ગોવિંદાનું ચક્કર એક ત્રીસ વર્ષીય મરાઠી અભિનેત્રી સાથે ચાલી રહ્યું છે. આટલું જ નહીં, ગોવિંદા પેલી માટે કરોડોનો ફ્લેટ પણ ખરીદવા નો છે એમ પણ તેણે ઉમેર્યું છે.

સુનીતા અહીં જ નથી રોકાઈ. તેણે કહ્યું કે ગોવિંદાની સ્કિન ખરાબ થઇ ગઈ છે, એ હજી પણ એના સુવર્ણકાળમાં જ જીવી રહ્યો છે. ગોવિંદા પોતાના ચમચાઓ પાછળ ખર્ચો કરવા તૈયાર છે, પરંતુ પોતાને માટે એક કાણી કોડી પણ ખર્ચતો નથી.

આટલું બધું જાહેરમાં આવ્યા પછી પણ ગોવિંદા હજી પણ શાંત છે. તેણે સુનીતાના એક પણ આરોપનો જાહેરમાં જવાબ નથી આપ્યો. ગોવિંદાનું આ અકળ મૌન સુનીતાને અકળાવે કે ન અકળાવે પણ એનાં ફેનને જરૂર અકળાવી રહ્યું છે.

હવે ‘યશ’નું ‘રાજ’ સ્થપાશે…

‘યશરાજ ફિલ્મ્સ’ એ ભારતના સરટોચ ફિલ્મ પ્રોડક્શન હાઉસીઝમાંથી એક છે. આ હાઉસે ભારતીય સિનેમાને અત્યંત યાદગાર ફિલ્મો આપી છે અને એ પણ પચાસ વર્ષથી વધુ સમય માટે. હવે જમાનો બદલાયો છે અને જમાના સાથે ‘યશરાજ ફિલ્મ્સે’ પણ પોતાની રણનીતિ બદલી છે. આ નિર્માણ હાઉસે ‘નેટફ્લિક્સ’ સાથે કરાર કર્યા છે અને તેની લગભગ તમામ ફિલ્મો આ પ્લેટફોર્મ ઉપર થોડા થોડા ‘ઈન્ટરવલ’ બાદ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

‘કિંગ ઓફ બોલિવૂડ’ ટાઈટલ હેઠળ ‘યશરાજ’ની શાહરુખ ખાનની ફિલ્મો જેમકે, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘મહોબ્બતેં’ વગેરે ઓલરેડી રિલીઝ થઇ ગઈ છે. 14 નવેમ્બરથી ‘યશરાજ ક્લાસિક’ ટાઈટલ હેઠળ આપણને ‘ચાંદની’, ‘વિજય’ અને ‘સિલસિલા’ જેવી ફિલ્મો જોવા મળશે. ‘ફેસ્ટિવલ’ ટાઈટલ આપણા માટે લઇ આવશે, ‘બંટી ઔર બબલી’, ‘હમ તુમ’ વગેરે ફિલ્મો પણ આવશે.

યાદ રહે, આ બધી ફિલ્મો તેની રિલીઝ બાદ એક અઠવાડિયા માટે જ જોવા મળશે.

આમ આ રીતે ‘યશરાજ’ અને ‘નેટફ્લિક્સ’ બંને નવી તેમ જ જૂની પેઢી બંને માટે પોતાની સોનાની ખાણ જેવી ફિલ્મો એકસાથે દર્શાવશે, જે ફિલ્મોનાં ચાહકો માટે એક સુપર ઉત્સવથી જરાય ઓછું નહીં હોય…

કટ એન્ડ ઓકે…
દીપિકા હોય એટલે લવ તો હોય જ! પોતાની આવનારી ફિલ્મ ‘કિંગ’માં મોટી ઉંમરના ડોનનો રોલ કરનારા શાહરુખ ખાને આ આગામી ફિલ્મમાં લવ એન્ગલ હોવાની હિન્ટ આપી દીધી છે.

આપણ વાંચો:  એ હતી સમર્પણ-સહનશીલતાની સુલતાના

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button