મેટિનીસ્પેશિયલ ફિચર્સ

ક્લેપ એન્ડ કટ..! : વિવાદ‘લાપતા’ નહીં- હાજરાહજૂર!

-સિદ્ધાર્થ છાયા

વિવાદ ‘લાપતા’ નહીં- હાજરાહજૂર!

ખબર નહીં પણ કેમ, આપણે ત્યાં કોઈપણ સારા સમાચારની આગળ કે પાછળ વિવાદ જોડાયેલા જ હોય છે. હવે, ફિલ્મ ‘લાપતા લેડીઝ’ની જ વાત કરીએ. હજી તો આખો દેશ આ સુંદર-સુઘડ ફિલ્મને ભારત સરકાર તરફથી ઓસ્કર્સની ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવાના સમાચારનો આનંદ માણી જ રહ્યો હતો ત્યાં વિવાદનું ભૂત ધૂણવા માંડ્યું !

આઘાત પમાડે એવી વાત તો એવી છે કે આ ફિલ્મને ઓસ્કર્સમાં મોકલનારી સંસ્થા એટલે કે ‘ધ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ને (FFI) લીધે જ આ વિવાદ ખડો થઇ ગયો છે. વાત જાણે કે એવી છે કે જ્યારે પણ કોઈ દેશ ઓસ્કર્સમાં પોતાની ઓફિશિયલ એન્ટ્રી મોકલે તો તેની સાથે એ ફિલ્મ વિષે એક ટૂંકી નોંધ’ પણ મોકલે છે, જેને Citation (પ્રશસ્તિ નોંધ) કહેવામાં આવે છે.

‘લાપતા…’ની એન્ટ્રી સાથે પોતાની નોંધ મોકલનારી FFI એ તેની પહેલી જ લીટીમાં લખ્યું છે કે ભારતની સ્ત્રીઓ એ આધિનતા અને પ્રભુત્વનું અજબ મિશ્રણ છે!’

પત્યું… ભારતીય સ્ત્રીઓ વિષે આ પ્રકારની ટિપ્પણીએ અનેક ફિલ્મ ચાહકો, ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો તેમજ સોશિયલ મીડિયામાં રોષ જગાડ્યો છે. મોટાભાગના વિરોધકર્તાઓ એમ કહે છે કે ભારતીય સ્ત્રીઓ માટે આ એક વાક્ય અપમાનજનક છે. હવે જ્યારે આ પ્રકારના વિરોધ થાય ત્યારે જવાબદાર એવી જે-તે વ્યક્તિ અથવા તો સંસ્થા તેનો ખુલાસો કરતી હોય છે. FFI તરફથી ખુલાસો થાય કે ન થાય, સોશિયલ મીડિયામાં તો તેની વિરુદ્ધ રોષની ધૂણી ધગવા જ લાગી છે. જોઈએ, લાગતાવળગતા હવે આ વિરોધને ‘લાપત્તા’ કરવા શું કરે છે?!

‘વાસુ’, આ શું…?

‘બડે મિયાં છોટે મિયાં’ ખૂબ ખરાબ રીતે પીટાઈ ગઈ. અરે, પેલી અમિતાભ અને ગોવિંદાવાળી નહીં, આ વર્ષે રજૂ થયેલી અક્ષય અને ટાઈગરવાળી. હવે તેના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરને પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ ફી તરીકે નક્કી કરેલા ૭.૫ કરોડ રૂપિયા નથી આપ્યા એવી વાત મીડિયામાં પ્રસરી ગઈ છે. અત્યાર સુધી ધરબાયેલી રહેલી આ વાત જેવી જાહેરમાં આવી કે વાસુ અને એમના પુત્ર જેકી ભગનાની પહોંચી ગયા પોલીસ સ્ટેશને અને અલી વિરુદ્ધ ફિલ્મ બનાવવાના બજેટનો દુરુપયોગ કરવાનો અને ફિલ્મને ઓવર બજેટ કરી નાખવાની ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરી દીધો.

જોકે, સમાચાર એવા છે કે પોલીસે હજી સુધી અલી વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધી નથી. એક રસપ્રદ માહિતી એવી પણ મળી છે કે મીડિયાને આ ફી ન ચૂકવવાની વાત ‘ડાયરેક્ટર્સ એસોસિયેશન’ માં અલી અબ્બાસ ઝફરે નોંધાવેલી લેખિત ફરિયાદમાંથી મળી છે. મજા તો ત્યારે આવી જ્યારે મીડિયાને એ જાણવા મળ્યું કે અલી આ વાત જાહેર ન થાય તેના પ્રયાસોમાં હતો, કારણકે જો એવું થાય તો ‘ભગનાનીઓ’ સાથે ચુકવણાની વાતચીત બંધ થઇ જાય અને એની ફીની વાત અદ્ધર લટકી જાય.

જો કે, વાસુજી પોતાના ડાયરેક્ટર્સને ફી નથી ચૂકવતા એવી આ પહેલી ઘટના નથી. ‘મિશન રાનીગંજ’ના ડાયરેક્ટર ટીનૂ દેસાઈને પણ એમનાં કામના ૨૭ લાખ ચૂકવવામાં નથી આવ્યા. ‘બડે મિયાં છોટે મિયાં’ના ક્રૂ મેમ્બર્સના બાકી ૬૫ લાખ વાસુને ત્યારે ચૂકવવા પડ્યા જ્યારે ‘સિને એમ્પ્લોઇ એસોશિયેશન’ વચ્ચે પડ્યું.

‘લાડુ’ ને લીધે પડ્યું આડું…

તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદને લઈને જાગેલા વિવાદમાં સાઉથના બે મોટા એક્ટર્સ આમને-સામને આવી ગયા છે. સાઉથના મોટો સ્ટાર કાર્થી થોડા દિવસ અગાઉ હૈદરાબાદમાં એક ફંક્શનમાં ગયો હતો, જ્યાં એને લાડુના એક ‘મિમ’ (ચિત્ર-રેખાંક્ન દ્વારા હળવી મજાક -રમૂજ) વિશે પૂછવામાં આવ્યું. જવાબમાં કાર્થીએ હસતાં હસતાં કહ્યું કે ‘આપણે લાડુ વિષે વાત ન કરવી જોઈએ, આજકાલ આ અત્યંત સંવેદનશીલ
મુદ્દો છે.’

પેલું મિમ કાર્થીની આવનારી એક ફિલ્મના ડાયલોગ પર આધારિત હતું, જેમાં લાડુનો ઉલ્લેખ હતો. કાર્થીની આ ટિપ્પણીથી આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી અને સુપરસ્ટાર પવન કલ્યાણ ગુસ્સે થયા. એણે કાર્થીને સ્પષ્ટ શબ્દોમાં ફટકાર્યું કે કોઈ કલાકારે લાડુ વિષે બની રહેલા જોક્સમાં ભાગ લઈને ધાર્મિક લાગણીઓ દુભાવવી ન જોઈએ… પ્રજા આવા લોકોને ક્યારેય માફ નહીં કરે !

‘કટ’ એન્ડ ઓકે…

દીપિકા પદુકોણે બાંદ્રા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં પતિ રણવીર સિંહના ફ્લેટને સાવ અડીને આવેલો પ્રીમિયમ ફ્લેટ ૧૭.૧૮ કરોડ રૂપિયામાં ખરીદીને પતિની પાડોશી પણ બની ગઈ, લો, બોલો!

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…